નેચર પાર્ક : વડોદરા પાસેનું રસપ્રદ પિકનિક સ્પોટ

વડોદરા પાસે સિંધરોટ ગામ નજીક નદીની કોતરમાં કુદરતી રચનાનો ઉપયોગ કરીને જ નાનો એવો નેચર પાર્ક બનાવાયો છે.

પાર્કનું પ્રવેશદ્વાર અને ત્યાં લખેલી કેટલીક સૂચનાઓ..

શહેરમાં રહેલા લોકોને જંગલમાં ફરવું ગમે છે. જંગલમાં રહેલા લોકો શહેર તરફ આવે છે. એ વિરોધાભાસ છે, છતાં સત્ય પણ છે. જંગલ દર વખતે તો સરળતાથી મળતું નથી, એટલે જે થોડા જાડી-ઝાંખરા મળે તેને જંગલ ગણી ચલાવી લેવું રહ્યું.

નાના-મોટા સૌ કોઈની ટિકિટ ૫૦ રૃપિયા.
પાર્કનો નકશો.. જેમા વિવિધ રૃટ્સ છે જેના પર ચાલવાનું હોય છે.

સદભાગ્યે વડોદરા પાસે એક નાનકડું મસ્ત-મજાનું જંગલ છે અને તેમાં નેચર પાર્ક તૈયાર કરાયો છે. અડધો દિવસ કે પછી એક દિવસની પીકનીક કરવાનો વિચાર હોય તો સિંધરોટ પાસે આવેલા ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના પાર્કમાં બાળકો સાથે આંટો મારવા જેવું છે.

મેળાવડો કરવા માટે ખાલી જગ્યા અને સુશોભનના ચબુતરા

આ પાર્કનું મુખ્ય આકર્ષણ રસ્તા શોધવાની રમત છે. અહીં બે-ત્રણ રૃટ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે બધા રૃટ ખુલ્લાં હોય એવુ નથી, પરંતુ એકાદ રૃટ ચાલુ હોય એટલે પ્રવાસીઓને મજા થઈ પડે. એ રૃટ પર ચાલ્યા જવાનું અને રસ્તામાં આવે એ સંકેત ઓળખીને આગળનો રસ્તો શોધવાનો.

પાર્કની શરૃઆતમાં આવેલો આ વિભાગ બાળકો માટે વિવિધ રાઈડ્સ ધરાવે છે.

રસ્તો શોધવાનું કામ સાવ સહેલું નથી. રસ્તો શોધવા માટે નાના-નાના દિશાદર્શક એરા મારેલા છે, પરંતુ દર વખતે એ એરા આસાનીથી મળી જતા નથી.

આગળ ચાલવાનું શરૃ કર્યા પછી સંકેતના આધારે રસ્તો શોધવાનો રહે..

સામાન્ય રીતે પાર્કમાં સપાટ ભૂમિ પર વાંચા-ચૂકા રસ્તા બનાવેલા હોય છે. આ સામાન્ય પાર્ક નથી, નેચર પાર્ક છે. માટે રસ્તો સીધો નથી, ઈન ફેક્ટ નદીની ભેખડમાં પાર્ક છે અને ભેખડ વચ્ચે કેડીને જ રસ્તામાં ફેરવી નખાઈ છે. એટલે અહીં આગળ વધ્યા પછી વનમાં આવી પહોંચ્યાની લાગણી થાય એ નક્કી વાત છે.

આ વૃક્ષ પર દેખાય એવા સંકેતો..
ક્યાંક રસ્તો સરળ છે, તો ક્યાંક કઠીન

ક્યાંક ઊંચે ચડવાનું, ક્યાં નીચે ઉતરવાનું, એકથી વધુ ફાંટા પડતાં હોય ત્યાં રસ્તા શોધવાના, વચ્ચે ટાવર આવે તેના પર ચડીને જંગલ જોવાનું.. વગેરે અનુભવ સામે ૫૦ રૃપિયાની ટિકિટ ખાસ મોંઘી લાગતી નથી.

થોડા આગળ વોચ ટાવર બનાવેલો છે. તેના ઉપરથી જંગલ કંઈક આવું દેખાય છે.

એક વાતે જોકે પાર્કના આયોજકો બેદરકાર સાબિત થઈ રહ્યા છે. સલામતીની પુરતી વ્યવસ્થા લાગતી નથી. મેદાની વિસ્તારમાં તો ઠીક હિંચકા-દોરડાની રમતો ઉભી કરી દીધી છે, પરંતુ જંગલમાં કેટલાક ઘાતક જીવ-જંતુ છે. એ જીવ-જંતુથી સાવધાન રહેવાની સૂચના શરૃઆતમાં જે ભાઈ માર્ગદર્શન આપે તેણે આપવી જોઈએ, પરંતુ આપતા નથી. અમને કેટલાક વૃક્ષો પર ઘાતક ઈયળ જોવા મળી, જેના રૃંછડાને સ્પર્શ થાય તો આખા શરીરમાં ખંજવાળ ઉપડે. એ ઈયળ અને અન્ય એવા જીવ-જંતુની તસવીરો પાર્કમાં પ્રવાસીઓ સફર કરે એ સાથે જ દેખાડી દેવી જોઈએ, જેથી સાવધાન રહેવાની ખબર પડે.

આ જીવાતો થડ પર ચોંટેલી છે. તેનાથી સાવધાન રહેવું પડે. પાર્કના સંચાલકોને તેની ખબર હોય કે ન હોય પણ સાવધાન રહેવાની કોઈ સૂચના આપતા નથી.

સામાન્ય રીતે એક ટ્રેક પોણી-એક કલાકમાં પુરો થઈ શકે છે. જેવી ઝડપ અને જેવી જંગલ જોવા-માણવાની ઉત્સુકતા. બાકી તો ભૂલા પડ્યા પછી કોઈને ડર લાગે તો એ જે રસ્તે પ્રવેશ્યા હોય એ રસ્તે જ પરત ફરે એવી પણ શક્યતા છે.

ઉંચે ચડ્યા પછી દેખાતો નીચેનો રસ્તો.

આ પ્રકારના પાર્ક ગુજરાતમાં વધુ  બનવા જોઈએ. કેમ કે એ સાહસવૃત્તિ, પ્રકૃતિની સમજ, પર્યાવરણ પ્રત્યે આદર, જંગલમાં રસ્તો શોધવાની સમજણ.. વગેરે અનેક ગુણોના વિકાસમાં મદદરૃપ થાય છે. આ બધા ગુણોની વત્તા-ઓછા અંશે જરૃર હોવાથી સાવ નાના (૫ વર્ષથી નાના) અને ચાલવાની આળસ થતી હોય એવા કોઈ પણ વ્યક્તિ માટે આ સ્થળ ઉપયોગી નથી.

છેવટે ફરીને હતાં ત્યાંના ત્યાં

સ્થાનિક જાણકાર ન હોય તો પાર્ક સુધીના રસ્તો સાવ સરળતાથી મળે એમ નથી, કેમ કે શહેર-ગામથી જરા દૂર છે. આ સિવાય પણ પાર્ક ઘણી પ્રવૃત્તિ કરતો હોવાની વિગત તેની વેબસાઈટ પર લખેલી છે.

પિકનિક વગેરે માટે સભાગૃહ..

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *