જૂઓ ફોટો કાશી વિશ્વનાથ કોરિડોરના : મહાદેવના દર્શને આવતા ભક્તોને હવે વધુ સુવિધા મળશે

Kashi Vishwanath

કાશી, વારાણસી કે પછી બનારસ નામે ઓળખાતું નગર જગતના સૌથી જૂના શહેરોમાં સ્થાન પામે છે. ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. માટે દેશભરમાંથી ભક્તો મહાદેવ હર.. મહાદેવ હર.. બોલતા ત્યાં આવે છે. જોકે અગાઉ કાશીની મુલાકાત લીધી હશે એ જાણતા હશે કે મંદિર પરિસર ઘણુ સાંકડુ અને ગીચોગીચ હતુ. હવે એ સમગ્ર વિસ્તારને કાશી વિશ્વનાથ કોરિડોર તરીકે વિકસાવાયો છે.

કાશીની ગલી-ખૂંચી તો બહુ સાંકડી છે, જે પહોળી કરવી શક્ય નથી. પરંતુ વડા પ્રધાને દૃઢ ઈચ્છા શક્તિ વડે સાંકડી જગ્યાને મોકળાશવાળી કરી દેખાડી છે. આ પ્રોજેક્ટ હેઠળ મંદિર આસપાસની જમીન સરકારે કબજે લીધી. અહીં કાયદેસર કે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને આમ-તેમ ખસેડ્યા. એ માટે કુલ 300 પ્રોપર્ટી ખરીદી લેવાઈ. 1400 દુકાનદારો, ભાડુઆત, રહેવાસીઓને સમજાવી, પુરતું વળતર આપી અહીંથી અન્ય સ્થળે સ્થળાંતરીક કરાયા. એ બધામાં જ 450 કરોડ રૃપિયા ખર્ચાયા હતા. એ પછી મંદિરના મૂળ બાંધકામો યથાવત રહેવા દઈને આખા વિસ્તારનું નવીનીકરણ કરી નાખ્યું. નવીનીકરણ કરતી વખતે આ વિસ્તારનું ખોદકામ કરાયું. તો જૂના 40 જેટલા મંદિરોના અવશેષો પણ મળી આવ્યા.

મંદિર સાંકડી જગ્યામાં છે, પરંતુ ઈચ્છાશક્તિ હોય તો ત્યાં પણ જગ્યા થઈ શકે એ વડાપ્રધાન મોદીએ સાબિત કર્યું. આ તસવીરોમાં પહેલાની સ્થિતિ અને હવે પ્રાંગણ કેવુ બન્યું એ જોવા મળે છે.

પહેલા એવુ હતુ કે મંદિરમાં મર્યાદિત લોકો જઈ શકતા હતા અને લાંબી લાઈનમાં રાહ જોવી પડતી હતી. મહાદેવ મંદિર હોવા છતાં દિવસના અમુક કલાકો વળી અહીંના સંચાલકો બંધ રાખે છે. એટલે દેશના ખૂણે ખૂણેથી આવનારા ભક્તોએ ફરજિયાત રાહ જોવી પડે. એ બધી વાતોમાં ફરક નહીં પડે કેમ કે મંદિર સંચાલકોની માનસિકતા પર આધારીત છે. પરંતુ મંદિર પ્રાંગણ મોટું થયું એટલે સુવિધા જરૃર સચવાશે.

જતાં પહેલા જાણી લો

  • જૂત્તાં-ચપલ બહાર કાઢવા પડશે
  • કોઈ પ્રકારના ઈલેકેટ્રોનિક સાધનો લઈ જઈ શકાશે નહીં. એટલે મોબાઈલ-કેમેરા બહાર જમા કરાવવા પડશે. એ માટેની વ્યવસ્થા ત્યાં છે.
  • સમગ્ર વિસ્તાર પાંચ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.
  • કોરિડોરમાં નાની-મોટી 50 ઈમારતો આવેલી છે.
  • પરિસર વિભાગ 3 ભાગમાં વિભાજીત કરાયો છે.
  • પરિસરમાં ચાર મોટા દ્વાર બનાવાયા છે.
  • પ્રદક્ષિણા પથ તૈયાર કરાયો છે અને કાશીનું મહત્વ વર્ણવતા 22 શીલાલેખ પણ લગાડાયા છે.
  • મંદિર સાથે પ્રવાસી સુવિધા કેન્દ્ર, વેદિક કેન્દ્ર, ભોગશાળા, મ્યુઝિયમ, ગેલેરી, ફૂડ કોર્ટ વગેરે પણ વિકસાવાયા છે.
  • દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ જેમના હાથમાં છે એ ગુજરાતી આર્કિટેક્ટ બિમલ પટેલે જ આ ડિઝાઈન બનાવી છે.
  • મંદિર નવરચના દરમિયાન હેરિટેજ બાંધકામને નુકસાન ન થાય અને મૂળ ઓળખ જળવાઈ રહે એ ધ્યાન રાખવામાં આવ્યું છે.
  • કાશીમાં રહેવા-ઉતરવાની સગવડનો કોઈ પાર નથી.
  • વિવિધ સ્થળો એટલા છે કે 3 દિવસની સફર આરામથી કરી શકાય
  • ગુજરાતના અમદાવાદ-વડોદરા-સુરત વગેરે શહેરોથી કાશીની સીધી ટ્રેન પણ મળે છે.

જે લોકો અહીં આવી ગયા હોય એ જાણતા હશે કે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નાનુ અને શિવલિંગ જમીન સાથે જોડાયેલું છે. આપણે સોમનાથ જેવા ભવ્ય શિવલિંગના દર્શન કર્યા હોય તો પછી આ મંદિર ઘણુ નાનુ લાગે. અલબત્ત, મંદિર નાનું છે, મહાદેવ તો એના એજ છે. એમની કૃપા અવિરત વરસતી રહે છે.

આ મંદિર વર્ષોથી આવી સાંકડી જગ્યામાં અને અસુવિધાઓ વચ્ચે હતું. અગાઉની સરકારોએ મંદિરના વિકાસ પાછળ ધ્યાન ન આપ્યું એમ કહી શકાય. કેમ કે વિકાસ કરવો જ હોય  તો થઈ શકે એમ હતો એ મોદી-યોગીની જોડીએ સાબિત કરી આપ્યું. આ મંદિર વિસ્તાર નવસો વર્ષ પહેલા ઓરંગઝેબના આક્રમણ વખતે ધ્વસ્ત કરી દેવાયો હતો. ત્યાં બનેલી મસ્જીદ એ વાતનો પુરાવો છે. એ પછી વર્ષો સુધી મંદિર જેવુ કશું હતું નહીં. છેક 1735માં ઈન્દોરના મહારાણી અહલ્યા બાઈએ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. અહલ્યાબાઈએ અહીં નદી કાંઠે ઘાટ પણ બનાવડાવ્યો હતો. એ ઘાટ પણ ત્યાં જોઈ શકાય છે.

કેરિડોરની રચના એવી રીતે કરાઈ છે કે ગંગા સ્નાન કરીને સીધા મંદિર જઈ શકાશે. કેમ કે દર્શન કરતાં પહેલા ગંગા સ્નાનનું મહત્વ છે.  અત્યારના બાંધકામ પછી સરકારનો દાવો છે કે મુખ્ય મંદિર પ્રાંગણમાં એક સાથે પાંચ હજાર લોકો સમાઈ શકશે અને લાંબી લાઈનમાં ઉભા નહીં રહેવુ પડે. પરંતુ એ દાવો અત્યારથી માની લેવા જેવો નથી. કેમ કે સોમનાથ મંદિરનું ઉદાહરણ આપણી સામે જ છે. ગમે તેટલો વિકાસ-વિસ્તાર કર્યા પછીય લાઈનો તો યથાવત છે જ. પરંતુ મહાદેવના ભક્તો માટે સુવિધા વધી છે એમાં કોઈ શંકા નથી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *