રામ વાળાની ખાંભી જ્યાં આવેલી છે એ ગિરનારના જંગલમાં આવેલી બોરિયા ગાળા નામની જગ્યાએ અમે પહોંચી ગયા (જૂઓ 3જો ભાગ). ત્યાં અમને કોઈક મનુષ્ય વાતો કરતાં હોય એવો અવાજ સંભળાયો.. કોનો હતો અવાજ..
બોરિયાગાળે જઈને રામવાળાના પરાક્રમ યાદ કરતાં અમે બેઠા હતા. અહીં અમને ચા મળશે એવી આશા હતી કેમ કે નીચે બોર્ડ મારેલું હતુ. પણ એવુ કશું થયું નહીં. ગરમ ચાને બદલે ઠંડો પવન લહેરાતો હતો. બન્ને તરફ છાતી કાઢીને જાણે કદાવર ગિરનાર ઉભો હતો. ગિરનારમાં અઢળક જગ્યાઓ છે, તેનો પૂરાવો સતત મળતો રહે. કેમ કે જ્યાં જવાનો કોઈ રસ્તો કલ્પી ન શકાતો હોય ત્યાં પણ ધજા ફરફરતી દેખાય. ગિરનારને તેંત્રિસ કરોડ દેવતાના બેસણા એટલે જ તો કહેવાય છે. તેંત્રિસમાંથી જે કોઈ દેવતા અમને મદદ કરી શકતા હોય એ કરે એવી કામના કરતાં હતા.
ગિરનારના જંગલમાં વાંદરા સિવાય બીજા કોઈ સજીવો આસાનીથી દેખાતા નથી. અમારી સફર વખતે તો જાણે વાંદરા પણ આરામમાં હતા એટલે કોઈ ચહલ-પહલ દેખાતી ન હતી. એવામાં માનવરવ અમારા કાને પડ્યો.
બોરિયા ગાળાથી એ રસ્તે આગળ જતા તાતણિયો ધરો નામની જગ્યા આવે છે. નદીમાં ધરો (ઘૂનો) છે અને ત્યાં ખોડિયાર માતાનું મંદિર છે. પરંતુ એ કેટલું આગળ છે તેનો ખ્યાલ ન હતો. અવાજ સંભળાયો એટલે નક્કી થયું કે એ જગ્યા નજીકમાં હોવી જોઈએ. પહેલા એમ લાગ્યું કે બીજા કોઈ રખડવૈયાઓ આવતા હશે તેમની વાતોનો કોલાહલ સંભળાય છે. પરંતુ કોલાહલ લાંબો સમય સુધી સંભળાયો અને અવાજની માત્રામાં ખાસ વધ-ઘટ થતી ન હતી. એટલે કે અવાજ એક જ સ્થળેથી આવતો હતો. ચાલો તો એ તરફ..
રામ વાળાની ખાંભી સુધી પહોંચવાનું કામ અઘરું હતું, ત્યાંથી ઉતરવાનું કામ વધારે અઘરું લાગ્યું. ભૂગોળની ભાષામાં જેને બોલ્ડર કહેવાય એવા લિસ્સા કદાવર (25-50-75 ફીટ ઊંચા) પથ્થર અહીં ઠેર ઠેર પડ્યા હતા. એ પથ્થર પરથી સાવધાની પૂર્વક ઉતરવું પડે. ધીમે ધીમે ઉતરીને કેડી પર આગળ ચાલ્યા. બે-ચાર મિનિટ પછી જ મંદિર દેખાયુ, કેટલાક પ્રવાસીઓ ત્યાં બેઠા હતા. અમે ગયા તો બાપુએ સ્વાગત કર્યું.
ખોડિયાર મંદિર તો નદીની સામે કાંઠે પથ્થર વચ્ચે ખૂલ્લી જગ્યામાં હતુ. આખા જગતનું ધ્યાન રાખતી હોય એ ખોડલને વળી છત્રની શું જરૃર? અમે વાંસના બનેલા નાનકડા પૂલ પર થઈને ત્યાં પહોંચ્યા. દર્શન કર્યા, કદાવર પથ્થર પર થોડી વાર આરામ કર્યો પછી ત્યાંથી રવાના થવા પગ ઉપાડ્યા. ત્યાં બાપુએ રોક્યા. ઉભા રહો. કિટલીમાં ચા છે, ગરમ કરીને પી લો. અમને એ કામ માફક આવ્યું.
બોરિયા ગાળો- તાતણિયા ધરાએ જવાના બે રસ્તા છે. જૂનાગઢ તરફથી જવું હોય તો બોરદેવીથી જઈ શકાય. બીજી તરફ બિલખા તરફથી જવું હોય તો રામનાથ મંદિર પાસેથી રસ્તો આવે છે. બન્ને રસ્તે જંગલમાં ચાલવુ પડે. એ દિવસે ત્યાં બિલખા પાસેના કોઈ ગામના વાસીઓ વનભ્રમણ કરવા આવ્યા હતા. જંગલમાં આવીને એ ભજિયા બનાવતા હતા. અમને પણ ભજિયા ખાવા આમંત્રણ મળ્યું. અમે થોડી આના-કાની કરી પણ છેવટે જંગલમાં મળ્યા એ ભજિયાનું પાન કરીને પછી ત્યાંથી નીકળ્યા.
સાવધાનીપૂર્વક ચાલતા ચાલતા, જંગલના વિવિધ રંગો માણતા માણતા પોણી કલાકે ફરી બોરદેવી પહોંચ્યા. ત્યાંથી બાઈક્સ લઈને ઘરભેગા.
ખરેખર રોમાંચક લલિતભાઈ, ગિરનાર ના આવા તમારા બીજા અનુભવો પણ જાણવા ઉત્સુક, આભર