Idarના ઊંચા ડુંગર પર જોવા જેવુ શું છે?

સાબરકાંઠાના આઠ પૈકીનો એક તાલુકો ઈડર છે, પણ તેની ઓળખ તાલુકામથક કરતાં ઈડરગઢ તરીકે વિશેષ છે. એ ગઢ પર મંદિર છે, મસ્જીદ છે, દેરાસર છે, મહેલ છે અને સૌથી અનોખું પથ્થરનું સૌંદર્ય છે…

ઈડર ગામમાંથી દેખાતો નાનો ડુંગર..

અરવલ્લીની પર્વતમાળા ગુજરાતથી શરૃ થઈ દિલ્હી-હરિયાણા પાસે પુરી થાય છે. ઈડરિયો ગઢ અથવા તો ઈડરના ડુંગરોએ પર્વતમાળાનો જ ભાગ છે. ડુંગર દુરથી રળિયામણાં હોય એમ ઈડર ગઢ દૂરથી રળિયામણો છે અને નજીકથી પણ રળિયામણો છે. ઈડર શહેરના પાદરમાં આવેલો હોવાથી ડુંગર ઈડર અથવા ઈડરિયો ગઢ તરીકે જ ઓળખાય છે.

વિવિધ ધર્મસ્થાનો
નોળિયો-મનુષ્યેતર સજીવોનો પણ વાસ છે
દશે દિશાએ વિધવિધ પ્રકારના પથ્થર

ઈડરનો ગઢ તો હજાર-અગિયારસો ફીટ જ ઊંચો છે. ગિરનારની સાથે સરખામણી કરીએ તો ત્રીજા ભાગનો જ છે. ઈડરની વિશેષતા તેની ઉંચાઈ નથી, વિશિષ્ટ રીતે એકબીજાની ઉપર, અસપાસ, અડીઅડીને ગોઠવ્યા હોય એવા રતુમડા, સોનેરી, ગેરુ કલરના પથ્થર છે. દરેક ડુંગર પથ્થરનો જ બનેલો હોય, પણ ઈડર ગઢ કદાવર પથ્થરનો બનેલો છે. એટલે થોડી ઊંચાઈ પછી વન્સપતિનું પ્રમાણ સાવ નહિવત્ છે. તેના કારણે પણ ઈડર ગઢનો દેખાવ અતિ વિશિષ્ટ છે.

સ્ટોન અને માઈલસ્ટોન
મુખ્ય સીડીની આસપાસ આવેલા અન્ય સ્થળો
સન સેટ પોઈન્ટ.. જોકે તેના પર ચડવું કઠીન છે

હિમાલયના પહાડો સફેદ હોય, ગિરનારનો કલર કાળાશ પડતો છે, તો ઈડર રાતોચોળ.

ગઢની ટોચે વિશાળ પથ્થર ગોઠવાયો છે અને તેના પર વળી નાનુ બાંધકામ થયેલું છે. એટલે દરિયાકિનારે રેતીનો ઢગલો કરીને માથે રકમડું ગોઠવી દીધું હોય એવો પણ દેખાવ આવે છે. ઈડર આસપાસ તો ઘણા ડુંગર છે પણ આપણે વાત કરવાની છે ઈડરિયા ગઢની..

આખો મહેલ ભારે રસપ્રદ છે. અનેક બારી, દરવાજા, આવન-જાવનના માર્ગો.. જોકે તેના વિશે માહિતી આપતું એકેય બોર્ડ નથી

ઈડર જતાં પ્રવાસીઓ માટે ટિપ્સ

  • ઈડરિયા ગઢ પર વિવિધ ઊંચાઈએ વિવિધ સ્થળ આવેલા છે. સૌથી પહેલું સ્થળ ખંડેર જેવી હાલતમાં ઉભેલો મહેલ છે. એ મહેલ સુધી પહોંચવાના બે રસ્તા છે. એક રસ્તો ગામ તરફથી તળાવ પાસેથી આવતાં પગથિયાંનો છે. બીજો રસ્તો પાછળની તરફ આવેલો રોડ છે. એ રોડ દ્વારા અમુક ઊંચાઈ સુધી વાહન લઈને પહોંચી શકાય છે. વાહન લઈને પહોંચ્યા પછી ચાલીને મહેલ સુધી જઈ શકાય છે.
  • એ રસ્તે મહેલ પહેલા જૈન દેરાસર, મસ્જીદ, મસ્જીદ પાસે પાણીનો એક કુંડ, વિવિધ મંદિર આવે છે. પ્રવાસીઓ પોતાના રસ પ્રમાણે બ્રેક લઈ શકે છે.
  • મહેલ શેનો છે, ક્યારે બન્યો, તેની કોઈ માહિતીનું બોર્ડ ઈડરના સ્થાનિક સત્તાધિશોએ કે પછી ગુજરાત ટુરિઝમે મુક્યું નથી.
પથ્થર કે સનમ
સૌથી ઉપર આવેલો રૃઠી રાણીનો મહેલ..
  • મહેલ  ખંડેર છે, પણ જાજરમાન છે. અનેક દરવાજા, ઉપર-નીચે લઈ જતી સીડી, ગુપ્તદ્વારો, ભોંયરા, બારી, ઝરૃખા… એવી રચનાઓનો પાર  નથી. ખાસ તો ભુલભુલામણીની માફક અહીંથી ઘૂસી ત્યાં નીકળવું, ડાબી તરફથી પ્રવેશી છેક જમણી બાજુ ક્યાંક ડોકું કાઢવું, એકબીજાને શોધવા આમ તેમ ભટકવું… વગેરે અનુભવ મહેલની સફર મજેદાર બનાવે છે.
  • તળાવ પાસેથી પગથિયાં ચડીને આવનારાઓને પહેલો ભેટો આ મહેલનો થશે. એ પગથિયાંની સંખ્યા પણ 500થી વધારે નહીં હોય. ટૂંકમાં ચડવું ખાસ મુશ્કેલ નથી.
  • અહીંથી આગળનો રસ્તો કઠીન છે અને 90 ટકા પ્રવાસીઓ આગળ વધતા પણ  નથી. કેમ કે પછી પગથિયા ચડવાના છે એ પણ અતિ આકરા. ઉપરના ભાગે પથ્થર પર રૃઢી રાણીનો મહેલ જોવા મળે છે. મહેલ સુધી પહોંચવું કઠીન કે સરળ એ પ્રવાસીઓ માત્ર ઊંચી ડોક કરીને જ નક્કી કરી લે છે.
ઐતિહાસિક બાંધકામ અને તેમાં અપલખણી પ્રજાએ કરેલું ચિત્રકામ
  • રતુમડા પથ્થર પર દેખાતો કાળો મહેલ રૃઠી રાણીના મહેલ તરીકે ઓળખાય છે. ત્યાં પહોંચ્યા પછી વળી ઈડર અને આસપાસના વિસ્તારનું જો સૌંદર્ય જોવા મળે એ અવર્ણનિય છે.
  • ઈડરિયો ગઢ મૂળભૂત રીતે પથ્થરનું સૌંદર્ય છે. ગમે તે દિશામાં જૂઓ, ગમે તે પથ્થર પર નજર નાખો એમાં કોઈ આકાર-પ્રકાર જોવા મળે છે.
  • બીજો મોટો ફાયદો એ કે વિવિધ નાના-મોટા ટેકરા પર જઈ શકાય છે. ક્યાંક જવાના પગથિયાં છે, ક્યાંક પગદંડી છે, ક્યાંક પથ્થરિયો માર્ગ છે અને ક્યાંક એવું કંઈ નથી. છતાં સાહસિક સ્વભાવના પ્રવાસીઓ પોતાની રીતે મારગ કંડારી લે છે.
  • આવા પથ્થર પર ચડતી-આગળ વધતી વખતે થોડી સાવધાની જરૃરી છે.
ગુપ્ત દરવાજા તરફ લઈ જતી સીડી
  • ઈડર ગઢને સારી રીતે માણવો હોય તો સવારથી સાંજ સુધીનું આયોજન કરવું જોઈએ. સાંજે કોઈ એકાદ ઊઁચા પથ્થર પરથી સૂર્યાસ્ત જોવા જેવો હોય છે.
  • ડુંગર પર એક દુકાન છે, જ્યાં થોડા-ઘણા નાસ્તાના પેકેટ વગેરે મળે છે, બાકીની પાણી સહિતની સામગ્રી સાથે લઈ જવી. આખો દિવસ રોકાવવું હોય તો ભોજન-સામગ્રી પણ એ પ્રમાણે સાથે રાખવી.
વનસ્પતી પાછળ છૂપાયેલા બાંધકામો પણ છે
  • ઈડરનો ઉનાળો પ્રખ્યાક કે કુખ્યાત છે, કેમ કે ઉનાળામાં ગુજરાતના સૌથી ગરમ સ્થળોમાં ઈડરનો સમાવેશ થાય છે. ચોમાસામાં પથ્થર લપસણા બની ગયા હોવાથી, પગથિયાં સિવાયના સાહસો કરી શકાતા નથી. એટલે ઇડરની મુલાકાત માટે શિયાળાથી ઉત્તમ કોઈ ઋતુ નથી.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “Idarના ઊંચા ડુંગર પર જોવા જેવુ શું છે?”

  1. ખૂબ સરસ માહિતી મળી. ગુજરાતના આવા ધણાં બધાં સ્થળો છે તેના વિશે આવી નાની વાત જણાવી શકાય. જેથી લોકો ગુજરાતને તેમજ ગુજરાતી ઓને પણ સારીરીતે જાણી શકે માણી શકે. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *