કુંભલગઢ : રાણા પ્રતાપના જન્મસ્થળનો પ્રવાસ

ઉદયપુરથી 80 કિલોમીટર ઉત્તરે આવેલો કુંભલગઢના કિલ્લાના કાંગરે કાંગરે ગૌરવગાથા છૂપાયેલી છે. કિલ્લાની બે ઓળખ વધારે જાણીતી છે, એક તેની 36 કિલોમીટર લાંબી દીવાલ અને બીજી ઓળખ રાણા પ્રતાપનું જન્મસ્થાન…

કિલ્લાનું મુખ્ય કામ યુદ્ધ અથવા તો સંકટ સમયે રાજ્યને રક્ષણ આપવાનું છે. હવે રાજાશાહી નથી એટલે કિલ્લાનો આ ઉપયોગ રહ્યો નથી. પરંતુ રાજાશાહી વખતે રાજ્યને રક્ષણ આપી શકે એવા કિલ્લા અનિવાર્ય હતા. મજબૂતી, વ્યુહરચના, દુશ્મનોને છેતરી શકે એવુ બાંધકામ, ગુપ્તતા, દુર્ગમતા.. વગેરે મુદ્દા ધ્યાનમાં લઈને દેશના સર્વોત્તમ કિલ્લાનું લિસ્ટ તૈયાર કરવામાં આવે તો એમાં અચૂક કુંભલગઢનો કિલ્લો પહેલા પાંચ કિલ્લામાં આવે.

એમાં એવુ શું છે?

મેવાડ રજવાડું હતું એ વખતે તેના પર સતત મોગલોના આક્રમણનો ભય રહેતો હતો. એટલે જ 15મી સદીમાં અરવલ્લીના ગાઢ જંગલો વચ્ચે, ડુંગરની ટોચે અને ખીણની ધારે આ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. કિલ્લો પંદરમી સદીનો છે એટલે લગભગ 500 વર્ષ પુરાણો છે. મહારાણા કુંભા (રાણા કુંભા)એ તેનું બાંધકામ કરાવ્યું હતું અને તેમના પ્રતાપી પુત્ર રાણા પ્રતાપનો જન્મ પણ અહીં જ થયો હતો. બહારથી દેખાવે જેટલો અડિખણ છે એટલો જ આકર્ષક અંદરથી છે. એટલે ઉદયપુર કે પછી નાથદ્વારા (શ્રીનાથજી) જતાં પ્રવાસીઓ મોટે ભાગે આ કિલ્લાને પોતાના લિસ્ટમાં સ્થાન આપે છે.

કિલ્લામાં એક પછી એક સાત પ્રવેશદ્વાર છે. આ સૌથી પહેલું પ્રવેશદ્વાર છે. તેનું રખોપું કરવા ગામની ડેલીએ પહેરો ભરતા હોય એમ હનુમાનજી અહીં પણ બિરાજમાન છે. સાત પ્રવેશદ્વાર દુશ્મનો વટાવી શકે તો અંદર પહોંચી શકે. એ કામ લગભગ અશક્ય છે અને માટે જ કિલ્લો અજેય ગણાય છે. દરવાજેથી પ્રવેશ મળ્યા પછી પણ ઢાળ ચડવો પડે…
પાર્કિંગનો પ્રશ્ન અહીં પણ છે. બહાર વાહનોના થપ્પા લાગે ત્યારે ઢાળ પર ચડવું-ઉતરવું મુશ્કેલ થાય. એટલે જ વાહનો લઈને જતાં હોય એમણે પોતાનું વાહન શક્ય એટલું દરવાજાથી દૂર અને ખુલ્લાં ભાગમાં રાખવું. બાકી આસપાસમાં બીજા વાહનો જમા થયા પછી બહાર નીકળવું મુશ્કેલ થઈ શકે છે.
કિલ્લામાં વિવિધ પ્રકારના 300 જેટલા મંદિર છે. કેટલાક મંદિર અવશેષ સ્વરૃપે છે, તો કેટલાકમાં પૂજા-પાઠ ચાલતો રહે છે. ખંડેર જેવા મંદિરની અંદર જતી વખતે ધ્યાન રાખવું કેમ કે ત્યાં ઈશ્વર મળે એ પહેલા મધમાખીનું ઝૂંડ મળી શકે છે. પ્રાંગણમાં આવેલા મંદિરથી કિલ્લો અને કિલ્લા પરથી એ મંદિર દેખાય છે.
દેખાય છે, એવા ઝરૃખા પર જ રાણા પ્રતાપનું જન્મસ્થળ છે. રાજસ્થાન ટુરિઝમ અને કિલ્લાના સંચાલકોએ માત્ર બોર્ડ મારી દીધું છે, જેનાથી એ સ્પષ્ટ થતું નથી કે રાણા પ્રતાપનું જન્મસ્થળ એક્ઝેટ ક્યાં છે. જ્યાં બોર્ડ માર્યું છે, ત્યાં ઓરડાને તાળું છે.
દુશ્મનોને ઘૂમરે ચડાવે એવી અનેક સીડી, પગથિયાં, ઊંચા મીનારા અને સામાન્ય માણસની ઊંચાઈ જેવડા કદાવર કાંગરા.
નીચેના ભાગમાં દેખાતું 3 માળનું વેદી જૈન મંદિર છે. ઉપરની તસવીરમાં દેખાતા ત્રણેય શીખર એ મંદિરની પાછળ આવેલા છે. મંદિર ખાલી છે, પરંતુ તેની બારીક કોતરણી ભારે આકર્ષક છે.
કિલ્લામાં પ્રવેશ માટે 15 રૃપિયાની ટિકિટ લેવી પડે છે. એ પછી અંદર આવા વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા માટે બે-ત્રણ કલાકનો સમય ફાળવવો જોઈએ. આમ તો આખો વિસ્તાર ફરવામાં દિવસ નીકળી જાય. એવુ આયોજન હોય તો ખાવા-પીવાની સામગ્રી સાથે રાખવી.
મજબૂત દીવાલ એ કિલ્લાનું સૌથી મહત્ત્વનુ પાસું છે. કુલ વિસ્તાર 12 ચોરસ કિલોમીટર છે, જેની અંદર કિલ્લો, અમુક રહેણાંક મકાન, મંદિર, યુદ્ધ સમયે જરૃરી અન્ય બાંધકામ, શસ્ત્રાગર… મેઈન આકર્ષણ જોકે 36 કિલોમીટર લાંબી ફરતે બંધાયેલી દીવાલ છે.
સમયના રંગે રંગાયેલા કાંગરા. આ બાંધકામ અંદર અને કિલ્લાના સૌથી ઊંચા વિસ્તારનું છે. એ અગાસી પરથી દૂર સુધી ફેલાયેલી ડુંગરની હારમાળા અને દીવાલ જોઈ શકાય છે.
મહારાણા પ્રતાપના જન્મસ્થળ પાસે આવેલા એક બાંધકામમાં આ ગોળાકાર કૂંડ શું સ્નાન વિસ્તાર હશે?
કિલ્લામાં રહેતા સિંહ જેવા રાજવીઓને શોભે એવુ ફર્નિચર. દરવાજો બંધ કરવાની કડીમાં પણ સુશોભન.
કિલ્લો આવા કદાવર, કાળમીંઢ અને દુશ્મનો માટે કાળમુખા સાબિત થાય એવા પથ્થરથી અને પથ્થર ઉપર બનેલો છે. એ ખરા અર્થમાં દુર્ગમ છે.
કિલ્લો કુદરતી રીતે ડુંગરમાળા વચ્ચે છૂપાયેલો છે. આસપાસ બાર-તેર કિલ્લાથી ઊંચા શીખર છે. માટે કોઈને એ કિલ્લો દૂરથી તો દેખાય જ નહીં. નજીક આવ્યા પછી તેની હાજરી ખબર પડે. કિલ્લાનો કલર પણ પહાડ સાથે હળી-ભળી જાય એવો છે.
કિલ્લાની ટોચ પર પહોંચ્યા પછી દેખાતો નજારો. નાનકડા દેખાતા કાંગરા નજીક પહોંચ્યા પછી તેના અસલ સ્વરૃપમાં પ્રગટ થાય.
યુદ્ધ જેવી સ્થિતિમાં ખાવા-પીવાની સામગ્રી ન ખૂટે તેની પૂરતી વ્યવસ્થા કિલ્લામાં કરવામાં આવી હતી. ઉપરથી જોતા એવા ઘણા બાંધકામ જોઈ શકાય છે.
આકાર-પ્રકાર, વિવિધ પ્રકારના બાંધકામ. પહેલી બારીમાંથી ડોકું કાઢતા નીચે પાણીનો કદાવર કૂંડ જોવા મળે છે, બીજી બારીમાંથી કિલ્લો..
અડિખમ પથ્થર, ટકી રહેલુ આ બાંધકામ જ મજબૂતીનો જીવતો જાગતો પૂરાવો છે.
જો ધ્યાનથી જોવામાં આવે તો પથ્થરમાં ઠેર ઠેર કળા પથરાયેલી છે.
મજબૂતી કે ભવ્યતા.. એ બે પૈકી અહીં મજબૂતી પસંદ કરાઈ છે. એટલે અંદરનું બાંધકમ અતી ભવ્ય નથી, પરંતુ આકર્ષક જરૃર છે.
હાથી-ઘોડાની હાજરી વગર કિલ્લાનું રક્ષણ કઈ રીતે કરવું? ઘોડાહરમાં ત્યારે અનેક ઘોડા બંધાતા હશે.
ઊંચાઈ પર છે એટલે આક્રમણકારો માટે ચઢાણ મુશ્કેલ બને પણ ઉપર રહેલા સૈનિકો માટે નિશાન તાકવું સહેલું બને.
36 કિલોમીટર લાંબી દીવાલની પહોળાઈ ક્યાંક ક્યાંક 15 ફીટ સુધીની છે. એક સાથે દસ વ્યક્તિ કે પછી પાંચ સાત ઘોડેસવાર સૈનિકો આસાનીથી પસાર થઈ શકે. એ દુનિયાની બીજી સૌથી લાંબી દીવાલ છે.
કિલ્લો કુદરતી રીતે ડુંગરમાળા વચ્ચે છૂપાયેલો છે. આસપાસ બાર-તેર કિલ્લાથી ઊંચા શીખર છે. માટે કોઈને એ કિલ્લો દૂરથી તો દેખાય જ નહીં. નજીક આવ્યા પછી તેની હાજરી ખબર પડે. કિલ્લાનો કલર પણ પહાડ સાથે હળી-ભળી જાય એવો છે.
બે કિલોમીટર જેટલું ચાલવુ પડે અને એ દરમિયાન સાતેક દરવાજામાંથી પસાર થવું પડે ત્યારે ઉપર સુધી પહોંચી શકાય.

કુંભલગઢ જતાં પહેલા જાણવા જેવું

  • ઉદયપુરની સફર વખતે એક દિવસનો સમય હોય તો કુંભલગઢ આસાનીથી ફરી શકાય.
  • નજીકમાં કુંભલગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરી છે. ત્યાં જવુ હોય તો અડધો દિવસ જોઈએ. કિલ્લાના દરવાજે જ ઘણા સફારી આયોજકો ઉભા હોય છે. અઢી-ત્રણ હજારમાં જંગલમાં ફરવાનો વિકલ્પ આપે છે. અહીં દીપડા, રીંછ સહિતના વિવિધ સજીવો રહે છે. એક સમયે તો ગીરના સિંહોના વૈકલ્પિક આવાસ તરીકે આ જંગલનું નામ પણ સરકારે વિચારણા હેઠળ લીધું હતું.
  • કિલ્લમાં પ્રવેશવાની મામુલી ટિકિટ છે. સવારના 9થી સાંજના 6 સુધી પ્રવેશ અપા છે. અંદર ખાવા-પીવા માટે થોડી રેસ્ટોરાં છે. સાંજ પડ્યે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે.
  • કિલ્લા આસપાસ જ રાત રહેવી હોય તો અનેક રિસોર્ટ અને હોટેલ બની ચૂકી છે.
  • કિલ્લો 11 મીટર ઊંચો છે. ઉપરાંત ફરતી વખતે ઘણુ ચાલવુ પડે અને ચઢાણ પણ કરવું પડશે. એ માટે માનસિક તૈયારી રાખવી. બે-ચાર કિલોમીટર ચાલી ન શકતા હોય એ કિલ્લાની મજા નહીં લઈ શકે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *