
એવું કહેવાય છે કે દ્રોપદી ન હોત તો મહાભારત સર્જાયું ન હોત.. એ દ્રૌપદીની મહત્તા સાબિત કરતી નવલકથા ધ્રુવ ભટ્ટે 1988માં લખી હતી. મૂળભૂત રીતે મહાભારતમાંથી તારવેલો ઘટનાક્રમ છે, જે ધ્રુવ ભટ્ટે પોતાની સમર્થ લેખનશક્તિ વડે અતી રસપ્રદ રીતે રજૂ કર્યો છે. ધ્રુવ દાદાનો ઊંડો અભ્યાસ અને અર્થઘટનો પુસ્તકને મહાભારતની સામાન્ય કથાને બદલે ચડિયાતી કથા બનાવે છે. મહાભારત પોતે રસપ્રદ ગ્રંથ છે અને તેના પર આધારિત આ કથા પણ એટલી જ રસપ્રદ છે. લાંબા વર્ણનો કર્યા વગર સરળ છતાં બળકટ રીતે લખાયેલી વાર્તાનાં કેટલાક અંશો અહીં રજૂ કર્યાં છે.

પ્રકાશક – હર્ષ પ્રકાશન, અમદાવાદ
પાનાં – 287
કિંમત – 63 (પ્રથમ આવૃત્તિની)
- કાંપિલ્યના પૂર્વ દ્વારનો દ્વારપાલ પરોઢનાં ઘડિયાં વગાડીને બેઠો હતો. પોતાની ફરજ પૂરી થવાની રાહ જોતાં તેણે શરીર સ્વસ્થ કર્યું અને રાજમાર્ગ પર દૃષ્ટિ કરી. પરોઢના ઝાંખા ઉજાસમાં, રાજપ્રસાદ તરફથી આવતો રથ દ્વારપાળની નજરે પડ્યો. તે ઊભો થયો અને દોડ્યા આવતા રથને જોઈ રહ્યો. થોડી વારમાં રથ પાસે આવ્યો. પથ પર સવાર થયેલી વ્યક્તિઓને ઓળખતાંવાર દ્વારપાળે આશ્ચર્ય અનુભવ્યું. તરત જ તણે દ્વાર ખોલ્યું અને મસ્તક નમાવ્યું. કોઈ અંગરક્ષક કે સારથિને પણ સાથે લીધા વગર સડસડાટ મહારાજ દ્રુપદ અને મહાઅમાત્યનો રથ સડસડાટ પસાર થઈ ગયો.
- આશ્રમમાં દરેક જણ કંઈને કંઈ કામ કર્યે જતું હતું તે રાજવીએ નોંધ્યું.
- શિખંડી માટે ઋષિએ સુંદર શબ્દનો પ્રયોગ કર્યો તે દ્રુપદને ખટક્યું.
- અમારા દુર્ભાગ્યે શાસ્ત્રોએ આશ્રમોની રક્ષાનું કાર્ય રાજાઓને સોંપ્યુ છે, પરંતુ બળપ્રયોગ કરવાથી દૂર રહેજે.
- પુત્રીને સહુ દ્રૌપદી કહેતા. દ્રુપદની લાડકી પુત્રીનો વર્ણ અગ્નિ શિખાના છેડા પર હોય છે, તેવો રક્તશ્યામ હતો.
- પુરાતન સમયથી ચાલી આવતી ભારતની આ તીર્થાટન પ્રવૃત્તિ એક સ્થળેથી બીજા સ્થળે સંદેશા અને માહિતીની સચોટ આપ-લે માટે અજોડ પદ્ધતિ પણ હતી.
- કૃષ્ણ આવ્યા અને ગયા. દ્રુપદના મનમાં, પાંચાલીના હૃદયમાં વિવિધ લાગણીઓ જન્માવીને ચાલ્યા ગયા.
- ધૃષ્ટદ્યુમને વિચાર કર્યો. તેને લાગ્યું કે હિડિંબની ગરદન તોડી નાંખી શકે તેવું સામાર્થ્ય આર્યાવર્તમાં ફક્ત ચાર જણ ધરાવે છે, કૃષ્ણ, બલરામ, દુર્યોધન અને ભીમ…
- ડાબી તરફ ગોઠવાઈને કેદીઓ અને ગુલામો પ્રશસ્તિગાન કરતા હતા.
- દ્રૌપદીએ અવાજની દિશામાં જોયું. વાદળ પાછળ ઢંકાએલો સૂર્ય બહાર આવતો હોય તેમ રાજવીઓનાં આસનો વચ્ચેથી અપ્રતિમ પ્રતિભા ધરાવતો યુવાન ઊભો થયો.
- દ્રૌપદી મનમાં સમસમી રહી. કર્ણની સ્વસ્થતાથી તે અકળામણ અનુભવતી હતી.
- પાંડુપુત્રો માટે માતાનું વચન ટાળવું કોઈ કાળે શક્ય ન હતું.
- સફેદ વસ્ત્રમાં મહર્ષિ ચાલ્યા, તેમની પાછળ રાતા વસ્ત્રોમાં શોભતી દ્રૌપદી ચાલી. પવિત્ર યજ્ઞકુંડમાંથી ઊઠતા સફેદ ધૂમાડા અને તેની પાછળ ઊઠતી લાલ અગ્નિશિખાનો આભાસ કરાવતાં બન્ને આગળ વધ્યા.
- જે સમયે જે યોગ્ય છે તેનું આચરણ કરવાની છૂટ, ઓછામાં ઓછી આજ્ઞાઓ અને વધુમાં વધુ સ્વાતંત્ર્ય આપતો આર્યધર્મ કસોટીની એરણ પર ચડ્યો અને પાર ઊતર્યો.
- પતિએ જાતે પથ્થરો ખેંચી લાવીને બાંધેલા આવાસમાં સ્ત્રીને શું સુખ મળે છે એ સમજવું હોય તો તમારે સ્ત્રી બનવું પડે.
- સાદા-સરળ જીવનમાં જ્યારે રાજનીતિ પ્રવેશે છે ત્યારે કેટકેટલા પ્રશ્નો ઊભા થાય છે, ભાઈ?
- ધર્મરાજ, જે ધર્મની રક્ષા માટે આપણે આટઆટલું કરીએ છીએ તે ધર્મમાં સ્ત્રીનું સ્થાન ક્યાં છે તે મને સમજાવશો?
- સુભદ્રાએ અનુભવ્યું કે જગત જેને પ્રેમ તરીકે ઓળખે છે તે લાગણીથી ઉપરની એક અવસ્થામાં આ સ્ત્રી જીવે છે.
- દ્રૌપદીને ઘડીભર લાગ્યું કે કૃષ્ણ, વ્યાસ અને યુધિષ્ઠિર તેના પર શાસન કરે છે.
- હવે માત્ર ગાડા નીચેથી નીકળતો રસ્તો દ્રૌપદીની આંખ સામે સરકતો હતો.
- અંતે તે દિવસની સવાર આવી પહોંચી જેની રાહ વિધાતા વર્ષોથી જોતા હતા.
- સભ્ય સમાજને પુત્રને ક્યારે પિતાના સગપણે અને ક્યારે માતાના સગપણે ઓળખવો તે બરાબર આવડે છે.
- હે દ્રૌપદી, મારી વાત અહીં કોઈ માનવાનું નથી કારણ કે હું નાનો છું અને કારણ કે સાચો છું.
- જે મુખ જોઈને તે હંમેશા મોહ પામતો તે મુખ જોઈને અત્યારે દુઃશાસનનાં ગાત્રોમાં ભય વ્યાપી ગયો.
- તે સાંજે રાજમહાલય સિવાય નગરના કોઈ આવાસમાંથી ચૂલાનો ધૂમાડો નીકળતો ન દેખાયો.
- આ યુદ્ધમાં આપણે લડીશું નહીં છતાં એ યુદ્ધ આપણે જ લડવાનું છે.
- કૃષ્ણા, આપણને પ્રાપ્તિની ઈચ્છા ન હોય ત્યારે જે કામ કરી શકાય તે જ સાચું કામ છે.
- એક-બે પ્રકાશિત તારકો સિવાયનો તારાગણ ઊગતા ઉજાસ પાછળ ઢંકાઈ ગયો હતો.
- ગાંડીવ ધનુષ્યની પણછને અર્જૂન, ભીમસેન તથા આપના સિવાય જગતમાં કોઈ ચડાવી નથી શકતું. પરંતુ મારે શું કરવી છે એ શક્તિને જે ખરે સમયે મારી મદદે ન આવે?
- દ્રૌપદી, આ જગતમાં દરેક માણસ એક યા બીજી રીતે દુઃખી હોય જ છે. આપણે આપણા દુઃખને અન્યનાં દુઃખ કરતાં મોટું ગણીએ છીએ તેથી મનને કલેશ થાય છે.
- યુધિષ્ઠિર ઋષિઓ સાથે ધર્મલાપ કરે તેના કરતાં યુદ્ધની તૈયારી કરે તો વધુ સારું તેવું તેને હંમેશાં લાગ્યા કરતું.
- તેર તેર વરસ સુધી તમે ધર્મચર્ચા કર્યા કરજો અને હું વૃક્ષો પરથી ઊતરતાં મંકોડા ગણ્યા કરીશ.
- આટલા યજ્ઞો થાય છે, ઉપરાંત કેટકેટલાં ધર્મકાર્યો આપણે સતત કર્યા કરીએ છીએ છતાં પૃથ્વી પરથી અધર્મ જતો કેમ નથી?

- રાજમહાલયોમાં જે નથી મળતું તે માટીમાંથી મળે છે. કૃષ્ણને જીવનનું સત્ય ગોકુળની સીમમાં ગાયો પાછળ દોડતાં, અને યમુનામાં વિશાળ પટમાં તરતાં પ્રાપ્ત થયું છે.
- મોટાભાઈ અને ગુરુજનો સાથે ન હોત તો ભીમ બેચાર તોતિંગ વૃક્ષો ઉઠાવીને પર્વતો પરથી નીચે ખીણમાં ફેંકી પોતાના ઉત્સાહનો ઊભરો શમાવત.
- જે ન થાય તેવું દ્રૌપદીએ વારંવાર ઇચ્છયું હતું તે થઈને રહ્યું. કીચક સૈરન્ધ્રીના રૃપ પર મોહી ગયો હતો.
- જે સ્ત્રીને માટે આર્યાવર્તના પાંચ શ્રેષ્ઠ પુરુષો જીવ પાથરી દેતા તે સ્ત્રી આજે અપમાનિત દશામાં વિરાટના આંગણામાં એકલી અટૂલી ચાલી જતી હતી.
- નગરની દક્ષિણ સીમા પર કૌરવ સૈન્યને વિરાટની ગાયોનું હરણ કર્યું હતું.
- હું સ્વયં અર્જુન છું. મારાં બીજાં નામ સાંભળી લે, વિજય, ફાલ્ગુન, સવ્યસાચી, જિષ્ણુ, કીર્તિ, શ્વેતવાહન, બિભત્સુ, પાર્થ અને ધનંજય.
- આ સમાચાર સાંભળતાં ગામેગામ કેટલાએ લોકોએ પાંડવોના કુશળ માટે લીધેલાં વ્રતો પૂર્ણ કર્યાં અને આનંદ મનાવ્યો.
- દ્રૌપદી બોલી, હું પણ મને સમજી શકતી નથી.
- દુર્યોધન, પાસો ફેંકાઈ ગયો છે અને આ વખતે તારી સામે યુધિષ્ઠિર નથી.
- આજ સુધી કૃષ્ણે પોતાના અણગમતાં ઘણાં કાર્યો કર્યાં છે, એક વધુ પણ કરશે.
- અર્જુનનું કૌશલ્યભીમની શક્તિ, આ બધું તારી નજરે જોયાં છતાં પણ જો તું પાંડવોને હણવાનાં સ્વપ્નો જોતો હો તો તું મહામૂર્ખ છે.
- આપણી ધારણાઓ કરતાં ઈશ્વરનું નિર્માણ જુદું જ હોય છે.
- તેઓ માત્ર પાંડવો જ છે. આપણે માત્ર કૌરવો નથી. આપણે ભીષ્મ, દ્રોણ, શલ્ય, ક્ષત્રિઓ અને સૂતપુત્રો છીએ.
- કુમાર, આ પાપી બ્રાહ્મણ દ્રોણને હું જાણું છું. તે નીતિવિહિન યુદ્ધ કરશે.
- હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી.
- સામે ચાલીને મૃત્યુને ભેટવા જતો ભીમનો વીરપુત્ર આનંદની કિકિયારી કરતો કર્ણ તરફ દોડ્યો.
- કર્ણ, શું કરાય અને શું ન કરાય તે વિચારવાનો સમય ચાલ્યો ગયો છે. નીતિ, અનીતિ, ધર્મ, અધર્મ એ બધું વિચારનારાઓ હવે ક્યાં છે?
- યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થાય તે કરતાં દુઃશાસનના રક્તમાં મારા વાળ ઝબોળાય એ મારે મન અગત્યનું છે.
- રાધેયને પરાજિત ન કરી શકાય, બહુ બહુ તો હણી શકાય.
- હું કૃષ્ણ વાસુદેવ, હસ્તિનાપુરના રાજવીપદે મહારાજ પાંડુ અને કુંતીના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરું છું.
અને કથામાં પ્રયોજાયેલા દ્રૌપદીના વિવિધ નામ - કૃષ્ણાકુમારી
- પાંચાલી
- અગ્નિજન્મા
- અગ્નિકન્યા
- અગ્નિસંભવા
- યુવરાજ્ઞી
- કૃષ્ણા
- કલ્યાણી
- મુક્તકેશા
- કેશા
- સૈરન્ધ્રી
- યજ્ઞસેની