Dholavira : ગુજરાતની લેટેસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઈટનો પ્રવાસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી માહિતી…

કચ્છમાં આવેલી સાડા ચાર હજાર વર્ષ કરતાં જૂની પુરાતત્વિય સાઈટ Dholavira/ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાઈ છે. કચ્છમાં ઉત્તર છેડે આવેલું આ નગર આમ તો એકાંતવાસી છે. ભુજથી જવું હોય કે અમદાવાદથી લાંબી સફરની તૈયારી રાખવી પડે. ધોળાવીરાનો વિકાસ છેલ્લા બે દાયકામાં થયો છે, જ્યારથી રણોત્સવ સહિતના કાર્યક્રમો શરૃ થયા.

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું. ધોળાવીરા ભારતમાં હડ્ડપીય સંસ્કૃતિનું સૌથી મોટું નગર હતું. ઈસવીસન પૂર્વે ૩,૦૦૦થી લઈને ઈસવીસન પૂર્વે ૧૭૦૦ની સાલ સુધી આ શહેરનું અસ્તિત્વ હતું. અંદાજે ૩૪૫૦ વર્ષ પહેલા આવેલા ત્સુનામીના વિકરાળ મોજાંએ શહેરનો નાશ કર્યો હશે. આજનું પશ્ચિમ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિંધુ સભ્યતામાં સમાવેશ પામતા હતા. આ સંસ્કૃતિ ૮ હજાર વર્ષ એટલે કે જગતની સૌથી જુની સંસ્કૃતિ છે.

ધોળાવીરાનું અંતર
અમદાવાદથી (વાયા ભચાઉ)-૩૬૦ કિલોમીટર
અમદાવાદથી (વાયા મહેસાણા-રાધનપુર)-૩૭૫ કિલોમીટર
અમદાવાદથી (પાટડી-રાધનપુર)-૩૭૦ કિલોમીટર
વડોદરાથી -૪૭૦ કિલોમીટર
સુરતથી – ૬૨૫ કિલોમીટર
ભુજથી – ૨૧૫ કિલોમીટર
ભચાઉથી – ૧૫૫ કિલોમીટર
રાજકોટથી- ૨૬૦ કિલોમીટર
ભાવનગરથી-૪૨૫ કિલોમીટર



ધોળાવીરામાં કોઈ એક જ પ્રજા રહેતી ન હતી. વિવિધ તબક્કે અહીં વિવિધ સંસ્કૃતિના લોકો રહ્યા હોવાના પુરાવા મળ્યા છે પરંતુ તે અંગે સંશોધન થયું નથી. ધોળાવીરા આજે પણ રહસ્યમય નગર છે. હજારો વર્ષ પહેલા એ કેમ ખાલી થયું કે નાશ પામ્યું હશે તેનું નક્કર કારણ મળતું નથી. ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા.

જતાં પહેલા જાણી લો

  • ધોળાવીરા એકદમ છેવાડે આવેલું સ્થળ છે, ભચાઉથી રવાના થયા પછી રસ્તામાં નાના ગામો સિવાય કશું આવતું નથી. માટે નાસ્તા-પાણીની વ્યવસ્થા ભચાઉ છોડતાં પહેલા કરી લેવી.
  • ધોળાવીરામાં રહેવા માટે ગામવાસીઓ દ્વારા સંચાલિત એક ઠીક-ઠાક રિસોર્ટ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હોય તો ત્યાં ભોજન માટે અગાઉથી જાણ કરવી હિતાવહ છે. આ રહી તેની લિન્ક.
  • ધોળાવીરાએ પુરાતત્વીય સાઈટનું નહીં ગામનું નામ છે. ધોળાવીરા ગામમાં હોમ-સ્ટેની સગવડ છે. એ માટે સ્થાનિક ગાઈડ ચમનભાઈ (96382-42959)નો સંપર્ક કરી શકાય.
  • ધોળાવીરાનું સ્થાપત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, વારસો, રહસ્ય વગેરે સમજવા માટે ગાઈડ સાથે રાખવો અનિવાર્ય છે.
  • આખી સાઈટ ફરવા માટે બે-ત્રણ કલાકનો સમય ફાળવવો.
  • ધોળાવીરાની બાજુમાં ૧૮ કરોડ વર્ષ જૂના લાકડાના અવશેષો અને પથ્થરના અવશેષો ધરાવતો ફોસિલ પાર્ક છે. તેની માહિતી આ લિન્ક પર આપેલી છે. એ પણ અડધો દિવસ કાઢી ફરવા જેવી જગ્યા છે.



ખાસ અને આમ એમ બે પ્રકારના નગરજનોમાં વહેંચાયેલા નગરનું બાંધકામ પણ એવું હતું, જેમાં વચ્ચેના ભાગમાં રાજવીઓ કે પછી નગપપતિઓ રહેતા. બહારના ભાગમાં ગામજનો રહેતા. રણ વિસ્તાર હોવા છતાં પાણીની અછત ઉભી ન થાય એટલા માટે નગર ફરતે અનેક કદાવર ટાંકા બનાવાયા હતા. એ ટાંકા આજે પણ ધોળાવીરા જનારા પ્રવાસીઓ જોઈ શકે છે. તો વળી હજારો વર્ષ પહેલા ત્યાં પથ્થરનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે પાણીની ઠંડક જળવાઈ રહે. એ વખતના બાથરૃમ અને જળ સંગ્રહના ટાંકા પણ ધોળાવીરાની મુલાકાત વખતે જોઈ સમજી શકાય જો સાથે ગાઈડ હોય તો.


ધોળાવીરા એ જમાનામાં સ્માર્ટ શહેર હતું. દુનિયાભર સાથે વેપાર કરતું શહેર કિલ્લેબંધ હતુ. સમાજના દરેક વર્ગ માટે રહેવાની અલગ વ્યવસ્થા હતી. એટલું જ નહીં શહેર ફરતે ખુબ જાડી દીવાલ હતી, જે દરિયાઈ પાણી તથા દુશ્મનોથી રક્ષણ આપતી હતી. શહેરને ચાર દરવાજા હતા અને દરેક દરવાજો કરામતી લોક સિસ્ટમ ધરાવતો હતો. એટલે કોઈ હુમલાખોર આવે તો એ ધોળાવીરાનો દરવાજો ખોલી અંદર પ્રવેશી શકતા ન હતા.


આ નગરને માત્ર ઐતિહાસિક ખંડેર કે પુરાતત્ત્વિય બાંધકામને બદલે જળ સંરક્ષણના મોડેલ તરીકે જોવાની જરૃર છે. કેમ કે એ નગરના આજે જેટલા બાંધકામો બચ્યા છે, એમાંથી ૫૦ ટકા કરતા વધારે તો જળ વ્યવસ્થાપન માટેના છે. ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું, પણ તેનો અભ્યાસ કરવામાં આવે તો આજેય પાણી કેમ સાચવવું તેના રસ્તા મળી આવે એમ છે. વિવિધ અભ્યાસો દ્વારા સાબિત થયું છે કે ધોળાવીરાની બાજુમાંથી પસાર થતી મનહર નદીનું પાણી વાળીને સંગ્રહ કરવાની સિસ્ટમ આ શહેરે પાંચ હજાર વર્ષ પહેલા ઉભી કરી હતી. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે.

ધોળાવીરા જતા પ્રવાસીઓ જો ત્યાંનો ઈતિહાસ ન સમજે તો પથ્થરના ઢેર પર ગયા હોવાનો અહેસાસ થાય. અહીંની જોઈએ એટલી જાળવણી પણ થતી નથી. તો વળી માહિતીના પુરતા બોર્ડ્સ નથી. ઈતિહાસ સમજવા દુનિયા પગતળે કરવાની જરૃર નથી, એ માટે બે દિવસનો સમય કાઢીને ધોળાવીરાની સફર કરવી જોઈએ.

https://rakhdeteraja.com/white-desert-near-dholavira/
https://rakhdeteraja.com/dholavira-a-mysterious-city/

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *