શહેનશાહ અકબરના ગુરુ, માર્ગદર્શક અને લશ્કરી જનરલ એટલે બૈરામખાં. મોગલ સલ્તનત પર જેમની આણ પ્રવર્તતી હતી એ બૈરામનું ખુન પાટણના પાદરમાં થયુ હતું. પાટણમાં ભગ્નાવસ્થામાં તેમની કબર આજેય ઉભી છે. સરકારે હમણાં ૧૫મી ઓગસ્ટની પાટણમાં ઉજવણી કરી ત્યારે એક નજર આ ભુલાયેલા ઈતિહાસ પર..
જાન્યુઆરી ૧૫૬૧
સ્થળઃ ગુજરાતની પુરાતન રાજધાની પાટણનું પાદર.
એક તરફ સરસ્વતી નદીનો સુકો પટ છે અને બીજી બાજુ સહસ્ત્રલિંગ તળાવનું પાણી હિલોળા લે છે. વચ્ચેના ભાગમાં વિશાળ કાફલાનો પડાવ હતો. પહેરેદાર સૈનિકોનો પહેરવેશ અને માથે ફરકતો સિંહ ચિતરેલો ત્રિકોણાકાર ધ્વજ, આ પડાવ મોગલ સલ્તનતનો હોવાની ચાડી ખાતો હતો. એ કાળ અકબરનો હતો. દિલ્હીમાં અકબરની હકૂમત ચાલતી હતી. જોકે પાટણના પાદરે તણાયેલા તંબુમેળો એટલો વિશાળ નહોતો કે તેમાં અકબરની હાજરી હોય. અને સંઘ એટલો બધો નાનો પણ ન હતો કે કોઈ સામાન્ય મોગલ અહીં વિશ્રામ કરવા રોકાયો હોય.
એ પડાવ હતો બૈરામખાંનો. દિલ્હીમાં જેના નામની હાક વાગતી હતી એ બૈરામખાંને મોત અહીં સાડા આઠસો કિલોમીટર દૂર લઈ આવ્યુ હતું!
* * *
આજના અફઘાનિસ્તાનમાં આવેલો બદખ્ખન પ્રાંત એ બૈરામનું જન્મસ્થાન. ૧૫૦૧ની સાલમાં બૈરામનો અહીં જન્મ મધ્ય એશિયાઈ તુર્કી કબિલામાં થયો હતો. પ્રથમ મોગલ બાદશાહ બાબરના લશ્કરમાં બૈરામના પિતા અને દાદા નોકરી કરતાં હતાં. એ વારસો જાળવી રાખતા બૈરામે પણ મોગલ સેનામાં ભરતી થવાનું પસંદ કર્યું. ત્યાં સુધીમાં શાસન બાબરના દીકરા (બીજા મોગલ બાદશાહ) હુમાયુના હાથમાં આવી ચૂક્યુ હતું. બૈરામની ઊંમર તો ૧૬ વર્ષ જ હતી, પણ લશ્કરી આવડત તેનાં લોહીમાં વહેતી હતી. હુમાયુએ બૈરામથી પ્રભાવિત થઈને તેને પોતાની અંગત ટૂકડીમા શામેલ કરી દીધો.
દિલ્હી જીતવા નીકળેલી હુમાયુની સેનાની કમાન બૈરામના હાથમાં હતી. મોગલ સૈૈન્યના એ કમાન્ડર-ઈન-ચીફ હતાં. તેમની લશ્કરી રણનીતિઓ અને વ્યુહાત્મક વિચારશક્તિ ગજબની હતી. પરિણામે બૈરામના ભાગ્યમાં જંગ હારવાના પ્રસંગો ખાસ આવવાના ન હતાં. એક પછી એક પ્રદેશ જીતતા દિલ્હી પહોંચેલા હુમાયુ લાંબો સમય જીવીત રહી શક્યા નહીં. ૧૫૫૬માં ૪૭ વર્ષની વયે હુમાયુંનું તો અવસાન થઈ ગયું પરંતુ શાહઝાદા અકબરને વારસામાં તેઓ દસ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ મોગલ સામ્રાજ્ય આપતા ગયા હતાં.
હુમાયુના મોત વખત અકબરની ઉંમર ૧૩ વર્ષની જ હતી. માટે અકબર વતી કારભાર ચલાવાની જવાબદારી રાજના વિશ્વાસુ માણસને સોંપવામાં આવી. એ વિશ્વાસુ માણસ એટલે બૈરામખાં. બૈરામે અકબરના શિક્ષક, સાલહકાર, ગુરુ, માર્ગદર્શક, સહિત અનેક રોલ ભજવવા શરૃ કર્યા. હુમાયુનું મોત થયુ એ વર્ષે જ મોગલ સલ્તનત પર આફત આવી પડી. હિન્દુ રાજા હેમચંદ્ર વિક્રમાદિત્ય (હેમુ) અને અકબરની સેના વચ્ચે પાણિપતમાં લડાઈ ફાટી નીકળી. એ પાણિપતનું બીજું યુદ્ધ હતું. મોગલ તાજ પર આમ તો અકબર બિરાજતો હતો, પણ હજુ તેને રાજા કહી શકાય એવી સ્થિતિ ન હતી. એ સંજોગમાં બૈરામે મોગલ લશ્કરી આગેવાન ખાન ઝમાન સાથે મળીને હેમુનેે હરાવી દીધો. એ રીતે બૈરામે મોગલ સલ્તનતનું રક્ષણ કરી પોતાની ઉપયોગિતા અને અનિવાર્યતા સાબિત કરી દીધી હતી. બૈરામના કામથી ખુશ થઈને અકબરે જલંધરમાં જાહેર સભામાં તેનું સન્માન કર્યુ હતું. સાથે સાથે પોતાની કઝીન સલિમા (હુમાયુની બહેન ગુલરુખની દીકરી)ના બૈરામ ખાન સાથે નિકાહ પણ જાહેર કર્યા હતાં. એ પહેલાં હુમાયુએ બૈરામને ‘ખાન (રાજાઓનો રાજા)’ની પદવી આવી હતી. બૈરામખાંનુ જન્મજાત નામ તો બૈરામ બેગ હતું. બૈરામે ઓક્ટોબર ૧૫૫૮માં આગ્રા આવ્યા પછી નાનકડા અકબરના ભણતર-ગણતરની વ્યવસ્થા કરી હતી. શહેનશાઈ લોહી ધરાવતા અકબરને વધારે રસ શિકાર સહિતની પ્રવૃત્તિઓમાં હતો. એ શોખ પુરા કરવાનું કામ પણ બૈરામ કરતાં હતાં.
કિશોરાવસ્થાએ પહોંચલા અકબર માટે પણ બૈરામની સલાહો બ્રહ્મવાક્યથી કમ ન હતી. સમય પસાર થતો ગયો એમ એમ અકબરની ઉંમર અને સમજણ બન્ને વધતા ગયાં. બૈરામ મૂળ તો શિયા મુસ્લીમ હતો. એ વખતે પણ શિયા-સુન્ની વચ્ચે કટ્ટર સ્પર્ધા હતી જ. માટે કેટલાક સુન્નીઓએ અકબરને બૈરામ વિરૃદ્ધ ભડકાવવાનું શરૃ કર્યુ. એ બધા સમયકાળ વચ્ચે પણ બૈરામ તો મોગલ સલ્તતનો વિસ્તાર વધારવા માટે એક પછી એક પ્રદેશો જીતતાં જતાં હતાં. ૧૫૫૭માં તેમણે ગ્વાલિયર પર કબજો મેળવી લીધો. અફઘાનિસ્તાનથી શરૃ થયેલું મુગલાઈ સામ્રાજ્ય છેક મધ્ય ભારત સુધી પહોંચ્યુ એ સમગ્ર ઘટનાક્રમનો બૈરામ સાક્ષી હતો અને એ માટે તેમણે પરસેવો પણ પાડયો હતો.
રણ-મોરચે સતત વ્યસ્ત હોવાથી અકબરના દરબારમાં નવ-રત્નોમાં તેેમનું સ્થાન નહોતું. લોકોમાં પણ બૈરામ એટલા બધા જાણીતા ન હતાં. દરમિયાન રાજસ્થાનનો રણથંભોર અને ચૂનુર વિસ્તાર કબજે કરવામાં બૈરામને નિષ્ફળતા મળી. માળવા પ્રદેશ જીતવાનું અકબરનું આયોજન હતું એ પણ બૈરામ કોઈ કારણોસર પુરું ન કરી શક્યા. પરિણામે અકબર અને બૈરામ વચ્ચે ખટરાગ શરૃ થયો. આમ પણ હવે અકબર ૧૮ વર્ષના થવા આવ્યા હતાં એટલે અસલી રાજા બૈરામ કે અકબર એ મુદ્દે બન્ને વચ્ચે શિતયુદ્ધ પણ આરંભાયુ હતું. ૬૦ વર્ષના થયેલા બૈરામ લગલગાટ ચાર દાયકાથી તેઓ મોગલ રાજની સેવામાં વ્યસ્ત હતાં. અકબર સત્તા હાથમાં લઈ લે એ બૈરામને પસંદ ન હતું. બૈરામ વધારે સક્રિય થઈને કંઈ આડાઅવળું કરે એ પહેલાં જ અકબરે બૈરામની સત્તાઓ પર કાપ મુકી દીધો. ૧૫૬૦માં અકબરે બૈરામને પોતાના અંગત સલાહકાર અને વાલીના પદેથી મુક્ત કર્યા. બૈરામ દિલ્હીમાં રહી કોઈ નુકસાન ન કરી શકે એ માટે તેમને મક્કાની યાત્રાએ જવાની સૂચના આપી. એ સૂચના હુકમ જેવી જ હતી. કેટલાક શ્રદ્ધાળુઓ, પત્ની સલિમા અને દીકરા રહિમ સાથે બૈરામનો કાફલો મક્કા જવા રવાના થયો.
એ વખતે મક્કા જવાનો સૌથી સરળ રસ્તો ગુજરાતમાંથી પસાર થતો હતો. ધમધમતા ખંભાત બંદરે અનેક દેશોના જહાજો લંગારાતા હતાં. મક્કાના જહાજો પણ અહીંથી જ ઉપડતા હતાં. દિલ્હીથી ખંભાત પહોંચતા કાફલાને રસ્તામાં અનેક સ્થળે પોરો ખાવો પડતો હતો. જાન્યુઆરી ૧૫૬૧માં પાટણની ભાગોળે પહોંચલા બૈરામખાંના કાફલાએ પણ અહીં સહસ્ત્રલિંગ તળાવના કાંઠે રાવટીઓ તાણી હતી.
* * *
પાણિપતના બીજા યુદ્ધ (નવેમ્બર, ૧૫૫૬)માં હેમુની હાર થયા પછી સેનાપતિ બૈરામે ઘાયલ-બેહોશ હાલતમાં હેમુને અકબર સમક્ષ હાજર કર્યો હતો. બૈરામે ત્યારે અકબરને સલાહ આપી હતી કે તમે હેમુનું માથુ તલવારથી કાપી નાખો એટલે સમગ્ર સામ્રાજ્યમાં તમારો જયજયકાર થાય. હેમુનો શિરચ્છેદ કરવાથી અકબરને ‘ગાઝી’ એટલે કે ‘સમ્રાટોના સમ્રાટ’ એવી માનભરી ઓળખ પણ મળશે એમ બૈરામને તેમને સમજાવ્યા હતાં. અકબરે એ વખતે બૈરામને જવાબ આપ્યો કે પહેલેથી જ નિસહાય હાલતમાં કેદ હેમુ પર હાથ ઉપાડવો મને શોભતો નથી. બૈરામ એ વાતથી નારાજ થયો અને તેણે પોતે જ તલવાર વડે હેમુનું માથુ અલગ કરી નાખ્યુ (સંદર્ભ- ધ ડેથ ઓફ હેમુ ઈન ૧૫૫૬, લે. વિન્સેન્ટ સ્મિથ). એ માથુ વળી બૈરામે કાબુલમાં આવેલા મોગલ જનાનાખાનામાં મોકલાવ્યુ હતું, જ્યારે ધડ દિલ્હી રવાના કર્યુ હતું. હેમુ સિવાયના જીવતા પકડાયા એમને સીધા જ મારી નાખવામાં આવ્યા હતાં. હેમુના વૃદ્ધ પિતાએ ઈસ્લામ કબુલ કરવાની ના પાડી એટલે તેમને પણ ફાંસીએ લટકાવી દેવાયા હતાં. એ હત્યાકાંડ વખતે બૈરામે હસનખાન મેવાતી નામના હેમુના વિશ્વાસુ સુબાની પણ હત્યા કરી હતી. એ સુન્ની આગેવાનની હત્યા વખતે જ બૈરામે પોતાના મોતને અજાણતા આમંત્રણ આપી દીધુ હતું.
* * *
પાણિપતમાં હાર પછી હસનખાનનો દિકરો હાઝીખાન મેવાતી (આજના હરિયાણામાં આવેલા મેવાત પ્રદેશના સાશકો એટલે મેવાતી) ભાગીને પાટણ આવી પહોંચ્યો હતો. પાટણ એ વખતે સલામત હતું. ૧૪૧૧માં અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી દક્ષિણે અમદાવાદમાં સ્થળાંતરીત કરી દીધા પછી આ શહેરની રાજકીય ગતિવિધિઓ ધીમી પડી ગઈ હતી. પાટણના પાદરમાં ઉતારો નાંખતી વખતે બૈરામને કલ્પના પણ ન હતી કે તેનું મોત અહીં રાહ જોઈ રહ્યું છે. પાટણમાં રાજ્યાશ્રય હેઠળ રહેલા અલવરના સુબા હાઝીખાનને ખબર પડી કે અકબરનો કાફલો અહીં વિશ્રામ લઈ રહ્યો છે અટલે તેણે તપાસ કરાવી. તપાસ દરમિયાન જાણકારી મળી કે હેમુ અને તેનાં પિતાની ક્રૂર રીતે હત્યા કરનાર બૈરામ અહીં જ છે. હાઝીખાનના સાથીદારે બૈરામને બરાબર ઓળખી કાઢ્યો. પછી વાર લગાડવાનું કોઈ કારણ ન હતું.
હાઝીખાને પોતાની પાસે હતાં એટલા સાથીદારોને ભેગા કરીને બૈરામના પડાવ પર હુમલો કર્યો. એ વખતે બૈરામ સહસ્ત્રલિંગ તળાવમાં નૌકાસફર કરી ઉતારા તરફ આવી રહ્યો હતો. હાઝીએ ત્યાં જ તેના પર હુમલો કરી તેની હત્યા કરી નાખી. એ તારીખ હતી જાન્યુઆરી ૩૧, ૧૫૬૧. બૈરામે તો સ્ત્રીઓ-બાળકો-નિર્દોષો બધાની હત્યા કરી હતી. પણ હાઝીખાને એવુ ન કર્યું. તેમની દુશ્મની માત્ર બૈરામ સાથે હતી. માટે બૈરામના બેગમ સલિમા અને પુત્ર રહિમને દિલ્હી જવા દીધા. બહેરામના મૃત્યુ પછી તેમના બેગમ સલિમાએ અકબર સાથે નિકાહ કરી લીધા હતાં. જ્યારે તેમના પુત્ર રહીમ ખાન-એ-ખાનાને અકબરના દરબારમાં નવરત્નો પૈકીના એક રત્ન તરીકે સ્થાન મળ્યુ હતું.
* * *
પાટણના સુકાઈ ગયેલા સહસ્ત્રલિંગ તળાવની પાછળના ભાગે અનેક બાવળના ઝૂંડ છે. ગાંડા બાવળને કાપીને બળતણ મેળવવા જતાં કઠિયારા સિવાય એ રસ્તે કોઈ ભુલે-ચુકે પગ મુકતા નથી. લુપ્ત સરસ્વતીના કાંઠે પથરાયેલા બાવળના વન વચ્ચે એક ઈસ્લામીક બાંધકામ દૂરથી નજરે પડે છે. તૂટેલી હાલતમાં ઉભેેલો એ ગુંબજ એટલે બૈરામખાંનો મકબરો. પુરાત્ત્વખાતાની કાળજીને કારણે મકબરો તો સારી હાલતમાં જળવાયો છે, પરંતુ અવાવરુ વિસ્તારમાં હોવાથી ત્યાં સરળતાથી જઈ શકાય એમ નથી. મકબરાની અડધી છત તૂટેલી છે અને બાકીના ભાગમાં ડઝનેક મધપુડાઓ છે. દક્ષિણ એશિયાની જંગલી મધમાખી એપિસ ડોરાસાટા તેનાં ખુંખાર સ્વભાવ માટે જાણીતી છે. માટે પુરતી તકેદારી રાખ્યા વગર મકબરા સુધી જવુ હિતાવહ પણ નથી. સ્થાનિક લોકો મધમાખીને ભમરા તરીકે ઓળખે છે, જે ખોટી ઓળખ છે. દસેક ફીટ ઊંચા વિશાળ પ્લેટફોર્મ પર બંધાયેલા કબ્રસ્તાન પર બૈરામખાં ઉપરાંત અન્ય કબરો પણ છે. ઠેરઠેર બાંધકામના પથ્થરો વિખરાયેલા પડયા છે. કદાચ ક્યારેક આ મકબરાનું રિનોવેશન કાર્ય હાથ ધરાયુ હશે અને પછી પડતું મુકી દેવાયુ હશે એટલે એ પથ્થરો એમ જ પડયા છે.
પાટણ ખાતે ગઈ (2014ની) ૧૫મી ઓગસ્ટે સરકારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી ત્યારે યાદ કરવા જેવો એક ખુણો આ પણ હતો.
ગાયકવાડી રાજ વખતે અહીં નિયમિત રીતે ઉર્સની ઉજવણી થતી હતી. જે ઘણા દાયકાઓથી બંધ છે. હવે તો બદખ્ખન પ્રાંત તરફથી ફૂંકાતા પવન સિવાય એ કબરને કોઈ યાદ કરતું નથી.
બૈરામખાંના મકબરા સુધી પહોંચવાની સફર પણ ઈન્ડિયાના જોન્સના સાહસથી કમ ન હતી. અ અહીં વાંચો…
I’m excited to find this great site. I want to to thank you for your time just for this fantastic
read!! I definitely appreciated every bit of
it and i also have you book-marked to check out new information on your
site. – Merle