
વડોદરા પાસે સિંધરોટ ગામ નજીક નદીની કોતરમાં કુદરતી રચનાનો ઉપયોગ કરીને જ નાનો એવો નેચર પાર્ક બનાવાયો છે.

શહેરમાં રહેલા લોકોને જંગલમાં ફરવું ગમે છે. જંગલમાં રહેલા લોકો શહેર તરફ આવે છે. એ વિરોધાભાસ છે, છતાં સત્ય પણ છે. જંગલ દર વખતે તો સરળતાથી મળતું નથી, એટલે જે થોડા જાડી-ઝાંખરા મળે તેને જંગલ ગણી ચલાવી લેવું રહ્યું.


સદભાગ્યે વડોદરા પાસે એક નાનકડું મસ્ત-મજાનું જંગલ છે અને તેમાં નેચર પાર્ક તૈયાર કરાયો છે. અડધો દિવસ કે પછી એક દિવસની પીકનીક કરવાનો વિચાર હોય તો સિંધરોટ પાસે આવેલા ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના પાર્કમાં બાળકો સાથે આંટો મારવા જેવું છે.

આ પાર્કનું મુખ્ય આકર્ષણ રસ્તા શોધવાની રમત છે. અહીં બે-ત્રણ રૃટ તૈયાર કરવામાં આવ્યા છે. જોકે બધા રૃટ ખુલ્લાં હોય એવુ નથી, પરંતુ એકાદ રૃટ ચાલુ હોય એટલે પ્રવાસીઓને મજા થઈ પડે. એ રૃટ પર ચાલ્યા જવાનું અને રસ્તામાં આવે એ સંકેત ઓળખીને આગળનો રસ્તો શોધવાનો.


રસ્તો શોધવાનું કામ સાવ સહેલું નથી. રસ્તો શોધવા માટે નાના-નાના દિશાદર્શક એરા મારેલા છે, પરંતુ દર વખતે એ એરા આસાનીથી મળી જતા નથી.

સામાન્ય રીતે પાર્કમાં સપાટ ભૂમિ પર વાંચા-ચૂકા રસ્તા બનાવેલા હોય છે. આ સામાન્ય પાર્ક નથી, નેચર પાર્ક છે. માટે રસ્તો સીધો નથી, ઈન ફેક્ટ નદીની ભેખડમાં પાર્ક છે અને ભેખડ વચ્ચે કેડીને જ રસ્તામાં ફેરવી નખાઈ છે. એટલે અહીં આગળ વધ્યા પછી વનમાં આવી પહોંચ્યાની લાગણી થાય એ નક્કી વાત છે.


ક્યાંક ઊંચે ચડવાનું, ક્યાં નીચે ઉતરવાનું, એકથી વધુ ફાંટા પડતાં હોય ત્યાં રસ્તા શોધવાના, વચ્ચે ટાવર આવે તેના પર ચડીને જંગલ જોવાનું.. વગેરે અનુભવ સામે ૫૦ રૃપિયાની ટિકિટ ખાસ મોંઘી લાગતી નથી.

એક વાતે જોકે પાર્કના આયોજકો બેદરકાર સાબિત થઈ રહ્યા છે. સલામતીની પુરતી વ્યવસ્થા લાગતી નથી. મેદાની વિસ્તારમાં તો ઠીક હિંચકા-દોરડાની રમતો ઉભી કરી દીધી છે, પરંતુ જંગલમાં કેટલાક ઘાતક જીવ-જંતુ છે. એ જીવ-જંતુથી સાવધાન રહેવાની સૂચના શરૃઆતમાં જે ભાઈ માર્ગદર્શન આપે તેણે આપવી જોઈએ, પરંતુ આપતા નથી. અમને કેટલાક વૃક્ષો પર ઘાતક ઈયળ જોવા મળી, જેના રૃંછડાને સ્પર્શ થાય તો આખા શરીરમાં ખંજવાળ ઉપડે. એ ઈયળ અને અન્ય એવા જીવ-જંતુની તસવીરો પાર્કમાં પ્રવાસીઓ સફર કરે એ સાથે જ દેખાડી દેવી જોઈએ, જેથી સાવધાન રહેવાની ખબર પડે.

સામાન્ય રીતે એક ટ્રેક પોણી-એક કલાકમાં પુરો થઈ શકે છે. જેવી ઝડપ અને જેવી જંગલ જોવા-માણવાની ઉત્સુકતા. બાકી તો ભૂલા પડ્યા પછી કોઈને ડર લાગે તો એ જે રસ્તે પ્રવેશ્યા હોય એ રસ્તે જ પરત ફરે એવી પણ શક્યતા છે.

આ પ્રકારના પાર્ક ગુજરાતમાં વધુ બનવા જોઈએ. કેમ કે એ સાહસવૃત્તિ, પ્રકૃતિની સમજ, પર્યાવરણ પ્રત્યે આદર, જંગલમાં રસ્તો શોધવાની સમજણ.. વગેરે અનેક ગુણોના વિકાસમાં મદદરૃપ થાય છે. આ બધા ગુણોની વત્તા-ઓછા અંશે જરૃર હોવાથી સાવ નાના (૫ વર્ષથી નાના) અને ચાલવાની આળસ થતી હોય એવા કોઈ પણ વ્યક્તિ માટે આ સ્થળ ઉપયોગી નથી.

સ્થાનિક જાણકાર ન હોય તો પાર્ક સુધીના રસ્તો સાવ સરળતાથી મળે એમ નથી, કેમ કે શહેર-ગામથી જરા દૂર છે. આ સિવાય પણ પાર્ક ઘણી પ્રવૃત્તિ કરતો હોવાની વિગત તેની વેબસાઈટ પર લખેલી છે.
