
પ્રતાપનગરથી જંબુસર સુધીનું ૫૧ કિલોમીટરનું અંતર રેલગાડી ૧૪ કિલોમીટરની ઝડપે પુરું કરે છે! ભારતની એ બીજા ક્રમની અને ગુજરાતની પહેલા ક્રમની ધીમી ટ્રેન છે. તેમાં સફરનો અનુભવ..

૧૮૭૩માં વડોદરા પાસે આવેલા ડભોઈ અને મિયાગાંમ સ્ટેશન વચ્ચે રેલમાર્ગ શરૃ થયો. વડોદરા સ્ટેટ ઉપરાંત ગુજરાતના ઈતિહાસ માટે પણ ૮મી એપ્રિલનો એ દિવસ મહત્ત્વનો હતો. મલ્હારાવ ગાયકવાડ પોતે લીલી ઝંડી બતાવવા આવ્યા હતાં. ટ્રેન રવાના થઈ અને નિયમિત રીતે ડભોઈ-મિયાગાંમ વચ્ચે દોડવા લાગી. પછી તો નેરોગેજ લાઈનનું એ નેટવર્ક બીજા ઘણા સ્ટેશનો સુધી વિસ્તર્યું. એ વખતે ડભોઈ અને મિયાગાંમ વચ્ચેનું ૩૨ કિલોમીટરનું અંતર કાપવામાં ટ્રેનને અઢી કલાક જેટલો સમય લાગતો હતો. એટલે કે ટ્રેન સરેરાશ કલાકના ૧૩ કિલોમીટરની ઝડપે ચાલતી હતી. દોઢસો વર્ષ પહેલાનાં યુગમાં ૧૩ કિલોમીટરની ઝડપ નોંધપાત્ર હતી.
***
મે, ૨૦૧૫
ડભોઈ નેરોગેજ નેટવર્કના પાટાઓ એક પછી એક સ્ટેશન સુધી લંબાતા જંબુસર સુધી પણ પહોંચ્યા. હવે બધી નેરોગેજ લાઈન તો ચાલતી નથી. પણ વડોદરાના પ્રતાપનગરથી ૫૧ કિલોમીટર દૂર આવેલા જંબુસર સુધી નેરોગેજ ટ્રેક પર રેલગાડી ચાલે છે. ૫૧ કિલોમીટરનું અંતર કાપવામાં એ ટ્રેનને સાડા ત્રણ કલાક જેવો સમય લાગે છે. એટલે કે દર કલાકે સરેરાશ ૧૪.૫ કિલોમીટરનો પ્રવાસ થાય છે!
***
મલ્હારરાવે લીલી ઝંડી આપી એ વર્ષ ૧૮૭૩નું હતું અને હવે ૨૦૧૫નું છે. ૧૪૨ વર્ષ પછી રેલવેની ઝડપમાં ૧ કિલોમીટરનો વધારો થયો છે! આ ધીમી ઝડપે દોડતી ‘પ્રતાપનગર-જંબુસર પેસેન્જર ટ્રેન’ આખા ભારતમાં અનોખી છે.

૨૦૦૩ સુધી પ્રતાપનગર-જંબુસર વચ્ચે દોડતી ટ્રેનને પણ ૩૦ કિલોમીટર સુધીની ઝડપ હાંસલ કરવાની છૂટ હતી. પરંતુ એ પછીના વર્ષે વરસાદ પડયો અને પાટાઓને મોટેપાયે નુકસાન થયું. માટે રેલતંત્રએ ગતીમર્યાદા ઘટાડીને ૨૦ કિલોમીટર કરી નાખી. એ નિર્ણય કામચલાઉ હતો કેમ કે ટ્રેકનું રિપેરિંગ કરવાનું હતું. પણ દાયકા પછીય હજુ ટ્રેક રિપેર થયો નથી. પાટા પર આળસનો કાટ બાજી ગયો છે અને હવે દેશની બીજા નંબરની (અને ગુજરાતની પહેલા નંબરની) સૌથી ધીમી ટ્રેન તરીકેનો વિક્રમ તેના નામે નોંધાવામાં ગીનેસ બૂકને જાણ કરવા સિવાય કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.

પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીથી ઉપડીને ૭૫ કિલોમીટર દૂર દાર્જિલિંગ પહોંચતી ‘નીલગીરી એક્સપ્રેસ’ સત્તાવાર રીતે દેશની સૌથી ધીમી ટ્રેન છે. જલપાઈગુડી સમુદ્ર સપાટીથી ૧૧૪ મીટર ઊંચુ છે, જ્યારે દાર્જિલિંગની ઊંચાઈ ૨૦૬૭ મીટર છે. એટલે કે ટ્રેને ૭૫ કિલોમીટર દરમિયાન બે હજાર મીટરનું પર્વતારોહણ કરવું પડે છે. એટલા માટે જ ટ્રેન દસ-અગિયાર કિલોમીટરની ઝડપે સાડા છ કલાકે સફર પુરી કરે છે. મલપતી ચાલે ચાલવાનું નીલગીરી એક્સપ્રેસ પાસે વ્યાજબી કારણ છે.

અહીં પ્રતાપનગર સમુદ્ર સપાટીથી ૩૪ મીટર ઊંચુ છે, જ્યારે ખંભાતના અખાત તરફ આવેલુ જંબુસર ૧૩ મીટર જ ઊંચુ છે. એટલે કે સફર દરમિયાન ટ્રેન ૨૧ મીટરનું ઉતરાણ કરે છે. પરંતુ એ ટ્રેનને દોડવું હતું ને ઢાળ મળ્યો એ કહેવત લાગુ પડતી નથી!

પ્રતાપનગરથી પેસેન્જર ટ્રેન રોજ સવારે ૧૦ વાગ્યે ઉપડે છે. જંબુસર પહોંચવાનો સમય તો ૧ વાગ્યાનો છે, પણ સામાન્ય રીતે સવા-દોઢેક વાગ્યે પહોંચતી હોય છે. ત્યાંથી ફરી સવા બે વાગ્યે ઉપડે છે. વળી પ્રતાપનગરથી સાંજે સાડા છ વાગ્યે ઉપડે છે. જરા-તરા વીરામ લઈને ટ્રેન સતત ફેરા મારતી રહે છે.

ચાર ડબાની આ ટ્રેન ઉપડે ત્યારે તેમાં કુલ ચાર વ્યક્તિનો સ્ટાફ હોય છે. બે ડ્રાઈવરો, એક ગાર્ડ અને એક ગેટમેન. પ્રતાપનગર-જંબુસર વચ્ચે ૧૨ સ્ટેશને ગાડી ઉભી રહે છે. એમાં સાત ગામ એવા આવે છે, જ્યાં ગેટમેને ગાડીમાંથી ઉતરી ફાટક બંધ કરવું પડે છે. એ પછી ગાડી આગળ વધે, ઉભી રહે, ગેટમેન ઉતરે, ફાટક ખોલે અને આગળ વધે. રસ્તામાં ગાય આવી ચડે કે કોઈએ પથ્થર મૂકી રાખ્યો હોય તો ટ્રેન ઉભી રહે, સ્ટાફરો પૈકી કોઈક ઉતરે, અડચણ હટાવે અને ફરી લીલી ઝંડી દેખાય એટલે ઉપાડે. સામાન્ય રીતે ફાટકમાં હોય એવા વિશાળ પાઈપ આવા ફાટકો પર નથી. માત્ર એક વાયર ટ્રેન નીકળવાની હોય ત્યારે લટકાવી દેવાનો, ટ્રેન આગળ વધે એટલે હટાવી દેવાનો. એ કામ ગેટમેનનું. વળી અત્યંત ધીમી હોવા છતાં રસ્તામાં કેટલાક એવા ફાટકો-સ્ટેશનો પણ આવે છે, જ્યાં ગાડી થોભતી નથી!

પ્રતાપનગર સ્ટેશને ૩ પ્લેટફોર્મ છે. એમાં પહેલો ટ્રેક નેરોગેજનો છે. દસ વાગવામાં થોડી વાર હોય ત્યારે જ આવી પહોંચતી ટ્રેનમાં ચડવામાં કોઈ ઉતાવળ કરતું નથી, કેમ કે સૌ જાણે છે ટ્રેન ક્યાંય ભાગી જવાની નથી. અને ભાગે તો પણ પકડાઈ જશે! ટ્રેનમાં ૧૫૦ મુસાફરો આરામથી બેસી શકે એવી સગવડ છે. પણ સામાન્ય રીતે એટલા હોતા નથી. ટ્રાફિક પ્રમાણે પચ્ચી-પચ્ચા મુસાફરો છેક સુધીની સફર કરે છે. તો વળી થોડા ઘણા રસ્તામાં આવન-જાવન કરે છે. ૫૨૦૩૬ નંબરની ટ્રેન ડેઈલી છે, રોજેરોજ ઉપડે છે. ટ્રેનનો સૌથી વધારે લાભ વચ્ચેના ગામવાસીઓને થાય છે. આસપાસના ગામે જવા કે વડોદરા આવવા ટ્રેન ભારે સુગમ છે. વળી પ્રતાપનગરથી જંબુસર સુધીની સફરનો ટિકિટ દર ૧૫ રૃપિયા (અડધીનો ૧૦ રૃપિયા) જેવો મામુલી છે. એટલે કે ટ્રેનમાં મુસાફરી કરનારને એક કિલોમીટરની સફર ૩૦ પૈસામાં પડે છે!

બહારથી રાતા અને અંદરથી પીળા રંગના ડબ્બાઓમાં લાઈટ-પંખાઓ છે, પણ બધા ચાલુ હાલતમાં નથી. લાકડાની સિટીંગ વ્યવસ્થા ધરાવતા ડબ્બા પૈકી એક ડબો ચેર કાર પ્રકારનો છે. બાકીના ડબ્બા પરંપરાગત રેલવે કોચ જેવા છે. અલબત્ત, ગાડીમાં ટોઈલેટ જેવી કોઈ સગવડ નથી, કે નથી કોઈ સુરક્ષા વ્યવસ્થા. એટલે રાતની મુસાફરી જોખમી છે. આપાતકાલીન ખીડકી, ચેઈન વગેરે અનિવાર્ય ગણાતા રેલવેના લક્ષણો ધરાવતા ડબા ઘણા નાના છે એટલે કોઈ વજનદાર મુસાફર પ્રવેશ કરે તો તેની અસર આખા કમ્પાર્ટમેન્ટને થયા વગર રહેતી નથી. ગાડીમાં ચડવાના પગથિયા ખાસ્સા ઊંચા અને અગવડભર્યા છે, એટલે વૃદ્ધ-અશક્ત મુસાફરોને તો સરળતાથી એન્ટ્રી પણ મળતી નથી!

વિશ્વામીત્રી, રણુપીપળી, પાદરા વગેરેના રેલવે સ્ટેશનો એક સમયે ધમધમતાં હતાં. હવે ખંડેર હાલતમાં છે. વચ્ચેના કોઈ સ્ટેશને સ્ટેશન માસ્તર કે બીજો કોઈ સ્ટાફ નથી. માટે વચ્ચેના ગામોએથી ચડતા મુસાફરોએ ગાડીમાં સવાર ગાર્ડ પાસેથી ટિકિટ લેવા જવાની. બસમાં જે રીતે કન્ડક્ટર આપે એ રીતે જ. ગાર્ડ તો પોતાનું સ્થળ મુકીને ડબ્બે ડબ્બે ‘બોલો ટિકિટ બાકી..’ એવો સાદ પાડવા જઈ શકે નહીં. માટે ઘણા મુસાફરો ટિકિટ લેવાની પ્રક્રિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે! કોઈને ટિકિટ લેવાની ઈચ્છા થાય તો આગળના ડબ્બા પાસે સંપર્ક કરે. જંબુસર પોતે જંકશન હોવા છતાં ત્યાંય પુરતો સ્ટાફ નથી.

અમને સફર દરમિયાન અચરજપ્રેરક અનુભવ થયો. એક ડબ્બામાં પરદેશી પ્રવાસી હતા. આવી ટ્રેનમાં પરદેશી પ્રવાસી શું કરે છે? ક્યાંક કોઈક વિદેશી જાસૂસ તો નથી ને.. એવા ઘણા સવાલ થતા હતા. મુસાફર રહસ્યમય હતા, પણ એ પરદેશી જે ડબ્બામાં બેઠા હતા ત્યાં ઠીક ઠીક ભીડ હતી. એટલે અમે તેમને કશું પૂછ્યું નહીં. જંબુસર ઉતરીને અમે એક રેસ્ટોરામાં ચા-પાણી ગયા. ગામની એ સૌથી મોટી-પ્રતિષ્ઠિ રેસ્ટોરાં હતી. ત્યાં પણ પરદેશી અચરજપ્રેરક મુસાફર અમારી બાજુના ટેબલે બેઠા હતા અને ઈશારાથી ઓર્ડર આપતા હતા. એ તકનો લાભ લઈ મેં એમની પાસે જઈને વાત કરી કે ભાઈ આપ કોણ છો અને આ ટ્રેનમાં શું કરો છો?
જવાબ મળ્યો એ ભારે રસપ્રદ હતો.
એમણે કહ્યું કે એ જાપાની પ્રોફેસર છે. દર વેકેશનમાં દુનિયાભરમાં ફરી ત્યાં આવેલી નેરોગેજ ટ્રેનમાં સફર કરે છે. એ અનુભવો પુસ્તકસ્વરૃપે લખવાનો તેમનો ઈરાદો છે. વાહ! એ ભાઈ અગાઉ ભારતમાં બીજા સ્થળોએ પણ ફરી ચૂક્યા હતા. અમને થયું કે આપણે ત્યાં જે રેઢે પીટાય છે એ ટ્રેનનું પરદેશીઓને કેટલું મૂલ્ય છે!

પાદરા સુધીનો વિસ્તાર તો એવો છે, જ્યાં પાટાની બન્ને તરફ સતત લોકો રહે છે. પાદરા વટાવ્યા પછી વગડો કહેવાય એવો વિસ્તાર શરૃ થાય છે. ધ્યાનથી જોવામાં આવે તો જાત-ભાતના પક્ષીઓ બન્ને તરફ દેખાય તો વળી જંગલી વાંદરાના દર્શન તો બહુ સરળ છે. ક્યાંક ક્યાંક ખેતરો આવે ત્યાં વળી ઢોર-ઢાંખર બાંધ્યા હોય છે. રસ્તામાં આવતા સ્ટેશનો દરેક રીતે પછાત છે. એક જગ્યાએ નાસ્તાના પડીકા મળે છે, બાકી તો પાણીનાય ફાંફા છે. બે ગામ વળી એવા આવે ત્યાં હેન્ડપમ્પ છે. મુસાફરો ઉતરીને એમાંથી પાણી પી શકે. પણ એ માટે હાથે હેન્ડપમ્પ ચલાવાની મહેનત કરવી પડે. આ ગાડીમાં કોઈને ઉતાવળ નથી, કોઈને અકળામણ થતી નથી. નિરાંતે મુસાફરો આવે, ચડે, ડબ્બામાં જગ્યા જ જગ્યા હોય એમાંથી પસંદગીની જગ્યા પર મીટ માંડે.. દરેક સ્ટેશને વળી કેટલાક મુસાફરો પગ મોકળો કરવા નીચે ઉતરે. ડ્રાઈવર-ગાર્ડ પણ ક્યાંક ક્યાંક ઉતરવુ હોય તો ઉતરે. સમગ્ર મુસાફરી દરમિયાન રોડ, કેડી, નાળા, રસ્તા કહી શકાય એવા ૭૯ અવરોધો આવે છે. એટલે મુસાફરી દર્શનીય પણ બને છે.

આજે પ્રતાપનગર તરીકે ઓળખાતા સ્ટેશનનું ગાયકવાડી નામ તો ગોયાગેટ હતું. એટલે જુનાં દસ્તાવેજોમાં પણ એ નામનો જ ઉલ્લેખ છે. સ્ટેશન પર પણ ગોયાગેટના બોર્ડ છે. ૧૮૬૧માં વડોદરા રાજ્યમાં ટ્રેનનું આગમન થયુ હતું. ૧૮૫૩માં શરૃ થયેલી ભારતીય રેલવે સોળ દાયકા પુરા કરી સત્તરમાં દાયકામાં આગળ વધી રહી છે. અહીંની નેરોગેજ રેલવે એમ જ ચાલ્યા કરે છે, જાણે કે ૧૯મી સદીમાંથી શરૃ થઈને ૨૦મી સદી પસાર કરતી ૨૧મી સદીમાં આવતી હોય. ડભોઈનું નેરોગેજ નેટવર્ક ઘણું વિશાળ હતું. હવે સંકોચાઈ રહ્યું છે. એક સમયે જેનો દબદબો હતો એ રેલ નેટવર્ક હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે. ડભોઈ-મિંયાગામ અને પ્રતાપનગર-જંબુસર સિવાય નેરોગેજ ચાલતી નથી. ગુજરાતમાં જોકે બીજી કેટલીક નેરોગેજ ટ્રેનો દોડે છે. બધી ટ્રેનો પોતપોતાની રીતે વિશિષ્ટ છે અને કેટલીક તો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે એમ છે.

ગાડી ઉપડે ત્યારે હંમેશ પૈડાંના પાટા સાથેના ઘર્ષણનો અવાજ સંભળાય અને વ્હિસલ પણ વાગે છે. એ અવાજ હકીકતે તો બુલેટ ટ્રેન, સેમી બુલેટ ટ્રેન દોડાવવા માગતા ભારતીય રેલવે તંત્રના આયોજનો પર થતા અટ્ટાહાસ્યનો છે!
Wah super vanchi ne anand thayo..