Uttarakhandમાં બન્યો ભારતનો પ્રથમ Tulip Garden, Tourist માટે નવું આકર્ષણ

યુરોપના દેશ નેધરલેન્ડ (હોલેન્ડ)ના તુલીપ ગાર્ડન જગ વિખ્યાત છે. વિવધ રંગના ફૂલોથી ભરાયેલા મેદાનો જોવા દુનિયાભરના પ્રવાસી આવે છે. ઉત્તરાખંડે એવો તુલીપ ગાર્ડન સાત હજાર ફીટની ઊંચાઈએ ઉભો કરી દેખાડ્યો છે.

ભારતમાં ફરવા માટે સૌથી વધુ પસંદ થતા રાજ્યોમાં ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. દિલ્હીથી નજીક, હિમાલય, જંગલો, નદી-પહાડો.. વગેરેને કારણે પ્રવાસીઓને જોઈએ એવી મજા ત્યાં મળી જાય. આ રાજ્યએ પ્રવાસીઓને આકર્ષવા સતત નવાં નવાં આકર્ષણો પણ ઉમેર્યા છે. એમાં લેટેસ્ટ આકર્ષણ છે, તુલીપ ગાર્ડન.

મુનસ્યારી ઉતરાખંડનું નાનકડું ગામ છે, પણ એકાંત અને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ ત્યાં પહોંચી જતા હોય છે. એટલે પિથોરાગઢ જિલ્લામાં આવેલું આ ગામ બારેમાસ પ્રવાસીઓને આવકારે છે, પણ ત્યાં અન્ય પોપ્યુલર ટુરિસ્ટ સ્પોટ જેટલી ભીડ હોતી નથી.

ટ્રાવેલ ટિપ્સ
– માર્ચથી મે, જુનથી ઓક્ટોબર વચ્ચે મુલાકાત લેવાથી તુલીપનું સૌંદર્ય માણી શકાય.
– પાર્ક મુનસ્યારીથી થોડો દૂર છે, બે કલાકનો સમય પાર્ક માટે ફાળવવો જોઈએ.
– એન્ટ્રી મફત નથી, ટિકિટ લેવાની રહેશે, જેના દર હવે જાહેર થશે.

અહીં સાત-આઠ હજાર ફીટની ઊંચાઈએ તુલીપ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ગાર્ડન મુનસ્યારી ઈકો-પાર્કનો ભાગ છે. ભારતમાં તુલીપના ફૂલો નથી ઉગતા એવુ નથી, કાશ્મીરમાં તુલીપ ગાર્ડન છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનમાં પણ તુલીપ ઉગે છે. પરંતુ વધુ ગાર્ડન હોય તો પ્રવાસીઓને વધારે સરળતા રહે. એટલે પિથોરાગઢ ફોરેસ્ટ વિભાગે ૫૦ હેક્ટર જમીન ફાળવી તેના પર મહેનત શરૃ કરી. મે મહુનાના અંતમાં એ ગાર્ડનના ફોટા દેશભરમાં ફરતા થયા અને બધાને ફોટા જોઈ બહુ મજા આવી.

હકીકત એ છે કે ગાર્ડન રાતોરાત તૈયાર નથી થયો, તેની પાછળ ફોરેસ્ટ વિભાગની વર્ષોની મહેનત લાગેલી છે. પિથોરાગઢ પોતે જ પહાડી જિલ્લો છે. એમાં વળી મુનસ્યારી તો સાડા સાત હજાર ફીટ ઊંચાઈ પર વસેલું છે. આમ તો અહીં વિશ્વનો સૌથી મોટો તુલીપ ગાર્ડન બનાવવાનું આયોજન છે, પણ એ કામ પુરું થતાં કેટલાક વર્ષ લાગશે.

ગાર્ડ સાથે ફોરેસ્ટ હટ-ટેન્ટ બનાવાયા છે. પ્રવાસીઓ ત્યાં રોકાણ કરી શકે છે. ફૂલોની વચ્ચે, હિમાલયના પહાડોની સામે, શિખરોની ઉપર રહેવાનો એ અનુભવ અદભૂત બને. તુલીપ એ કુદરતની કમાલકારી રચના છે. ગુલાબના ફૂલો જેમ વિવિધ રંગના હોય છે, એમ જ તુલીપના ફૂલો પણ લાલ, ગુલાબી, પીળો અને સફેદ રંગો ધરાવતા હોવાથી એ ઉગે ત્યારે જોવાની મજા જ પડે.

આ ફૂલો મૂળભૂત રીતે ઈટાલી-ઓસ્ટ્રિયા અને જાપાનના વતની છે. ત્યાંથી દુનિયાના કેટલાક દેશોમાં ફેલાયા છે. યુરોપના તો અનેક દેશોમાં તેના ગાર્ડન છે. ૧૦૦થી વધારે પ્રકારના તુલીપ થાય છે અને ગાર્ડનમાં ઉગાડવા માટે એ સૌથી પસંદીદા છોડ છે. તેનો ઘંટડી કે નાનકડા પ્યાલા જેવો આકાર બીજા ફૂલોથી અલગ પણ પાડે છે.

મુનસ્યારી પાસે આવેલો ઈકો પાર્ક આમ તો પ્રવાસીઓમાં સ્નો-સ્પોર્ટ્સ માટે પોપ્યુલર છે. ત્યાં આવેલા વિશિષ્ટ પ્રકારના લાડકાના કોટેજ અને પાછળ દેખાતી હિમાલયની શીખરમાળા કોઈપણને રોકાવવા માટે મજબૂર કરે એમ છે. આ વિસ્તાર ઉત્તરાખંડના કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. કેમ કે કાશ્મીર જેવી જ ખીણો, પહાડો, બરફ, પ્રકૃતિના ત્યાં દર્શન થાય છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *