વિશ્વની શ્રેષ્ઠસાહસકથાઓ સિરિઝમાં યશવંત મહેતાએ દસ કથાઓ ટૂંકમાં રજૂ કરી છે. એમાંથી મિગેલ સર્વાન્ટિસની કથા ડોન કિહોટે..
ડોન કિહોટે
અનુવાદ – યશવંત મહેતા
પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન
કિંમત – ૧૭ (દસ ભાગના આખા સેટની ૧૪૦)
પાનાં – ૮૮
સર્વાન્ટિસની હાસ્ય કમ સાહસ કથા ડોન કિહોટે જગ વિખ્યાત છે. ગુજરાતીમાં તેનો દળદાર અનુવાદ ચંદ્રવદન ચી. મહેતાએ કર્યો છે. આ અનુવાદ ટૂંકો છે પણ એટલો જ રસપ્રદ છે. વિશ્વની શ્રેષ્ઠસાહસકથાઓ સિરિઝના દરેક પુસ્તકમાં અનુવાદ સાથે લેખકનો ટૂંકો પરિચય આપ્યો છે.
સર્વાન્ટિસનો પરિચય આપતા યશવંત મહેતાએ લખ્યું છે : ‘સ્પેઇન દેશ. ત્યાં ઈ. સ. ૧૫૪૭માં એક વૈદને ઘેર એક દીકરો જન્મ્યો. દીકરો સાવ દૂબળો હતો. પણ એની એક વિશેષતા ધ્યાન ખેંચે એવી હતી – એનું માથું બહુ મોટું હતું ! દીકરાને જોઈને બાપે કપાળ ફૂટયૂ. વૈદકના ધંધામાં એ વેળા મોટા હાથની જરૂર પડતી, મોટા માથાની નહિ. કારણ કે વૈદોએ જાતે જ ઓસડિયાં ખાંડી-ઘૂંટીને દવાઓ બનાવવાની રહેતી, અને એ માટે મજબૂત હાથ જરૂરી બનતા.’
સર્વાન્ટિસે પોતે ઘણું ફર્યા હતા, દુનિયાદારી અનુભવી હતી, યુદ્ધમાં ભાગ લીધો હતો.
‘સર્વાન્ટિસ જ્યારે છૂટીને પાછો ઈટાલી આવ્યો ત્યારે લોકો લીપાન્ટોની લડાઇને ભૂલી ગયા હતા. એના શૂરવીરનું સ્વાગત કરવા કોઈ કન્યાએ ઉભી નહોતી. એને ચન્દ્રક આપવા કોઈ રાજા રાહ જોતો નહોતો. આપણા તેત્રીસ વર્ષના કવિરાજ પૈસા ટકાની રીતે બાવીસ વરસની ઉંમરે હતા ત્યાંના ત્યાં જ હતા.’ સર્વાન્ટિસે ૫૮ વર્ષની વયે વાર્તા લખી ત્યારે તેમની પોતાની સ્થિતિ પણ ગરીબ હતી.
મૂળ કથાનું નામ The Ingenious Gentleman Don Quixote of La Mancha તો એવું ખાસ્સું લાંબુ છે. સ્પેનિશ ભાષામાં લખાયા પછી અંગ્રેજીમાં અને પછી અન્ય ૧૪૦ ભાષાઓમાં અનુવાદ થયા છે. વાર્તા ચાર સદી કરતાંય જૂની છે અને આજેય વિશ્વસાહિત્યમાં મોખરાનું સ્થાન ભોગવે છે.
હાસ્યની ભાષામાં જેને વિટ એટલે કે હાજરજવાબીપણું કહેવાય તેનો આ કથા સર્વોત્તમ નમુનો છે. મૂળ તો રંગીન કલ્પનામાં રાચતો વાર્તાનો હિરો ડોન કિહોટે પોતે જ એક નમૂનો છે. આ એક જ કથા પરથી ૫૦ જેટલી ફિલ્મો બની છે.
- ખાલી હાથે તો લડાઈ નહિ. તેને હથિયારની જરૂર જણાઈ. ખૂબ શોધ પછી તેને બાપદાદાના સમયનું એક બખ્તર મળી ગયું. ઘસી-માંજીને તેણે તેને ચમકદાર બનાવી લીધું. અહીં-તહીં તપાસ કર્યા પછી તેને એક કટાયેલી તલવાર, તૂટેલી ઢાલ અને સડેલો ભાલો પણ મળી ગયાં.
- વર્ષો પછી તેને પોતાનો ઘોડો પણ યાદ આવી ગયો. નોકર સાથે તેણે મંગાવી લીધો. ઘોડે દેખભાળ અને સારા ખોરાકના અભાવે મુડદાલ થઈ ગયો હતો. છતાં તે તો તેને સિકંદરના ઘોડા જેવો જ લાગ્યો. જગતના સૌથી સુંદર અને સર્વોત્તમ ઘેાડો.
- ચાલતાં ચાલતાં તે ચાર રસ્તા પર આવી પહોંચ્યો. અહીંથી કયા રસ્તે જવું, તે વિચાર તેને આવ્યો. પુસ્તકમાં તેણે વાંચ્યું હતું કે બહાદુરો આવા સમયે પોતે રસ્તે નક્કી નથી કરતા. પણ ઘોડો લઈ જાય તે રસ્તે જતા હોય છે. તેણે ઘોડાની લગામ ઢીલી છોડી દીધી.
- કિહોટેએ વિચાર કર્યો. કોઈ પુસ્તકમાં સરદારને નોકર ગધેડા બેસી સાથે ચાલતા હોય એવું તેણે વાંચ્યું નહોતું. ઘણા વિચાર પછી બોલ્યો : ત્યારે તો ગધેડો લઈ લે. પછી તે એકાદ લડાઈ જીતી લીધી કે ઘોડા જ ઘોડા. તું તેમાંથી એક મજાનો ઘોડે લઈ લેજે.
- આ બાજુ ડોન કિહોટે સાંભર્યું કે પોતે એક વાર્તામાં સાગર વચ્ચેના ટાપુ પર કેદ કરાયેલી સુંદરીની વાર્તા વાચેલી. એટલે એક નદીને દરિયો માનીને એને કાંઠે કાંઠે આગળ વધવા માંડયું.