એ નગરનું નામ ખાંડવપ્રસ્થની પ્રસ્તાવના – દરિયો છે, માટે દરિયાઈ કથા છે!

E NAGARNU NAM KHANADVPRASTH (9)

ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ કથાઓ આપવાનું શ્રેય ગુણવંતરાય આચાર્યને જાય છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરથી વધારે લાંબો દરિયાકાંઠો છે, તો પછી થોડી કથાઓ પણ લખવી જોઈએ ને! મને માહિતી લેખો, સંશોધનાત્મક પત્રકારત્વ અને પ્રવાસ પ્રકારનું લેખન વધારે માફક આવે છે. જ્યાં ત્યાં ફરીને, ગ્રંથો ઉથલાવીને અજાણી વાતો રજૂ કરવાનું કામ મને સરળ લાગે છે. પરંતુ કથા-સાહિત્ય (ફિક્શન) લખવાનું આવે તો એ કામ મારાથી નહીં થાય એવી મારી દૃઢ માન્યતા હતી.
માન્યતા ભાંગવાનું કામ કથા-કથનના બાદશાહ અશ્વિની ભટ્ટે કર્યું. 2012માં અશ્વિનીદાદા અમેરિકાથી થોડો વખત ગાળવા આવ્યા હતા. ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી વગેરેના સહયોગથી હું એમને પહેલી વખત મળ્યો. પછી તો કંઈક કામસર, ક્યારેક એમ જ તેમના ઘરે જવાનું થતું. અશ્વિનીદાદા અમને સૌને, નવી પેઢીને એક વાત વારંવાર કહેતા હતા.. ‘કથા લખવી બહુ સરળ છે, જૂઓ કેટલા બધા પ્લોટ્સ છે, એમાં આ ઉમેરો, તે ઉમેરો.. અને તમારા શબ્દોની તાકાતને કામે લગાડો. એટલે સર્જાશે સુંદર વાર્તા કે પછી નવલકથા.’ ત્યારે મને કોઈ કલ્પના પણ ન હતી કે હું પણ ક્યારેક ફિક્શન લખીશ. અશ્વિનીદાદાના લેખનમાં ભાષાનો જે પ્રચંડ ધોધ વહેતો હોય એવો જ ધોધ એમની વાતોમાં પણ વહેતો. એટલે અમને સાંભળ્યા કરવાની મજા પડતી હતી.
એ વખતે લખવું… ન લખવું… એવો વિચાર લાંબો સમય ચાલ્યો. થોડા વખત પછી અશ્વિનીદાદા ફરીથી અમેરિકા જતા રહેવાના હતા. મારું વાંચન મોટેભાગે માહિતીલક્ષી રહ્યું છે, કથા-વાર્તા ઓછી વાંચી છે. હા સાહસકથાઓ, કિશોરકથાઓ, શિકારકથાઓ, બાળકથાઓ વાંચી છે, વાંચતો રહું છું. એવી કથાઓ લખવાનું મન થતું, પણ એ માટેના આત્મવિશ્વાસનો અભાવ હતો. બીજી તરફ જેટલી વખત અશ્વિની ભટ્ટ પાસે જવાનું થતું એટલી વખત એ એકજ સૂચના આપતા, ‘તમે લખો, મારી જેમ વાતોમાં સમય પસાર ન કરો. હું તો લખીને બેઠો છું, અત્યારે પણ અડધો ડઝન નવલકથા પર કામ કરું છું. પણ તમે બધા ઘણુ લખી શકો એમ છો..’
લોકપ્રિયતાના શિખર પર બેઠેલા અશ્વિની ભટ્ટ જો વારંવાર અમારા જેવા લોકોને લખવાનો ધક્કો મારતા હોય તો પછી એક વખત લખવું તો જોઈએ જ. એક વાર્તા લખવાની શરૂઆત કરી. કેવી લાગે છે, તેની પરવા કર્યા વગર પાંચ પાનાં લખી નાખ્યા. આગળ શું અને કેમ લખવું એ નક્કી ન હતું, વાર્તામાં શું થશે એ પણ નક્કી ન હતું, પરંતુ જો આ ત્રણ-ચાર પાનાંનું લખાણ જોઈને અશ્વિનીદાદા માર્ગદર્શન આપે તો પછી આગળ વધવાની ખબર પડે.
એટલું લખાઈ રહ્યું ત્યાં સુધીમાં અશ્વિનીદાદાની અમેરિકા પરત ફરવાની તારીખ નજીક આવી ગઈ હતી. એ પહેલા એક દિવસ તેમના ઘરે ગયા. હાથમાં પાંચ પાનાંની પ્રિન્ટ રાખી હતી. જાત-ભાતની વાતો કરી, પરંતુ એ પ્રિન્ટ દાદાના હાથમાં આપવા જેટલી હિંમત ન આવી.
જો એમને વાર્તા બતાવાય નહીં તો પછી લખવાનો શું મતબલ? બીજી તરફ લખી નાખ્યા પછી બતાવવા જેટલી હિંમત ન હોય તો લખવું જ શું કામ જોઈએ? વિવિધ સવાલો મારા મનમાં અપ-ડાઉન કરતાં હતા. વળી ફરીથી અશ્વિનીદાદાના ઘરે જવાનું થયું. કાગળ હાથમાં રાખ્યા હતા. એ દિવસે દાદાનો સામાન પેક થઈ રહ્યો હતો. બીજા દિવસે નીકળી જવાના હતા, માટે વાતો કરવાનો સમય તે દિવસે ઓછો હતો. એમાં એ મારી વાર્તા વાંચીને કોઈ માર્ગદર્શન આપે એવી સ્થિતિ જ ન હતી. કામ પૂરું થયું એટલે અમે પરત નીકળી ગયા. વાર્તા અંગે મનમાં બહુ ગડબડ ચાલતી હતી. પગથિયાં ઉતરી ગયા પછી ફરી વિચાર આવ્યો.. ઉપર ગયો.. દરવાજો ખૂલ્લો જ હતો. દાદાએ પૂછ્યું કે કંઈ ભૂલાઈ ગયું? મેં હાથ લાંબો કરી એ પ્રિન્ટ આપી, કહ્યું કે વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. તમે અમેરિકા જઈને નિરાંતે વાંચજો. ફરી આવો ત્યારે તેની ચર્ચા કરીશું, અથવા ફોન પર..

વાર્તા લખી એ વાતનો આનંદ દાદાના ચહેરા પર દેખાયો, કાગળ એમણે લઈ લીધા, મનનો ભાર હળવો થયો, હું ત્યાંથી નીકળી ગયો. કમનસિબે અમેરિકા ગયા પછી અશ્વિનીદાદા પરત આવી ન શક્યા.

વાર્તા લખવાનો અંદરથી ઉત્સાહ ન હતો એટલે એ પાંચ પાનાએ વાત અટકેલી પડી રહી. ઑગસ્ટ 201૪માં ‘ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ’ દ્વારા એક વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ. ટૂંકી વાર્તાની અનેક સ્પર્ધા યોજાતી રહે છે, પણ આ સ્પર્ધા અલગ હતી. બાળ-કિશોર સાહિત્યનું સર્જન થાય એટલા માટે સાહિત્યકાર ધીરુબહેન પટેલે વિશ્વકોષને અમુર રકમનું દાન કર્યું હતું. એ રમકનો ઉપયોગ આ સ્પર્ધા માટે કરવાનો હતો. એ સ્પર્ધામાં કિશોરકથા લખવાની હતી. એટલે ફરી મન થયું કે પેલી અધૂરી વાર્તા આગળ ધપાવીએ તો…
પ્રયાસ તો કરવો જ રહ્યો એમ માનીને લખવાની શરૂઆત કરી. એ પછી સર્જાઈ એ આ વાર્તા ‘એ નગરનું નામ ખાંડવપ્રસ્થ’! લખાઈ ગઈ ત્યારે ધૈવત ત્રિવેદીને બતાવી. મારાથી ફિક્શન નહીં લખાય એવી માન્યતા અશ્વિની ભટ્ટે ભાંગી હતી, તો એ ભાંગેલી માન્યતાના ટૂકડાને ચૂરેચૂરામાં ફેરવવાનું કામ પછી ધૈવત ત્રિવેદીએ કર્યું. કિશોરકથા જોઈને એમણે કહ્યું કે સારી લખાઈ છે. ઈન ફેક્ટ એકદમ આશાસ્પદ છે. મારી માન્યતા કરતાં ઘણો સારો પ્રતિભાવ મળ્યો એટલે આ પ્રકારનું લખાણ લખી શકાય એવો વિશ્વાસ બંધાયો. બીજી તરફ લાંબી નવલકથા કે ટૂંકી વાર્તા લખી શકું એમ હું આજે પણ માનતો નથી. પરંતુ કિશોરકથા કે પછી વિજ્ઞાનકથા લખવાનો ઉત્સાહ આ લખી નાખ્યા પછી આવ્યો છે. ગુજરાતી સાહિત્યમાં એક સમયે બહુ કિશોરકથા લખાતી હતી, જુલ્સ વર્ન, એચ.જી.વેલ્સ.. વગેરેની કથાઓ ખૂબ અનુવાદિત પણ થઈ. વિજયગુપ્ત મૌર્ય, પ્રેમનાથ મહેતા, યશવંત મહેતા, વગેરે લેખકોએ કિશોરકથા-વિજ્ઞાનકથાઓ પણ લખી. હવે કદાચ આ પ્રકારની કથા બહુ ઓછી લખાય છે. એટલે પણ લખવાનો મારો ઉત્સાહ જળવાઈ રહે છે.
થોડા વખત પછી વાર્તા સ્પર્ધાનું પરિણામ આવ્યું એમાં મારી વાર્તા ક્યાંય ન હતી. થોડી નિરાશા થઈ, વાર્તા ફરીથી ભૂલાઈ ગઈ. 2018માં ‘ગુજરાત સમાચાર’ની બુધવાર પૂર્તિ ‘શતદલ’માં વાર્તાની જગ્યા પડી. એ વખતે આ વાર્તાન શરૂઆતી ત્રણ પ્રકરણ ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંશભાઈને બતાવ્યા. જોઈને કહ્યું કે ‘તમે આવુ પણ લખી શકો છો એ મને આજે ખબર પડી. સારી છે, છાપો!’. ઑક્ટોબર 2018થી શરૂ કરીને ફેબુ્રઆરી 2019 સુધીમાં 19 પ્રકરણમાં વાર્તા પ્રગટ થઈ. સ્પર્ધામાં ન ચાલેલી વાર્તા વાચકોને તો ગમી. અલબત્ત, મારી વાર્તાને લાખો વાંચકો મળશે અને દર અઠવાડિયે લોકો પ્રતીક્ષા કરશે એવી બધી લોકપ્રિયતા ન મળે એ મને ખબર હતી જ. પરંતુ મારી અપેક્ષા કરતાં સારા પ્રતિભાવો મળ્યા.

મોટા ભાગના વાચકોએ કહ્યું કે તમે આ વણખેડાયેલા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે એ મોટી વાત છે. વધુ વાર્તા લખો એવુ પણ કોઈએ કહ્યું. પરંતુ અંદરથી ધક્કો ન આવે ત્યાં સુધી વાર્તા લખવાની મજા પણ ન આવે. એટલે પહેલી વાર્તા લોકોને ગમી ગઈ તો તુરંત બીજી વાર્તાનું ઉત્પાદન કરી નાખવું એવો કોઈ ઉદ્દેશ નથી. અખબારના છપાયેલી વાર્તા વધુ સારી લાગે એટલે અમારા ચિત્રકાર એન.આર.મણવરે ચિત્રો દોરી આપ્યા હતા. મણવરકાકાની રજામંદીથી એ ચિત્રોનો અહીં પણ ઉપયોગ કર્યો છે.

સોરાષ્ટ્રના દરિયા કાંઠે દર વર્ષે હોડી સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધાનો જ આ વાર્તામાં આધાર તરીકે ઉપયોગ કર્યો છે. પત્રકારત્વ દરમિયાનની રખડપટ્ટી, વાંચન, અનુભવો બેશક કામે લાગ્યા છે. જેમ કે વાર્તામાં એક ટેકરીનું વર્ણન આવે છે. થોડા વર્ષો પહેલાં રાજસ્થાના ‘સારિસ્કા નેશનલ પાર્ક’માં રખડતી વખતે ત્યાં એક ટેકરી ભારે આકર્ષક લાગી હતી. એ પ્રવાસ આ લખતી વખતે કામ લાગ્યો. એવા બીજા ઘણા પ્રવાસોની મદદથી વર્ણન થઈ શક્યુ છે.
એ બધાના અંત સર્જાયેલી આ કથા હવે તમારા હાથમાં છે..

બૂક ખરીદી માટેની લિન્ક

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *