કેદારનાથ ભારતના ચાર મહત્વના ધામમાં સ્થાન ધરાવે છે. દરેક હિન્દુનું સપનું હોય કે એક વખત કેદારનાથની યાત્રા કરે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથનો સમાવેશ થાય છે. એ યાત્રા સરળ થાય એટલા માટે સરકાર ત્યાં સુધી રેલવે-રોડ વિકસાવી રહી છે. કેમ કે કેદારનાથ હિમાલયમાં 12 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આદિ શંકરાચાર્યના સમાધિ સ્થળને ખૂલ્લુ મુક્યુ છે. ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં આદિ શંકરાચાર્યનો બહુ મહત્વનો ફાળો છે. શંકારચાર્યને માત્ર એક સામાન્ય સન્યાસી માની લેવાની ભૂલ કરવા જેવી નથી. શંકરાચાર્યનું માત્ર 32 વર્ષની વયે અવસાન થયું હતું. એ પણ આજથી લગભગ 1300 વર્ષ પહેલા.
જતાં પહેલા જાણી લો
- કેદારનાથ ઉતરાખંડના રૃદ્રપ્રયાગ વિસ્તારમાં આવેલું છે
- મુલાકાતનો ઉત્મ સમય મેથી નવેમ્બર છે
- પહાડી વિસ્તાર હોવાથી ગમે તે સિઝનમાં ઠંડીનો સામનો કરવો જ પડશે
- નજીકનું રેલવે સ્ટેશન 228 કિલોમીટર દૂર ઋષિકેશ છે
- નજીકનું એરપોર્ટ 250 કિલોમીટર દૂર દહેરાદૂનનું જોલી ગ્રાન્ટ છે
- હરિદ્વાર કે દહેરાદૂન જેવા શહેરોથી નિયમિત રીતે ટેક્સી કેદારનાથ સહિતના સ્થળોએ આવતી-જતી રહે છે
- ઉત્તરાખંડ ટુરિઝમની બસો દ્વારા પણ કેદારનાથ જઈ શકાય છે.
- કેદારનાથ ધર્મસ્થાન ઉપરાંત ટ્રેકિંગ, હાઈકિંગ, કેમ્પિંગ માટે પણ જાણીતુ છે
- સામાન્ય રીતે કેદારનાથ ઉપરાંત યમુનોત્રી, ગંગોત્રી અને બદરીનાથનો પ્રવાસ યોજાતો હોય છે. એ માટે અઠવાડિયાનો સમય ફાળવવો પડે
- કેદારનાથ ઊંચાઈ પર છે, રસ્તા વળાંકદાર અને પહાડી છે માટે શરીર પર રસ્તાની અસર થશે
- કેદારનાથ ધામની ધર્મશાળામાં રાતવાસો કરી શકાય છે. એ સિવાય હેઠવાસમાં 20 કિલોમીટરના અંતરે આવેલા સિતાપુરમાં ઘણી હોટેલ્સ છે
- ઓનલાઈન પૂજા, રહેણાંક વગેરે બૂકિંગ કેદારનાથ ધામની વેબસાઈટ https://badrinath-kedarnath.gov.in/ પર જઈને પણ કરી શકાય છે.
કેદારનાથમાં આદિ શંકરાચાર્યની સમાધિ હતી પણ 2013માં આવેલા પુરથી ભારે નુકસાન થયું હતું. એ સમાધિને હવે નવું સ્વરૃપ આપવામાં આવ્યું છે. ઉપરાંત 12 ફૂટ ઊંચી શંકરાચાર્યની મૂર્તિ પણ ત્યાં તૈયાર કરવામાં આવી છે. કેદારનાથ આવનારા પ્રવાસીઓ શંકરાચાર્યના જીવનકાર્યથી વાકેફ થાય એવો પ્રયાસ કરાયો છે. પાંચ પેઢીથી શિલ્પકામ કરતા મૈસુરના શિલ્પી યોગીરાજ અને તેમના દીકરા અરૃણે આ મૂર્તિ તૈયાર કરી છે.
શંકરાચાર્યએ હિન્દુ સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે ચાર શક્તિપીઠની સ્થાપના કરી હતી. એ ચાર શક્તિપીઠ એટલે બદરીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ. કેદારનાથ પહાડી ધામ છે, ખાસ્સી ઊંચાઈ પર આવેલું છે. મસૂરીથી આગળ વધ્યા પછી પહાડી રસ્તાઓ શરૃ થાય છે. એટલે ઊલટી થવી, માથુ દુખવુ વગેરે સમસ્યાઓની માનસિક તૈયારી રાખવી જોઈએ.