પિરામિડ એટલે ઈજિપ્ત અને ઈજિપ્ત એટલે પિરામિડ એવી વૈશ્વિક ઓળખ છે. પરંતુ ભારત પાસે પણ પોતાનો એક આગવો પિરામિડ છે. બંગાળના બિષ્ણુપુરમાં આવેલા અનેક પુરાતન બાંધકામો પૈકી રાસમંચ/Rasmanch નામનું એક બાંધકામ ભારતનો ઓછો જાણીતો પિરામિડ છે!
ઢળતી સાંજ હવે અંધકાર તરફ આગળ વધી રહી છે. ચહુઓર દીપમાલા જળહળવી શરૃ થઈ ગઈ છે. રાત્રીના અંધકારને દીવડા-મશાલોની જ્યોતે અહીં સુધી પહોંચતા રોકી રાખ્યો છે. નગરજનો ઉમટી પડયા છે. ચારે દિશાએથી દેવી-દેવતાઓની મૂર્તિઓ લાવીને રાસમંચના કેન્દ્રમાં રાખી દેવામાં આવી છે. ઢોલ-નગારા-શરણાઈના નાદ વાતાવરણને ઉત્સાહિત બનાવી રહ્યાં છે…
એ બધી ચહલપહલ વચ્ચે અચાનક સાદ પડે છે. રાજાધિરાજ વીર હમીર આવી રહ્યાં છે. આગળ-પાછળ રાજાના સેવકો ચાલી રહ્યાં છે. વચ્ચે રથ પર સવાર રાજા શોભી રહ્યાં છે. બન્ને તરફ હાથમાં મશાલ લઈને ઉભેલા મશાલચીઓ રાજાનું તેજ વધારી રહ્યાં છે..
રથમાંથી ધીમા પગલે ઉતરતા રાજવી સ્ટેજ પર પધારે છે, દેવી દેવતાઓને નમન કરે છે, પૂજન-અર્ચન અને વિધિઓ થાય છે અને એ પછી રાસમંચ પર રાસ-ગરબા અને કૃષ્ણલીલાની રમજટ બોલે છે..
****
આ કલ્પનાચિત્ર તો છેક સવા ચારસો વર્ષ પહેલાનું છે. સ્થળનું વર્ણન કર્યું એ સ્થળ એટલે બંગાળમાં આવેલા ઐતિહાસિક ગામ બિષ્ણુપુરનો રાસમંચ. બાંધકામનું નામ રાસમંચ છે એવી જાણકારી ન આપવામાં આવે તો કોઈ પણ તેને પિરામિડ ધારી લે એમ છે. તેનો આકાર જ પિરામિડ જેવો છે. એટલે જ બિષ્ણુપુરના રાસમંચને ભારતીય પિરામિડ કહેવામાં કશું ખોટું નથી. ઈજિપ્તના પિરામિડમાં પ્રવાસીઓ અંદર જઈ શકતાં નથી, પણ ભારતના પિરામિડમાં તો છેક કેન્દ્રિય ઓરડા સુધી પહોંચો તોય કોઈ ના પાડતું નથી. પિલ્લરોની હારમાળા વચ્ચે ચાલીને આપણે ૨૧મી સદીમાંથી સીધા જ સોળમી સદીમાં ‘જઈ’ શકીએ છીએ!
બંગાળના બાંકુરા જિલ્લામાં આવેલું બિષ્ણપુર સાતમી સદીથી અહીંના મલ્લ રાજાઓનું પાટનગર હતું. ગુપ્ત કાળમાં બિષ્ણુપુર સ્થાનીક હિન્દુ રાજાવીઓ દ્વારા શાસિત હતું. અહીંના મલ્લયુદ્ધમાં પાવરધા રાજાઓ સમુદ્રગુપ્તના ખંડિયા હતાં. એમાંથી જ કોઈએ ઈસવીસન ૯૯૪ની સાલમાં ગામનું નામ ભગવાન વિષ્ણુ (બંગાળી ભાષા પ્રમાણે બિષ્ણુ) પરથી બિષ્ણુપુર રાખ્યુ હતું. ટેરાકોટાના મંદિરો માટે બિષ્ણુપુર જગવિખ્યાત છે અને એ બધા બાંધકામોમાં સૌથી વિખ્યાત છે રાસમંચ!
***
૪૯મા મલ્લરાજા વીર હમીરે વૃંદાવનની યાત્રા કરી એ પછી તેમને પોતાના રાજમાં મંદિરો બાંધવાની ઈચ્છા થઈ. હમીરે પોતાના કાળમાં કેટલાક મંદિરો બાંધ્યા તો તો કેટલાક મંદિરો એ પછીના રાજવંશે તૈયાર કરાવ્યા. પણ એ બધામાં રાસમંચ સૌથી પ્રખ્યાત છે. ટેરાકોટાનું બનેલું એ ભારતનું સૌથી જુનું બાંધકામ પણ છે.
રજવાડી યુગમાં ઉપર વર્ણન કર્યું એ પ્રમાણે આ રાસમંચ પર વારે-તહેવારે રાસની રમઝટ બોલતી અને કૃષ્ણલીલા યોજાતી. ખાસ કરીને દુર્ગાપુજા વખતે બિષ્ણુપુર ત્રાંબાળુ ઢોલથી ગાજતું રહેતું. વર્ષમાં એક દિવસ સાંજ ઢળ્યે આસપાસના સર્વે મંદિરોના દેવી-દેવતાઓને એકઠા કરીને તેમની સામુહિક પૂજા કરવામાં આવતી હતી. હવે તો રજવાડું રહ્યું નથી, વીર હમીર પણ નથી, પરંતુ રાસની રમઝટ આજેય બોલતી રહે છે. રાસમંચને નુકસાન ન પહોંચે એટલા માટે ૧૯૩૨થી મંચને બદલે બાજુમાં ચોગાન છે, ત્યાં દર વર્ષે મેળો ભરાય છે. રાસમંચના બાંધકામને કોઈ નુકસાન ન થાય એ રીતે પુરાત્ત્વ ખાતું તહેવારની ઉજવણી કરવાની રજા આપે છે.
***
રાસમંચનો વિશિષ્ટ આકાર અને પ્રભાવશાળી દેખાવ તેને દૂરથી જ આલગ પાડી દે છે. રાતીચોળ થઈને સુકાયેલી ઈંટોનું બાંધકામ, સાડા સાત ફીટ ઊંચા પ્લેટફોર્મથી શરૃ થઈને છેક ચોટ સુધીના ચારે બાજુ ઢળતા ત્રાંસ. ચારે તરફ મળીને કુલ ૧૦૮ પિલ્લર છે. એક પછી એક ત્રણ પરસાળ પછી અંદર એક ચોરસ ઓરડો છે. હવે એ ઓરડો ખાલી છે, પરંતુ એક સમયે એ જ રાસમંચનું કેન્દ્રસ્થાન હતું. દેવી-દેવતાઓના બેસણા ત્યાં થતાં હતાં.
૧૫૫૭થી શરૃ કરીને ૧૫૮૭ વચ્ચે તેનું બાંધકામ થયું હતું. ઊંચા પ્લેટફોર્મ પર ફેલાયેલા પિરામિડની ચારેય બાજુઓ ૮૦ ફીટ લાંબી છે. પિરામિડની ઊંચાઈ ૩૬ ફીટ જેટલી છે. ઈજિપ્તના પિરામિડો કરતાં તો એ ઊંચાઈ ઘણી ઓછી છે. બાંધકામ અનેક રીતે વિશિષ્ટ છે. દેખાવ પિરામિડ જેવો છે. ટોચ પરનો ગુંબજ બૌદ્ધ મંદિર જેવો છે. ચારે તરફના પિલ્લરોના થળિયાની ડિઝાઈન કમળની પાંદડી ગોઠવાઈ હોય એ રીતે બનાવાઈ છે. પ્રવેશદ્વારો મંદિરના દ્વાર જેવા છે. દિવાલો પરની કળાકારીગરી મોગલ આર્ટ પ્રકારની છે. તો વળી ફરતા નાનાં-નાનાં ગુંબજો પેગોડા પ્રકારના છે. એમ એક સાથે અનેક ધર્મો સાડા છ હજાર ચોરસ ફિટમાં પંથરાયેલા બાંધકામમાં એકઠા થયાં છે.
***
એકલો રાસમંચ શા માટે, આખુ બિષ્ણુપુર જ અનોખું છે. કલકત્તાથી ૧૩૫ કિલોમીટર ઉત્તર-પશ્ચિમે આવેલું બિષ્ણુપુર ટેરાકોટા શહેર છે. મલ્લ રાજાઓના કાળમાં બનેલા પુરેપુરા ટેરાકોટાના હોય એવા ૨૨ મંદિરો-ધર્મસ્થાનો અહીં ત્રણ-ચાર સદીથી અડિખમ ઉભા છે. પથ્થરનો બનેલો રથ, કિલ્લો, એક રત્ન મંદિર, રાધેશ્યામ મંદિર, તુલસી મંચ, જોર બાંગ્લા ટેમ્પલ, મહાપ્રભુ મંદિર, કૃષ્ણ-બલરામનું જોડિયુ મંદિર, પાંચ શિખર ધરાવતું પાંચ ચોરા મંદિર, મદનમોહન મંદિર, શ્રીધર મંદિર, નંદલાલ મંદિર, રાધાગોવિંદ મંદિર.. સહિત એવા અનેક મંદિરો છે, જે આ સ્થળને બીજું વ્રજ (ગોકુળ-મથુરા-વૃંદાવન) બનાવી દે છે. એક સમયે રાજમહેલ હતો, પણ હવે માત્ર ખંડેર જેવી દિવાલ જ રહી છે. પરંતુ જે બાંધકામો સારી હાલતમાં છે, તેને વધુ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે તેનું પુરાત્ત્વ ખાતું-સરકાર બરાબર ધ્યાન રાખી રહ્યાં છે. નજીકમાં એક મુર્ચા હીલ નામની ટેકરી છે. દૂર્ગાપુજા વખતે ત્યાંથી તોપની સલામી દેવામાં આવે છે.
મોગલ સામ્રાજ્યના આગમન પછી ધીમે ધીમે મલ્લરાજાઓની પકડ ઢીલી પડતી ગઈ પરંતુ સદ્ભાગ્યે ત્યાંના ઘણા ખરા બાંધકામો યથાવત રહ્યાં છે. સંગીતમાં પણ ‘બિષ્ણુપુર ઘરાના’ જાણીતું છે અને ચિત્રકળામાં બિષ્ણુપુરની આગવી શૈલી છે. અહીં મળતી બેલુચારી સિલ્કની સાડીને કારણે પ્રવાસીઓ ત્યાં સુધી જવા લલચાયા વગર રહેતા નથી.
ઈજિપ્તના પિરામિડો જોવા વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અનેક ભારતીયો પણ જાય છે. તેમણે ક્યારેક ભારતમાં જ રહેલા સ્વદેશી પિરામિડના પણ દર્શન કરવા જેવા ખરાં..
ટેરાકોટાઃ રાખના રમકડાંની રમત
લેટિન ભાષાના શબ્દ ‘ટેરાકોટા’નો મતલબ શેકેલી માટી-ધૂળ એવો થાય છે. માટી શેકવાની વિશિષ્ટ કળા દ્વારા ઈંટો તૈયાર થાય અને પછી એ ઈંટોનું બાંધકામ થાય એ ટેરાકોટાના બાંધકામ તરીકે ઓળખાય છે. બિષ્ણુપુર સિવાય ભારતમાં ટેરાકોટાના બાંધકામો ઓછા જોવા મળે છે. ટેરાકોટાનો બહુદ્યા વપરાશ સુશોભનની ચીજો માટે જ થાય છે. માત્ર માટીમાંથી જ બનેલું હોવા છતાં સદીઓ સુધી વરસાદ-તાપ-ટાઢ વચ્ચે અડિખમ રહે એ જ ટેરાકોટાના બાંધકામની મુખ્ય ઓળખ છે.
રાતોચોળ કલર એ વળી ટેરાકોટાની ચીજોને દૂરથી ઓળખાવી દેવા માટે પુરતો છે. માટીના ચાકડે ચડીને બનતા વાસણો કરતાં ટેરાકોટા અગળ છે. કેમ કે ટેરાકોટામાં માટીને ચાકડે ચડાવીને તેના પર કોઈ કરતબ કરવામાં આવતો નથી. હડપ્પીયન યુગનું ઉત્ખન્ન થાય ત્યાંથી ટેરાકોટાના વાસણો-પાત્રોના અવશેષો મળતાં હોય છે. પરંતુ બિષ્ણુપુરની માફક જીવંત સૌંદર્ય જેવા ટેરાકોટાના બાંધકામો ક્યાંય જોવા મળતાં નથી.
વધુ માહિતી https://www.wbtourismgov.in/destination/place/bishnupur