કાશ્મીર જનારા પ્રવાસીઓ શ્રીનગર ઉતરે એટલે સૌથી પહેલી મુલાકાત દાલ સરોવરની લેવા માટે ઉત્સુક હોય જ. એક સમયે દાલ સરોવરનો પાઠ પણ ગુજરાતી ભાષાની ચોપડીમાં ભણવામાં આવતો હતો. એ દાલ સરોવર ખાસ તો તેની શિકારા નામે ઓળખાતી હાઉસબોટ-હોડીઓ માટે જગવિખ્યાત છે. હવે અહીંની નાઈટ-લાઈફને વધારે ઝળાંહળાં કરવા માટે ટુરિઝમ વિભાગે શિકારાઓને રોશનીથી સજ્જ કરાઈ છે. અલબત્ત, શિકારામાં લાઈટ તો પહેલેથી જ હોય છે, પરંતુ આ દીવાળી ટાણે કરવામાં આવે એવી સિરિઝની લાઈટ છે. સરોવરને નુકસાન ન થાય એટલે સોલાર પાવરની મદદથી આ રોશની કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા રોશની સજ્જ આવી 80થી વધુ હોડીઓનું સરઘસ સરોવરમાં નીકળ્યું હતું. ત્યારે જાણે આકાશના તારા સરોવરમાં ઉતરી આવ્યા હોય એવું ચિત્ર ઉભું થયું હતું. આગામી દિવસોમાં 1000 શિકારા એક સાથે રોશનીપ્રજ્વલિત કરીને ફરતી કરવાનું આયોજન છે.
કાશ્મીરમાં નાઈટ લાઈફ જેવું ખાસ કશું નથી એવી પ્રવાસીઓની જૂની ફરિયાદ છે. મોટે ભાગે કાશ્મીર ખીણમાં તમામ પ્રવૃત્તિ રાતના 8 પછી અટકી જતી હોય છે. શ્રીનગર જેવા મોટા શહેરમાં રોકાયા પછી રાતે કોઈ એક્ટિવિટી ન મળે તો ઘણા નાઈટ લાઈફપ્રેમી પ્રવાસીઓ નિરાશ થતા હતા. એવા પ્રવાસીઓ હવે રાતે ઝગમગતી હોડીમાં બેસીને દાલ સરોવરની સેર કરી શકે એવી સગવડ ઉભી કરાઈ છે.
જોકે જે હોડીઓ સરોવરમાં લાઈટ સજ્જ રીતે ફરતી હતી એ પ્રમાણમાં નાની હતી (શમ્મી કપૂર, શર્મીલા ટાગોરના ગીત યે ચાંદ શા રોશન ચહેરા.. ગીતમાં આવે છે એવી). હાઉસબોટ ખાસ્સી મોટી હોય છે અને મોટે ભાગે સરોવરના કોઈ ખૂણે સ્થિર હોય છે.
જતાં પહેલા જાણી લો
- પાણીની વધ-ઘટ માટે સરોવરનું ક્ષેત્રફળ 20 કિલોમીટર આસપાસ રહે છે. સરોવરના વિવિધ ખૂણે વિવિધ આકર્ષણો છે.
- દાલ સરોવરમાં રહેલી હાઉસબોટમાં રાતવાસો કરી શકાય છે. એ માટે અંદર હોટેલ જેવી સુવિધા હોય છે. તમામ બજેટની હાઉસબોટ મળી રહે છે. ભાવ-તાલ પણ કરી શકાય છે. સરકાર દ્વારા માન્ય કરેલી હાઉસબોટમાં રહેવાને પ્રાધાન્ય આપવું જોઈએ.
- મેથી નવેમ્બર દાલ સરોવરની મુલાકાતનો શ્રેષ્ઠ સમય છે.
- સવારના 8થી સાજંના 7 સુધી સરોવરમાં બોટિંગ વગેરે કરી શકાય છે.
- સરોવર શ્રીનગર શહેરની વચ્ચે જ આવેલું છે.
- ઠંડી હોવાથી ગરમ કપડાં સાથે રાખવા હિતાવહ છે. અહીં સતત ઠંડો પવન તો ફૂંકાતો જ હોય છે.
- સરોવરના અમુક ભાગમાં તરતું શાકભાજી માર્કેટ ભરાય છે. પ્રવાસીઓમાં એ પણ એક મોટુ આકર્ષણ છે.