મલેશિયાના પાટનગર કુઆલા લુમ્પુરની મુલાકાતે વર્ષે સરેરાશ 90 લાખ પ્રવાસી આવે છે. જગતના સૌથી વધુ પ્રવાસી આકર્ષતા ટોપ-10 મહાનગરોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં જોવા જેવાં સ્થળો ક્યા ક્યા છે?
ભારતમાં જ્યારે 1857માં આઝાદીનો મહાસંગ્રામ ચાલી રહ્યો હતો એ વખતે જ મલેશિયામાં નવા નગરના નિર્માણનો પાયો નખાયો. અલબત્ત, ત્યારે તો ત્યાં નગર બાંધવાનું કોઈ આયોજન ન હતું. પાયો માત્ર ટીનની ખાણમાં કામ કરતા મજૂરો માટે કામચલાઉ વસાહત માટેનો હતો. મલયદેશના રાજા અબ્દુલ્લાહે ચીનથી આવેલા કામદારોને એ કેમ્પમાં રહેવા મોકલી દીધા હતા. જ્યાં આ રાવટીઓ તણાઈ હતી એ એ સ્થળે બે નદી ‘ક્લાંગ’ અને ‘ગોમ્બક’ એકબીજામાં ભળતી હતી, તેનો કાદવ અહીં જમા થયો હતો. એ કાદવના સંગમ માટે મલય ભાષામાં વપરાતો શબ્દ કુઆલા લુમ્પુર હતો. એટલે આ સ્થળ પણ કુઆલા લુમ્પુર તરીકે જ ઓળખાવા લાગ્યું.
કાદવનું સામ્રાજ્ય ધરાવતા સ્થળની આસપાસ જંગલ-ઝાડી-ઝાંખરાનો જમાવડો હતો. ખાસ તો મચ્છરનો ઉપદ્રવ હતો. તેનું તુરંત પરિણામ એ આવ્યું કે 87 પૈકી 17 ચાઈનિઝ કામદારો મૃત્યુ પામ્યા. એટલે ત્યાં રહેવા તો બીજું કોણ આવે! કેટલાક વર્ષો સુધી ત્યાં ચાઈનિઝ કામદારોની જ વસાહતો રહી. એશિયાના ઘણા દેશોની માફક મલેશિયામાં પણ બ્રિટિશરોનું શાસન હતું. ધીમે ધીમે બ્રિટિશરોએ આ વિસ્તારનો જરૃર પ્રમાણે વિકાસ વિસ્તાર કર્યો. એ વખતે આ કાદવના સંગમ સ્થળને પણ વિકાસનો થોડો-ઘણો લાભ મળ્યો. પરંતુ કુઆલા લુમ્પુરનો ખરો વિકાસ તો છેલ્લા ચાર-સાડા ચાર દાયકામાં થયો છે.
મલેશિયા 1963માં બ્રિટિશરો પાસેથી આઝાદ થયું. એક પછી એક પ્રાંતનું પુનઃનિર્મઆણ શરૃ થયું. એમાં કુઆલા લુમ્પુરનો વારો 1972માં આવ્યો જ્યારે સમગ્ર વિસ્તારને મ્યુનિસિપાલિટી જાહેર કરવામાં આવ્યો. એક તરફ ડૂંગર, થોડે દૂર સમુદ્રકાંઠો, નદીઓ.. વગેરેનો સંગમ ધરાવતુ કુઆલા લુમ્પુર આજે જગતના શૌથી ઝડપથી વિકસતા શહેરમાં સ્થાન પામે છે.
કુઆલા લુમ્પુર મલેશિયાનું પાટનગર તો છે જ, સાથે સૌથી મોટું નગર છે, એશિયાના અગ્રણી શહેરોમાં સ્થાન પામે છે, તો વળી વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા શહેરના લિસ્ટમાં પણ તેનું નામ ટોપ-10માં મુકાય છે. 1996માં મલેશિયન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે શહેરના છેવાડે નવા પાટનગરના બાંધકામને મંજૂરી આપી ત્યારથી જંગી રોકાણ સાથે નવાં નવાં સ્થાપત્યો ઉભા થવા શરૃ થયા. એ સાથે જ શહેરનો વિકાસ આભને આંબવા લાગ્યો.
ભારતનો મલેશિયા સાથેનો સબંધ સદીઓ જુનો છે, જાણીતો પણ છે. એટલે મલેશિયા ભારતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવન-જાવન કરતાં રહે છે. હવે કુઆલા લુમ્પુર જવાનું થાય તો શું શું જોવા જેવું છે એ લિસ્ટ પર નજર નાંખીએ..
1. પેટ્રોનાસ ટાવર – આભને આંબતા મિનારા
મલેશિયાની જગતને નવી ઓળખ 1998માં મળી જ્યારે ત્યાં જગતનું સૌથી ઊંચુ બિલ્ડિંગ પેટ્રોનાસ ટાવર ઉભું થયું. પેટ્રોનાસ ટાવર એ પાસપાસે ઉભેલા 88 માળના, 1483 ફીટ ઊંચા બે જોડિયા મકાન છે. એ પહેલા જગતના સૌથી ઊંચા મકાનનો ખિતાબ અમેરિકાના શિકાગોમાં આવેલા 1450 ફીટ ઊંચા સિઅર્સ ટાવર (બીજું નામ- ધ વિલિસ ટાવર)ના નામે હતો. 1998માં જગતના સૌથી ઊંચા ટાવર તરીકેનો વિક્રમ પેટ્રોનાસ ટાવરના નામે સ્થપાયો એ સાથે કુઆલા લુમ્પુરનું નામ પણ દુનિયાભરમાં ઊંચકાયુ. 2004માં તાઈવાનના પાટગરમાં 1474 ફીટ ઊંચુ ‘તાઈપેઈ-101’ નામનું મકાન બન્યું ત્યાં સુધી આ વિક્રમ જળવાઈ રહ્યો. આજે ભલે પેટ્રોનાસ ટાવર જગતના સૌથી ઊંચા બિલ્ડિંગ તરીકેનો વિક્રમ નથી ધરાવતા, પરંતુ જગતના સૌથી ઊંચા ટ્વિન ટાવર તરીકેનો વિક્રમ તો તેમના નામે જ છે.
કુઆલા લુમ્પુરના કોઈ પણ છેડેથી દેખાતા આ મકાનો અહીં આવનારા પ્રવાસીઓ માટે સૌથી પહેલું આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. પેટ્રોનાસ એ માત્ર કુઆલા લુમ્પુર નહીં સમગ્ર મલેશિયાનું ટોપ એટ્રેક્શન છે. ટાવરનો આકાર ઈસ્લામિક સ્થાપત્યમાં મહત્ત્વ ધરાવતા મિનારા જેવો છે, જ્યારે બાંધકામ દિલ્હીના કુતુબ મિનારથી પ્રેરિત છે. ઈન્ટિરિયરમાં મલેશિયાની પરંપરાગત હસ્તકળા ‘સોંગકેટ’ની ઝલક દર્શાવતી ડિઝાઈન કરાઈ છે.
આ બન્ને ટાવર રહેણાંક પ્લસ ઓફિસ પ્લસ શોપિંગ પ્લસ મનોરંજન.. એમ વિવિધ વિભાગોનું મિશ્રણ છે. સાત વર્ષના રેકોર્ડ સમયમાં 1.6 અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલા ટાવરનું કુલ વજન 6 લાખ ટન છે. તોતિંગ બાંધકામ ટકી રહે એટલા માટે મૂળિયા જમીનમાં 400 ફીટ સુધી ઊંડે ઉતારાયા છે. ભોંયતળિયાની નીચે પાંચ માળ પાર્કિંગ માટે બનાવાયા છે, જ્યાં સાડા ચાર હજાર કાર સમાઈ શકે છે.
ટાવરને જગતભરના ગગનચૂંબી મકાનોથી અલગ પાડતી રચના બન્નેને જોડતો સ્કાય બ્રિજ છે. સ્કાય એટલા માટે કે બે પુલ બે ટાવર વચ્ચે 41-42માં માળે આવેલો છે. લંબાઈ 192 ફીટ છે, જ્યારે જમીનથી તેની ઊંચાઈ 558 ફીટ છે એટલે તેના નામે જગતના સૌથી ઊંચા પુલનો વિક્રમ પણ રહ્યો છે. એન્જિનિયરિંગની કમાલ એ છે કે પુલ ટાવરને જોડતો હોવા છતાં ટાવર અને પૂલના છેડા વચ્ચે થોડો ગેપ રાખવામાં આવ્યો છે. એટલે તેજ પવન ફૂંકાય કે ભુકંપ આવે ટાવર વચ્ચે પુલ ભીંસાય જાય એવુ બનવાની શક્યતા ઘટી જાય છે.
36 હજાર ચોરસ મિટરથી વધારે ફ્લોર સ્પેસ ધરવાતા દરેક ટાવરમાં ઉતાર-ચડાવ માટે 58 ડબલ ડેકર અને 18 સિંગલ લિફ્ટ (એસ્કેલેટર) છે. આરોહણ કરવું હોય તો 2170 પગથિયાં છે. સૌથી ઝડપી લિફ્ટ મિનિટમાં 675 મિટરનું અંતર કાપી નાખે છે. એ લિફ્ટમાં સફર કરીને પ્રવાસીઓ 86માં માળે પહોંચી શકે છે, જ્યાં ઓબ્ઝર્વેશન ડેક છે. ત્યાંથી નગરનો આકાશી નજારો જોવા મળે છે.
આ ટાવર સોમવાર સિવાય રોજ સવારના 9થી 1 અને 2.30થી રાતના 9 સુધી ખુલ્લાં રહે છે. 80 મલેશિયન રિંગિટ (એક રિંગિટ બરાબર અંદાજે 18 રૃપિયા)ની ટિકિટ લઈને પ્રવેશ મેળવી શકાય છે. એડવાન્સ ટિકિટ ટાવરની સત્તાવાર સાઈટ https://www.petronastwintowers.com.my/ પરથી મળી શકે છે.
કુલાઆ લુમ્પુરના આકાશને ચીરતો બીજો એક ટાવર પર પ્રવાસીઓની નજરે પડ્યા વગર રહેતો નથી. કે.એલ.ટાવર નામનો એ મિનારો હકીકતે ટીવી ટાવર છે અને તેની ઊંચાઈ 421 મિટર છે. પણ તેનું વિશેષ આકર્ષણ 276 મિટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી છે. એ ગેલેરી પેટ્રોનાસની ગેલેરી કરતાં પણ ઊંચી છે. સમગ્ર મલેશિયાનો એ સૌથી ઊંચો વ્યુઇંગ પોઈન્ટ છે. સવારના 9થી રાતના 10 સુધી એ ટાવરની મુલાકાત લઈ શકાય છે.
2. ચાઈનાટાઉન – ધમધમતો શોપિંગ એરિયા
ચાઈનાટાઉન એટલે એક પ્રકારનું ગુજરી બજાર, જ્યાં ગણી ગણાય નહીં, વીણી વણાય નહીં એટલી, એવી ચીજો મળતી હોય છે. દુનિયાના ઘણા શહેરોમાં ચાઈનાટાઉન નામે ઓળખાતા વિસ્તારો આવેલા છે. કુઆલા લુમ્પુરના વિસ્તારનું મૂળ નામ તો પેટલિંગ સ્ટ્રીટ છે, પણ ચાઈનાટાઉન નામે જ વિસ્તાર વિખ્યાત છે.
અહીં શોપિંગની અઢળક દુકાનો, રેસ્ટોરાં, રાતભર ખુલ્લી રહેતા કોર્નર્સ વગેરે સગવડ હોવાથી આ વિસ્તાર ચોવિસેય કલાક ધમધમતો રહે છે. ચાઈનાટાઉનમાં ખરીદી કરતી વખતે ભાવ-તાલ થઈ શકે છે એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે.
3. બાટુ કેવ્સ – ડુંગર પરનું હિન્દુ ધર્મસ્થાન
કુઆલા લુમ્પુરથી અગિયારેક કિલોમીર દૂર આવેલી આ ગુફાનગરી બહાર ભગવાન મુરુગન એટલે કે શિવ-પાર્વતીના પુત્ર કાર્તિકેયની સૂવર્ણ જેવી ચમકતી કદાવર મૂર્તિ માટે પ્રખ્યાત છે. મલેશિયામાં રહેતા હિન્દુઓ અને મલેશિયાના પ્રવાસે જતા હિન્દુઓ આ સ્થળની મુલાકાત લેવાનું ચૂકતા નથી. 140 ફીટ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ જગતમાં ભગવાન મુરુગનની સૌથી ઊંચી મૂર્તિ છે.
અગ્નિ એશિયાના અનેક દેશો લાઈમ સ્ટોન (ચૂના પથ્થર)ની ગુફાઓ માટે જાણીતા છે. બહાર મૂર્તિ જોઈ લીધા પછી 272 પગથિયાં ચડીને ગુફાનગરીમાં પ્રવેશ મેળવી શકાય છે. 1878માં અમેરિકાના પ્રકૃતિવિદ્ વિલિયમ હોર્ન્ડી આ વિસ્તારમાં ઘૂમી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાને આ ગુફાની હારમાળા આવી હતી. 40 કરોડ વર્ષ જૂની ગુફાનું બાંધકામ કુદરતે કર્યું છે. એમાં વળી મનુષ્યે પણ મંદિર, મ્યુઝિઅમ વગેરે બનાવ્યું છે. એટલે ગુફાની અંદર પ્રવેશ્યા પછી કોઈ વિશાળ કદના ઈન્ડોર સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હોય એવુ લાગે.
ગુફાનું કદ એવડું મોટું છે કે ક્યાંક ક્યાંક છત 100 મીટરથી પણ વધારે ઊંચી છે. જોકે ગુફાના કદનો ખ્યાલ તેમાં બનાવેલા મંદિર સહિતના અન્ય બાંધકામો જોઈને જ આવી જાય.
મનુષ્યોએ કરેલા વિશાળ બાંધકામો તો દુનિયામાં અનેક છે, પરંતુ કુદરતના વિશાળ સમિયાણા જેવાં આવા બાંધકામો આસાનીથી જોવા મળતાં નથી. ગુફાની આસપાસ જંગલ છે, જેમાં વિકસેલી કુદરતી સૃષ્ટિ, પશુ-પક્ષી, પતંગિયા, ગુફામાં રહેતા સજીવો વગેરે પણ માણવાની તક અહીં મળે છે. સાહસ શોખીનો માટે રોક ક્લાઇમ્બિંગ સહિતની સગવડો પણ છે. ગુફાની પાસે જ બાટુ ગામ હોવાથી તેના નામે એ બાટુ કેવ્સ તરીકે ઓળખાય છે. સવારના 6થી રાતના 9 સુધી તેની મુલાકાત લઈ શકાય છે.
4. સુલ્તાન અહમદ સામદ બિલ્ડિંગ
નામ પરથી એવું લાગે કે રાજાનો મહેલ હશે. સાવ એવુ નથી. બ્રિટિશકાળમાં 1897માં ખુલ્લું મુકાયેલું રજવાડી મકાન મૂળ તો અંગ્રેજોએ બનાવેલું કાર્યલય હતું. અલબત્ત, સામાન્ય સરકારી ઓફિસ જેવું નહીં, એક સાથે અનેક ઓફિસો સમાવી શકાય એવું કદાવર અને બાંધકામ કોઈ બેઠા ઘાટનો મહેલ હોય એવું. બાંધકામની શૈલી જરા અલગ લાગે કેમ કે એ આફ્રિકામાં વિકસેલી સ્થાપત્ય શૈલી મૂરિશ આર્કિટેક્ચરનો નમુનો છે (લખનૌનું બડા ઈમામબાડા નામનું મકાન ભારતમાં મૂરિશનું જાણીતું ઉદાહરણ છે).
મહેલ જેવું દેખાતુ મકાન 1 એકરથી વધારે વિસ્તારમાં ફેલાયેલું છે અને ઓફિસ એરિયા 45 હજાર ચોરસ ફીટથી વધારે મોટો છે. આ મહેલાત કમ ઓફિસ 450 ફીટ લાંબુ છે, જ્યારે તેનો સૌથી ઊંચો ક્લોક ટાવરનો મિનારો 135 ફીટનો છે. દેખાવમાં લંડનના બિગ બેન સાથે સામ્યને કારણે ટાવર ‘મલેશિયાના બિગ બેન’ તરીકે પણ ઓળખાય છે. આગળની પરસાળ 11 ફીટ પહોળી છે.
આ મકાનમાં અત્યારે મલેશિયાની હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ સહિતના સરકારી વિભાગો બેસે છે. વાર-તહેવારે તેને રોશનીથી શણગારવામાં આવે છે, ત્યારે એ દશેરાએ જોવા મળતા મૈસુર પેલેસ જેવું લાગે છે.
શહેરની વચ્ચે આવેલા મકાન આસપાસ અનેક આધુનિક બાંધકામો ઉભા થયા છે. એ બધા વચ્ચે પણ આ આછા ગુલાબી, આઈવરી કલરનું મકાન મલેશિયાની ઓળખ બનીને અડીખમ ઉભું છે અને હવે બિલ્ડિંગને મલેશિયાએ તેમના સુલ્તાન અબ્દુલ સામદનું નામ આપી દીધું છે.
સરકારી કાર્યાલયો હોવાથી પ્રવાસીઓ બધા વિભાગોની મુલાકાત લઈ શકતા નથી. પરસાળ અને અન્ય કેટલાક વિસ્તારની દિવસમાં ગમે ત્યારે મુલાકાત લઈ શકાય છે. મુલાકાત માટે કોઈ ફી નથી, પરંતુ સાથે ગાઈડ હોય તો સમજવામાં સરળતા રહેશે. શનિ-રવિવારે મકાન અંદર જઈ શકાતું નથી, પરંતુ બહારથી જોઈ શકાય છે.
5. સનવે લગૂન થિમ પાર્ક
સમુદ્રની ઉછળ-કૂદ કરતી લહેરો પર સર્ફિંગ કરવું એ જરા સાહસ માંગી લેતી રમત છે. એટલે ઘણા લોકોને ઈચ્છા હોવા છતાં એ રમત પર હાથ અજમાવી શકતા નથી. કુઆલા લુમ્પુરથી પંદરેક કિલોમીટર દૂર આવેલો સનવે પાર્ક સર્ફિંગ માટે સલામત વિકલ્પ આપે છે. અહીં સર્ફિંગ કરવા માટે કૃત્રિમ બીચ બનાવાયો છે અને એ બિચ જગતનો સૌથી મોટો કૃત્રિમ સર્ફિંગ બિચ છે. કૃત્રિમ છે, એટલે ત્યાં દરિયામાં તણાઈ કે ડૂબી જવાનો ભય રહેતો નથી.
80 એકરમાં ફેલાયેલા થિમ પાર્ક બીજી તો અનેક રાઈડ્સ ધરાવે છે. જેમને ડર કે આગે જીત મેળવવી હોય એમના માટે સ્ક્રીમ પાર્ક છે, જ્યાં અંદર ડર લાગી શકે એવી તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે. પ્રવાસી પસાર થાય તો ફિલ્મમાં દેખાતા વિવિધ મોન્સ્ટર સામા મળે, ચામાચિડિયા લટકતાં જોવા મળે.
પાર્કમાં ઝૂ છે, ઈન્ડિયાના જોન્સ રાઈડ છે, નાયાગરા ધોધનો નમૂનો છે, એટલું જ નહીં 260 મિટર લાંબી નદી પણ બનાવી છે. પાર્ક આવા મૂળ પાંચ વિભાગમાં ફેલાયેલો છે. આ પાર્ક જ્યાં બનાવાયો છે, ત્યાં એક સમયે ટીનની ખાણ હતી. તેના કારણે કોઈ દોઢસોએક ફીટ ઊંડા ખાડામાં બાંધકામ કર્યું હોય એવું દૃશ્ય અહીં જોવા મળે છે. સવારના 10થી સાંજના 6 સુધી ખુલ્લા રહેતાં પાર્કમાં ટિકિટ 170 મલેશિન રિંગિટથી 220 રિંગિટ જેટલી છે. એ પાર્કની સાઈટ https://sunwaylagoon.com/ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે.
7. એક્વેરિયમ, 60 હજાર ચોરસ ફીટ, જમીન નીચે ૩૦૦ ફૂટ
એક્વેરિયા KLCC નામનું કુઆલા લુમ્પુરનું એક્વેરિયમ એશિયાના સૌથી મોટા એક્વેરિયમમાં સ્થાન ધરાવે છે. 60 હજાર ચોરસ ફીટમાં ફેલાયેલું આ સમુદ્રી સપાટીથી લઈને 300 ફીટ નીચે સુધી ફેલાયેલું છે. અહીં વિવિધ દોઢસોથી વધુ પ્રજાતિના સજીવોની કુલ વસ્તી તો પાંચ હજારથી વધારે છે. એ સજીવોમાં સમુદ્રી સાપ છે, તો ખતરનાર ટાઈગર શાર્ક છે. દરિયાઈ ઘોડા છે, તો બ્લુ રે માછલી પણ છે. શાર્ક જોવા મળે છે એટલું જ નહીં સલામત પાંજરામાં બેસીને શાર્ક વચ્ચે ડૂબકી પણ લગાવી શકાય છે. અલબત્ત, એ સુવિધા અમુક દિવસોમાં અમુક કલાક દરમિયાન જ મળી શકે છે. એટલે એ માટે પાર્કની સત્તાવાર વેબસાઈટ પરથી જાણકારી મેળવવી હિતાવહ છે.
એક્વેરિયમમાં એક 90 મિટર લાંબી ટનલ છે, જેમાંથી પસાર થતી વખતે સમુદ્ર વચ્ચેથી પસાર થતાં હોઈએ એવુ લાગે. કેમ કે ટનલ ઉપર કાચ છે, કાચ ઉપર જળ છે અને જળમાં જળસૃષ્ટિ છે. એમેઝોનના ગાઢ વર્ષા જંગલોની જળસૃષ્ટિ છે, તો વળી મલેશિયાના ગાઢ જંગલોમાં જોવા મળતી દુર્લભ માછલીઓ પણ છે.
પાર્ક સવારના 10થી રાતના 8 સુધી ખુલ્લો રહે છે. પરંતુ પ્રવેશ સાંજના સાત પછી બંધ થઈ જાય છે. તેની ટિકિટ વેબસાઈટ https://aquariaklcc.com/ પરથી મેળવી શકાય છે. પાર્કને મનભરીને માણવા માટે દોઢથી બે કલાકનો સમય ફાળવવો રહ્યો.
8. સવાસો વર્ષ જૂનું સેન્ટ્રલ માર્કેટ
બે માળમાં ફેલાયેલું અને સંખ્યાબંધ દુકાનો ધરાવતું આ બજાર બંધાવાની શરૃઆત તો છેક 1888માં થઈ હતી. પણ માર્કેટ ખુલ્લું મુકાયુ અડધી સદી પછી 1937માં. પ્રવાસીઓને અહીં જાતજાતની ચીજોના શોપિંગના વિકલ્પો મળી રહે છે. સ્થાનિક ભાષામાં ‘પસાર સેની’ તરીકે ઓળખાતા માર્કેટમાં મલેશિયાની લોકલ ચીજો પણ મોટી માત્રામાં મળી રહે છે.
પાર્ક ઈન્ડોર છે, એટલે પ્રવાસીઓ લિજ્જતથી અંદર ફરી શકે છે, ખાણી-પીણી કરી શકે છે અને અડધો દિવસનો સમય પસાર કરી શકે છે. આકર્ષક દેખાતા આ મકાનને મલેશિયા સરકારે હેરિટેજ સાઈટ જાહેર કરી છે. આર્ટ ડેકો સ્ટાઈલનું તેનું આર્કિટેક્ચર પણ આકર્ષક છે. અહીં વાર-તહેવારે વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે, જેમાં આપણી દીવાળીનો પણ સમાવેશ થાય છે. માર્કેટ સવારના 10થી રાતના 10 સુધી ખુલ્લું રહે છે. વધુ વિગતો તેની સાઈટ પર www.centralmarket.com.my
9. શ્રી મહામારિમાન – સૌથી જૂનુ હિન્દુ મંદિર
1873માં ખૂલ્લું મુકાયેલું શ્રી મહામારિમાન સમગ્ર મલેશિયામાં આવેલું સૌથી જૂનું હિન્દુ મંદિર છે. ભારતમાંથી મલેશિયા સ્થાઈ થયેલા થંબૂસ્વામી પિલ્લાઈ નામના તમિલ અગ્રણીએ આ મંદિર પરિવાર માટે બંધાવ્યું હતું. સમય જતાં તેને લોકો માટે ખુલ્લુ મુકી દેવાયુ.
આ મંદિરમાં પાર્વતીદેવીની પ્રતિમા બિરાજે છે અને તેનું બાંધકામ દક્ષિણ ભારતીય શૈલીના મંદિર પ્રકારનું છે. દક્ષિણ ભારતના મંદિરો સાથે અચૂક જોવા મળે એવો 75 ફીટ ઊંચું ગોપુરમ્ પ્રાર્થનાખંડ વગેરે જોઈને ભારતના જ કોઈ મંદિરમાં હોઈએ એવું લાગે. સવારના 9થી રાતના 9 સુધી મંદિર ખુલ્લું રહે છે.
10. લિટલ ઈન્ડિયા
લિટલ ઈન્ડિયાનું નામ ત્યાં ભારતીયોની બહુમતી હોવાને કારણે પડ્યું છે. આ વિસ્તારમાં ભારતીયો રહે છે, પણ વિશેષ આકર્ષણ ત્યાંની શોપિંગ સ્ટ્રીટનું છે. કેમ કે કેટલીય ભારતીય બ્રાન્ડ્સના બોર્ડ ત્યાં જોવા મળે તો વળી ભારતીય ખાણી-પીણીની ઘણી દુકાનો છે. હારબંધ દુકાનો અને આગળ પરસાળને કારણે અહીં પ્રવાસીઓ સરળતાથી સમય પસાર કરી શકે છે.
11. ફોરેસ્ટ ઈકો પાર્ક
ફોરેસ્ટ ઈકો પાર્ક વર્ષા જંગલોની યાદ અપાવે એવો છે. ગાઢ જંગલમાં જમીન પર તો ચાલવુ અઘરું કામ છે, માટે અહીં વૃક્ષોની ઘટા વચ્ચે 200 મિટર લાંબો ઝૂલતો પુલ બાંધવામાં આવ્યો છે. શહેરની ભાગોળે આવેલો આ જંગલ વિસ્તાર 1906માં સ્થપાયેલો મલેશિયાનો સૌથી જૂનો ફોરેસ્ટ પાર્ક છે. પુલ પરથી પસાર થતી વખતે પ્રવાસીઓને એમેઝોનના કે પછી બોર્નિયોના ગાઢ જંગલોમાંથી પસાર થયાનો અહેસાસ થાય છે. 11 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પાર્કમાં જમીન પર ચાલવા માટેની ખાસ કેડીઓ તૈયાર કરી છે. વિનામૂલ્યે પ્રવેશ આપતો પાર્ક સવારના 6થી સાંજના 7 સુધી ખુલ્લો રહે છે.
જગતના અગ્રણી શહેરોમાં સ્થાન ધરાવતુ કુઆલા લુમ્પુરમાં જોવા જેવા સ્થળોની કંઈ કમી નથી. પરંતુ બે કે ત્રણ દિવસનો મર્યાદિત સમય હોય તો ઉપરોક્ત સ્થળોની મુલાકાત લઈ શકાય. એ ઉપરાંત બર્ડ પાર્ક, નેશનલ મસ્જિદ, જાલાન અલોર નામનું ફૂડ માર્કેટ, શોપિંગ માટે બેરજાયા ટાઈમ સ્કવેર, નેશનલ સાયન્સ સેન્ટર, તિતિવાંગ્સા લેક ગાર્ડન.. વગેરે જેવા સ્થળોની કમી નથી.
જતાં પહેલા જાણી લો
- ભારતના દિલ્હી-મુંબઈ-કલકતા જેવા સ્થળોએથી કુઆલા લુમ્પુરની રોજિંદી સીધી ફ્લાઈટો મળી રહે છે.
- મેથી જુલાઈ વચ્ચે અથવા ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન.
- બે કે ત્રણ દિવસનો સમય હોય તો શહેર સારી રીતે ફરી શકાય.
- શહેરની બસ, ટ્રેન જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા કાર્યક્ષમ છે, માટે તેના દ્વારા સરળતાથી હરી-ફરી શકાય. ટેક્સીમાં ફરવાનું થાય તો મિટરથી જ ફરવું હિતાવહ છે.
- કેટલાક સ્થળો એવા છે, જ્યાં પ્રવેશની કોઈ ટિકિટ નથી, પરંતુ છેતરપિંડી કરનારા લોકો બહારથી પ્રવાસીઓને ટિકિટ ખરિદવા લલચાવે છે. જેમ કે બાટુ કેવ્સમાં પ્રવેશની ટિકિટ નથી, પરંતુ ત્યાં ટિકિટ વેચનારા અનેક છે. તેનાથી સાવધાન રહેવું.