લેખન જગતમાં એકથી વધારે નામે લખવાની એક પ્રથા છે. એ પ્રથા પાછળ કેટલાક વ્યાજબી કારણો છે. એ પૈકીનું એક કારણ એ કે વાચકો એક જ નામથી કંટાળી ન જાય એટલા માટે નવાં નવાં નામો વહેતા મૂકવા પડે. સંભવત સફારીમાં એટલે જ મર્યાદિત લેખકો એકથી વધારે નામે લખે છે. લેખકનું નવું નામ વાચકની ઉત્કંઠા પણ વધારતું રહે છે..
સફારીના 35 વર્ષ – ભાગ 9 (આઠમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=399)
નગેન્દ્ર દાદાએ ઉર્વીશ કોઠારીને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે મારા આઠેક ઉપનામ હશે. પણ અમના ઉપનામો ક્યા એ એક્ઝેટ જાણી શકાતું નથી. અલબત્ત, તર્ક લગાડીએ અને તપાસ કરીએ તો ખબર પડી આવે કે બી.એમ.પુરોહિત એટલે નગેન્દ્ર દાદા. કેમ કે અંક ૬૮માં બી.એમ.પુરોહિત નામ હોય, પણ એ જ કથા વિશ્વયુદ્ધની યાદગાર કથા તરીકે આવે ત્યારે નામ હોય નગેન્દ્ર વિજય. અંક નંબરમાં એડોલ્ફ આઈકમાનની સત્યકથાના લેખક છે દિગમ્બર વ્યાસ અને પછી યુદ્ધકથાના પુસ્તકમાં આવે ત્યારે લેખક હોય નગેન્દ્ર દાદા. એટલે એમના વિવિધ નામો એ રીતે ઓળખી શકાય એમ છે. અલબત્ત, સફારીના વાચકોને હવે લેખકોના નામ સાથે ખાસ નિસબત નથી કેમ કે લખે ગમે તે, વાચક બે લીટી વાંચે ત્યાં જ લેખકની શક્તિશાળી શૈલીમાં તણાઈ જવાનો હોય.. પછી કોણે લખ્યું એ સવાલ ઉપસ્થિત થવાનું કોઈ કારણ રહેતું નથી. જોકે નગેન્દ્ર વિજય એવું નામ છે, જેનું વાચકોને અપરંપાર આકર્ષણ છે.
સફારીમાં કમ્પ્યુટરની સિરિઝ આવતી તેમાં વિન્ડોઝનો પરિચય લખનાર તરીકે રાજેશ દલાલનું નામ હતું. વિન્ડોઝ વિભાગની ભારે લોકપ્રિયતાને કારણે વાચકો રાજેશ દલાલનું સરનામું પૂછતા હતાં. એટલે સફારીએ ૬૭માં અંકમાં રાજેશ દલાલનું સરનામુ પણ આપ્યુ હતું!
નગેન્દ્ર દાદાના પિતાજી વિજયગુપ્ત મૌર્યના લેખો પણ સફારીમાં છપાયા છે. એમનો સૌથી યાદગાર એટલે કે મને ગમેલો લેખ ‘મેન ઈટર્સ ઓફ ત્સાવો’. ત્સાવો નેશનલ પાર્કના આદમખોર સિંહો કઈ રીતે હાહાકાર મચાવે છે તેની કથા બે અંકોમાં હપ્તાવાર રજુ થઈ હતી. જોકે વિજયગુપ્ત મૌર્યના બહુ લેખો સફારીમાં છપાયા નથી. શરૃઆતના અંકોમાં છપાયા હોય તો મારા તો ધ્યાનમાં આવ્યા નથી.
લેખ ઉપરાંત કેટલાક અંકોમાં સુપર ક્વિઝમાં લેખક તરીકે હર્ષલ પુષ્કર્ણાનું નામ આવતુ હતું. તો સુપર સવાલના અંતે પણ જરૃર પડયે નગેન્દ્ર દાદાનું નામ વાંચવા મળ્યું છે. એ સિવાય સફારીમાં આટલા લેખકોના નામ મારા ધ્યાને ચડયા છે. આ રહ્યું લિસ્ટ..
- વિજયગુપ્ત મૌર્ય
- પ્રેમનાથ કૌલ
- વરાહમિહિર
- બી.એમ.પુરોહિત
- દિગમ્બર વ્યાસ
- પ્રોફેસર ફરગેટ (પ્રોફેસર ફરગેટ સામાન્ય રીતે પ્રયોગો કરાવે. પણ ‘પોકેટ કેલ્ક્યુલેટર પાસેથી કામ લેવાની કળા’ નામનો લેખ તેમણે લખ્યો પણ છે.)
- રવિન્દ્ર આચાર્ય
- ડી.એન.કૌશિક
- કેપ્ટન વિજય કૌશિક
- કે.ચાવડા
- સુશિલ ભાટીયા
–તમારા ધ્યાનમાં આ સિવાય કોઈ નામ આવ્યું છે ખરાં?