જેસલમેર ભાગ-2 : ‘અમે સૌથી પ્રામાણિક પ્રવાસ આયોજક છીએ!’

જેસલમેર – ભાગ-1ની લિન્ક

સોનાર કિલ્લો અને રણની સુવર્ણરેત દુનિયાભરના પ્રવાસીઓને જેસલમેર આવવા મજબૂર કરે છે.

જેસલમેરની મૂળ ઓળખ ‘હવેલીના શહેર’ તરીકેની છે. અહીં નાની-મોટી ઘણી હવેલીઓ આવેલી છે અને એમાંથી બે-ત્રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અમે સવારમાં ઊઠી બજારમાં ચા-પાણી પતાવ્યા પછી હવેલી તરફ આગળ વધ્યા. હવેલી દસેક વાગ્યે ખૂલતી હતી.

અમે સૌથી પહેલાં ‘પટવા હવેલિયા’ નામના મહેલમાં પહોંચ્યા. અહીંની રાજપૂત હવેલીઓ તેના અદ્ભુત નકશીકામ માટે જાણીતી છે. દરેક હવેલી સાથે મ્યુઝિયમ જેવું પણ ખરું, જે પ્રવાસીઓને ઇતિહાસ સુધી દોરી જાય. હવેલી અને સાંકડા રસ્તા પર એમાંથી બહાર નીકળતા ઝરૃખા. એટલે બે હવેલી રસ્તાના સામસામે કાંઠે હોય તો પણ તેમના ઝરૃખા તેમને વધારે નજીક લાવી દે. અત્યંત બારીક કહી શકાય એવી કોતરણી સદીઓ પછી હજુય ટકી રહી છે, તૂટ-ફાટ નથી થતી એ જ સૌથી પહેલાં તો પ્રભાવિત કરે. ખાસપ્રકારની બારી, કલાત્મક દરવાજા, રજવાડી પડદા, જમીન પર પાથરેલા આલીશાન ગાલીચા, બેલ્જિયમના કાચ, હાથીદાંત પર નકશીકામ…અમે એક જ હવેલી જોઈ ત્યાં તૃપ્ત થયા. એક પછી એક બધી હવેલીમાં દોડાદોડી કરવા કરતાં અમને એક હવેલીમાં પૂરતો સમય આપવો વધારે ઠીક લાગ્યું.

હવેલીઓની ગલી

હવેલીસાથેના સંગ્રહાલયમાં પહોંચ્યા ત્યાં વળી નવી દુનિયા ખૂલી. એ વખતની એટલે કે રાજપૂત યુગની મોટા ભાગની ચીજો કાચની પાછળ જેમની તેમ જાળવી રખાઈ છે. પ્રવાસીઓ તેને નિરાંતે જોઈ શકે છે. દરેક હવેલી કે દરેક ઓરડાની રચના એવી રીતે કરવામાં આવી છે કે ગરમી-ઠંડીનું બૅલેન્સ જળવાઈ રહે છે. એટલે ફરતું રેતીથી ઘેરાયેલું હોવા છતાં જેસલમેર ગમે એટલું તપે, અંદરનું તાપમાન માફકસરનું જ રહે છે. આ હવેલીઓ સવારના 9થી સાંજના 5 સુધી ખુલ્લી રહે છે.

હવેલીમાં મ્યુઝિયમ પણ છે. જૂના જમાનાના વજનિયાં.

એ બધું ફરી લીધું ત્યાં સુધીમાં બપોર થયું. વિનયભાઈ પહેલેથી સારી રેસ્ટોરાં બતાવી રાખી હતી. અગાસી પર શમિયાણા જેવું બાંધકામ કરી જમીન પર ગાદી-તકિયા પર જમવા બેસવાનું હતું. એ રજવાડી પ્રકારની વ્યવસ્થા હતી. કેટલાક દેશી-પરદેશી પ્રવાસી અમારી પહેલાથી જ ત્યાં ગોઠવાયેલા હતા. અમારું ભોજન પણ આવ્યું. અમારા એક મિત્ર આરોગ્ય અંગે ચિંતિત હતા માટે શું ખાવું, શું ન ખાવું એ સૂચના પાસ કર્યા કરતા હતા. પણ કોઈ માને તો ને!

પરંપરાગત રાજસ્થાની ચીજો અહીં મળતી હોવાના બૉર્ડ ઠેર ઠેર માર્યા હતા. એ અસલી કે નકલી તેની તપાસમાં અમે પડયા નહીં કેમ કે અમારે શૉપિંગ નામે કશું કરવાનું ન હતું. પ્રવાસીઓને રણમાં લઈ જવાની આકર્ષક ઑફર આપતાં બૉર્ડ માર્યા હતા. એકબૉર્ડમાં તો લખ્યું હતું : ‘અમે સૌથી પ્રામાણિક પ્રવાસ આયોજક છીએ, શુદ્ધ પીવાનું પાણી આપીશું, એક ઊંટ પર એક પ્રવાસી બેસાડીશું…વગેરે વગેરે..’ જોકે આ સૂચના અંગ્રેજીમાં હતી અને એ અંગ્રેજી હળાહળ ખોટું હતું. પ્રોફેસરને નવા પ્રકારનું અંગ્રેજી ત્યાં જાણવા મળ્યું. આવા બૉર્ડનો જોકે પાર ન હતો.

ગામમાં ફરતાં ફરતાં એક નવી પરંપરા જોવા મળી. જ્યાં લગ્ન હોય એ ઘરની દીવાલ પર કંકોતરી ચીતરેલી હતી. વચ્ચે ગણેશબાપાનું ચિત્ર સાથે નાનકડો ઉંદરડો, બંને બાજુ વરવધૂના નામ, તિથિ-તારીખ, પરિવારનું નામ…વગેરે દીવાલ પર ચૂંટણી પોસ્ટર દોર્યું હોય એમ ઠેર ઠેર દોરેલાં જોવાં મળતાં હતાં. લગ્નની યાદગીરી લાંબો વખત રાખવાની એ રીત હશે.

કિલ્લાનું કામણ (Image – Rajasthan Tourism website)

જેસલમેર શહેરનો કિલ્લો ટેકરી ઉપર છે અને કુલ ઊંચાઈ તો પોણા ત્રણસો ફીટ જેટલી થાય છે. એટલે કિલ્લાની અંદર ચાલીને ફરવું જરા આકરું લાગે. સતત ઢાળ ચડવા પડે. જોકે સામે ઊતરવાના પણ આવે. અહીં આવતા પ્રવાસીઓની એવી ઇચ્છા હોય કે મહેલ જેવા વાતાવરણમાં જ રહેવું, તો એ કિલ્લાની અંદર આવેલી હોટેલ-હોમ સ્ટે પસંદ કરે. અમે પણ અદંર જ હતા. પીળા રેતિયા પથ્થરના બનેલાં મકાનો, તેની જાડી દીવાલો. બીજી તરફ જેમને સાંકડી ગલીઓ પસંદ ન હોય, હોટેલના દરવાજા સુધી ગાડી લઈ જવી હોય એ બધા કિલ્લાની બહાર બનેલા નવા શહેરમાં ઉતારા-ઓરડા કરે. દુનિયાભરના પ્રવાસીઓ આવતા હોવાથી અહીં ભોજન-રહેણાંકની સુવિધામાં અનેક વિકલ્પો મળી રહે છે.

દીવાલ પર ચિતરાયેલી કંકોતરી

જેસલમેરનો કિલ્લો ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થયેલો છે. રાતે કિલ્લા ફરતે ગોઠવેલી હેલોઝન લાઇટો ચાલુ થયા પછી કિલ્લો સોનાનો જ ગઢ હોય એમ ઝળહળી ઊઠે છે. શહેરથી જરા દૂર ‘ડેઝર્ટ નેશનલ પાર્ક’ છે અને ત્યાં કરોડો વર્ષ જૂના કાષ્ટાવશેષો પણ છે. જોકે અમે એ જોઈ શક્યા ન હતા. શહેરમાં જૈન મંદિરો પણ છે, જેમાં અમને ખાસ રસ ન હતો. અહીં નજીકમાં રામદેવરા એટલે કે રામદેવપીરનું જન્મસ્થાન પણ છે. જેસલમેર તરફ આવતા પ્રવાસીઓને જો ધર્મમાં રસ હોય તો ત્યાં પણ જતા આવે. લાખેકની વસતી ધરાવતા શહેરમાં આમ-તેમ ઘૂમવું બહુ સરળ પડે છે. ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે જેમને ભીડભાડને બદલે નોખા ચીલા ચાતરવા હોય.

આગળના પ્રવાસની વાત ત્રીજા ભાગમાં...

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *