ભાદરણની દીવાલો પર દાયકાઓથી સચવાયો છે સ્વાતંત્ર્યનો સંદેશ!

 

 

આઝાદીની લડતનાં સ્મારકો દેશમાં ઘણાં છે. આઝાદી સાથે સંકળાયેલા મહાનુભાવોનાં પૂતળાંઓનો પણ પાર નથી. ક્યાંક ખરાબ રીતે તો ક્યાંક કાળજીપૂર્વક ઊભી રહેલી સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહરોના ઢગલા છે. પણ ચરોતર વિસ્તારના ભાદરણ ગામે આઝાદીનો ઇતિહાસ અનોખી રીતે સાચવી રાખ્યો છે. અહીંની કેટલીક દીવાલો પર ‘હિન્દ છોડો ચળવળ’ વખતે લખાયેલાં સૂત્રો આજે પણ સાચવી રખાયાં છે…

 

કરેંગે યા મરેંગે

‘ગાંધીજીએ હાકલ કરેલી. એ વખતે અમે ૬ઠ્ઠા ધોરણમાં ભણતા. પણ આઝાદીની ચળવળમાં સક્રિય થયા એમાં ભણવાનું એક બાજુ રહી ગયું. રોજ સવાર-સાંજ સરઘસ નીકળે. અમે એ સરઘસમાં ભાગ લેતા, પત્રિકાઓ વહેંચતા. એ વખતે અમારી ટુકડી દીવાલો પર સૂત્રો લખવા જતી. આજે દેખાય છે, એમાંથી કેટલાંક અમે લખેલાં છે.’ ૮૭ વર્ષે પહોંચેલા જયેન્દ્ર દાદા જાણે આટલું કહેતાં આપણને ગુલામ ભારતના ઇતિહાસ તરફ લઈ જાય છે.

ભાદરણમાં રહેતા જયેન્દ્ર વૈદ્ય આઝાદીની લડતના જીવંત ગવાહ છે. એ લડતમાં એમણે લાઠીઓ પણ ખાધેલી. એ વખતના એમના બધા સાથીદારો આજે તો ઈશ્વર પાસે પહોંચી ગયા છે. જયેન્દ્ર દાદા ઉમેરે છે, “અમને એકલા જવામાં પકડાઈ જવાની બીક લાગતી એટલે ટુકડીમાં બહાર નીકળતા. એ વખતે કલેક્ટરને બદલે સૂબા હતા અને અમારું ગામ વડોદરા સ્ટેટમાં આવતું. એ વખતે અમે બહુ નાના હતા, તો પણ અંગ્રેજો આવી પહોંચ્યા એટલે અમારા પર લાઠીચાર્જ કરેલો.મેં બહુ તો નહીં પણ થોડી-ઘણી લાઠીઓ ખાધી છે. એક વર્ષ પછી સ્થિતિ જરા થાળે પડી એટલે મેં ફરી અભ્યાસ શરૂ કર્યો.”
***

૧૯૪૨ની ‘હિન્દ છોડો લડતે’ આખા દેશમાં દેશપ્રેમનો જુવાળ પેદા કરેલો. ભાદરણ પણ તેમાંથી બાકાત ન હતું. ગાંધીજીની આગેવાની હેઠળ થતી અંગ્રેજ વિરોધી પ્રવૃત્તિઓ અહિંસક હતી. માટે એ ચળવળમાં અંગ્રેજો વિરુદ્ધ સૂત્રોચ્ચાર, અહિંસક વિરોધ, દીવાલો પર સૂત્રો લખવાં, પત્રિકાઓ વહેંચવી, સભાઓ ભરવી, સરઘસો કાઢવાં વગેરે કાર્યવાહી થતી. ભાદરણમાં પણ આવું થયેલું. એ વખતના લડવૈયાઓએ ગામની દીવાલો પર ‘ક્વિટ ઈન્ડિયા’, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’, ‘ગો બેક’ જેવાં એ વખતનાં પ્રખ્યાત સૂત્રો લખ્યાં હતાં. સદ્ભાગ્યે આજે પણ એ પૈકી ઘણાંખરાં સૂત્રો દીવાલો પર સચવાઈ રહ્યાં છે. જોકે સૂત્રો એક્ઝેટ ક્યારે લખાયાં એ કોઈને ખબર નથી, પણ મોટે ભાગે એ ૧૯૪૨થી આઝાદી વચ્ચેના ગાળામાં જ લખાયાં હશે.

પોસ્ટઓફિસ પાસેના એક મકાન પર, વાડી ફળિયા નંબર-૧ની દીવાલે, કોલેજ રોડના એક મકાન પર એમ પાંચ-છ જગ્યાએ સૂત્રો અને લખાણો નજરે પડે છે. જોકે મકાનમાં રહેતા લોકોને એ સૂત્રો વિશે ખાસ ખબર નથી, કેમ કે માલિકો બદલાઈ ચૂક્યા છે, તો વળી ક્યાંક ક્યાંક મકાન માલિક પરદેશમાં રહે છે. અલબત્ત, ગામવાસીઓ પોતાના આ ગૌરવવંતા ઇતિહાસના મહત્ત્વ વિશે વાકેફ છે. એટલે જ તો કોઈ પોતાના મકાનને નવો કલર કરાવે તો પણ આ સૂત્રો ભૂંસવા દેતા નથી, કેમ કે એ હકીકતે સૂત્રો નહીં દીવાલો પર જીવતો ઇતિહાસ છે.

એ વખતે કાળા કલરથી લખાયેલાં આ લખાણો પણ એકદમ પાક્કાં છે. હાથ ફેરવીએ કે જરા-તરા ભાર દઈ ઉખેડવા કોશિશ કરીએ તો ઉખડે એમ નથી. સૂત્રો સચવાયાં છે એ સારી વાત છે, પણ તેને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે તેની કાળજી લેવી અનિવાર્ય છે. સૌથી પહેલાં તો સૂત્ર ફરતે ફ્રેમ કરી દેવી જોઈએ અને આગળ કાચ કે લોખંડની જાળી ફીટ કરી દેવી જોઈએ. જેથી કોઈ ઇચ્છે તો પણ સૂત્રોને નુકસાન ન કરી શકે અને વળી દૂરથી અહીં કશુંક છે એવી ખબર પણ પડે. આર્થિક રીતે સમૃદ્ધ ગામ આવો ખર્ચ કરે તો બેશક ગામની યશગાથામાં એક પીંછું વધારે ઉમેરાય.
***

ગુજરાતનાં આદર્શ ગામોનું લિસ્ટ તૈયાર થાય તો ભાદરણનો તેમાં સમાવેશ કરવો પડે. ગામના રસ્તાઓ સાફ-સૂથરા છે અને વળી પાકા પણ છે. દરેક ગલી-કૂંચી સિમેન્ટ અથવા ડામરથી સજ્જ છે. કોઈ પણ નાના રસ્તેથી મુખ્ય રસ્તે આવી શકાય છે. પૂર્વ સરપંચ અને ૧૦૦ વરસ કરતાં જૂની ભાદરણ બેંકના ચેરમેન શૈલેશભાઈ ગામનો પરિચય આપતાં કહે છે, ‘આ ગામ વડોદરા રાજનું ગામ હતું એટલે ગામમાં તમામ વ્યવસ્થાઓ છે. વડોદરામાં છે એમ નિઝામપુરા કે એવા બીજા વિસ્તારોનાં નામો અહીં પણ છે. એ વખતે નંખાયેલી ગટર સિસ્ટમ આજે પણ અટક્યા વગર કામ આપે છે.’

ગામનાં જુનવાણી મકાનો ગામના સૌંદર્યમાં વધારો કરે છે. કલાત્મક બાંધણી અને કોતરકામ કરેલા લાકડાઓથી સજ્જ મકાનો યથાતથ સાચવી રખાયાં છે. ગામની અડધી વસ્તી પરદેશમાં વસે છે, એટલે નવાં બાંધકામોમાં તેમની સમૃદ્ધિ નજરે પડી જાય છે. અમુક વિસ્તારો જાણે કોઈ અમેરિકાના ગામમાં ફરતા હોય એવા લાગે છે. એક સમયે ગામમાં સો-સવાસો બસો આવતી, હવે રોજની ૪૦-૪૫ જ આવે છે. એક સારા ગામમાં હોવી જોઈએ એવી તો બધી જ સગવડ ગામમાં છે. કોલેજ છે, સ્કૂલ છે, દવાખાનાં, મંદિરો, આશ્રમ, સહકારી મંડળી, શોપિંગ સેન્ટર, ગ્રામ પંચાયત, પાણીની ટાંકી વગેરેની તો નમૂનેદાર સુવિધા છે જ.

પંદરેક હજારની વસ્તી ધરાવતા ભાદરણવાસીઓ અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ મોટી સંખ્યામાં છે. મુંબઈ અને અમેરિકામાં રહેતા ભાદરણવાસીઓએ તો ત્યાં ભાદરણનગર ઊભાં કર્યાં છે! દર વર્ષે ડિસેમ્બર માસમાં ‘ભાદરણ ડે’ ઊજવાય છે. એ વખતે દેશ-પરદેશમાં રહેતા ગામવાસીઓ ભેગા થાય છે. દાદા ભગવાન (મૂળ નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ) તરીકે જાણીતા સંતનું આ મૂળ ગામ છે, એટલે દીવાલો પર ઠેર ઠેર તેમનાં વાક્યો લખેલાં નજરે પડે છે. એ સિવાય પણ દીવાલો પર ઘણું લખાયેલું છે. એ બધા વચ્ચે મહામૂલો ઇતિહાસ જળવાઈ રહે એ ભાદરણવાસીઓએ જોવાનું છે!

શાંતાબાઃ અમે સુભાષબાબુની ગાડી અટકાવેલી!

૯૦ વર્ષનાં શાંતાબા આજે તો લાકડીના ટેકે ચાલે છે, પણ નાનપણમાં આઝાદીની લડતમાં તેમનો પણ ટેકો રહ્યો છે. એક જ ઝાટકે ૭૦-૮૦ વર્ષ પહેલાંના ઇતિહાસમાં લઈ જતાં તેઓ કહે છે, ‘લાઠીઓ તો મેં પણ ખાધેલી. ૧૯૩૬માં અમે બધી બહેનપણીઓ સવાર-સાંજની ફેરીમાં જતી. પત્રિકાઓ વહેંચતી. જો અમારી પત્રિકાઓ કોઈ જોઈ જાય તો તકલીફ પડે એટલે અમે શાકભાજીના ટોપલામાં પત્રિકાઓ શાકભાજી નીચે સંતાડી દેતાં. છોકરાંઓ બોમ્બ પણ બનાવતાં.’

૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ વખતે તેઓ સ્વયંસેવક તરીકે ગયેલાં. એ વખતનો એક પ્રસંગ ભારે રસપ્રદ છે. શાંતાબા કહે છે, “એ વખતે ત્યાં બધાની ગાડીઓ આવે એને દોરી જવાનું કામ અમારું. નિયમ એવો કે કોંગ્રેસમાં આવનારા બધાની ગાડી પર ધ્વજ હોવો જોઈએ. એવામાં એક ગાડી આવી. એ ગાડી પર ધ્વજ ન હતો. અમને ખબર હતી કે ગાડીમાં કોંગ્રેસના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ છે, તો પણ અમે ગાડી રોકી. તેમને કહ્યું કે ગાડી પર ધ્વજ લગાવો પછી જ આગળ વધાશે. એટલે એમણે ગાડી પર ધ્વજ ફરકતો કર્યો પછી જ ગાડી અંદર જવા દીધી. પણ સુભાષબાબુને એ વાતનું જરા પણ ખોટું લાગ્યું ન હતું.”

સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સક્રિય રીતે જોડાયેલા હોય એ લોકોને જેલવાસ ન ભોગવ્યો હોય એવું તો કેમ બને? શાંતાબાને પણ કારાવાસ ભોગવવો પડયો છે. આઝાદી સાથે સંકળાયેલી યરવડા જેલમાં તેમણે ૩ મહિના કાઢયા છે. તેમને પ્રભાતફેરીમાંથી પકડી ૬ મહિનાની કેદ ફટકારેલી. પણ એ વખતે યરવડામાં કોઈ રોગચાળો ફાટી નીકળતાં ૩જા મહિને જ તેમને છોડી દેવાયેલાં. આજે સફેદ સાડીમાં દેખાતાં શાંતાબા વર્ષોથી ખાદી જ પહેરે છે. ગાંધીજી-સરદાર સહિતના ધુરંધરો સાથે તેઓ લડતમાં ભાગ લઈ ચૂક્યાં છે. એકલાં રહેતાં શાંતાબાને ઘણાં માન-સન્માન પણ મળ્યાં છે, એટલે એ ખરા અર્થમાં સ્વતંત્ર જિંદગી જીવે છે.

સ્વાતંત્ર્યતાના સાક્ષી

આઝાદીની લડતમાં ભાદરણનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. તેની સાક્ષી પુરતા આઝાદીની ભાવના જગાવતા સૂત્રો, લખાણો, સ્લોગનો આજે પણ ભાદરણની દિવાલો પર વાંચી શકાય છે. અલબત્ત, કાળાંતરે લખાણો થોડા ઝાંખા થયા છે, તો ક્યાંક ભુંસાઈ ગયા છે. પણ તેમાં રહેલી દેશપ્રેમની જ્યોત આજે પણ ઝળહળી રહી છે!

સયાજીરાવનું સિમલા

અંગ્રેજો રજાઓ ગાળવા સિમલા જતાં એમ ક્યારેક ક્યારેક સયાજીરાવ ભાદરણ બ્રેક લેવા આવતા. ૧૯૧૭માં મહારાજાએ રૂપિયા ૨૦ હજાર ખર્ચીને ટાઉનહોલ તૈયાર કરાવેલો. હવે સયાજીરાવ તો નથી આવતાં પણ ટાઉનહોલના આંગણામાં તેમની મૂર્તિ જરૂર ઊભી છે.

ખેલેંગે હમ જી જાન સે

૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ખેલેંગે હમ જી જાન સે’ જોઈ હોય અને ભાદરણમાં આંટો મારીએ તો એક તબક્કે એમ થાય કે ફિલ્મ અને ગામનું ક્યાંક તો કનેક્શન છે જ! ફિલ્મમાં બતાવાય છે એવો માહોલ, એવા જ જોશીલા જુવાનો, દેશી બોમ્બનું સર્જન અને દેશ માટે કંઈક કરી દેખાડવાની તમન્ના. એ બધું જ આ ગામમાં બની ચૂક્યું છે. ફરક એટલો કે ફિલ્મ બે વર્ષ જૂની હોવા છતાં ઇતિહાસમાં ગર્ક થઈ ગઈ છે, જ્યારે ભાદરણમાં દાયકાઓ જૂનો ઇતિહાસ જીવે છે.

રાતે હોકી, સવારે લાઠી

૧૯૪૨ની લડત વખતે ભાદરણ ચળવળનું મોટું કેન્દ્ર હતું. અંગ્રેજોની ભાદરણ પર ચાંપતી નજર હતી. જેવી ખબર પડી કે અહીં કોઈ સરઘસ નીકળવાનું છે કે તુરંત સરકારે ભાદરણમાં સિપાહીઓ ખડકી દીધેલા. સૈનિકો શીખ હતા અને રમત-ગમતના શોખીન. ગામના જુવાનિયાઓએ સાંજે સૈનિકો સાથે હોકીની મેચ યોજી અને સવારે વળી એ જ ગામવાસીઓએ સરઘસ કાઢયું ત્યારે સૈનિકોએ લાઠીઓ વીંઝી.

અશોકસ્તંભની સિંહગર્જના

સમ્રાટ અશોકે સારનાથમાં બનાવેલો ચાર સિંહોવાળો સ્તંભ હવે તો ચલણી નોટો અને સિક્કાઓમાં છપાતો હોવાથી જાણીતો છે. સારનાથ ઉપરાંત દેશ-પરદેશનાં બીજાં કેટલાંક સ્થળોએ આવો સ્તંભ તૈયાર કરાયો છે. ભાદરણ તેમાંનું એક સ્થળ છે. ગામના ચોકમાં ઊભેલો સ્તંભ હકીકતમાં ભાદરણના શહીદ રતીલાલ પટેલનું સ્મારક છે. અંગ્રેજોની ગોળીએ રતીલાલને વીંધી નાખેલા.

વડોદરાનું પેરિસ

સુંદરતાને કારણે ભાદરણ એ વખતે વડોદરાના પેરિસ તરીકે ઓળખાતું હતું. ગામ વિશે આવી પંક્તિઓ પણ લખાઈ છે કે, તરકે જેમ દિલ્હી તણાં ચક્રવર્તી એ ચિત્તોડ,ગઢ ભાદરણ ગુજરાતમાં શેહ લેઉવા શરખંડ.

મતલબઃ દિલ્હીમાં મોગલોની હાક વાગતી, ચિત્તોડમાં ચક્રવર્તી સમ્રાટોનું શાસન હતું એમ ભાદરણમાં પાટીદારાની બોલબાલા હતી, જેની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકતું.

નાનકડું રેલવે સ્ટેશને..

લાસ્ટ લોકલ

ભાદરણનું રેલવે સ્ટેશન દેખાવે જેટલું સુંદર છે, એટલું ઉપયોગી નથી. કોઈ ફિલ્મના સેટ જેવું બ્યુટીફૂલ લાગતું રેલવે સ્ટેશન એકદમ ખાલીખમ લાગે, કેમ કે અહીં આખા દિવસમાં એક જ ટ્રેન આવે છે. અહીંની રેલવે નેરોગેજ છે, એટલે હવે આધુનિક ટ્રેનો અહીં આવી શકે એમ નથી. ૧૯૨૨માં ચાલુ થયેલી રેલગાડી હવે અંતિમ સફર તરફ છે.

 

ટ્રાવેલ ટિપ્સ

  • ભાદરણ અમદાવાદથી 100, આણંદથી 30 કિલોમીટર દૂર છે. બસ-ટ્રેન તો ચાલે છે, પણ પોતાનું વાહન કે ટેક્સી દ્વારા જવું સૌથી સરળ છે.
  • ભાદરણના મસાલા મગ બહુ પ્રખ્યાત છે. નમકીનના શોખીનોએ ટ્રાય કરવા જોઈએ.
  • ભાદરણનો કોઈ પ્રવાસન લિસ્ટમાં સમાવેશ થતો નથી, માટે ત્યાં જવુ હોય એમણે પોતાની રીતે જ આયોજન કરવું પડે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *