Lothal : માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી નગર

અમદાવાદ પાસે આવેલા જગતના સૌ પ્રથમ બંદર અને પુરાતત્વીય નગર Lothal/લોથલની મુલાકાત લેવા માટે જરૃરી માહિતી-ટીપ્સ.

વિશ્વા મોડાસિયા-નિતુલ મોડાસિયા

ઇસવીસન પૂર્વે 2500 થી લઇ 1700 સુધી હડપ્પા અને મોહન જો દારો સંસ્કૃતિ સિંધુ નદીના તટ પર વિકાસ પામી. આ સંસ્કૃતિના કેટલાક અવશેષો ગુજરાતના ધોળાવીરા અને લોથલમાં મળી આવેલા છે.લોથલ હડપ્પા કાળનું બંદરગાહ અને ઓદ્યોગિક શહેર હતું. આ શહેરનો વિકાસ સમુદ્રી ઉદ્યોગના વિકાસ અને સમૃદ્ધિ માટે કરવામાં આવ્યો હતો. આજે લોથલમાં આપણને તેના અવશેષો જોવા મળે છે.


લોથલનો પ્રાચીન ટીંબો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામથી બે કિલોમીટરના અંતરે ઉત્તર દિશામાં આવેલો છે. લોથલનો શાબ્દિક અર્થ મૃતકો નો ટીંબો થાય છે,જે ‘લોથ’ અને ‘થલ’ શબ્દની જોડણી જોડીને બનાવવામાં આવ્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા મુજબ લોથલ પ્રાચીન સમયનું એક મુખ્ય બંદરગાહ છે જે  સિંધના હડપ્પા અને સૌરાષ્ટ્રના શહેર વચ્ચે વહેતી પ્રાચીન નદી સાબરમતીના કાંઠે વસેલું હતું. તે સમયે આજનું કચ્છ અરબી સમુદ્રનું એક ભાગ હતું અને લોથલ  સિદ્ધ અને સૌરાષ્ટ્ર વચ્ચે થતા વેપાર માર્ગનું મહત્વનુ બંદરગાહ હતું. પ્રાચીનકાળમાં તે એકમહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું જ્યાંથી અર્ધ કિંમતી પથ્થરના મણકા, તાંબુ, હાથી દાંત, શંખ, કપાસ,મોતી, રત્ન, કિંમતી ઝવેરાત વગેરે વસ્તુઓનો વેપાર પશ્ચિમ એશિયા અને આફ્રિકાના અલગ-અલગ શહેરો સાથે કરવામાં આવતો હતો.

લોથલથી પ્રાપ્ત થયેલ પૂરાવશેષો, જેવા કે પર્શિયન અખાત પ્રદેશ નું ચલણ, ગોરીલા અને મમીની પાક્કી માટીની મૂર્તિઓ વગેરે લોથલનો બાહ્ય દેશો સાથેના સંબંધોની પુષ્ટિ આપે છે.તે ઉપરાંત આ બંદરગાહ ડાંગર અને કપાસના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર પણ હતું.એવું માનવામાં આવે છે કે આ નગર નો વિનાશ નદીમાં આવેલ સતત પૂરના કારણે થયો હતો. સતત આવતી કુદરતી આફતના કારણે અહીંના લોકોએ પૂર્વ ૧૭૦૦ સુધીમાં આ સ્થળનો પૂર્ણ રૂપે ત્યાગ કર્યો હતો, તથા ત્યારબાદ આ શહેર લુપ્ત થઈ ગયું હતું.

૧૯૫૫-૧૯૬૨ દરમ્યાન પ્રો. એસ. આર. રાવે આ જગ્યાનું ઉત્ખનન કરાવેલું જેમાં આ શહેરના ઘણા બધા અવશેષો મળી આવેલા. આ બાંધકામમાં એક્રોપોલિસ , વહાણ માટેની ગોદી, મોતી બનવાની ફેક્ટરી, સમાન ભરવાની વખાર, માટીના વાસણો બનાવવા માટેનો ચીમની , રસોડા, કૂવા, બાથરૂમ અને શૌચાલયના પાણીના નિકાસ માટેની નાલી તેમજ ઢગલાબંધ આભૂષણો , વાસણો , હથિયાર અને ખેતી કરવા માટેના સાધનો મળી આવેલા.

આ શહેરનું બાંધકામ મૂળ હડપ્પા સંસ્કૃતિની પદ્ધતિ અનુસાર કરવામાં આવેલું છે માટે આ શહેર  મુખ્ય બે વીભાગમાં વેહચાયેલું છે. આ શહેરના વિભાગ એટલે “અપર ટાઉન (દુર્ગ)” અને “લોવર ટાઉન (નગર વિસ્તાર)”. હડપ્પા સંસ્કૃતિ પ્રમાણે અમીરોના ઘર અને શહેરના મુખ્ય બાંધકામ અપર ટાઉનમાં કરવામાં આવતા અને સામાન્ય માણસોના ઘર અને તેમના કામ કરવાના સ્થળો લોવર ટાઉન રૂપે ઓળખાતા હતા.

આ સંપૂર્ણ નગરને પશ્ચિમ દિશામાં પુરથી બચાવવા હેતુ 13 મીટર પહોળી માટીની પાકી ઈંટોથી બનેલ દીવાલ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું હતું. દુર્ગ ક્ષેત્રમાં સમાજના પ્રતિષ્ઠિત વર્ગના લોકો રહેતા હતા, જેમના આવાસ 3 મીટર ઊંચા ચબૂતરા પર નિર્મિત કરાયેલા હતા. અહીં બધા જ પ્રકારની નાગરિક સુવિધાઓ જેમ કે ઇંટોથી બનાવેલ સ્નાનાગાર, ઢાંકેલી ગટરલાઈન અને શુદ્ધ પાણી માટે કુવાની વ્યવસ્થા વગેરે હતી.

નગર ક્ષેત્રમાં પણ બે ખંડ હતા એક વ્યાપારી ક્ષેત્ર અને એક આવાસીય ક્ષેત્ર.વ્યાપારિક ક્ષેત્રમાં ફક્ત કામદાર વર્ગના લોકો રહેતા હતા. અહીંના મુખ્ય અવશેષમાં એક વિશાળ જળાશય જેવી લંબચોરસ આકારની ૨૧૪×૩૬ મીટરની ગોદી છે, જે પાણીને આખું વર્ષ સંગ્રહ કરવા માટે કરવામાં આવેલ અનોખી વ્યવસ્થા માટે પ્રસિદ્ધ છે.અન્ય મુખ્ય અવશેષોમાં માલગોદામ (વખાર) નોંધપાત્ર છે જે દુર્ગના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત છે.

સંગ્રહાલયમાં જોવાલાયક વસ્તુ?

ઈ.સ ૧૯૭૬માં નિર્માણ કરેલ પુરાતત્વીય સંગ્રહાલય 3 પ્રદર્શન કક્ષમાં વહેંચવામાં આવેલ છે. સામેના કક્ષમાં એક કલાકાર દ્વારા બનાવવામાં આવેલ લોથલ શહેરનું કાલ્પનિક ચિત્ર પ્રદર્શન કરેલ છે તથા અહીં લોથલ સંબંધિત પ્રાથમિક માહિતી લેખ અને નકશા દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.ડાબી બાજુના કક્ષમાં મણકા, માટીના ઘરેણાં, મોહરની છાપની પ્રતિકૃતિ, શંખ,હાથીદાંત, તાંબા અને કાંસાની વસ્તુઓ, પકવેલી માટીના વાસણના ટુકડા પ્રદર્શિત છે. જ્યારે જમણી તરફના કક્ષમાં પકવેલ માટીના રમકડાં, માનવ અને પશુઓની ઇંટો, ધર્મ સંબંધિત વસ્તુઓ, જોડાયેલ હાડપિંજરની પ્રતિકૃતિ તથા લોથલનું એક મોડલ પ્રદર્શિત કરવામાં આવેલ છે.


૧.મણકા
લોથલના ખોદકામ દરમિયાન મળી આવેલ કાર્નેલિયન, ગોમેદ, જામની,સુલેમાની, અર્ધ કિંમતી પથ્થરો અને માટીના મકાન અહીં પ્રદર્શિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત સૂક્ષ્મદર્શક કાચ દ્વારા જોઇ શકાતા સેલખડીના સુક્ષ્મ મણકા પણ અહીં પ્રદર્શિત કરવામાં આવેલ છે.
૨. મહોર અને મોહોરની છાપ
અહીંના ખોદકામમાંથી મોટી સંખ્યામાં મહોર અને મોહોરની છાપ મળી આવ્યા છે જેની સંખ્યા મોહેન્જોદારો અને હડપ્પાના પુરાસ્થળથી પ્રાપ્ત થયેલ મહોર કરતાં અધિક છે.આ મહોરો સેલખડી પર પશુ આકૃતિ અને હડપ્પન લિપી કોતરીને બનાવવામાં આવેલ છે.
૩. શંખ થી બનેલી વસ્તુ
પ્રાચીન સમયમાં અહીંના લોકો શંખ નો ઉપયોગ બંગડીઓ, મણકા,રમકડા અને અન્ય વસ્તુઓ બનાવવામાં કરતા હતા,જેના અમુક નમૂનાઓ સંગ્રહાલયમાં મુકવામાં આવેલ છે.
૪. તાંબા અને કાંસાની વસ્તુઓ
હડપ્પા સભ્યતાના લોકો ઘણા પ્રકારની તાંબા અને કાંસાની વસ્તુ બનાવતા હતા. લોથલના વેપારીઓ સંભવત ઓમાનથી તાંબાની પોર્ટો આયાત કરતા હતા.
૫. માટીના વાસણો
હડપ્પા સભ્યતામાં પકવેલી માટીના વાસણ નું નિર્માણ તેની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હતું.એ લોકો વિભિન્ન પ્રકારના માટલા, થાળીઓ, કુંજ  વગેરે રોજવપરાશ માટે બનાવતા હતા, જેમાં છિદ્રિત નળાકાર વાસણો નોંધપાત્ર છે.


૬. હથિયાર
પથ્થરની બ્લેડ, હાડકાની સોઈ, કાંતવાની ધરી, લોલકવાળો ઓળબો વગેરે હથિયારો ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયા છે, તે પણ અહીં પ્રદર્શિત છે.
૭. રમકડાં
લખોટી,ભમરડા,પાસા વગેરે રમકડા પણ અહીં પ્રદર્શનમાં મુકવામાં આવેલ છે.
૮. પશુ અને માનવ આકૃતિઓ
લોથલના હડપ્પાકાલીન નિવાસીઓએ મોટા પ્રમાણમાં પકવેલી માટીની બનેલી પશુઓની આકૃતિઓ તેમજ જૂજ પ્રમાણમાં માનવ આકૃતિઓ પણ બનાવી હતી.
૯. માપ અને માપવાના સાધનો
હડપ્પા સભ્યતાના લોકો એ એક પ્રમાણભૂત માપ-તોલ નક્કી કર્યું હતું. તોલવા માટે ઘણા પ્રકારના પથ્થરો જેવા કે જસ્પર, ગોમેદ વગેરે બનાવ્યા હતા તથા તેમના આકાર પણ અલગ અલગ હતા. એ લોકોએ હાથીદાંતના માપ પણ મોટા પ્રમાણમાં નિર્માણ કર્યા હતા.
૧૦. હાડપિંજર અને ધાર્મિક વસ્તુ
હડપ્પા સભ્યતાના લોકો મૃતકની કબરોમાં માટીના વાસણો, મણકા અને દૈનિક ઉપયોગમાં આવતી સામગ્રીઓ મૂકતા હતા.ખોદકામ દરમિયાન એક જોડાયેલું હાડપિંજર પણ મળી આવેલ છે.

પુરાતત્વમાં રસ ધરાવનરાઓ માટે લોથલ એક ઉત્તમ જગ્યા છે. વિશાળ જગ્યામાં ફેલાયેલી લોથલ સાઈટ અને મ્યુઝિયમમાં રાખેલા અવશેષો આપણેને હડપ્પા સંસ્કૃતિ અને તેની ભવ્યતાનું પ્રમાણ આપે છે.

ટ્રાવેલ ટિપ્સ

  • લોથલ મ્યુઝિયમની ટિકિટ 5 રૃપિયા છે જેમાં લોથલ વિશે પ્રાથમિક જાણકારી આપતી પુસ્તિકા પણ આપવામાં આવે છે.
  • લોથલનું મ્યુઝિયમ શુક્રવારે બંધ રહે છે. ઉત્ખનન સાઈટ સવારે 6 થી સાંજે 6 સુધી દરરોજ ખુલ્લી રહે છે. –  એક દિવસના પ્રવાસ માટે લોથલ ઉત્તમ જગ્યા છે. મુખ્ય રસ્તાથી લોથલ 12 કિલોમીટર દુર છે માટે પ્રાઇવેટ વાહન લઇને જવું સલાહભર્યું છે.
  • લોથલની આસપાસ ખાવા પીવાની કોઈ સગવડ નથી માટે તેની વ્યવસ્થા કરીને જવું.
  • હાલ લોથલ મ્યુઝિયમ રિપેરિંગ કામ હેઠળ છે માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. જતા પેહલા 9726651432 પર ફોન કરીને જાણકારી મેળવી લેવી. ઉત્ખનન સાઈટ રાબેતા મુજબના સમયે ચાલુ છે.
  • મ્યુઝિયમમાં ફોટોગ્રાફી કરવા માટે પરવાનગી લેવી પડે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *