Ramappa : પથ્થરમાં તરી શકતી ઈંટો વડે બનેલું વર્લ્ડ હેરિટેજ મંદિર.. જાણો તેના વિશેની રસપ્રદ વિગતો

યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું લેટેસ્ટ જાહેર થયું છે. તેમાં ભારતના બે સ્થળનો સમાવેશ કરાયો છે. એક સ્થળ એટલે કચ્છમાં આવેલી ચાર-સાડા ચાર હજાર વર્ષ જૂની પુરાતત્વીય સાઈટ ધોળાવીરા. બીજું સ્થળ દક્ષિણ ભારતમાં તેલંગાણામાં આવેલું રામપ્પા અથવા રુદ્રેશ્વર મંદિર. વર્લ્ડ હેરિટેજ જાહેર થયા પછી તેની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ઓગસ્ટના પહેલા રવિવારે જ ૧૫ હજારથી વધારે લોકોએ મંદિર કોમ્પલેક્સની મુલાકાત લીધી હતી.

રામપ્પા મંદિર 13મી સદીમાં એટલે કે આઠસો વર્ષ પહેલા બનેલું છે. વારંગલથી અંદાજે 75 કિલોમીટર દૂર આવેલા આ મંદિર વિશે મધ્યયુગીન પ્રવાસી માર્કો પોલોએ લખ્યું હતું કે ડેક્કન (દક્ષિણ ભારત)માં આવેલા અનેક મંદિરોમાં આ સૌથી સમૃદ્ધ મંદિર છે. તો પૂર્વ વડા પ્રધાન નરસિંહમાં રાવે આ મંદિરની મુલાકાત લીધા પછી નોંધ્યુ કે તેની ભવ્યતા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એટલું જ નહીં શિલ્પકારો અને ઈતિહાસવિદો ગમે તેટલા મથે તો પણ મંદિરની કળા-કારીગરીનો પાર પામી શકે એમ નથી. એટલુ જ નહીં તેમણે આખો લેખ મંદિરના સ્થાપત્ય વિશે લખ્યો હતો. એ વખતે તેઓ વડા પ્રધાન હતા. વડા પ્રધાન હોવા છતાં મંદિરના સ્થાપત્યમાં રસ લઈ લખ્યું એ જ દર્શાવે છે કે મંદિર કેવું ભવ્ય હશે. મંદિર માટે નરસિંહમાં રાવને વિશેષ લગાવ હોવાનું બીજું કારણ એ કે તેમનું જન્મસ્થળ મંદિરથી 50 કિલોમીટર પણ દૂર ન હતું.

કકાટિયા શૈલીનું સ્થાપત્ય

આ વિસ્તારમાં એક સમયે કકાટિયા વંશનું શાસન હતું. કકાટિયા રાજવીઓ કળા પ્રેમી હતા અને ઉત્તમોત્તમ શીલ્પો કરી-કરાવી જાણતા હતા. બાંધકામ વખતે તેઓ ત્રણ ટી અનુસરતા હતા, ટેમ્પલ, ટેન્ક (જળાશય) અને ટાઉનશિપ. એ ત્રણેય અહીં હતા. સૌથી પહેલા તળાવ બાંધતા જે અહીં છે. પછી મંદિર જે ધાર્મિક-સાંસ્કૃતિક-સામાજીક પ્રવૃત્તિનું કેન્દ્ર બનતું. એ પછી આસપાસ શહેર આપોઆપ વિકસતું.


આ સમગ્ર વિસ્તારમાં ઘણા બાંધકામો છે, જેમાં કાકતિયા શિલ્પ શૈલી જોવા મળે છે. 2014માં હેરિટેજ સમિતિને મોકલાયેલા કામચલાઉ લિસ્ટમાં રામપ્પા મંદિર ઉપરાંત હજાર પિલ્લર ધરાવતું હનુમાકોંડાનું મંદિર અને સ્વયંપ્રભુ મંદિર-કિર્તી તોરણનો પણ સમાવેશ કરાયો હતો. આ મંદિર કાકતિયા રાજા ગણપતિ દેવાના કાળમાં તેના લશ્કરી અધિકારી રૃદ્રા રેડ્ડીએ બંધાવ્યુ હતું. એમના વિશેનું લખાણ મંદિરના જ એક મંડપ નીચે આવેલા પિલ્લરમાં કોતરાયેલું છે.

આ મંદિર શિવાલય છે અને તેનું બીજું નામ રૃદ્રેશ્વર મંદિર પણ છે. શિવજી આકળ પથ્થરમાંથી કોતરાયેલો કદાવર નંદી છે. નંદીને જોતાં લાગે કે જાણે આપણી સામે જ જૂએ છે. જ્યારે જાણકારી મળે કે નંદી અહીંથી મળેલા એક જ પથ્થરમાંથી કોતરેલો છે, ત્યારે તેના તરફ જોવાની આપણી દૃષ્ટિમાં પણ માન વધી જાય. મંદિરમાં શિવલિંગ ૯ ફીટ ઊંચુ છે.

એ વખતની મહિલાઓ કદાચ હાઈ-હીલ સેન્ડલ પહેરતી હશે કે એવી કોઈ ફેશન હશે એ આ શિલ્પ પરથી સમજી શકાય છે.


જોતાં ખ્યાલ ન આવે કદાચ પણ આખુ મંદિર સ્ટાર આકારના 6 ફીટ ઊંચા પ્લેટફોર્મ પર બનેલું છે. એ પ્લેટફોર્મ ડ્રોન ફોટોગ્રાફી દ્વારા જ જોઈ શકાય. આ મંદિરનું બાંધકામ સેન્ડ બોક્સ કહેવાતી ટેકનિક મુજબ થયું છે. એટલે કે પથ્થર વડે ફરતી બાજુ બોર્ડર (બોક્સ) બનાવી વચ્ચે રેતી ભરી દેવી. રેતી લાગે નરમ પણ એ સેંકડો ટન વજન ખમી શકે છે. મંદિરની દીવાલો ગ્રેનાઈટ, ડોલેરાઈટ, રેતીયા પથ્થરો વડે બની છે. રેતીયા પથ્થરના પિલ્લરો છે, તો તેના પર ગ્રેનાઈટના શિલ્પો છે. તેના કારણે કલરની મેળવણી પણ આપોઆપ થાય છે. શીખરનું બાંધકામ ઈંટો દ્વારા થયું છે. એવી ઈંટો જો પથ્થરમાં તરી શકે. રામયણમાં સેતુબંધ માટે જે રીતે તરી શકે એવા પથ્થર વપરાયા હતા એવી ઈંટો પણ એ જમાનામાં ખાસ રીતે બનાવાતી. એ માટે નજીકના જંગલમાંથી મળતો ગમ વપરાતો હતો.

જતાં પહેલા જાણી લો

  • મંદિર વારંગલથી ૭૦ કિલોમીટર દૂર, જયારે હૈદરબાદથી ૧૬૦ કિલોમીટરના અંતરે છે.
  • વારંગલથી બસ અને ટેક્સી સહિતના વાહનો મળી રહે છે.
  • મંદિર તમામ દિવસોમાં સવારના ૬થી સાંજના ૬ સુધી ખુલ્લું રહે છે.
  • નજીકમાં જ Haritha Lake View Resort  છે જ્યાં રેસ્ટોરાં તથા ઉતારાની સગવડ છે.
  • પ્રવેશ માટે કોઈ ફી નથી.

મંદિર તેમાં રહેલા ઈશ્વરના નામે ઓળખાય કે પછી તેને બનાવનારા રાજારાણીના નામે ઓળખાય એવા કિસ્સાઓનો ઈતિહાસમાં પાર નથી. પરંતુ આ મંદિર એવુ છે, જે તેના શિલ્પકાર રામપ્પા સ્થપતિના નામે ઓળખાય છે. ભારતમાં આવુ મંદિર આ એકમાત્ર છે. રામપ્પા વળી કર્ણાટકના વતની હતા, તેમને ખાસ મંદિર માટે જ તેડાવાયા હતા. તેમનું નામ એટલા માટે અપાયું કે મંદિર સર્જનમાં તેમણે જીંદગીનો મોટો ભાગ એટલે કે 40 વર્ષ ખર્ચી નાખ્યા હતા.

એ વિસ્તારમાં પાણીની એટલી બધી જાહોજલાલી ન હતી. કાકટિયા રાજાઓએ નાના પાયે પાણીનો સંગ્રહ થઈ શકે એવા બાંધકામો કરાવ્યા હતા. ભારતના ઇતિહાસમાં એ અજોડ ઘટના હતી. આ મંદિર પાસે રામપ્પા તળાવ છે અને ત્યાંથી મંદિર સુધી પાણી પહોંચાડતી પ્રાચીન કેનાલ પણ છે. મંદિરની આસપાસના વિસ્તારનું કુદરતી સૌંદર્ય અહીંનું બીજું મોટું આકર્ષણ છે. એટલે અહીં આવનારા પ્રવાસીઓને ઈતિહાસ, ધર્મ, ભુગોળ, પ્રકૃતિ.. એમ વિવિધ વિકલ્પો એક સાથે મળી રહે છે.

વડાપ્રધાન હતા ત્યારે જ નરસિંહમારાવે આ મંદિરથી પ્રભાવિત થઈ લેખ લખ્યો હતો


એ વિસ્તારમાં પાણીની એટલી બધી જાહોજલાલી ન હતી. કાકટિયા રાજાઓએ નાના પાયે પાણીનો સંગ્રહ થઈ શકે એવા બાંધકામો કરાવ્યા હતા. ભારતના ઇતિહાસમાં એ અજોડ ઘટના હતી. આ મંદિર પાસે રામપ્પા તળાવ છે અને ત્યાંથી મંદિર સુધી પાણી પહોંચાડતી પ્રાચીન કેનાલ પણ છે.

મંદિર તો સ્વાભાવિક રીતે અનેક નાના-મોટા શિલ્પોથી શોભે છે. દીવાલમાં હાથી છે, નૃત્યાંગનાઓ છે, સંગીતગારો છે, ઋષિમુની છે અને દેવી-દેવતાઓ તો બેશક છે જ. છત પર પણ શિલ્પોનો પાર નથી. પરંતુ એ બધામાં સંગીત અને નૃત્ય પ્રત્યેનો કકાટિયા રાજવીઓનો પ્રેમ ઉડીને આંખે વળગે એવો છે. રામાયણ, શિવપુરાણ વગેરે પ્રાચીન ગ્રંથોની કથાઓ શિલ્પ સ્વરૃપે કોતરેલી છે. મંદિરનો દરેક પિલ્લર એ રીતે વિશિષ્ટ કથા રજૂ કરે છે. એટલું જ નહીં પિલ્લર પર પથ્થર અથડાવાય તો સંગીતમય અવાજ પણ વહે છે.


વારંગલથી 70-75 કિલોમીટર દૂર પાલમપેટ ગામ આવે અને ગામ પછી આ સ્થાપત્ય આવે છે. આજે ગામની સ્થિતિ જોઈને લાગે નહીં કે ત્યાં એક સમયે ભવ્ય નગર વસતું હતું. કકાટિયા હેરિજેટ ટ્રસ્ટ દ્વારા એક દાયકાથી એટલે કે 2012થી આ મંદિરને હેરિટેજ ઓળખ આપવા પ્રયાસ ચાલતો હતો. હવે દાયકા પછી એ પ્રયાસ સફળ થયો છે.   

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *