કોન્ડે નેસ્ટ ટ્રાવેલ મેગેઝિને દર વર્ષની જેમ આ વખતે પણ 2022માં જોવા જેવા સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટ ભારતના રાજ્યો, ભારતના સ્થળો, બીજા દેશો, બીજા દેશોના સ્થળો એમ વિવિધ કેટેગરીમાં વહેંચાયેલું છે.
ભારતના રાજ્યો
1. સિક્કીમ
હિમાલય, બરફ, એકાંત, પહાડી ઊંચાઈ બધાનો સંગમ હોવાને કારણે સિક્કીમ નાનું હોવા છતાં પ્રવાસીઓના દિલમાં મોટું સ્થાન ધરાવે છે. હવે તો સિક્કીમમાં પોતાનું એરપોર્ટ પણ ચાલુ થયું છે. ઊંચાઈ પર આવેલું રાજ્ય હોવાથી શારિરીક-માનસિક તૈયારી પણ જરૃરી છે. સિક્કીમ ભારતનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક રાજ્ય છે.
2. મેઘાલય
મેઘનું આલય (આવાસ) એટલે મેઘાલય. ત્યાં અઢળક વરસાદ પડે છે. ચેરાપુંજી અને મોનસિરામ જગતમાં સૌથી વધુ વરસાદ મેળવતા સ્થળો તરીકે જાણીતા છે. એ ઉપરાંત જંગલ સફર, ગુફા, પહાડીઓ, નદી-નાળા.. વગેરે પ્રવાસીઓને બારેમાસ આકર્ષે છે. જાપાન જેવો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ અહીં પણ ઉજવાય છે. રસ્તાના બન્ને કાંઠે ઉગેલા ગુલાબી ફૂલો વચ્ચેથી પસાર થવાનો અનુભવ લેવા જેવો છે.
3. ગોવા
ગોવાને કોઈ ઓળખની જરૃર નથી. પ્રવાસન બાબતે ગોવાએ ખાસ્સી પ્રગતી કરી છે. આખા દેશમાંથી પ્રવાસીઓ અહીં આવતા રહે છે.
4. ઓડિશા
ઓડિશા પૂર્વ છેડે આવેલું રાજ્ય છે અને જગન્નાથ પુરી, કોર્ણાક જેવા ધાર્મિક આકર્ષણો ધરાવે છે. પરંતુ ઓડિશા પાસે પ્રભાવશાળી દરિયાકાંઠો છે. તો વળી ભીતરકનીકા જેવા જંગલ વિસ્તારો, ચિલ્કા સરોવર.. સહિતના અનેક સ્થળો જોવા જેવા છે. કેટલાક સમુદ્રકાંઠા તેના સુવર્ણ કલરને કારણે ગોલ્ડન બિચ તરીકે જાણીતા થયા છે.
5. રાજસ્થાન
રાજસ્થાન પાસે ઈતિહાસની ભારે સમૃદ્ધિ છે. કિલ્લા, મહેલો, રજવાડી રહેન-સહેન, પરંપરા..નો પાર નથી. એ બધી ચીજો પરદેશી પ્રવાસીઓને બહુ આકર્ષે છે. તો વળી રણથંભોર, સારિસ્કા, ભરતપુર જેવા જંગલો પણ વનપ્રેમીઓ માટે ઉપલબ્ધ છે. દિલ્હીથી નજીક આવેલું હોવાથી રાજસ્થાન મોકોના સ્થળે પ્લોટ હોય એવો લાભ મેળવે છે. એ ઉપરાંત હોળી જેવા તહેવારો, પુષ્કરનો કેમલ ફેસ્ટિવલ, મેળા વગેરે પણ મોટુ આકર્ષણ છે.
ભારતના સ્થળો
1. સિંધુદૂર્ગ, મહારાષ્ટ્ર
છત્રપતિ શિવાજી મહારાજે ઘણા કિલ્લા બાંધ્યા, પરંતુ દરિયામાં બનાવ્યો હોય એકમાત્ર કિલ્લો સિંધુદૂર્ગ છે. શિવાજી મહારાજના કિલ્લાઓ દેખાવમાં આકર્ષક ન હોય પરંતુ મજબૂતીની દૃષ્ટિએ તેનો જોટો જડે નહીં. અહીં મોટી સંખ્યામાં દરિયાઈ પક્ષીઓ જોવા મળે છે. સામાન્ય રીતે જોવા ન મળે એવા પંખીઓનો અહીં મેળો ભરાય છે.
શિયાળો અહીં જવાની સર્વોત્તમ ઋતુ છે. સ્કૂબા ડાઈવિંગ જેવી દરિયાઈ રમતો પણ અહીં ઉપલબ્ધ છે. પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે એટલે અહીં નજીકમાં સિંધુદૂર્ગ એરપોર્ટ બની ગયુ છે.
2. કલકતા, પશ્ચિમ બંગાળ
દિલ્હી પહેલા કલકતા સદીઓ સુધી ભારતનું પાટનગર હતું. અંગ્રેજયુગના ભારતમાં જીવતું કોઈ શહેર જોવુ હોય તો એ કલકતા છે. અનેક ઐતિહાસિક બાંધકામો છે, તો વળી દક્ષિણેશ્વર, બેલુર મઠ જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ છે. કલકતાની હુગલી (ગંગા) નદી અને તેના પરનો હાવડા બ્રિજ પણ પોપ્યુલર છે. ભારતની સૌ પ્રથમ ફાઈવ-સ્ટાર હોટેલ અહીં બની હતી.
3. ભીમતાલ, ઉત્તરાખંડ
ભીમતાલ ઉત્તરાખંડમાં સાડા ચાર હજાર ફીટની ઊંચાએ આવેલું નાનકડું નગર છે. ટ્રેકિંગ શોખીનોમાં આ સ્થળ ખાસ્સુ પોપ્યુલર છે. પ્રકૃત્તિના સોંદર્ય ઉપરાંત અહીં આકાશ દર્શન કરવાની મજા પડે એમ છે. હવે તો ઉત્તરાખંડ સરકાર પણ તેને એસ્ટ્રોટુરિઝમ (જ્યાંથી સારી રીતે આકાશ દર્શન કરી શકાય એવુ સ્થળ) સ્પોટ તરીકે વિકસાવવા માંગે છે.
આખુ વર્ષ અહીં તાપમાન ખુશનુમા રહે છે, એટલે ગમે ત્યારે જવામાં વાંધો નથી આવતો.
4. આયમાનામ, કેરળ
કેરળમાં ફરવાના સ્થળોની કમી નથી. પણ કોઈ નવા સ્થળે જવાનું આવે તો કેરળનું આયમાનામ (Aymanam) ગામ પસંદ કરી શકાય એમ છે. કોટ્ટાયમ પાસે આવેલા આ સ્થળનું વર્ણન અરૃંધતી રોયે પોતાની જગ વિખ્યાત બૂક ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સમાં કર્યું છે. ડાંગરના ખેતરની સફર, બર્ડ વોચિંગ, ગામની મુલાકાત, કેરળના પરંપરાગત નૃત્યો, નદી-સરોવરની મુલાકાત.. વગેરે અહીંના આકર્ષણ છે. શહેરી દોડ-ધામથી દૂર શાંતિના ચાહકો આ ગામમાં ઉતરી પડે છે.
દેશો
1. શ્રીલંકા
હિન્દ મહાસાગરનું મોતી ગણાતો પડોશી દેશ શ્રીલંકા નાનો પણ મજાનો છે. હાથીના ટોળા, જંગલ, સમુદ્ર કાંઠા, પુરાતન મંદિરો, ગુફા વગેરે અહીં જોવા જેવા છે. બોદ્ધ ધર્મમાં આસ્થા ધરાવતો મોટો વર્ગ શ્રીલંકાનો પ્રવાસ કરે છે. શ્રીલંકામાં સૌથી વધુ આવનારા પરદેશી પ્રવાસીઓમાં ભારતીયોનો સમાવેશ થાય છે. આખા જગતમાં જંગલી હાથીઓના સૌથી મોટા ટોળા અહીં રહે છે. એ ભેગા થાય ત્યારે જોવા જેવા હોય છે. યાલે નેશનલ પાર્ક પણ દીપડા સહિતની વસતી માટે જાણીતો છે.
2. જાપાન
યુરોપ અને અમેરિકા જેટલા ખર્ચમાં જાપાન ફરી શકાય એમ છે. પરંતુ જાપાન વિશે જાણકારી ઓછી છે એટલે ભારે રસપ્રદ હોવા છતાં જાપાન ઓછા પ્રવાસીઓ જાય છે. જોકે છેલ્લા પાંચેક વર્ષથી જાપાન જનારા ગુજરાતી પ્રવાસીઓ વધ્યા છે. ગુજરાતમાં બૂલેટ ટ્રેન જાપાન બનાવે છે અને બીજી અનેક પ્રવૃત્તિ કરે છે. જાપાનમાં ટોકિયો, હિરોશિમા-નાગાસાકિ, ક્યોટો વગેરે શહેરો જોતા દિવસો ઓછા પડે એમ છે. ત્યાં ગુજરાતીઓની પણ મોટી વસતી છે.
3. કતાર
કતાર મીડલ ઈસ્ટનો નાનકડો પરંતુ ખમતીધર આરબ દેશ છે. કતાર ન ગયા હોય તો પણ પરદેશ પ્રવાસીઓ કદાચ જગતની નંબર વન ગણાતી કતાર એરલાઈન્સમાં પ્રવાસ કર્યો હોય. કતાર રણમાં આવેલો નાનકડો દેશ છે એટલે ત્યાં મોટે ભાગે તો કૃત્રિમ રીતે ઉભા કરાયેલા આકર્ષણો છે. ગુજરાતીઓની વસતી હોવાથી અહીં ગુજરાતી પ્રવાસીઓને ખાસ અજાણ્યુ લાગે એમ નથી.
4. ભુતાન
હેપ્પીનેસ અર્થાત બહુ બધી ભૌતિક સુવિધાઓ વગર શાંતિ અને સુખ માટે ભુતાન જાણીતો દેશ છે. ભારતીય પ્રવાસીઓ અહીં બહુ સરળતાથી પ્રવાસ કરી શકે છે. પડોશી દેશ હોવાથી બજેટનો પણ બહુ પ્રશ્ન થતો નથી. વર્ષો સુધી બંધ રહેલો ટ્રાન્સ ભુતાન ટ્રેઈલ નામનો 403 કિલોમીટર લાંબો રસ્તો હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. ભુતાનના સાવ અંતરિયાળ પરંતુ ઐતિહાસિક-સાંસ્કૃતિક રીતે મહત્વના અનેક સ્થળો આ રૃટ પર આવેલા છે. આ રસ્તા પર 400થી વધારે સાઈટ્સ જોવા જેવી છે.
5. યુએઈ
દુબઈ જે દેશનું પાટનગર છે એ દેશ એટલે યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ). 2022માં યુએઈમાં વર્લ્ડ સાયકલિંગ ચેમ્પિયનશિપ યોજાશે. કતારની માફક યુએઈમાં પણ કૃત્રિમ બાંધકામો વધારે છે. ગુજરાતના પ્રવાસીઓ માટે દુબઈ અનેક રીતે અનુકૂળ બન્યું છે. માટે દર વર્ષે ત્યાં ફરવાં જનારાં લોકોની સંખ્યા વધતી જ જાય છે. વળી ગુજરાતીઓની ત્યાં વસતી પણ બહુ મોટી છે. એટલે દક્ષિણ ભારતના પ્રવાસે જતી વખતે ભાષાનું બંધન નડવાનો ડર હોય તો ઉત્તર-પૂર્વની રખડપટ્ટીમાં કદાચ ભાવતું ભોજન મળશે કે કેમ એ શંકા થાય. દૂબઈમાં તો આપણે જોઈએ એ બધુ જ મળશે એવી પણ લોકોને ખાતરી હોય છે.
6. ઈજિપ્ત
ઇજિપ્તની ઓળખ નાઈલ નદી અને નદી કાંઠે ઉભેલા 90 જેટલા પિરામિડો છે. પિરામિડોમાંથી સાડા ચાર હજાર વર્ષ પ્રાચીન અવશેષો, મમી તરીકે ઓળખાતા મૃતદેહો, ખજાનો મળતા રહે છે. એ બધા સાથે પિરામિડ અને ઈજિપ્તના ઈતિહાસનું રહસ્ય ગાઢ થતું જાય છે. એટલે હોલિવૂડની ઘણી ફિલ્મો અને અગાથા ક્રિસ્ટી જેવા લેખકોની કથાઓ માટે ઈજિપ્ત હંમેશા સર્જનનો વિષય રહ્યું છે. ઈજિપ્તનો ભવ્ય ઈતિહાસ એક જ જગ્યાએ રજૂ કરતું The Grand Egyptian Museum (grandegyptianmuseum.org) નવેમ્બર 2022માં ખુલ્લું મુકાવવા જઈ રહ્યું છે. 1922માં ઈજિપ્તના પ્રાચીન રાજા તુતઆમેન ખાનની કબર અને મમી મળી આવ્યા હતા. એ કબર આજે પણ રહસ્યનો વિષય છે. તેના 100 વર્ષ નિમિતે ઈજિપ્તમાં ભવ્ય કાર્યક્રમો નિર્ધારિત કરાયા છે.
7. સિંગાપોર
સિંગાપોર એવો દેશ છે જે એક જ શહેરમાં ફેલાયેલો છે. મર્યાદિત જમીન હોવા છતાં સિંગાપોરે એકથી એક ચડિયાતા આકર્ષણો ઉભા કર્યા છે. સિંગાપોરે વળી નવું આકર્ષણ નામે જુરોંગ લેક ઉભું કર્યું છે. 12000 ચોરસફીટમાં ફેલાયેલું એ કૃત્રિમ જળાશય છે, પરંતુ પ્રકૃતિનો અહેસાસ કરાવે એવું. અહીં અનેક જળચરો પણ જોવા મળી શકે એમ છે. પાર્કમાં એક સદી કરતા વધારે જૂનું રેલવે સ્ટેશન પણ આવેલું છે.
8. કેપ વર્દે
કેપ વર્દે દક્ષિણ આફ્રિકા ખંડની પશ્ચિમે આવેલો નાનકડો ટાપુ છે. ચાર હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર અને પાંચ લાખ કરતા ઓછી વસતી છે. આફ્રિકાથી ગુલામો ભરેલા જહાજો પશ્ચિમ તરફ જવા ઉપડે ત્યારે પહેલો પડાવ અહીં નાખતા હતા. માટે ગુલામોના વેપારના ઈતિહાસમાં આ ટાપુ મહત્વનો છે. અહીં તરતું મ્યુઝિક સેન્ટર પણ ખુલ્યું છે. બાકી તો ટાપુ છે એટલે બીચ સહિતના અઢળક આકર્ષણો છે.
9. ગેબોન
ગેબોન આફ્રિકા ખંડના પશ્ચિમ છેડે આવેલો નાનકડો દેશ છે. આફ્રિકા ખંડના ઘણા દેશોની માફક અહીં પણ પ્રાકૃતિક વૈવિધ્યનો પાર નથી. દેશનો 70 ટકા જમીન વિસ્તાર જંગલોથી રોકાયેલો છે. તો વળી લાંબો સમુદ્રકાંઠો પણ છે. દેશમાં 13 નેશનલ પાર્ક, જ્યારે 11 દરિયાઈ પાર્ક છે. પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ આ દેશના ચાહક બનતા જાય છે.
10. માલ્ટા
માલ્ટા યુરોપનો નાનકડો ટાપુ દેશ છે. ટાપુ હોવાથી સમુદ્રી સમૃદ્ધિ છે, પરંતુ વિશેષ આકર્ષણ અહીંની ઊંચી કરાડો, પથ્થરની રચના અને ખડકોનું બંધારણ છે. માલ્ટાના કાંઠે અનેક જહાજો ડુબેલા છે. સ્કૂબા ડાઈવિંગ દ્વારા તેનો કાટમાળ પણ જોવા પ્રવાસીઓની ભીડ થતી રહે છે. એવા કુલ 80 સ્થળો છે, જ્યાં ડાઈવિંગ કરી શકાય છે. દેશના જીડીપીમાં 15 ટકા ફાળો એકલા પ્રવાસન સેક્ટરનો જ છે. સમુદ્રી સફરમાં મહત્વનું સ્થળ હોવાથી અહીં અનેક સંસ્કૃતિઓનો સંગમ થયો છે.
11. ઉઝબેકિસ્તાન
1991માં સોવિયેત સંઘમાંથી અલગ પડેલા ઉઝબેકિસ્તાને 2021માં સ્વતંત્રતાના 30 વર્ષની ઉજવણી કરી હતી. પ્રવાસીઓને પહોંચી વળવા ઉઝબેકિસ્તાનના પાટનગર અને ઈતિહાસ પ્રસિદ્ધ નગર સમરકંદમા નવુ એરપોર્ટ તૈયાર કરાયું છે. કોઈ કદાવર પુસ્તક ખુલ્લુ મુકાયુ હોય એવો સમરકંદના એરપોર્ટનો આકાર રખાયો છે. એ પણ જોવા જેવું છે. 2022માં જ ઉઝબેકિસ્તાનમાં હાઈ-સ્પીડ ટ્રેનનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે એટલે પ્રવાસ વધુ સરળ બનશે. લાલ બહાદુર શાસ્ત્રીનું જ્યાં નિધન થયું હતું એ તાશ્કંત શહેર પણ પ્રવાસીઓને આકર્ષે છે.
12. સર્બિયા
સર્બિયા 30 વર્ષ પહેલા યુગોસ્લાવિયાથી અલગ પડ્યું હતું. સર્બિયાનું પાટનગર બેલગ્રેડ યુરોપના સંસ્કૃતિ સમૃદ્ધ શહેરોમાં સ્થાન ધરાવે છે. પહેલા વિશ્વયુદ્ધનું મૂળ કારણ એક રાજકુમારની હત્યા હતી. એ હત્યા સર્બિયાના પાટનગરમાં થઈ હતી. આમ તો મૂળ બહુ જૂનું રાષ્ટ્ર છે પરંતુ પહેલા-બીજા વિશ્વયુદ્ધમાં તેનો ઈતિહાસ-ભૂગોળ બદલ્યો હતો. જંગલો, ચર્ચ, મધ્યયુગના કિલ્લા, પ્રાકૃતિક રચનાઓ, ખીણ.. વગેરે પ્રવાસીઓને નિરાશ કરતા નથી.
પરદેશના સ્થળો-શહેરો
1. ઓકલાહોમા, અમેરિકા
ઓકલાહોમા અમેરિકાનું રાજ્ય છે અને મે 2022માં અહીં બોબ ડિલન સેન્ટરનું ઉદઘાટન થવાનું છે. ગીત સર્જક બોબ ડિલનને સાહિત્યનું નોબેલ પ્રાઈઝ મળ્યું છે. અહીં 100000થી વધારે કલાત્મક નમુનાઓ રાખવામાં આવ્યા છે, જે પ્રવાસીઓ જોઈ શકશે. આ એક જ સેન્ટર શા માટે, અહીં તો સતત આર્ટ ફેસ્ટિવલ, સ્પોર્ટ્સ ઈવેન્ટ, કળાત્મક કાર્યક્રમો યોજાતા રહે છે.
2. સેઉલ, દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયાનું પાટનગર સેઉલ જગતના મોર્ડન મહાનગરોમાં સ્થાન ધરાવે છે. ખરા અર્થમાં સ્માર્ટ સીટિ ગણવા હોય તો સેઉલ તેમાં આવે. જગતની અનેક મોટી ટેકનોલોજી કંપનીઓ જેમ કે સેમસંગ, એલજી, હ્યુન્ડાઈ વગેરેના હેડક્વાર્ટર આવેલા છે. કદાવર સેઉલ ટાવર, ટ્રેડિશનલ કોરિયન વિલેજ, નેશનલ મ્યુઝિયમ, રાજમહેલ, મ્યુઝિયમ ઓફ આર્ટ, બ્લૂ હાઉસ, ડિઝાઈન પ્લાઝા, માર્કેટ વગેરે અનેક આકર્ષણો છે.
3. સુમ્બા, ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા ટાપુઓનો બનેલો દેશ છે. બાલી ટાપુ તો જગતભરના પ્રવાસીઓને આકર્ષે છે. એ રીતે બીજો ઓછો જાણીતો ટાપુ સુમ્બા (Sumba) છે. અહીં સફેદ રેતી ધરાવતા અને સ્વચ્છ પાણી ધરાવતા બીચ છે તો વળી ડોલ્ફીન સહિતના જળચરો પણ છે. પ્રવાસીઓનો વધતો ઘસારો ધ્યાનમાં રાખીને અહીં હવે એકથી એક ચડિયાતા હોટેલ્સ-રિસોર્ટ ઉભા થઈ રહ્યા છે. અહીં ખાસ તો ટ્રેડિશનલ લાકડા-ઘાસ વગેરેમાંથી બનેલા શંકુ આકારના મકાનો પણ જોવા જેવા હોય છે.
4. લંડન, યુ.કે.
જગતના પાંચ સુપર-સ્ટાર દરજ્જો ભોગવતા શહેરના નામ લેવા હોય તો લંડન અચૂક આવે. લંડનમાં જોવા જેવા સ્થળોની કંઈ કમી નથી. મહિનો ફરીએ તો પણ ઓછો પડે. બ્રિટિશ રાણીને સત્તા મળ્યાને 2022એ 70મું વર્ષ છે. બ્રિટિશ રાજવંશના ઈતિહાસમાં એ સૌથી લાંબુ શાસન છે. તેની પણ નાની-મોટી ઉજવણી થઈ રહી છે. જૂન મહિનાની શરૃઆતમાં એ અંગે કેટલાક કાર્યક્રમો પણ યોજાશે.
5. ટ્રોન્ડેલબર્ગ કાઉન્ટી, નોર્વે
નોર્વેના મધ્ય ભાગમાં આવેલો આ પ્રાંત-રાજ્ય તેના ફૂડ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે. અહીંની રેસ્ટોરાંમાં મોટે ભાગે ફાર્મ ફ્રેશ પ્રોડક્ટ-શાકભાજી વગેરે વપરાય છે. હવે એ પ્રકારના ઓર્ગેનિક ફૂડની બોલબાલા છે. નોર્વેના પરંપરાગત મકાનો, જંગલો, હાઈકિંગ ટ્રેઈલ, મ્યુઝિયમો, ચર્ચ, દીવાદાંડીઓ, ચાર-પાંચ સદી જૂના મકાનો વગેરે જોવા જેવા છે.
6. ઈસ્તંબુલ, તુર્કી
પૂર્વ-પશ્ચિમને જોડતા શહેર તરીકે ઈસ્તંબુલ બહુ જાણીતું છે. જેમ્સ બોન્ડ સહિત અનેક હોલિવૂડની ફિલ્મોમાં આ શહેર અનેક રોલ ભજવી ચૂક્યુ છે. યુરોપ અને એશિયાને જોડતું હોવાથી બન્નેની સંસ્કૃતિનો ત્યાં સંગમ જોવા મળે છે. જગતના ઈતિહાસમાં આ શહેર કોન્સ્ટેટિનોપલ તરીકે જાણીતું છે. એ શહેરના કારણે જ યુરોપની પ્રજાએ ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધવો પડ્યો હતો. તુર્કીનું ગ્રાન્ડ બાઝાર (Grand Bazaar) છેક 1455થી અસ્તિત્વ ધરાવે છે. અહીં 61 સ્ટ્રીટમાં 4000થી વધારે દુકાનો છે. રોજના અઢી લાખથી વધુ મુલાકાતીઓ આ બજારમાં આંટો મારે છે.
7. બાલેરિક ટાપુ, સ્પેન
સ્પેન આમ તો પ્રવાસીઓને સતત આકર્ષતો દેશ છે. એમાં પણ ભારતમાં જિંદગી દોબારા ના મિલેગી ફિલ્મ આવી પછી સ્પેન જનારા પ્રવાસીઓ વધ્યા. કેમ કે એ ફિલ્મમાં સ્પેનનું સૌંદર્ય દર્શાવાયુ હતું. એ સ્પેનનો બાલેરિક નાનો એવો ટાપુ છે. અહીં કેટલાક સદીઓ જૂના બાંધકામો છે તો વળી વિવિધ નવી નવી આર્ટ ગેલેરી પણ ખુલી રહી છે.
8. રહસ્યમય પુતળાં, ચીલી
દક્ષિણ અમેરિકા ખંડનો દેશ ચીલી જગતના સૌથી મહત્વના પૈકી એક રહસ્ય સંઘરીને બેઠો છે. એ રહસ્ય એટલે સમુદ્ર કાંઠે ઉભેલા 900 જેટલા કદાવર પૂતળા. ઈસ્ટર ટાપુ પરના આ પૂતળાં શેના છે, કોણે બનાવ્યા એ બધાના કોઈ ચોક્કસ જવાબો મળ્યા નથી. 2022 એ આ પૂતળાની જગતને જાણકારી મળી તેનું 300મુ વર્ષ છે. નેધરલેન્ડના પ્રવાસીઓ બરાબર ઈસ્ટરના દિવસે અહીં આવ્યા હતા અને પૂતળાં જોયા પછી પહેલી વાર જગતને તેના વિશે જાણકારી મળી.
9. સિસીલી, ઈટાલિ
ગોડફાધર ફિલ્મ સિરિઝમાં ડોન વિટ્ટો કોર્લિઓનનું વતન જ્યાં દર્શાવાયુ છે એ સિસિલી ટાપુ ઈટાલીનું પુરાતન કલ્ચર સંઘરીને બેઠો છે. ગોડફાધર જોયા પછી પણ ઘણા પ્રવાસીઓ આ ટાપુ પ્રત્યે આકર્ષાયા હતા. ઈટાલીનો આ સૌથી મોટો ટાપુ છે અને તેની અનોખી સંસ્કૃતિને માટે જાણીતો છે. ટાપુ ઘણો મોટો છે. નદી, નાળા, પહાડો, જંગલો, ગ્રામીણ જીવન.. વગેરે જોવા માટે પ્રવાસીઓ અહીં આવે છે. ઈટાલીનો જગવિખ્યાત જ્વાળામુખી માઉન્ટ એટના પણ અહીં આવેલો છે.
Very very good work