આ ગામમાં કોઈ પ્રકારની કારને એન્ટ્રી નથી, માટે એ બન્યું જે જોવાં જેવું

ભારત ગામડાઓનો દેશ છે પણ ગામડાઓની સતત અવગણના થતી હોય છે. એ વચ્ચે કેટલાક ગામોએ પ્રવાસનની દિશામાં નામ કાઢ્યું છે. જોકે આજે ભારતની નહીં નેધરલેન્ડના ગામ ગિથૂર્નની વાત કરવી છે. આ ગામની ગણતરી જગતના સૌથી સુંદર છે અને પ્રદૂષણમુક્ત વિલેજીસમાં થાય છે. પ્રદૂષણમુક્ત અને સુંદર છે, કારણ કે ત્યાં ધૂમાડો નથી, ઘોંઘાટ નથી. ધૂમાડો અને ઘોંઘાટ નથી કેમ કે એ ગામમાં કાર અને તેનાથી મોટા વાહનો માટે પ્રવેશબંધી છે!

અહીં આવનારાઓએ ગામમાં પ્રવાસ કરવો હોય તો હોડી, પગપાળા કે પછી બાઈક દ્વારા જ કરી શકાય એમ છે. આખુ ગામ નહેરના બન્ને કાંઠે વસેલુ છે અને ગામના રસ્તા નહેરમાં ફેરવી નંખાયા છે. લોકોના ઘરે બાઈક અને કાર પાર્ક થયેલી પડી હોય એમ અહીં બાઈક-સાઈકલ ઉપરાંત હોડી પાર્ક થયેલી હોય છે.

આ ગામ ૧૩મી સદીમાં સ્થપાયેલું છે. એક સમયે નેધરલેન્ડ (હોલેન્ડ) પણ બ્રિટિશરોની જેમ ઘણા દેશો પર શાસન ધરાવતું હતું. નેધરલેન્ડનો ઈતિહાસ બહુ જૂનો છે. તેનું પ્રાચીન અને પરંપરાગત ગામ કેવું હોય તેનો આ નમુનો છે. આ ગામના જળમાર્ગ પાછળ પણ કુદરતની એક કરામત કારણભૂત છે. એક વખત ખુબ વરસાદ પડયો અને પૂર આવ્યું. એ પૂર ચાલુ જ રહ્યું. નજીકમાં જંગલ છે ત્યાંથી સતત પાણી ગામમાં આવતું રહ્યું. એટલે ગામવાસીઓએ હોડીની સફરનો રસ્તો અપનાવી લીધો. આજે એ રસ્તો ફેશન બની ગયો અને હવે તો વર્ષે દોઢ-બે લાખ પ્રવાસીઓ ખાસ કારમુક્ત ગામની સફરે આવે છે. સફાઈના ગામવાસીઓ પહેલેથી આગ્રહ છે, માટે કોઈ સ્વચ્છતા મિશન શરૃ કરે કે ન ગરે દરેક ઘર સુંદર છે, આંગણામાં બગીચો છે, ફૂલ-છોડ અને 176 જેટલા નાના-નાના પૂલ છે, જે નહેર ઠેકવા માટે કામ લાગે છે.

અહીં મોટે ભાગે વર્મીકમ્પોસ્ટ જેવા ખાતરનું ઉત્પાદન થાય છે. ગામવાસીઓ માટી ખોદીને ખાતર અલગ કરતાં રહે છે. તેના કારણે ઠેર ઠેર ખાડા થયા છે અને પાણી તેમાં ભરાયેલું રહે છે. રસ્તા પર દિશાદર્શક એરા માર્યા હોય એમ અહીં નહેરમાં પણ એરા મારેલા છે. ગામની નહેરો આખો દીવસ ભરેલી રહે છે, કેમ કે લોકો એક યા બીજા કામે આમ-તેમ ફરતાં રહેતા હોય છે. ઈટાલિનું વેનિસ શહેર પણ આ રીતે તેના જળમાર્ગને કારણે જાણીતું છે. માટે આ અઢી હજારની વસતી ધરાવતા ગામને લિટલ વેનિસ અથવા નેધરલેન્ડનું વેનિસ કહેવામાં આવે છે.

  • નેધરલેન્ડના પાટનગર આર્મસ્ટર્ડમથી આ જગ્યા 121 કિલોમીટરના અંતરે આવેલી છે. ટેક્સી ઉપરાંત બસ અને ટ્રેન દ્વારા પણ ત્યાં જઈ શકે છે.
  • સામાન્ય રીતે એક ગ્રૂપમાં 8થી વધારે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો  નથી.
  • ગામને ચાલીને ફરવા માટે 4.3 કિલોમીટરનો વોકિંગ રૃટ છે. ગામ આસપાસ ફરવું હોય તો 15.3 કિલોમીટરનો બીજો મોટો રૃટ પણ છે.
  • સાયકલિંગ કરવું હોય તો એ માટે 40 કિલોમીટરનો રૃટ તૈયાર કરાયો છે.
  • જ્યારે બોટ રાઈડના તો અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. સામાન્ય હોડી ઉપરાંત નાનકડી ક્રૂઝ પણ કેનાલમાંથી પસાર થાય છે.
  • પ્રવાસીઓ માટે અહીં મર્યાદિત હોટેલ્સ-ઉતારા છે.
  • ગામને સારી રીતે માણવા માટે 11 પહેલા ત્યાં પહોંચી જવુ જોઈએ અને સાંજના 6 સુધી રોકાવવાની તૈયારી રાખવી જોઈએ.
  • ગામને સારી રીતે જાણવા-માણવા-સમજવા માટે લોકલ ગાઈડ રાખવો જોઈએ.
  • https://giethoorntourism.com/
  • https://giethoornvillage.com/giethoorn-tips/

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *