‘જારાસાંકો ઠાકુરબાડી…’ દૂરથી લાલચટ્ટક દેખાતા એ કદાવર મકારનું સત્તાવાર નામ છે. દરવાજા પર એ બંગાળી શબ્દનો અર્થ પણ સમજાવ્યો છે, ઠાકુરોનું ઘર.. એ ઠાકુર એટલે Rabindranath Tagore/રવિન્દ્રનાથ ટાગોર, બંગાળી પ્રમાણે ઠાકુર.. એમના ઘરમાં લટાર મારીએ..
રવિન્દ્રનાથના મકાન તરીકે જાણીતી આ હવેલી મૂળ તો તેમના દાદા દ્વારકાથાન ઠાકુરે છેક 1784માં બંધાવી હતી. એ વખતે ‘જારાસાંકો’ નામનો વિસ્તાર કલકતા શહેરનો ભાગ ન હતો. લાકડાના બે પુલ પરથી ત્યાં જઈ શકાતુ હતુ. તેના આધારે જ ‘જારા (બે), સાંકો (પુલ)’ નામ પડ્યું હતુ. આ મકાનને ‘મહર્ષિ ભવન’ પણ કહેવામાં આવે છે, મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરના નામે.
હવે તો આ વિસ્તાર સાવ શહેરની મધ્યમાં આવી ગયો છે. આમ તો પ્રવાસીઓ ત્યાં પહોંચી શકે એ માટે સરળ સુવિધા ઉભી કરાઈ છે. પણ અમે પહોંચ્યા એ દિવસે ગટર-રિપેરિંગ કામ ચાલતુ હતુ. એટલે ઠાકુરબાડીનો દેખાવ આવો આવતો હતો.. સામે કમાન દેખાય છે, એ પ્રવેશદ્વાર છે.
1861માં જન્મ અને 1941માં ટાગોરનું મૃત્યુ બન્ને આ મકાનમાં જ થયા છે. એ બન્ને ઓરડા સાચવી રાખ્યા છે. જોકે અંદરના વિસ્તારની ફોટોગ્રાફી કરવાની મનાઈ છે. રવિન્દ્રનાથ અતી ધનાઢ્ય પરિવારમાં જન્મ્યા હતા, તેમને કોઈ વાતની કમી ન હતી. મકાન જોઈને ખ્યાલ આવે કે એ વખતે બંગાળની હજારો એકર જમીનના માલિક રહેલા દ્વારકાનાથ કેવડા મોટા જમીનદાર હશે. આખુ મકાન 35 હજાર ચોરસ મિટરમાં ફેલાયેલુ છે.
રવિન્દ્રનાથની ગાડી.. આ એ ગાડી છે, જે રવિન્દ્રબાબુ વાપરતા હતા. આ ગાડી અહીં 1933થી પાર્ક છે. આ કાર બ્રિટિશ કંપની ‘હંબર (Humber)’ની બનાવટ છે. ઘણી વખત તેને ફરી ચાલુ કરવાના પ્રયાસ કરી જોયા છે, પરંતુ પુરતી સફળતા મળી નથી. સફળતા ન મળવાનું કારણ જોકે સંચાલકોની દાનત છે. કેમ કે નેતાજી સુભાષ બાબુની કાર 75 વર્ષ પછી ફરીથી 2017માં ચાલુ કરી દેવાઈ છે, જે પ્રવાસીઓ હાલતી-ચાલતી જોઈ શકે છે. એ પછી ટાગોરની કાર પણ દોડતી કરવા માટે તંત્ર દોડતું થયુ છે. હવે સેલ્ફ મારે ત્યારે ખરાં..
સવા બસ્સો વર્ષ પસાર થવા છતાં હવેલીનું બાંધકામ એમ જ રહ્યું છે. અંદર કુદરતી ઠંડક અનુભવાય જે, મોટા ભાગના પ્રાચીન મકાનોમાં જોવા મળતી હોય છે. અનેક નાના-મોટા ખંડ, આંતરીક રસ્તા, સીડી, ગુપ્ત દરવાજા, વચ્ચે ચોક.. વગેરે મકાનને ભવ્ય બનાવે છે.
મકાન હવે મ્યુઝિયમ છે, વિવિધ 3 ગેલેરી રવિન્દ્રનાથ વિશે અને ઠાકુર પરિવાર વિશે માહિતી પુરી પાડે છે. આખા મકાનમાં 3 હજારથી વધારે ફોટોગ્રાફ્સ અને 2 હજારથી વધારે પુસ્તકો છે. એક દિવાલ પર ઠાકુર પરિવારનો આંબો પણ ચિતરાયેલો છે. એ આંબા પ્રમાણે દેશને અનેક કલાકારો આપનારા આ પરિવારના કોઈ સભ્યો હવે હયાત નથી. એટલે કે એક સમયે બંગાળ પર જેમની હકૂમત લહેરાતી હતી, એ ઠાકુર પરિવારની અઢળક સંપત્તિના આજે કોઈ કૌટુંબિક વારસદારો નથી!
હવે મ્યુઝિયમનું સંચાલન 1962માં સ્થપાયેલી રવિન્દ્રભારતી યુનિવર્સિટી કરે છે. આખુ સંગ્રહાલય જોવુ હોય તો ઓછામાં ઓછો અડધો દિવસનો સમય જોઈશે.
જતાં પહેલા જાણી લો
– સવારના ૧૦-૩૦થી સાંજના ૫ સુધી ખુલ્લું રહે છે.
– દર સોમવારે અને જાહેર રજાના દિવસે બંધ રહે છે.
– પાંચમાં ધોરણ સુધીના બાળકો, દિવ્યાંગો માટે પ્રવેશ વિનામૂલ્યે.
– ભારતીયો માટે ટિકિટ ૨૦, વિદ્યાર્થીઓ માટે રૃપિયા ૧૦
– ફોટોગ્રાફી કરવી હોય તો કેમેરા માટે વધારાના ૫૦ રૃપિયા ચાર્જ.
– બૂકિંગ તથા અન્ય પૂછપરછ માટે સંપર્ક 033-25562543, 9163365923
baisakhimitra@gmail.com
https://rakhdeteraja.com/sundarban-travel-guide-1/
વધુ માહિતી માટે આ રહી સત્તાવાર લિન્ક http://www.rbu.ac.in/home/quick/02e74f10e0327ad868d138f2b4fdd6f0