જાપાન પ્રવાસ-12 : જગવિખ્યાત માઉન્ટ ફૂઝિ દેખાશે?

માથે બરફનું શીખર, ઉપરથી શીખર થોડું કાપી નાખ્યું હોય એવો સપાટ આકાર, સરખો ઢોળાવ અને સફેદ-ગ્રે-ગુલાબી કલરના એ બેકગ્રાઉન્ડમાંથી પસાર થતી બુલેટ ટ્રેન.. જાપાનની  તસવીર જાણીતી છે. ટોકિયોના પાદરમાં આવેલો માઉન્ટ ફુઝિયામાં જાપાનની ઓળખ બની ચૂક્યો છે.

ક્યોટોના સ્ટેશન પર ટ્રેન ઉભી રહે એટલે તુરંત બારીમાંથી સામાન ઘા કરીને જગ્યા રોકવાની છે!?

ક્યોટોની સફર પુરી કરી રેલવે સ્ટેશને પહોંચ્યા. અહીં જ ભોજન લેવાનું હતુ, ટ્રેનને હજુ થોડી વાર હતી. મહિલાઓ એ સમયનો સદ્ઉપયોગ કરી શોપિંગ એરિયામાં આટાં-ફેરા કરી લીધા. ક્યોટોથી ટોકિયો સાડા ચારસો કિલોમીટર દૂર છે. વિવિધ પાંચ પ્રકારની મેગલેવ ટ્રેન આ બે શહેર વચ્ચે 2 કલાક 20 મિનિટથી માંડીને 3 કલાક સુધીમાં અંતર કાપે છે.

અમારે સૌથી ઝડપી મેગલેવ નોઝોમી-700-xમાંસવાર થવાનું હતું. બે કલાક 20 મિનિટ પછી એ અમને ટોકિયો ઉતારે. જાપાનમાં એ અમારીસૌથી લાંબી બુલેટ સફર હતી. અગાઉ બસ્સો-અઢીસો કિલોમીટરની સફર કરી હતી, પરંતુ ક્યોટો-ટોકિયો લાઈન જેટલી નહીં. એ રસ્તે વળી માઉન્ટ ફુઝિયામા પણ દેખાય એટલે એજોવાનો ઉત્સાહ ઊછળ-કૂદ કરતો હતો.

ચાલુ ટ્રેને લેવાયેલી તસવીર.

ચાર વાગ્યા પછીની હતી એ ટ્રેન આવી એટલે અમે સવાર થયા. બે મિનિટના હોલ્ટ પછી રવાના થઈ ગઈ. સ્ટેશન પુરું થાય એ પહેલા જ બુલેટ ટ્રેન સ્પીડ પકડવાની શરૃઆત કરી દે છે. આ ટ્રેન બે-ત્રણ મહત્ત્વના સ્ટેશન સિવાય ક્યાંય હોલ્ટ કરવાની ન હતી. વળી કરે તો પણ અંદરના મુસાફરોને કશો ફરક પડવાનો હોય નહીં.

મને ખાસ ઉતાવળ માઉન્ટ ફુઝિ જોવાની હતી. પરંતુ ઈકુકોએ એ ઉતાવળ પર ધિરજ ફેરવતાં કહ્યું કે ટોકિયો નજીક આવશે ત્યારે જોવા મળશે. માટે દોઢ કલાક સુધી ભાર દઈને બેસી રહો. ત્યાં સુધી ટ્રેનમાં આમ-તેમ આંટામારી કરામત જોવાનો પ્રયાસ કર્યો. અમુક ડબ્બા વચ્ચે સ્મોકિંગ ઝોન, જ્યાં જઈ બીડી-સિગાર પી શકાય. મોટાં, ખાસ્સા મોટા અને જાતભાતની સુવિધા ધરાવતા ટોઈલેટ. નાનુ બાળક હોય તો તેના માટે સુવડાવાની પણ સગવડ.. વગેરે ટ્રેનની મુસાફરી વધારે મજેદાર બનાવતી સુવિધા નોઝોમી સહિતની વિવિધ બુલેટ ટ્રેનમાં છે.

ટોકિયો રેલવે સ્ટેશનનો એક ભાગ

ઘડી વાર દરવાજે ઉભા રહી બહારના દૃશ્યો જોયા. દરવાજા ખુલે નહીં એટલે લટકીને બહાર જોવાનો તો ભારતીયોનો પ્રિય શોખ અહીં પુરો ન થાય. એ રીતે સ્ટેશનેથી કોઈ ફેરિયા પણ ગરમાગરમ ચાય.. કરતા ચડે નહીં. આપણે ત્યાં પણ બુલેટ શરૃ થશે ત્યારે આટલી તકલીફ તો રહેવાની.

એક પછી એક ટનલ અને ટેકરીઓનો વિસ્તાર શરૃ થયો એટલે ખ્યાલ આવ્યો કે હવે જોવો છે એ પર્વત આવશે. બાકી નાની-મોટી ટેકરી તો ઘણી દેખાતી હતી. 12 હજારથી વધારે ફીટ ઊંચો ફુઝિ જાપાનનો સૌથી ઊંચો પર્વત છે. આફ્રિકાના માઉન્ટ કિલિમાન્જારો જેવો જ તેનો દેખાવ આવે છે. વર્ષના પાંચેક મહિના તેના પર બરફ જામેલો રહે એટલે જાણે આઈસક્રિમનો કોન ગોઠવ્યો હોય એવુ લાગે. જાપાન પાસે કુલ 3 પવિત્ર પર્વત છે, તેમાં એક ફુઝિ પણ છે.

ફૂજિયામાના વિવિધ સ્વરૃપ, જેમાંથી એકાદ પણ જોવા મળી જાય એ માટે હું ઊંચા-નીચો થતો હતો..

એક સમયે ફુઝિ જ્વાળામુખી હતો. હવે ઠરી ગયોછે, પરંતુ ગમે ત્યારે ફૂંફાડો મારી શકે. કેમ કે છેલ્લે 300 વર્ષ પહેલા જ જ્વાળા ઓકી હતી. એ બધુ તો બરાબર છે, પણ આવશે ક્યારે.. બારીમાંથી મારી નજર સતત પર્વતને શોધી રહી હતી. નજીક પહોંચ્યા ત્યારે મિસ્ટર ફુકુશિમાએ કહ્યુ કે દેખાય એવુ લાગતુ નથી કેમ કે વાદળ છવાયેલા છે! તો પણ નજર ટેકવી રાખીએ..

લગભગ પંદર-વીસ મિનિટ સુધી બહાર જોયુ, પરંતુ ફુઝિબાપા દેખાયા નહીં. લ્યો બોલો! આમ તો મને કોઈ સ્થળ જોવા ન મળે તો ખાસ અફસોસ નથી થતો. કેમ કે એક સ્થળ નથી જોયું, સામે બીજુ તો ઘણુ જોયુ છે ને! પરંતુ આ કુદરતની રચના જોવાની મને બહુ ઈચ્છા હતી, એ પૂરી ન થઈ. એટલે હું સીટમાં જઈને રીતસર ભાર દઈને બેસી ગયો.

45 માળની હોટેલ કંઈ વારંવાર તો જોવા ન મળે ને… ભારતમાં આવા ઊંચા બાંધકામ હવે બની રહ્યાં છે, તો પણ મને તો તેનું આકર્ષણ છે જ. 

થોડી વારે ટોકિયો આવવા લાગ્યું. આમ તો ફૂઝિયામા ટોકિયો શહેરથી 100 કિલોમીટર દૂર છે. પરંતુ આકાશ સાફ હોય ત્યારે ટોકિયોના ઊંચા બિલ્ડિંગોમાંથી એ દેખાયા વગર રહેતો નથી. માટે એ ટોકિયોના પાદરમાં ઉભેલા અવધૂતજેવો લાગે છે. ટોકિયો ઉતર્યાં ત્યાં સુધીમાં સાંજ થઈ હતી.

45મા માળેથી ટોકિયો આવુ દેખાતું હતું. સામે દેખાય છે, એ જોડિયા ટાવર સરકારી ઓફિસ છે અને રાતે 9 પછી પણ ત્યાં કામ ચાલતું હતુ. 

અમે બીજી લોકલ ટ્રેન પકડીને અમારી હોટેલ સુધી પહોંચ્યા. ‘હોટેલ કેઈઓ પ્લાઝા’ જોઈનેજ થ્રીલ્ડ થઈ જવાય કેમ કે એ 45 માળ ઊંચી હતી. એમાં પણ અમારે તો 38મા માળે રહેવાનુંહતુ. ઉપર પહોંચીને સૌથી પહેલા મજા પડી એ ટોકિયોનું વિહંગાવલોકન કરવાની. 45મા માળે વળી ઓબ્ઝર્વેશન એરિયા તૈયાર કરાયો છે. ત્યાંથી જોયું ત્યાં ચારે બાજુ લાઈટોનું સામ્રાજ્ય છવાયેલું હતુ અને એ જોયા પછી અમને કહ્યું કે આ તો ટોકિયોનો સાવનાનકડો ભાગ છે. અસલી ટોકિયો તો આપણી બધાની કલ્પના કરતાં ક્યાંય મોટુ છે.

હોટેલમાં સામાન ગોઠવી અમે અસલી ટોકિયોનો અહેસાસ કરવા રસ્તા પર નીકળી પડ્યાં.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *