યુરોપિયન દેશ હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ પ્રવાસીઓમાં ખાસ્સું લોકપ્રિય છે. છેક રોમનયુગથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના ઈતિહાસનું સાક્ષી રહી ચૂકેલા શહેરમાં જોવા જેવા સ્થળોની કોઈ કમી નથી.
બુડાપેસ્ટ એ હકીકતો ઓબુડા, બુડા અને પેસ્ટ એમ ત્રણ નગરોનું મિશ્રણ છે. ઓબુડા એ સાવ નાનો પ્રાંત હતો, જે બુડા સાથે ભળી ગયો. બુડા અને પેસ્ટ બન્ને વિસ્તારને વચ્ચેથી પસાર થતી ડેન્યુબ નદી અલગ પાડે છે. અલગ હોવા છતાં હવે તેની ઓળખ એક શહેર તરીકે સ્થાપિત થઈ ચૂકી છે. ઈતિહાસમાં પાછળ જઈએ તો બુડાપેસ્ટમાંનું અસ્તિત્વ છેક પથ્થરયુગ સુધી જાય છે. રોમનોએ અહીં રાજ કર્યું હતું અને એ વખતે એમ્પિથિએટર પણ બાંધ્યુ હતું, જેના અવશેષો સચવાયા છે. હુણ પ્રજાતીના ઈતિહાસ પ્રસિદ્ધ સાશક અતિલાએ પણ થોડો સમય અહીં શાસન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે આ શહેર જર્મની-રશિયા સામેના મહાજંગનું સાક્ષી બન્યું હતું. યુદ્ધ પુરું થયા પછી સોવિયેત રશિયાએ અહીં કેટલોક સમય ડેરા-તંબુ પણ ખોડી રાખ્યા હતા. એ પછી ધીમે ધીમે શહેર થાળે પડતું ગયું.
વિવિધ સામ્રાજ્ય અને સત્તાધિશોનું ભાગ રહી ચૂકેલું આ મહાનગર આજે ખુદ હંગેરી કરતાં મોટી ઓળખ ધરાવે છે. છે તો પાટનગર પણ તેની ઓળખ દેશ કરતાંય વધારે વ્યાપક બની ચૂકી છે. ડેન્યુબની રેતમાં રમી રહેલા એ નગરના જોવાં જેવાં કેટલાંક સ્થળોની વાત કરીએ…
સંસદ ભવન – લોકશાહીના સરતાજમાં તાજના દર્શન
પહેલી નજરે તો એવું લાગે કે જ્યાં સતત રાજકીય દાવ-પેચ ચાલતા હોય એવા સંસદ ભવનમાં જોવુ શું? અલબત્ત, અહીં રાજકારણને સ્પર્શ્યા વગર રાજકીય-સાંસ્કૃતિક વારસો સાચવીને બેઠેલા મહાલય જેવા ભવનને જોવાનું છે. બીજી મહત્વની વાત એ કે હંગેરીની સંસદ અહીં બેસે છે અને દેશને ચલાવતી સેંકડો ઓફિસો પણ અંદર છે. છતાં પ્રવાસીઓ માટે સુરક્ષાના નામે મકાન બંધ નથી રખાયું. પ્રવાસીઓ બધા વિભાગમાં નથી જઈ શકતા, પરંતુ જોવા-માણવા જેવું જે કંઈ છે એ બધું ખૂલ્લું મુકી દેવાયું છે.
ડેન્યુબના કાંઠે પોસ્ટકાર્ડના ચિત્ર જેવું પથરાયેલું આ મકાન સવા સદીથી અહીં ઉભું છે. 1885માં તેનું બાંધકામ શરૃ થયું હતું અને હંગેરી સામ્રાજ્યને જ્યારે 1000 વર્ષ પુરાં થયા ત્યારે 1896માં તેને ખૂલ્લું મુકી દેવાયું હતું. પણ ત્યારે હજુ પૂરેપુરુ બંધાયુ ન હતું. એ અવસર આવ્યો 6 વર્ષ પછી 1902માં. ત્યારે તો એ માત્ર સંસદ ભવન જ હતું, પરંતુ બાંધકામના નામે એમાં હિરા-મોતી ટાંકંયા છે, એ જોવા પ્રવાસીઓને પ્રવેશ આપવાની શરૃઆત થઈ. યુરોપમાં વ્યાપકપણે વપરાતી બાંધકામની ગોથિક શૈલી આ મહાલયને ફરી વળી છે.
હંગેરી જેવા નાનકડા દેશની લોકશાહી માટે આ મકાન કદાચ મોટું લાગે. કેમ કે તેની ફ્રન્ટ સાઈડની લંબાઈ 879 ફીટ, આગળથી પાછળ સુધીની ઊંડાઈ 404 ફીટ છે. મકાનનું સૌથી આકર્ષક અને દૂરથી છડી પોકારતું પાસું તેનો ગુંબજ છે. હંગેરિયન સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 896માં થઈ હતી. માટે મુખ્ય ડોમની ઊંચાઈ 96 મિટર (315 ફીટ) રખાઈ છે. સમગ્ર મકાનનો કુલ વિસ્તાર 1,93,000 ચોરસ ફીટથી વધારે છે. એટલે જ એ દુનિયાનનું ત્રીજા નંબરનું સૌથી મોટું પાર્લામેન્ટ બિલ્ડિંગ છે.
મકાનમાં ગણી ગણાય નહીં અને ચડી ચડાય નહીં એટલી સીડીઓ છે. લંબાઈ થાય છે કુ 20 કિલોમીટર. આવન-જાવન માટે 27 મુખ્ય (ઓરડાના દ્વાર સિવાયના) દરવાજા છે. દીવાલો પર વિવિધ જાતના 242 સ્કલ્પચર છે. સમય પ્રમાણે બાંધકામમાં થોડો ફેરફાર, થોડાં સમારકામ થયા છે પણ મૂળ ઢાંચો યથાવત છે. ગાઈડેડ ટૂર દરમિયાન મકાનના મહત્ત્વના અને ઐતિહાસિક ભાગો ઉપરાંત હંગેરિયન રાજવંશોના જર-ઝવેરાત પણ બતાવવામાં આવે છે. એમાંય હોલી ક્રાઉન તરીકે ઓળખાતો તાજ તો વારંવાર ચોરાતો રહ્યો છે, ફરી મળતો રહ્યો છે. હાથ બદલતો પામતો પામતો એ ક્રાઉન છેવટે અમેરિકાએ 1978માં હંગેરીને પરત કર્યો હતો અને ત્યારથી ત્યાં જ છે. આખા મકાનનું સૌંદર્ય જોકે સાવ નજીકથી માણી શકાતું નથી. ડેન્યુબ નદીના સામે કાંઠેથી અથવા તો પછી નદીની હોડી સફર દરમિયાન બિલ્ડિંગનું બાહ્યાકર્ષણ જોવા મળે છે.
પ્રવાસીઓ માટે અહીં 45 મિનિટની ગાઈડેડ ટૂર યોજાય છે, જેની ટિકિટ વેબસાઈટ www.jegymester.hu/parlament પરથી એડવાન્સમાં ટિકિટ લેવી વધારે હિતાવહ છે. કેમ કે રોજ મર્યાદિત સંખ્યામાં ટિકિટ જ ઈસ્યુ કરવામાં આવે છે. મકાનમાં કુલ 691 ઓરડા છે અને એમાંથી બધા તો પ્રવાસી ફરી ન શકે, પરંતુ પ્રવાસીઓ ધરાઈ જાય એટલો વિસ્તાર પ્રદર્શિત કરાયો છે.
સંસદ ભવન હોવાથી અંદર મર્યાદિત સામાન જ સાથે લઈ જઈ શકાય છે. પરદેશી પ્રવાસીઓએ પોતાના આઈ-કાર્ડ તરીકે પાસપોર્ટ પણ સાથે રાખવો જોઈએ. અંગ્રેજી સહિતની વિવિધ યુરોપિયન ભાષામાં ગાઈડની સગવડ મળે છે. સંસદ ચાલુ હોય ત્યારે મકાનમાં દેશભરમાંથી ચાર વર્ષના કાર્યકાળ માટે ચૂંટાયેલા 386 સાંસદો બેસે છે.
બુડા અને પેસ્ટને કનેક્ટ કરતો બ્રિજ
ડેન્યુબ નદીના એક કાંઠે બુડા, બીજા કાંઠે વસેલા પેસ્ટ નગરની ઓળખ હવે એકમેકમાં ભળી ગઈ છે. નદી પાર કરવા માટે શહેરમાં અડધો ડઝનથી વધારે પુલ છે, પરંતુ એ બધામં શિરમોર ચેઈન બ્રિજ કહેવાતો પુલ છે.
પુલનું સત્તાવાર નામ ‘સેચેની ચેઈન બ્રિજ’ છે કેમ કે 18મી સદીમાં અહીંના ઉમરાવ સેચેની ઈસ્તવાને 1839માં પુલનું બાંધકામ શરૃ કરાવ્યું હતું. એ પહેલા નદી પર કામચલાઉ બ્રિજ હતો, જે શિયાળામાં પાણી ઠરી જાય ત્યારે નકામો ઠરતો હતો. તેના કારણે જ સેચેનીના પિતા 1820ના શિયાળામાં સામે કાંઠે મૃત્યુ પામ્યા હતા. એટલે કાયમી પુલની જરૃર હતી, પરંતુ એ માટે જરૃરી ફંડ ભેગું થતા અમુક દાયકા નીકળી ગયા. જ્યોર્જિયાના બેંકર ગ્યોર્ગી સિનાએ જરૃરી ફંડ પુરું પાડવાની તૈયારી દર્શાવી એટલે પુલ બની શક્યો. તેની યાદમાં પુલના બાંધકામમાં એ પરિવારનો કોટ ઓફ આર્મ કોતરેલો છે. પુલ પુરો થાય એ પહેલાં સેચેનીની માનસિક હાલત બગડી ગઈ હતી અને એ પોતાનું સ્વપ્ન પુરું થતાં જોઈ શક્યા ન હતા.
બરાબર 170 વર્ષ પહેલાં નવેમ્બર 1849માં બની રહ્યો ત્યારે નદીને તોડતો અને સામસામા કાંઠાને જોડતો એ પહેલો પુલ હતો. વિલિયમ ક્લાર્ક નામના અંગ્રેજ ઈજનેરે ડિઝાઈન તૈયાર કરી હતી.
બ્રિજનું નામ ચેઈન છે, કેમ કે તેમાં લોખંડની તોતીંગ સાંકળોનો ઉપયોગ થયો છે. આ સાંકળો નીચેના ભાગે પથરાયેલી છે અને થોડું-ઘણું હલન-ચલન પણ કરે છે. પુલની નીચેના ભાગમાં ચેઈનનું મેનેજમેન્ટ કરતી ચેમ્બર પણ છે. જોકે આ લખાય છે, ત્યારે એ ચેમ્બર રિપેરિંગ માટે બંધ છે. લગભગ 2020માં ફરી ખોલી દેવામાં આવશે. યુરોપમાં પણ એક સમયે સિંહો વિચરતા હતા. હવે સિંહો નથી, પંરતુ પુલના છેડે સિંહના કદાવર પૂતળાં રાખવામાં આવ્યા છે. એ પૂતળાંના મોઢામા જીભ નથી. કેમ કે ઈજનેર એ બનાવાનું ભુલી ગયા હતા એવુ કહેવાય છે. પુલની કુલ લંબાઈ 380 મીટર, પહોળાઈ 14.8 મીટર છે. વચ્ચેનો સૌથી લાંબો સ્પાન 200 મીટર કરતાં પણ વધારે ભાગ રોકે છે. વચ્ચેના ભાગમાંથી વાહનો પસાર થાય છે, તો બન્ને તરફ પદયાત્રા-સાઈકલ માટે રિઝર્વ રખાયો છે. ત્યાંથી પ્રવાસીઓ પુલનો અનુભવ લઈ શકે છે. સમય સયમે બ્રિજનું રિપેરિંગ અને સમયની જરૃર પ્રમાણે ફેરફારો થતાં રહ્યાં છે. જોકે બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન બોમ્બરોએ પુલ લગભગ તોડી નાખ્યો હતો. યુદ્ધ પુરું થયાં પછી તેને ફરી હતો એમ જ ઉભો કરી દેવાયો હતો.
આ સસ્પેન્સન એટલે કે લોખંડના દોરડા પર લટકતો પુલ છે. કેટલાક સાહસિકો આ દોરડાં પર ચાલવાનું સાહસ પણ કરે છે. સાંજ પડ્યે પુલને રોશનીથી જળાંહળાં કરવામાં આવે છે. આપણી હિન્દી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ સહિત અનેક ફિલ્મો-સિરિયલોમાં બ્રિજે સાઈલેન્ટ રોલ ભજવ્યો છે.
કિલ્લો અને ત્યાં સુધી લઈ જતી રેલકાર
પુલ પાર કરીને સામે છેડે પહોંચીએ ત્યાં ડાબી તરફ તોતિંગ બાંધકામ જોવા મળે. એ બાંધકામ બુડા કેસલ કહેવાતા 13મી સદીના કિલ્લાનું છે. જોકે કિલ્લામાં રહેલા મહેલ સહિતના ઘણા બાંધકામો તો છેક 18મી સદીમાં થયા છે. પરંતુ એ સમગ્ર વિસ્તાર બુડાપેસ્ટમાં અનિવાર્યપણે જોવો પડે એવો છે. રાજાશાહી યુગમાં બુડાપેસ્ટ પર અહીં બેસીને રાજા હુકમ ફરમાવતા હતા. હવે તેમાં બે મહત્ત્વના વિભાગો સમાવી લેવાયા છે, એક ‘હંગેરિયન નેશનલ ગેલેરી’ અને બીજું ‘મ્યુઝિયમ’. કિલ્લામાં 1265માં તૈયાર થયેલો મુખ્ય મહેલ, એ પછી વિસ્તરણ પામેલો (અને આજે દૂરથી દેખાતો) ભવ્ય કિંગ સિંગ્સમંડનો મહેલ, ઈટાલિયન શૈલીમાં બનેલી ગેલેરી અને પછી છેલ્લે ઉમેરાયેલો યુનિવર્સિટી વિસ્તાર કિલ્લાના મુખ્ય ભાગો છે. મહેલનો ‘હબ્સબર્ગ ખંડ’ તેની દીવાલો પર બનેલા ફ્રેસ્કો નામે ઓળખાતા કદાવર ભીંતચિત્રો માટે જાણીતો છે. એ જમાનામાં તૈયાર થયેલા એ ચિત્રો થ્રી-ડી પ્રકારના છે. મહેલની દીવાલો પર એકથી એક ચડિયાતા શિલ્પો છે. એમા બહારના ભાગે શીકારે નીકળેલા રાજાનું ‘મેથિઆસ ફાઉન્ટેન’ નામનું શિલ્પ વિશેષ આકર્ષક છે. બહારી દીવાલો પર સિંહના કદાવર ચહેરા પણ કોતરેલા છે.
રાજવી પરિવારે તૈયાર કરાવેલ આ મહેલનું બાંધકામ આખા યુરોપમાં વખણાય છે. તેનું મહત્ત્વ પારખીને ‘યુનેસ્કો’એ બહુ પહેલાં જ તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપી દીધો છે. આ સમગ્ર વિસ્તાર ‘કેસલ ડિસ્ટ્રીક’ તરીકે ઓળખાય છે અને ત્યાં કિલ્લાની બહાર પણ જુનવાણી આકર્ષક બાંધકામો, મકાન, ચર્ચ વગેરે પ્રવાસીઓને સમય પસાર કરવા મજબૂર કરે એવાં છે.
મંઝિલ એટલે કે કિલ્લો તો આકર્ષક છે, પરંતુ ત્યાં સુધીની મુસાફરી પણ આકર્ષક બનાવાઈ છે. અહીં ફનિક્યુલર પ્રકારની સીડી બનાવાઈ છે. જેમાં તમે ચાલીને ચડી શકો અને વચ્ચે પસાર થતી મિનિ રેલવેમાં બેસીને પણ પ્રવાસ કરી શકો. એક ડબ્બામાં મહતમ 24 મુસાફર બેસી શકે છે. એક પ્રકારનો રોપ-વે સમજી લો, પણ નક્કર જમીન પર બિછાવેલા પાટા પર ચાલતો રોપ-વે. ઢાળ ચડવાનું ન ફાવે એ મુસાફરો આ વિકલ્પ પસંદ કરતાં હોય છે. આ ડબ્બાગાડીનો રસ્તો તો જાણે પુરા 100 મિટરનો પણ નથી, પરંતુ યાદગાર અનુભવ લેવા પ્રવાસીઓ એ પસંદ કરે છે. કોઈ પહાડ પર ટ્રેન ચડતી હોય એવી અનુભૂતિ આ કલાકના સાડા પાંચ કિલોમીટરની સ્પીડે ચાલતી રેલકારમાં થાય છે. સફર પણ વળી દોઢ-બે મિનિટમાં પુરી થઈ જાય છે.
રજવાડી બગી જેવી આ નાનકડી રેલકારની ટિકિટ સાથે મોટે ભાગે કિલ્લાની બે કલાકની ગાઈડેડ સફરનો સમાવેશ થઈ જતો હોય છે. સામાન્ય રીતે ટિકિટ 145 યુરો ડોલર છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા વધુ હોય એમ ભાવ ઘટતો જાય છે. ટિકિટમાં કેલસ ઉપરાંત ડેન્યુબ નદીની એક કલાકની ક્રૂઝ સફર સહિતની સવલતો સમાવિષ્ઠ છે. વળી એ ક્રૂઝમાંથી નદી કાંઠે પથરાયેલા સંસદ ભવન સહિતના આઠેક ઐતિહાસિક બાંધકામના દર્શન પણ થઈ જાય છે. સોમવારે રજાનો દિવસ હોય એ સિવાય કિલ્લો સવારના 10થી સાંજના 6 સુધીમાં ગમે ત્યારે ફરી શકાય છે. ટિકિટ પ્રવેશદ્વારથી જ લેવાની રહે છે.
નદી કાંઠે યહુદી આત્માને અંજલિ
ડેન્યુબમાં આજે તો શુદ્ધ પાણી વહે છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે 1944માં લોહી વહ્યું હતું. હિટલરે 1944માં હંગેરી જીતી લીધા પછી શાસક તરીકે પોતાના સમર્થક સરમુખત્યાર ફેરેન્ટ સાલાફીને સત્તા પર બેસાડી દીધો હતો. સાલાફીએ 80 હજાર યહુદીઓને શહેરમાંથી હાંકી કાઢ્યા, લગભગ 20 હજારને ડેન્યુબના કાંઠે ગોળીએ દીધા. એ બધાને મૃત્યુ પહેલા તેમના બૂટ કાઢવાની ફરજ પડાઈ હતી. કેમ કે બીજા વિશ્વયુદ્ધ વખતે બૂટ સહિતના સામગ્રીની અછત હતી. માટે જેમને મરવાનું છે, એ સૌના બૂટ પણ કાઢી લેવાતા હતા. એ પછી કાંઠે ઉભા રહી ગોળી ચલાવાતી હતી, જેથી લાશ આપોઆપ નદીમાં વહી જાય.
વર્ષો પછી હંગેરીના ડિરેક્ટર Can Togayને ડેન્યુબના કાંઠે જેમને સજા-એ-મોત મળ્યાં હતા એમના માટે સ્મારકનો વિચાર આવ્યો. સીધા-સાદા સ્મારકને બદલે તેમણે જુત્તાં પર પસંદગી ઉતારી કેમ કે મૃત્યુ પામ્યા પછી યાદગીરી તરીકે બાકી રહેલી ચીજ જુત્તાં જ હતાં. શિલ્પશાસ્ત્રી Gyula Pauerએ એ પ્રકારનું સ્થાપત્ય તૈયાર કરી દીધું છે, જે આજે ડેન્યુબના એક કાંઠે પથરાયેલું છે.
એ વખતની વાસ્તવિકતા દર્શાવવા માટે કુલ 60 જોડી વિવિધ આકાર-પ્રકાર-કદના જુત્તાં અહીં લોખંડમાંથી કોતરીને મુકવામાં આવ્યા છે. પાર્લામેન્ટ પાસે જ ડેન્યુબના કાંઠે આ સ્મારક 2005થી ખુલ્લું મુકાયું છે. વાર-તહેવારે લોકો આવીને આ જુત્તાંઓમાં ફૂલ મુકીને અંજલિ આપવાનો પ્રયાસ કરે છે.
બુડા પેસ્ટના બીજા સ્થળો વાત બીજા ભાગમાં કરી છે.