ઉદયપુરથી પચાસેક કિલોમીટર દૂર આવેલું હલ્દી ઘાટી નામનું સ્થળ ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. મોગલ સામ્રાજ્ય સામે ભલભલા રાજા-મહારાજા માથું ટેકવતા હતા ત્યારે રાણા પ્રતાપે મસ્તક ઝુકાવવાની ના પાડી. પરિણામ? પરિણામે જે થયું એ જાણવા ચાલો હલ્દી ઘાટી..
18 જુન, 1576.
ઉત્તરેથી મોગલ સામ્રાજ્યનું સૈન્ય અને દક્ષિણેથી મેવાડના રાણા પ્રતાપના લડવૈયાઓ સામસામે આવ્યા એ જગ્યાએ સાંકડી ખીણો હતી.
લડાઈ લડવા અકબરે પોતાના સેનાપતિ રાજા માનસિંહને મોકલ્યા હતા. હાથી પર સવાર માનસિંહ, સામે ઘોડા પર સવાર રાણા પ્રતાપ. પ્રતાપના ચેતક નામના ઘોડાને હાથીની સૂંઢ આકારનું મોહરું પહેરાવાયું હતું. જેથી જંગ વખતે સામે હાથી આવે તો એને આ ઘોડો પોતાનું બચ્ચું હોવાનું લાગે. એ હુમલો ન કરે.
મોગલો પાસે હાથી મોટી સંખ્યામાં હતા. એ વચ્ચેથી રસ્તો કરતો ચેતક રાણાને આગળ લઈ જતો હતો. કેટલાક હાથીની સુંઢમાં ખડગ ભરાવેલું રખાતું હતું. એ ખડગ જેને સ્પર્શે એના શરીરના અંગો અલગ પડી જાય. ખડકનો પ્રહાર ચેતકના પાછલા પગે થયો.
સ્વામીભક્ત ચેતક ત્યાંથી ભાગ્યો. આ તરફ સેનાપતિએ રાણા પ્રતાપનો પોશાક પહેરી લીધો. તેને રાણો માનીને મોગલ સેના વ્યસ્ત રહી. એટલી વારમાં ચેતક દૂર નીકળી ગયો. પગમાંથી લોહીની ધારા વહેતી હતી, પણ જેનો માલીક શરીર પર અનેક ઘા સહન કરી શકતો હોય એ ચેતક એમ તો ક્યાંથી હાર માને?
અકબરની નજર બહુ પહેલેથી મેવાડ પર હતી, અગાઉ હુમલા પણ કર્યા હતા. પરંતુ ત્યારે મેવાડ સુરક્ષિત રહી શક્યું. મહારાણા ઉદયસિંહ (ઉદયપુરના સ્થાપક)ના અવસાન પછી પુત્ર પ્રતાપ ગાદી પર આવ્યા. 1572માં જ્યારે રાજતિલક થયું ત્યારે જ પ્રતાપને ખબર હતી કે વહેલા મોડું મોગલો સામે લડવાનું છે. માટે એ તેની તૈયારીમાં જ હતા. છેવટે એ જ થયું. બન્ને સૈન્ય સામસામે આવ્યા અને લોહીના ફૂવારા ઉડવાના શરૃ થયા. જોવાની વાત એ હતી કે મોગલ સેનાપતિ રાજા માનસિંહ હતા તો રાણાના સેનાપતિ પઠાણ હાકેમખાન હતા.
યુદ્ધની કથા તો લાંબી છે અને એ હલ્દી ઘાટીના સંગ્રહાલયમાં ફિલ્મ-શિલ્પ સ્વરૃપે દર્શાવવામાં આવે છે. માટે તેની વાત કરવાને બદલે અહીં એ સ્થળોની તસવીરો રજૂ કરી છે.
આ સ્થળ મુલાકાત લીધેલી છે, ઇતિહાસ સમજવા માટે સારી જગ્યા છે. જો કે 2017 માં એવા સમાચાર વાંચ્યા હતા કે રાજસ્થાન સરકાર ઇતિહાસ બદલી ને રાણા પ્રતાપ ને આ યુદ્ધ ના વિજેતા જાહેર કરવાની તૈયારી માં છે. https://www.hindustantimes.com/india-news/rajasthan-to-rewrite-history-books-maharana-pratap-defeated-akbar-in-haldighati/story-XCSutwgOCKjkPezLaENf4J.html