ચાલ જેલમાં: પૈસા ચૂકવીને કરી શકાશે એક દિવસ માટે Jail Tourismનો અનુભવ, પ્રવાસ શોખીનો માટે નવો વિકલ્પ

Jail Tourism

જેલની હવા ખાવાની વાત આવે એટલે સારા સારા લોકોને પરસેવો છૂટી જાય છે. આપણે બધા બાળપણથી જે ફિલ્મો જોઇએ છે તેમાં એવા ડાયલોગ આવે છે કે, ‘જેલ કી રોટી ખાના, જેલ કી ચક્કી પિસના.’ સ્વાભાવિક વાત છે કે જેલ એ ચોર, ગુંડા અને અપરાધીઓ માટેની જગ્યા છે.  જે કે હવે એવું નથી જેલમાં જવા માટે અપરાધ કરવો કે ચોરી કરવી જરુરી નથી. તમારે જેલમાં જવું હોય તો તમે પણ જઇ શકો છો અને તે પણ ફરવા માટે. જી હા હવે ફરવા માટે પણ જેલમાં જઇ શકાય છે. જાણીને કદાચ આશ્ચર્ય થશે, પરંતુ ભારતમાં એવી ઘણી જગ્યા છે કે જ્યાં તમે જેલની ‘સજા’ નહીં પણ ’મજા’ માટે જઇ શકો છો. આ બધી જેલ જોવા જેવી છે કેમ કે તેનું બાંધકામ અત્યંત જૂનું છે અને ઐતિહાસિક છે. એટલે સામાન્ય લોક-અપ જેવી એ જેલ નથી. ખરેખર જોવા જેવી છે.

મલેશિયાના આ નાગરિકો કેદી નથી, પ્રવાસી છે!

સાંગારેડ્ડી જિલ્લા જેલ, તેલંગણા

  • સ્થળ- મેડક, હૈદરાબાદ પાસે
  • બાંધકામ વર્ષ – 1796
  • ચાર્જ – 500 રૃપિયા

હૈદરાબાદથી 96 કિમી દૂર આવેલા મેડક જિલ્લામાં એક એવી જેલ છે, જેમાંથી બહાર આવવાની નહીં પરંતુ અંદર જવા માટે પૈસા આપવા પડે છે. સાંગારેડ્ડી જિલ્લા જેલમાં જઇને 500 રુપિયા આપો અને તમે 24 કલાક જેલમાં વિતાવી શકો છો. જે લોકો આ રીતે જેલમાં રહેવા માટે આવે છે તેમને કેદીઓનો યુનિફોર્મ આપવામાં આવે છે. ઉપરાંત સાથે જમવા માટેની એલ્યુમિનિયમની પ્લેટ. અહીં રાત્રે તમને આરામદાયક ગાદલું નથી મળતું પરંતુ સામાન્ય કેદીઓ જેવો બેડ આપવામાં આવે છે.

જો જેલમાં આવ્યા હોઇએ, તો કામ પણ કરવું જ પડે ને! જેલમાં આવતા પર્યટકોને અહીં કેદીઓ માટેનું જે ટાઇમટેબલ અને દીનચર્યા હોય છે તેને અનુસરવું પડે છે. સવારે 5 વાગે ઉઠીને સેલની સફાઇ કર્યા બાદ નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ દિવસે બગીચાનું કામ અને સાફ સફાઇ પણ કરાવવામાં આવે છે.

સાંગારેડ્ડી જિલ્લા જેલ ઐતિહાસિક ધરોહર સમાન છે. આ જેલ 23 વર્ષ જૂની છે, જેને હૈદરાબાદના નિઝામ દ્વારા 1796ના વર્ષમાં બનાવવામાં આવી હતી. આ જેલને વર્તમાન સમયે મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવી છે. સાથે જ લોકો માટે એક પર્યટનનો નવતર પ્રયોગ શરુ કરાયો છે. જેના ભાગરુપે ‘ફીલ ધ જેલ’ કેમ્પઇન શરુ કરવામાં આવી છે. જેમાં પર્યટકો જેલમાં રહીને ત્યાંનો અનુભવ લઇ શકે છે.

સેલ્યુલર જેલ, અંદમાન

  • સ્થળ- આંદામાન નિકોબાર
  • બાંધકામ વર્ષ – 1906
  • ચાર્જ – 30 રૃપિયા
  • મુલાકાતનો સમય – 9થી 5
  • ઓનલાઈન બૂકિંગ – https://www.andamantourism.gov.in/etourist/index.php/home

અંદમાન દ્વિપ પર ફરવા જતા લોકો માટે સુંદર દરિયાકિનારાની સાથે એક જેલ પણ મુખ્ય આકર્ષણ છે. પોર્ટ બ્લેયરમાં બનેલી સેલ્યુલર જેલ, જેને કાળા પાણી જેલના નામથી પણ ઓળખવામાં આવે છે. આઝાદી સમયે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ સાથે આ જેલ જોડાયેલી છે. એવા કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા જેમને અંગ્રેજો દ્વારા અહીં રાખવામાં આવ્યા હતા. આ જેલને જોવા માટે અહીં દરરોજ અનેક લોકો આવે છે. એકાંત કારાવાસ માટે આ જેલને બનાવી હોવાના કારણે આ જેલનું નામ સેલ્યુલર જેલ હતું. સાંજે લાઇટ અને સાઉન્ડ શોના માધ્યમથી અહીં ભારતન આઝાદીની ગાથા દર્શાવવામાં આવે છે.

આ જેલમાં બટુકેશ્વર દત્ત અને વીર સાવરકાર જેવા અનેક સ્વતંત્રતા સેનાનીઓને કાળા પાણીની સજા મળી હતી. 1979ના વર્ષમાં આ જેલને નેશનલ મેમોરિયલ જાહેર કરવામાં આવી અને આજે આ જેલ ભારતના ઇતિહાસની સાક્ષી પુરે છે. આ જેલ રાષ્ટ્રીય સ્મારક હોવાથી તેમાં રાતવાસો કરવાની છૂટ નથી, દિવસ દરમિયન ફરી શકે છે.

આંદામાન નિકોબારના વાઈપર ટાપુ પર બીજી એક ઐતિહાસિક જેલ આવેલી છે. એ જેલ સેલ્યુલર જેટલી પોપ્યુલર નથી, પણ જોવા જેવી તો છે જ.

યરવડા જેલ

  • સ્થળ – પુના
  • બાંધકામ વર્ષ – 1871
  • ચાર્જ –  5 (સ્કૂલ વિદ્યાર્થી), 10 (કોલેજ વિદ્યાર્થી) અને 50 (અન્ય મુલાકાતી) રૃપિયા
  • સંપર્ક – એડીજી પ્રિઝન, 9823055177, 020-26682663

પુનાની યરવડા જેલ ઐતિહાસિક છે. કેમ કે આઝાદીના અનેક નેતાઓના દિવસ રાત અહીં પસાર થયા છે. 2021ની 26મી જાન્યુઆરીથી યરવડા જેલમાં પ્રવાસનની શરૃઆત કરવામાં આવી છે. ડો. આંબેડકર અને ગાંધીજી વચ્ચે પુના કરાર નામનો કરાર પણ આ જેલમાં જ આવેલા આંબાના વૃક્ષ નીચે થયો હતો. તો વળી આઝાદીના લડવૈયા ચાફેકર બંધુઓ અહીં જ શહીદ થયા હતા.

જેલ હોવાથી મુલાકાતીઓએ અગાઉથી ફોન દ્વારા પૂછપરછ કરી લેવી. રોજના મહત્તમ 50 મુસાફરોને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે આધાર કે પાસપોર્ટ જેવુ આઈકાર્ડ પણ જોઈશે. સાથે ખાવા-પીવાની સામગ્રી, સામાન, મોબાઈલ ફોન, કેમેરા વગેરે સામગ્રી પણ લઈ જઈ શકાશે નહીં.

અગૌડા જેલ, ગોવા

  • સ્થળ- અગૌડા, ગોવા
  • બાંધકામ વર્ષ – 1612
  • ચાર્જ – ફ્રી
  • મુલાકાતનો સમય – 9.30થી 6

ગોવા પ્રવાસે આવનારા મોટાભાગના પ્રવાસીઓની યાદીમાં અગૌડા ફોર્ટ હોય છે. સુંદર દરિયાકિનારો અને દિલ ચાહતા હૈ ફિલ્મના પોઝે આ જગ્યાને પ્રસિદ્ધ કરી દીધી છે. જો કે ઘણા ઓછા લોકો આ ફોર્ટ નીચે બનેલી અગુવાડા જેલ વિશે જાણે છે. થોડા સમય પહેલા આ જેલ ગોવાનો સૌથી મોટો કારાવાસ હતો.

આ જેલમાં થોડા સમય પહેલા સુધી કેદીઓને રાખવામાં આવતા હતા. ગોવામાં પ્રવાસનને ધ્યાને રાખીને આ જેલને ઐતિહાસિક ધરોહર તરીકે વિકસિત કરવામાં આવ્યો. જેના પગલે જેલમાં જે કેદીઓ હતા તેને કોલવાલે જેલમાં ટ્રાંસફર કરવામાં આવ્યા.

તિહાડ જેલ, દિલ્હી

  • સ્થળ- તિહાડ ગામ, દિલ્હી
  • બાંધકામ વર્ષ – 1957
  • ચાર્જ –  500 રૃપિયા
  • મુલાકાતનો સમય – 9-30થી 6

ભારતની જ નહીં પરંતુ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ એટલે કે રાજધાની દિલ્હીમાં આવેલી તિહાડ જેલ. આ જેલમાં અનેક હાઇ પ્રોફાઇલ કેદીઓ અને હાઇ પ્રોફાઇલ કેસ સાથે જોડાયેલ આરોપીઓને રાખવામાં આવ્યા છે. ત્યારે બહુ જલ્દી આ જેલ પણ પ્રવાસનનો ભાગ બની જશે. જેમાં તમે ફરવા જઇ શકશો સાથે જ એક રાત રોકાઇ પણ શકશો અને કેદી તરીકેનો અનુભવ લઇ શકશો. જો કે હજુ આ પ્રોગ્રામ શરુ થવામાં થડો સમય છે. જો ક અત્યારે તમે અહીં ગ્રાઉન્ડ, કેન્ટીન અને મીટીંગ હોલમાં જઇ શકો છો.

સાંભળવામાં કદાચ થોડું અજુગતું લાગે પરંતુ હવે જેલ ટુરિઝમની શરુઆત થઇ ચુકી છે. જો તમને પણ તેમાં રસ હોય તો આ જગ્યા પર જાઓ અને જેલ ટુરિઝમનો ભાગ બનો.

હિજલી જેલ

  • સ્થળ – મિદનાપોર, પશ્ચિમ બંગાળ
  • બાંધકામ વર્ષ – 1930

આઝાદીની લડત વખતે આ જેલમાં પોલીસે નિહથ્થા કેદીઓ પર ફાયરિંગ કરી હત્યા કરી હતી. એ વાતનો આખા દેશમાં વિરોધ થયો હતો. સુભાષબાબુ, રવિન્દ્રનાથ વગેરેએ એ ઘટનાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. ફરક એટલો છે કે આ સ્થળે આજે જેલ નથી, મ્યુઝિયમ બનાવી દેવાયું છે. અહીં દેશની જાણીતી સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખડગપુરની સ્થાપના થઈ હતી. આઈઆઈટી ખડગપુરનું પ્રથમ કેમ્પસ અહીં બન્યું હતું. જેલનુ નામ પણ શહીદ ભવન કરી દેવાયું છે. મહિલાઓ માટેનો અલગ વિભાગ પણ આ જેલમાં હતો.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *