ઉદયપુરથી 80 કિલોમીટર ઉત્તરે આવેલો કુંભલગઢના કિલ્લાના કાંગરે કાંગરે ગૌરવગાથા છૂપાયેલી છે. કિલ્લાની બે ઓળખ વધારે જાણીતી છે, એક તેની 36 કિલોમીટર લાંબી દીવાલ અને બીજી ઓળખ રાણા પ્રતાપનું જન્મસ્થાન…
કિલ્લાનું મુખ્ય કામ યુદ્ધ અથવા તો સંકટ સમયે રાજ્યને રક્ષણ આપવાનું છે. હવે રાજાશાહી નથી એટલે કિલ્લાનો આ ઉપયોગ રહ્યો નથી. પરંતુ રાજાશાહી વખતે રાજ્યને રક્ષણ આપી શકે એવા કિલ્લા અનિવાર્ય હતા. મજબૂતી, વ્યુહરચના, દુશ્મનોને છેતરી શકે એવુ બાંધકામ, ગુપ્તતા, દુર્ગમતા.. વગેરે મુદ્દા ધ્યાનમાં લઈને દેશના સર્વોત્તમ કિલ્લાનું લિસ્ટ તૈયાર કરવામાં આવે તો એમાં અચૂક કુંભલગઢનો કિલ્લો પહેલા પાંચ કિલ્લામાં આવે.
એમાં એવુ શું છે?
મેવાડ રજવાડું હતું એ વખતે તેના પર સતત મોગલોના આક્રમણનો ભય રહેતો હતો. એટલે જ 15મી સદીમાં અરવલ્લીના ગાઢ જંગલો વચ્ચે, ડુંગરની ટોચે અને ખીણની ધારે આ કિલ્લો તૈયાર કરવામાં આવ્યો હતો. કિલ્લો પંદરમી સદીનો છે એટલે લગભગ 500 વર્ષ પુરાણો છે. મહારાણા કુંભા (રાણા કુંભા)એ તેનું બાંધકામ કરાવ્યું હતું અને તેમના પ્રતાપી પુત્ર રાણા પ્રતાપનો જન્મ પણ અહીં જ થયો હતો. બહારથી દેખાવે જેટલો અડિખણ છે એટલો જ આકર્ષક અંદરથી છે. એટલે ઉદયપુર કે પછી નાથદ્વારા (શ્રીનાથજી) જતાં પ્રવાસીઓ મોટે ભાગે આ કિલ્લાને પોતાના લિસ્ટમાં સ્થાન આપે છે.
કુંભલગઢ જતાં પહેલા જાણવા જેવું
ઉદયપુરની સફર વખતે એક દિવસનો સમય હોય તો કુંભલગઢ આસાનીથી ફરી શકાય.
નજીકમાં કુંભલગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરી છે. ત્યાં જવુ હોય તો અડધો દિવસ જોઈએ. કિલ્લાના દરવાજે જ ઘણા સફારી આયોજકો ઉભા હોય છે. અઢી-ત્રણ હજારમાં જંગલમાં ફરવાનો વિકલ્પ આપે છે. અહીં દીપડા, રીંછ સહિતના વિવિધ સજીવો રહે છે. એક સમયે તો ગીરના સિંહોના વૈકલ્પિક આવાસ તરીકે આ જંગલનું નામ પણ સરકારે વિચારણા હેઠળ લીધું હતું.
કિલ્લમાં પ્રવેશવાની મામુલી ટિકિટ છે. સવારના 9થી સાંજના 6 સુધી પ્રવેશ અપા છે. અંદર ખાવા-પીવા માટે થોડી રેસ્ટોરાં છે. સાંજ પડ્યે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે.
કિલ્લા આસપાસ જ રાત રહેવી હોય તો અનેક રિસોર્ટ અને હોટેલ બની ચૂકી છે.
કિલ્લો 11 મીટર ઊંચો છે. ઉપરાંત ફરતી વખતે ઘણુ ચાલવુ પડે અને ચઢાણ પણ કરવું પડશે. એ માટે માનસિક તૈયારી રાખવી. બે-ચાર કિલોમીટર ચાલી ન શકતા હોય એ કિલ્લાની મજા નહીં લઈ શકે.