જૂલે વર્નનું સર્જન : એક શિયાળો બરફમાં

ઉત્તર ધ્રુવ નજીક ગુમ થયેલા પુત્રને શોધવા પિતા સાથીદારો સાથે જહાજ લઈને નીકળી પડ્યા. બહાર પ્રાકૃતિક ખતરાઓ હતા, તો જહાજ પર માનવીય ખતરાઓ…

અનુવાદ- જિગર શાહ
પ્રકાશ – આર.આર.શેઠ
ઓનલાઈન શોપિંગ માટે – અરિંહત બૂક્સ (૮૭૩૪૯૮૨૩૨૪)
(આ નંબર પર વોટ્સઅપ કરી મંગાવી શકાશે)
કિંમત – ૧૦૦
પાનાં – ૧૧૧

જૂલે વર્ન આ કથામાં આપણને ઉત્તર ધ્રુવ પાસે ફેલાયેલા ઉત્તર સમુદ્રની મુલાકાતે લઈ જાય છે. ધરતીનો એ ઉત્તર છેડો આમેય બરફની બોલબાલા ધરાવે છે. એમાં વળી શિયાળામાં તો જ્યાં જળ હોય ત્યાં બરફ જામી જાય છે.

એવા ઠંડા, દુર્ગમ, વિષમ, કઠોર.. વાતાવરણમાં એક પિતા પોતાના ખોવાયેલા પુત્રને શોધવા નીકળી પડ્યા. બહાર તો જાણે પ્રકૃત્તિ વિવિધ પ્રકારની કસોટી લેતી હતી, પરંતુ જહાજ ઉપર પણ પડકારોનો પાર ન હતો.

બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યાં બ્રિટને મહાજંગ ખેલ્યો હતો એ ડનકર્ક બંદરેથી આ કથાનો આરંભ થાય છે. વાર્તા ટૂંકી છે અને મુખ્યત્વે સાહસરસની તેમાં રજૂઆત થઈ છે. અંગ્રેજીમાં આ કથા A Winter amid the Ice નામે અનુવાદિત થઈ છે.

૨૦૧૧માં પ્રથમ વાર અનુવાદ પ્રગટ થયા પછી અડધો ડઝનથી વધારે વાર અનુવાદ છપાયો છે. એટલે લોકપ્રિયતા અંગે કોઈ શંકા નથી. પુસ્તકમાં શું છે, એ સમજ મળી શકે એવા કેટલાક અંશો…

  • જીન કૉર્નબટે પોતાનું આ જહાજ જ્યુનહાર્ડી પોતાના ખર્ચે બંધાવ્યું હતું. એમાં જ તેણે અનેક સફરો ખેડી હતી. વેપારના હેતુથી ખેડેલી અનેક સફરોમાં પોતાના જહાજમાં લાકડાં, લોખંડ અને કોલસા વગેરે માલસામાનના વેચાણ દ્વારા ડનકર્ક નગરમાં એક સફળ અને સદ્ધર વેપારી તરીકે તેણે નામના મેળવી હતી. હવે ઉંમર વધતાં વેપારી સફરો માટે પોતાનું જહાજ પુત્ર લૂઈને સોંપ્યું હતું.
  • જ્યુનહાર્ડી જહાજ પોતાની વેપારી સફર ખેડીને પરત આવી રહ્યું તૈયારીઓ શરૂ કરતા હોવાના સંકેત ક્ષિતિજ પરથી મળ્યા હતા. એના આગમન સાથે એક ખૂબ જ મહત્ત્વના વેપારીસાહસની પૂર્ણાહુતિ થવાની હતી. આ સફર ઉપર ત્રણેક માસ પહેલાં જહાજ ઊપડ્યું હતું. નૉર્વેના પશ્ચિમી કાંઠે આવેલા બોડો ટાપુ સુધી જઈને – જવા પગ ઉપાડવા તે ત્યાંથી તે પોતાની વળતી સફર શરૂ કરવાનું હતું અને હવે ગમે તે ઘડીએ પોતાની સફરના પ્રસ્થાનના બંદરમાં પ્રવેશ કરવાનું હતું.
  • કૅપ્ટન લૂઈ અને અન્ય બે નાવિકો આ તોફાનમાં ગાયબ થયા બાદ અનિશ્ચિત સમય સુધી ત્યાં રોકાઈ રહેવાનું સલાહ ભરેલું પણ ન હતું. એવી સ્થિતિમાં જહાજના પ્રથમ અધિકારી આન્દ્રે વેસ્લિંગે કૅપ્ટન લૂઈ અને અન્ય બે નાવિકોને મૃત સમજી પરત ફરવાનો દુઃખદ નિર્ણય લીધો.
  • જીન અને પેનેલન જૂના મિત્રો હતા. પેનેલને પણ જીન સાથે સમુદ્રમાં અનેક સફરો ખેડી હતી. મૅરી પણ પેનેલનને વડીલ સમાન જ માનતી હતી. બંને વચ્ચે લાંબો ઉંમરભેદ હોવા છતાં પેનેલન અને મૅરી વચ્ચે, બે મિત્રો વચ્ચે હોય તેવા સંબંધો હતા. પેનેલન આ શોધઅભિયાનનો હિમાયતી હતો.
  • ઓહ પેનેલન ! જ્યારે માનવી પર સંકટો આવી પડે છે ત્યારે તેનો સામનો કરવાની શક્તિ ઈશ્વર એવી વ્યક્તિને આપોઆપ આપતો હોય છે. આ બાબત તમારે સમજવી પડશે અને મને મદદ પણ કરવી પડશે !
  • લંગરના બંધનથી મુક્ત થયેલા જહાજના સઢમાં પવન ભરાયો અને ખોવાયેલાં પુત્રની ખોજ માટે વૃદ્ધ પિતાની જોખમી યાત્રા શરૂ થઈ. જહાજ જ્યુનહાર્ડી ઉત્તર-પશ્ચિમ દિશામાં સમુદ્રના પાણીને કાપતું આગળ વધ્યું.
  • એક પિતા જો પોતાના પુત્રને શોધવા આ ઉંમરે આવું જોખમ ખેડી શકતા હોય તો, એક પ્રેમિકા પોતાના ભાવિ પતિને શોધવા માટે આવા સાહસમાં ન જોડાઈ શકે?
  • ૨૬મી એપ્રિલ, જ્યુનહાર્ડી જહાજની બચાવનૌકામાં, વમળોમાં ફસાયેલા જહાજ ક્રૂઅર્નના બચાવ અર્થે અમે નીકળ્યા હતા. આ વમળોમાંથી અમારી બચાવનૌકા અને જહાજ મુક્ત થઈ શક્યાં નહીં. પવન અને પાણીના જોરદાર પ્રવાહમાં અમે ઉત્તરના બરફ આચ્છાદિત સમુદ્ર તરફ ઘસડાયા હતા. અમે અત્યારે આ નિર્જન વિસ્તારમાં ઈશ્વરની દયા ઉપર જ જીવીએ છીએ.
  • પચાસ જેટલા વિશાળકાય હિમખંડો તરફ જહાજ આગળ વધી રહ્યું હતું. સ્થિતિ ભયજનક હતી. એક નાનકડી ભૂલ પણ, જહાજનો અંત લાવી શકે તેમ હતું. સ્થિતિની ગંભીરતા જોઈ પેનેલને ઝડપથી જહાજનું સુકાન સંભાળી લીધું. કૅપ્ટન કૉર્નબટ પણ સતર્ક બની ગયા હતા, જહાજને યોગ્ય રીતે આગળ વધારવા અને હિમખંડો વચ્ચેથી માર્ગ કાઢવા પેનેલનને માર્ગદર્શન આપી રહ્યા હતા.
  • તેમની સાથેની વાતચીતને આધારે જાણી શકાયું કે તેઓ લોખંડ અને કાંસાની ધાતુના ચળકતા ટુકડાઓના ખૂબ લોભી હતા. કદાચ આવા ટુકડાઓ આ ટાપુ પર ચલણી નાણાં તરીકે વપરાતા હશે.
  • બીજા દિવસે વહેલી સવારે ઊઠ્યા ત્યારે કૅપ્ટન કૉર્નબટ અને તેના અન્ય સાથીઓ એક ફૂટ જાડી બરફની ચાદર નીચે દટાયેલા હતા. તેમણે ઓઢેલા સીલના ચામડાને કારણે બરફ અંદર પ્રવેશી શક્યો ન હતો. એવું સીલના ચામડાનું સુરક્ષિત આવરણ ન હોત તો જીવતાજીવત તેમની દફનવિધિ થઈ ગઈ હોત. બરફના આવા થરને કારણે તેમની શારીરિક ગરમીને પણ બહાર ઉત્સર્જિત થતી અટકાવી હતી. આમ, આ બરફની ચાદર તેમના માટે વરદાનરૂપ પુરવાર થઈ હતી.
  • તેને ઊંઘ આવતી ન હતી. આમતેમ પડખાં ફેરવી રહ્યો હતો. ત્યાં તેને ભેદી ગડગડાટનો અવાજ સંભળાયો. અવાજ કઈ તરફથી આવી રહ્યો હતો તેનો તેણે ખ્યાલ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેને કંઈ ખ્યાલ આવ્યો નહીં.
  • આન્દ્રે મૅરીને ચાહતો હતો, પરંતુ મૅરી પોતે લૂઈના પ્રેમમાં હતી. બંનેનાં લગ્ન પણ થવાનાં હતાં, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં આન્દ્રેની આશા પુનઃજીવિત થઈ હતી. લૂઈ અને તેના સાથીઓ અફાટ બર્ફસ્તાનમાં ઠંડીમાં મૃત્યુ પામ્યા હોય, તો જ તેની આશા ફળવાની હતી. તેઓ આ અભિયાનમાં ન મળે એવું આન્દ્રે મનોમન ઇચ્છતો હતો અને ખરેખર એવું બને તો જ ડનકર્ક પરત ફરી મૅરીનો હાથ લગ્ન માટે જીન કૉર્નબટ પાસે તે માગી શકે તેમ હતો. મૅરી સાથે લગ્ન કરવા માટે માત્ર પ્રેમ કરતાં પણ કાંઈક વિશેષ બાબત આન્દ્રેના મનમાં રમતી હતી.
  • ઠંડીની કાતિલતા કરતાં પણ નાવિકોને ઓપ્થાલમિયા નામનો આંખનો રોગ વધુ સતાવતો હતો. બરફની સફેદ સપાટી ઉપર ચંદ્રનાં કિરણો પડતાં, તેના પ્રકાશના પરાવર્તનથી બરફની સપાટી ખૂબ ચમકતી હતી. આ પ્રકાશના પરાવર્તનને પરિણામે નાવિકોની આંખો અંજાઈ જતી હતી. તેમની આંખોમાં સોજો ચડતો. બળતરા સાથે આંખોમાંથી પાણી નીકળ્યા કરતું હતું.
  • થોડા સમયમાં જ પાંચ ફૂટ જેટલી જાડાઈની બરફની દીવાલના પાયારૂપ બાંધકામ પૂરું કરવામાં આવ્યું ૮ કલાકની સખત મહેનત પછી ઘરની ચારે દીવાલીનું બાંધકામ પૂરું થયું. ઉત્તર તરફથી ફૂંકાતા કાતિલ પવનોથી રક્ષણ મેળવવા ઘરનું પ્રવેશદ્વાર દક્ષિણ તરફ રાખવામાં વધતું આવ્યું.
  • પેનેલન સૌથી આગળ ચાલશે. તેનાથી બરાબર ૨૦ ડગલાં પાછળ આન્દ્રે ચાલશે અને તેનાથી બરાબર ૨૦ ડગલાંના અંતરે હું ચાલીશ, તેથી બંનેમાંથી કોઈ પણ પોતાની એક સીધી રેખાથી આડો ફંટાશે, તો તેનો ખ્યાલ મને આવી શકશે. આમ, આ રીતે આપણે આપણી નિર્ધારિત દિશામાં સીધા જઈ શકીશું. આપણે આ જ રીતે આગળ વધવાનું છે.
  • અણઘડ રીતે બનાવવામાં આવેલી જરિત ઝૂંપડીમાં, પોતાના વતનથી ૬૦૦ લીગ દૂર આ ભેંકાર સ્થળે, શૂન્ય નીચે, ૩૦ સેન્ટિગ્રેડ જેટલા નીચા તાપમાનમાં તેમણે ઉજાણી કરી.
  • છેવટના ઉપાય તરીકે ૧૫મી જાન્યુઆરીના દિવસે કૅપ્ટન લૂઈ, જહાજના ભંડકિયામાં સંગ્રહવામાં આવેલા લીંબુનો અનામત જથ્થો લેવા ગયા. અંદર તપાસ કરતાં જણાયું કે કપરી સ્થિતિ માટે અનામત રાખેલો આ જથ્થો ગાયબ હતો.
  • તેણે ડાબી તરફ મૂકવામાં આવેલા થર્મોમિટર પર નજર કરી. એનો પારો થીજી ગયો હતો! એનો અર્થ તાપમાન ઘટીને શૂન્યથી ૪૨° સૅન્ટિગ્રેડ કરતાં પણ નીચે ઊતરી ગયું હતું.
  • ભય ઉદ્ભવ્યો હતો, તેવું જ બન્યું હતું. કેટલાંક મહાકાય સફેદ રીંછ જહાજ તરફ આગળ વધી રહ્યાં હતાં.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *