
આજે ખાડા-ખબડા માટે રોજોરોજ જાણીતું થઈ રહેલું અમદાવાદ એક સમયે મિલ સિટી હતું. આસપાસના ગામવાસીઓ મિલ સિટીમાં ખરીદી કરવા આવે. રિલિફ રોડ, ગાંધી રોડ, રતનપોળ.. જેવા વિસ્તારોમાં ખરીદી કરે. પછી?
ખરીદી સાથે અનિવાર્ય ગણાતો નાસ્તો-પાણી કરવા ક્યાં જવું? વિવિધ વિકલ્પો અમદાવાદમાં હતા, એમાંનો એક વિકલ્પ એટલે Azad sweets & restaurant ઉર્ફે આઝાદના પૂરી-શાક.
અમારા જેવા બહારથી અમદાવાદમાં આવેલા લોકોને અમદાવાદમાં ખાવા જેવી જગ્યા કઈ કઈ એ ખાસ ખબર ન હોય, પણ એક વખત ધૈવતભાઈએ આઝાદમાં મિજબાની કરાવી. એ પછીથી અમે નિયમિત રીતે ચાર-છ મહિને એકાદ વખત બપોરા કરવા આઝાદમાં જઈએ છીએ. હવે એ નિયમિતતા વધી ગઈ છે કેમ કે ત્યાં સુધી ધક્કો ખાવો નથી પડતો. ઝોમેટો અને સ્વીગી ઓફિસમાં જ આઝાદનું પાર્સલ પુરું પાડી જાય છે.

આઝાદમાં એકથી એક ચડિયાતી ચીજો મળે છે, પણ તેની ઓળખ છે પૂરી-શાક. 60 રૃપિયામાં ચાર મોટી પૂરી, ખાસ પ્રકારે બનેલું થોડો મીઠો સ્વાદ ધરાવતું શાક. સાથે છાશ-પાપડ જે જોઈએ એ મંગાવો. સામાન્ય કદના પેટમાં જોકે ચાર પૂરી, પુરેપૂરી સમાઈ શકે એવુ નથી. એટલે હાફ પૂરી શાક (અને બીજા સામગ્રી પણ હાફ)નો વિકલ્પ ઉપલબ્ધ છે.
અમદાવાદના જૂના, જાણીતા, જાણકાર ખાવાના શોખીન આઝાદથી વાકેફ હશે જ. પણ આઝાદમાં ચાર-પાંચ વખત ગયા પછી કેટલીક વાતો ધ્યાને ચડી છે. જગ્યા સાંકડી હોવા છતાં સતત ભીડ રહે છે, 11 વાગ્યે જાવ કે સાંજે પાંચ વાગે તેનું કારણ ટેસ્ટ ઉપરાંત સર્વિસ છે.

અહીં કાઉન્ટર પર બેઠેલા કાકા શાંતિથી, ગ્રાહકનો આદર જાળવીને સતત જવાબ આપતા રહે છે. ઘણી દૂકાનો-રેસ્ટોરાં-હોટેલ્સના નામ પ્રચલિત થઈ ગયા પછી ગ્રાહકોનો ભાવ પૂછવામાં કોઈને રસ હોતો નથી. અહીં ઉલટું છે. 1958માં સ્થપાયેલી આઝાદમાં 60 વર્ષે પણ નમ્રતાએ ઉંબરો ઓળંગ્યો નથી.
તો વળી વેઈટરો પણ ગ્રાહકો સાથે બે-અદબીથી વર્તન કરે છે. એટલે ભીડ અને થોડી ઘણી અસુવિધા વચ્ચે પણ અહીં આવતા રહેવાનું મન થયા કરે છે. અલબત્ત, આમ પણ એક વખત પૂરી-શાક ખાધા પછી તેનો ટેસ્ટ માણવાનું કોઈ સ્વાદ શોખીન ભૂલી શકે એમ નથી. બીજી જાણીતી આઈટેમ માજુન નામે ઓળખાતો હલવો છે.

આઝાદની મોટી જફા તેનું ભીડ-ભાડવાળા સ્થળમાં આવેલું રિલિફ રોડ પરનું લોકેશન છે. અગાઉ ત્યાં ધક્કા થતાં ત્યારે એક વખત પૂછ્યું હતું કે અમદાવાદની પશ્ચમ ધરામાં કોઈ બ્રાન્ચ નથી ખોલવી? ત્યારે તો કાકાએ ના પાડી હતી. જાણે ચંદ્રશેખર આઝાદની અદામાં કહેતા હોય – આઝાદ હે, વહીં રહેંગે.. (ચંદ્રશેખર આઝાદનું અસલ વાક્ય – આઝાદ હે, આઝાદ હી રહેંગે).

સ્ટેડિયમ પાસેની આઝાદ
પણ હવે સ્ટેડિયમ ચાર રસ્તા પાસે એક બ્રાન્ચ ખૂલી ગઈ છે. અત્યારે તો સ્ટેડિયમથી કોમર્સ તરફ જતા એ રસ્તા પર મેટ્રોનું કામ ચાલે છે. એટલે ત્યાં સુધી જવાનું અઘરું છે. જોકે ઝવેરીવાડની આઝાદ જેવો સ્વાદ ત્યાં નથી, ભાવ પણ જરા વધારે છે. સામે બેસવા સહિતની સુવિધા પણ ઘણી સારી છે.