આયનો : અરીસાની પેલે પાર ન દેખાતું કલ્પનીત જગત..

ભૂત-પ્રેત-આત્મા-પ્રેતાત્મામાં વિશે દરેકના પોતાના ખ્યાલ હોવાના.. ભૂત-પ્રેતમાં રસ હોય કે ન હોય વાંચવામાં રસ હોય તો શીરમોર ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટની કથા આયનો વાંચવી રહી.

આયનો – અશ્વિની ભટ્ટ

પ્રકાશક –સાર્થક પ્રકાશન (http://saarthakprakashan.com/)

કિંમત – રૃપિયા 160

પાનાં – 161

કથા-વાર્તા એ હકીકતે વિવિધ રસનું સંયોજન હોય છે. અશ્વિનીદાદાએ પ્રસ્તાવનામાં લખ્યું છે કે આયનોમાં કેવળ અદભૂત રસનું જ પ્રયોજન છે. આમ તો આ વાર્તા લઘુનવલ છે, પરંતુ વાચકો માટે શું લઘુ કે શું ગુરુ.. અશ્વિની ભટ્ટની કથા વાંચવાની શરૃઆત થયા પછી વચ્ચેથી અટકવું મુશ્કેલ છે, એ નિયમ અહીં પણ લાગુ પડે છે. એમાંથી કેટલીક વાતો.. વાર્તાનું રહસ્ય ખોલ્યાં વગર..

  • એક વર્ષથી તેનો પત્તો ન હતો. તે ક્યાં ચાલ્યો ગયો હશે? સાધુ બનીને હિમાલયમાં ક્યાંક ફરતો હશે?
  • સાથે ભણ્યા હતા. સાથે જ એક હોસ્ટેલમાં રહ્યા હતા અને સાથે જ પ્રેમમાં પડ્યા હતા.. યસ, પ્રેમમાં પણ સાથે જ પડ્યા હતા અને તે પણ એક જ સ્ત્રીના… એક જ છોકરીના…
  • મારા કરતા વિજય, આખીય સ્કૂલમાં વધુ પોપ્યુલર થયો હતો. આર્કિટેક્ચર સ્કૂલની એકેય છોકરી એવી ન હતી કે જેને વિજય ગમતો ન હોય. તમામ સ્ત્રીવર્ગ તેને ભીની નજરે જોતો.
  • અહીં છોકરા-છોકરીઓ ધિંગામસ્તી કરી શકતાં. અરે! ચુંબનો પણ!
  • ‘માધવી માટે આપણી વચ્ચે હરીફાઈ થાય તેવું હું ઈચ્છતો નથી.’
  • સાલું આજ પર્યંત મને એ સમજાયું ન હતું કે આ સ્ત્રીને ખાતર મહારાજ્યોનાં પતન કેમ થયાં હશે! પણ આજે સમજાય છે.
  • તે ગુમ થયો… ગયા વર્ષની દસમી જુલાઈએ… તેને છેલ્લે મળનારા અમે બે જણ હતા.. હું અને વિજયનો નોકર અમથો!
  • મહારાજાકુમાર, નરભદ્ર, નરકેસરી સ્વરૃપમોહનસિંહ જાડેજા.
  • આપણા દેશમાં સારી જગ્યા બગાડવાનો રાષ્ટ્રીય ઉદ્યોગ ચાલે છે તેવુ તેમનું મંતવ્ય હતુ, પણ મારો અભિપ્રાય તેમનાથી જુદો હતો.
  • અમથાલાલ વિજયના ઘરનો સર્વેસર્વા હતો. તે બધું જ કામ કરતો. વિજય માટે જમવાનું પણ તે જ બનાવતો.
  • ‘આર્કિટેક’, મેં કહ્યું.
    ‘એટલે?’
    ‘એટલે!’ મને નવાઈ લાગી. ‘સ્થપતિ’, મેં ગુજરાતીમાં કહ્યું.
    ‘કઈ હોસ્ટેલમાં છો?’ હેડકોન્સ્ટેબલે ગૃહપતિ શબ્દ આવડતો હતો.
  • મારે તેને કેવી રીતે સમજાવવું કે પોલીસસ્ટેશનમાં શું થયું? સાહેબને માટે વિજય જોશી કરતાં એસ.પી.સાહેબનો કૂતરો મહત્ત્વનો છે!
  •  તમે જાણો છો કે પોલીસખાતું કેવું હોય છે! લાગવગ વગર કશું થશે નહીં.
  • હવે સહેજ ડઘાઈ જવાનો મારો વારો હતો. પટેલના હાથમાં જે ફોટોગ્રાફ હતો તે જોઈને સાચે જ માણસની મતિ મૂંઝાઈ જાય.
  • પણ આ તપાસ દરમિયાન નવો ફણગો ફૂટ્યો હતો અને જાસોદના કેટલાક ખારવાઓએ માહિતી આપી હતી કે જે દિવસે તોફાન થયું તે જ દિવસે દાણચોરીનો માલ લગલગટ બે દિવસ સુધી ઊતર્યો હતો.
  • થોડી વાર પછી તે ઊભો થયો અને વિદાય થયો, ત્યારે મને કલ્પના ન હતી કે તે મારે ઘેર જશે.
  • ‘વેલ… એ ગુમ થયો ત્યારે તમે અમદાવાદમાં ન હતાં?’ પટેલે કહ્યું.
  • પોલીસસ્ટેશનમાં એક ફરિયાદી તરીકે તમે જાઓ કે આરોપી તરીકે, તેમાં કોઈ ફરક પડતો નથી. બ્રિટિશ જમાનાથી જે તંત્ર ગોઠવાયું છે તે આજે પણ ચાલુ છે.
  • આવતીકાલે જો એક સ્ત્રીને બે પુરુષો સાથે લગ્ન કરવાની છૂટ મળશેને તો એમ કરનારી હું પહેલી સ્ત્રી હોઈશ. તમે જઈ શકો છો ઈન્સ્પેક્ટર.
  • તમને ખબર હશે કે વિજય જોશી અગમનિગમમાં ખૂબ રસ ધરાવતા હતા.
  • તે તો હયાત નથી. વર્ષો પહેલાં ગુજરી ગઈ છે. એ જાસોદની પ્રિન્સેસ હતી.
  • કેસરકુંવર જેટલી રૃપાળી ઓરત જગતમાં કદાચ જન્મી નહીં હોય.
  • ‘આ એક નિશાની તેની બાકી રહી છે. અલબત્ત, આ કમરાનું રાચરચીલું તે જ વાપરતી, પરંતુ તેને સૌથી વધુ પ્રિય આ.. આયનો હતો…’ એમ.કે. સિંહે કહ્યું. સ્તબ્ધ બનીને અમે એ આયના તરફ જોઈ રહ્યા.
  • નવલકથા હોય કે ઇતિહાસ મેં ક્યારેય કંગાળ, હાડકાં દેખાતાં હોય કે અકાળે વૃદ્ધ થઈ ગયેલી દેખાતી સ્ત્રી વિશે વાંચ્યું કે સાંભળ્યું નથી.
  • ગમે તેમ પણ જગતની દરેક સુંદર ઇમારત સાથે કોઈ કથા તો જોડાયેલી જ હોય છે.
  • ફ્લેશનો ચમકારો આવતો હતો અને તેનું પ્રતિબિંબ દેખાતું ન હતું. અમે ફોટોગ્રાફ ધ્યાનપૂર્વક જોયા.
  • તે રીતના ફોટો લેવા માટે આયનાની સામે જ ઊભા રહેવું પડે અને તેવી રીતે ફોટા લેવાય તો તેમાં ફોટોગ્રાફરનું પ્રતિબિંબ આવ્યા વગર રહે નહીં.
  • મહદઅંશે આ બધા જે ફોટા લગભગ અરીસાની સામેથી લેવાયા છે, તેમાં અરીસા સિવાય કશાયનું પ્રતિબિંબ આવ્યું નથી. એ કેવી રીતે બન્યું?
  • એ કૂતરી જાણે કે પોતાની ઇમેજને એક સ્ત્રીની માફક જોઈ રહી હતી. તેના મોઢામાંથી હવે કંઈક લાચારીભર્યો, કંઈક દયામણો.. ઉમમમ્ એવો અવાજ નીકળતો હતો.
  • શેખે અમારી સામે જોઈને કહ્યું, ‘કે તે પોતે ક્યાં જાય છે તે કેઈ જાણે નહીં તેની પૂરતી તકેદારી રાખીને તે ગમે ત્યાં ગયા છે.’
  • એ જ વાત મારે કરવાની હતી. આ મહેલમાં પહેલાં ચિત્રવિચિત્ર બનાવો બન્યાં છે, તેવું ગામના લોકો કહે છે.
  • મતલબ તમારું એમ કહેવું છે કે મહેલમાં કોઈને ખ્યાલ ન આવે તેવું કોઈ ભોયરું છે? કોઈ બોગદું છે?
  • આજ સુધી મેં એકેય મોટી ઇમારતો સાથે ભૂતપ્રેત કે અમગનિગમની વાત ન સંકળાઈ હોય તેવું સાંભળ્યું નથી.
  • જુવાનસિંહ એ મહેલની ખખડેલી છત ભવ્ય ઇમારતનો એક અવિભાજ્ય અંશ લાગતો હતો. તેની સફેદ મૂછો કાનની બૂટ સુધી ફેલાયેલી હતી. તેની કથ્થાઈ આંખોમાં ફાનસનું પ્રતિબિંબ એ અંધકારમાં ચોખ્ખુ દેખાય એમ પડતું હતું. તેનાં વૃદ્ધ કાનમાં પહેરેલી મરચીઓ ફાનસના અજવાળે ચળકતી હતી.
  • પણ એક જ નિર્ણય પર સહુ આવ્યા કે વિજય જીવતો જ હોવો જોઈએ. પરંતુ કોઈક કારણોસર એ ક્યાંક ચાલ્યો ગયો છે. જે જાતે જ ચાલ્યો જાય, છૂપો રહે તેને શોધવો મુશ્કેલ પડે.
  • ગમે તેમ તેની આંખોમા મને અજંપો દેખાતો.
  • આંખોની જગ્યાએ ગબી જેવા પોલાણ.. વાળને બદલે ધોળી સપાટ ટાલ.. ગાલની જગ્યાએ ઊપસેલાં હાડકાં. જડબાની બોખ.. ખુલ્લા થઈ ગયેલા દાંત.. હાડકાનાં નાના ઢેકા જેવી હડપચી… હડપચી હેઠળ સુંવાળી ડોકને બદલે કરોડરજ્જુના ખરબચડા મણકા.
  • રત્નજડિત કાંસકીઓની વાર્તાઓ મેં વાંચી હતી, પણ તે જોવાનો મોકો પહેલી વખત મળ્યો.
  • અમારી ગાડી પ્રવેશી કે તરત એ બધા તેમણે સળગાવેલી બીડીઓ બુઝાવીને ઊભા થઈ ગયા. હજુય જાસોદમાં રાજવી કુટુંબનો મોભો સચવાતો હતો.
  • તું મારી દીકરી જેવી છો. ગર્ભપાત થયા પછી સ્ત્રીઓને કેવળ શારીરિક આઘાત લાગતો નથી, માનસિક આઘાત પણ લાગે છે.
  • હું પરણીને આવી ત્યારે મને પણ તારા જેવો જ અનુભવ થયો હતો, પણ અમે થોડા દિવસમાં જ દરબારગઢમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં.
  • ‘ગુજરી ગયેલાની શું વાત કરવી?’ તે બોલ્યો. વાક્ય પૂરું કરે તે સાથે જ મહેલની લાઈટ્સ ગુલ થઈ. એક ક્ષણ માટે મારા હૃદયના ધબકારા જાણે સ્થગિત થઈ ગયા હોય તેવું મને લાગ્યું.
  • ‘મેમસાહેબ, બધી વાતોનાં કારણ નથી હોતાં. ઈશ્વરની લીલા ન્યારી છે.’ ઘરડો જુવાનસિંહ પણ બાસાહેબની જેમ બોલ્યો.
  • એ નોકર હતો, નોકર… એક અદનો નોકર. એટલું બોલતાં બોલતાં જુવાનસિંહ એકાએક રડી પડ્યો.
  • માધવીનાં જ વસ્ત્રો પહેરીને બેઠેલી સ્નાયુઓ કે ચામડી વગરની સ્ત્રી અને તે પછી કેસરની ચીજો દેખાઈ.. ગુમ થઈ.. એ અનહોની જેવી ઘટના હતી.
  • આછા અજવાળે દાદરનું દૃશ્ય કંઈક અજુગતું લાગતું હતું.
  • જિંદગીભર કોઈ પણ પુરુષ સ્વપ્નો સેવે છતાંય કલ્પનામાં ન આવે તેવી સ્ત્રી હતી.. અવર્ણનીય..
  • મેં ક્યાંકથી મીઠું લઈને મારા દાંત સાફ કર્યાં.
  • દીવાનખંડમાં જાણે ભીંત પર લટકાવેલાં ચિત્રો જાગી ઊઠ્યાં હોય અને તેમાં ચીતરેલા જાડેજા રાજવીઓ ચિત્રમાંથી બહાર આવીને અધ્ધર લટકતા હોય તેવું મને લાગ્યું.
  • ગજબની વાત એ હતી કે આયનામાં કોઈનાં પ્રતિબિંબ દેખાતાં ન હતાં.

waeaknzw

Gujarati Travel writer.

2 thoughts on “આયનો : અરીસાની પેલે પાર ન દેખાતું કલ્પનીત જગત..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *