Jallianwala Bagh : આઝાદીના ઈતિહાસનું અનોખું સ્થળનું પ્રવાસ માર્ગદર્શન

Jallianwala Bagh

અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. અહીં આઝાદીનો અનોખો ઈતિહાસ જાણવા જેવો છે. અમૃતસર જવાનું થાય ત્યારે અચૂક મુલાકાત લેવા જેવા સ્થળળનું પ્રવાસ માર્ગદર્શન..

મેમોરિયલની વાત કરતાં પહેલા જરા ૧૯૧૯ની ૧૩મી એપ્રિલે થયેલા હત્યાકાંડને યાદ કરીએ. ૧૯૧૮માં પહેલા વિશ્વયુદ્ધ ખતમ થયું એ વખતે ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રજા આક્રોષ વધી રહ્યો હતો. બીજી તરફ બ્રિટનની તિજોરી ખાલી હતી. એટલે ભારતીય પ્રજા પર વધુ ટેક્સ નાખવાનો ઉપાય હાથવગો હતો જ. એ ઉપરાંત ભારતમાં પ્રજાની સ્વતંત્ર થવાની ભાવના (અંગ્રેજો જેને વિદ્રોહ કહેતા) માથુ ઊંચકે એ પહેલા દાબી દેવા શું કરવું એ વિચારણા અંગ્રેજ અધિકારી સિડની રોલેટને સોંપાઈ.

રોલેટે અહેવાલ તૈયાર કર્યો જેમાં ‘ધ અનાર્કિઅલ એન્ડ રિવોલ્યુશનરી ક્રાઈમ્સ એક્ટ ઓફ ૧૯૧૯’ નામનો નવો કાયદો લાગુ કરવાની ભલામણ હતી. એ કાયદો ભારતના લોકોમાં ‘રૉલેટ એક્ટ’ તરીકે જાણીતો થયો. કાયદાનો મૂળ ઉદ્દેશ લૂંટ વધારવાનો હતો, એટલે ગમે તે નાગરિક ઉપર કાર્યવાહી કર્યા વગર ગમે તેટલા દિવસ જેલમાં રાખી શકાય, ખાસ અદાલતમાં જ કેસ ચાલે.. વગેરે પ્રકારની કલમ એ કાયદામાં સમાવિષ્ટ હતી. અપેક્ષા મુજબ એ કાયદાનો વિરોધ થયો અને સૌથી વધારે વિરોધ પંજાબમાં થયો. ત્યારે પંજાબના ગવર્નર તરીકે માઈકલ ઑડ્વાયર હતો. અમૃતસરમાં સ્થિતિ હિંસક બનશે એવું લાગતા માઈકલે જલંધરમાં કામ કરતા બ્રિગેડિયર જનરલ માઈકલ ડાયરને પોતાની મદદે બોલાવી લીધો.

એપ્રિલની ૧૩ તારીખે વૈશાખીનો તહેવાર હોવાથી લોકો જલિયાંવાલા બાગમાં એકઠા થવા લાગ્યાં. એમાં સૌ ધર્મના લોકો હતા, જે મૂળ તો આઝાદી ઝંખતા હતા. સાત-આઠ ફીટની સાંકડી ગલીવાળા પ્રવેશદ્વાર ધરાવતા એ મેદાનમાં આવવા-જવાના દરવાજા બહુ મર્યાદિત હતાં. થોડી વાર પછી ડાયર અને તેના સૈનિકો દાખલ થયા. લોકો કંઈ સમજે વિચારે એ પહેલા ડાયરે ફાયરનો હુકમ આપ્યો. બાર-પંદર મિનિટ પછી ગોળીબાર અટકી ગયો કેમ કે ગોળીઓ ખલાસ થઈ ગઈ હતી. એ પછીનો ઈતિહાસ રક્તરંજિત છે અને થોડો જાણીતો પણ છે. ઉજવણીમાં ભાગ લેવા આવેલા બાળકો-મહિલા-વૃદ્ધોની લાશો મેદાનમાં પડી હતી.

Jallianwala Bagh હવે ભારતના ઈતિહાસનું અતિ મહત્વનું સ્થાન છે. ત્યાં જોવા જેવા સ્થળો આ મુજબ છે

બાગનો સમય – સવારના 6.30થી સાંજના 7.30
અંદાજિત સમય – દોઢથી 2 કલાક

સંગ્રહાલય

અહીં સંગ્રહલાયમાં ચાર ગેલેરી છે, જેમાં ૧૩ એપ્રિલ ૧૯૧૯ના દિવસનો ઈતિહાસ જીવંત કરાયો છે. એ વખતની ઘટનાના ફોટોગ્રાફ્સ તો ક્યાંથી હોય એટલે આંખો દેખ્યા મુજબના ચિત્રો તૈયાર કરાયા છે. જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી ચિત્રકારોએ તેમનો આક્રોશ કલા દ્વારા, ચિત્રોના માધ્યમથી વ્યક્ત કરીને શહીદોને અંજલિ આપી હતી. આ ઉપરાંત આઝાદી સાથેની અન્ય ઘટનાઓ અને પંજાબમાં થયેલા સંઘર્ષો વર્ણવ્યા છે. નવી ટેકનોલોજી મુજબના થ્રીડી નમુના તૈયાર કરાયા છે અને ઓડિયો-વિડીયો દ્વારા ગેલેરીઓ વધારે માહિતીપ્રદ બનાવાઈ છે.

શહીદ કૂવો

અંગ્રેજોએ ગોળીબાર શરૃ કર્યો એટલે અંધાધૂંધી મચી. બાગમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ હતો. એટલે ગોળીથી બચવા કેટલાક લોકોએ કૂવામાં કુદકો મારવાનું પસંદ કર્યું. હત્યાકાંડ પછી કૂવામાંથી ૧૨૦ મૃતદેહો મળ્યા હતા. ‘શહીદી કૂવા’ના નામે આજેય એ કૂવો કુરબાનીની સાક્ષી પૂરે છે. તેના ઉપર બાંધકામ કરાયું છે, બાગની મુલાકાતે આવતા લોકો કૂવામાં ડોકિયું કરીને દેશવાસીઓની કુરબાનીનો તાગ મેળવે છે. કૂવામાં પાણી નથી, શહીદોના સૂકાયેલા આંસુ છે.

શહીદી દીવાલ

ડાયરની ફોજે થોડી મિનિટોમાં ૧૬૫૦ રાઉન્ડ કારતૂસ ફાયર કર્યા હતા. બાગમાં હજારો લોકો હતા માટે આડેધડ ગોળીઓ છૂટી. એમાંથી ઘણી ગોળીઓ દીવાલમાં લાગી. ઈંટોના ભડદા ઉખડી ગયા. એ નીશાનીઓ પછી સાચવી રખાઈ. દીવાલમાં દેખાતા એ ખાડા હકીકતે તો દેશના દીલ પર પડેલા દર્દના નિશાન છે. તેને લાકડાની ફ્રેમથી રક્ષિત કરાયા છે કે જેથી એ જોનારાં પ્રવાસીઓને તે દિવસની ઝાંખી થઈ શકે.

શહીદ સ્મારક

બાગની વચ્ચે જ કદાવર શહીદ સ્મારક ઉભું કરાયું છે. પ્રવાસીઓ ઈચ્છે તો અહીં શહીદોને અંજલિ આપી શકે છે. અહીં શહીદ જ્યોત પણ પ્રગટાવાય છે. આસપાસ જળાશય અને ફૂલવાડી છે જે સ્થળને વધારે સુંદરતા આપે છે.

પાર્ટિશન મ્યુઝિયમ

અફઘાનિસ્તાનમાંથી લોકો હિજરત કરી રહ્યા છે. ભારતના ભાગલા થયા ત્યારે જગતના ઈતિહાસમાં ક્યારેય ન થઈ હોય એવી હિજરત થઈ હતી. એ હિજરતના મહત્વપૂર્ણ કેન્દ્રોમાં એક અમૃતસર હતું કેમ કે એ સરહદની નજીક છે. માટે અમૃતસરમાં પાર્ટિશન મ્યુઝિયમ  બનાવાયું છે. ૨૦૧૭માં ખુલ્લું મુકાયેલા સંગ્રહાલયમાં હિજરતની દર્દનાક તસવીરો, ભાગલને લગતા દસ્તાવેજો, કથાઓ, સાહિત્ય વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે.

આ બાગ હવે પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકો માટે જોગર્સ પાર્ક પણ છે. સવારના છ વાગે ખુલી જાય એ પછી અસંખ્ય લોકો તેમાં વોકિંગ કરવા પણ આવે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *