Statue Of Unityના કેવડિયા રેલવે સ્ટેશન પર જનારી ટ્રેનોમાંથી અમદાવાદ-કેવડિયા જન શતાબ્દીમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે. એ ટ્રેનની ઉપરની છત પણ પારદર્શક છે.
મંઝિલમાં મજા હોય એના કરતા મુસાફરીમાં વધુ મજા હોય.. કેટલાક પ્રવાસન સ્થળો માટે આ વાક્ય લાગુ પડે છે. કેમ કે ત્યાં જઈને મજા આવે, પરંતુ રસ્તામાંય બહુ મજા આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવાસીઓને સરદાર પટેલની પ્રતિમા જોઈને તો મજા આવે જ, પણ ત્યાં સુધી જવામાંય મજા આવે એવી સુવિધા ભારતીય રેલવેએ આરંભી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી કુલ 8 ટ્રેન શરૃ કરવામાં આવી છે. આ ટ્રેનો ભારતના વિવિધ ભાગોમાંથી આવશે. એ પૈકીની એક ટ્રેન અમદાવાદ-કેવડિયા છે, જેમાં વિસ્ટાડોમ કોચ ફીટ કરાયા છે. વિસ્ટા એટલે દેખાવ-સુંદરતા અને ડોમ એટલે ઉપરની છત. ઉપરની છત પારદર્શક હોય એવા કોચ.
ભારતમાં વિસ્ટાડોમ કોચની શરૃઆત 2017માં થઈ. દક્ષિણ ભારતના વિશાખાપટન્નમથી અરકુ વચ્ચે ટ્રેન શરૃ કરાઈ જેમાં પ્રથમવાર વિસ્ટાડોમ ડબ્બા ફીટ થયા હતા. ટ્રેનના એસી ક્લાસમાં બારી મોટી હોય છતાં પણ અંદર થોડું સોફોકેટિવ વાતાવરણ લાગે. વિસ્ટાડોમ એ સમસ્યાનું પણ સમાધાન છે.
ભારતમાં મોટે ભાગે શતાબ્દી, જન-શતાબ્દી ટ્રેનમાં આ કોચ ફીટ થયા છે. શતાબ્દી અને તેનાથી પણ સસ્તું ભાડું ધરાવતી જન-શતાબ્દી દિવસે ચાલનારી ટ્રેનો છે. રાત્રી સફર ન હોવાથી તેમાં માત્ર સિટિંગ એરેજમેન્ટ હોય છે, સુવા માટે સગવડ હોતી નથી.
આવી ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચ ફીટ થઈ શકે. કેમ કે દેશના વિવિધ ભાગોમાં દોડતી શતાબ્દીની સફર મોટે ભાગે બે-ત્રણ કલાકથી છ-સાત કલાક સુધીની હોય છે. પ્રવાસન સ્થળો હોય એવા રૃટ પર વિસ્ટાડોમ કોચ ફીટકરવાનો રેલવેએ નિર્ણય કર્યો જેથી પ્રવાસીઓ ડેસ્ટિનેશન ઉપરાંત જર્નીને પણ એન્જોય કરી શકે.
કાલકા-શિમલાની ટ્રેન પ્રવાસીઓમાં લોકપ્રિય છે. એ ટ્રેક પર પણ એક છ ડબ્બાની વિસ્ટાડોમ ટ્રેન શરૃ કરાઈ હતી, પરંતુ એ કોરોનાકાળમાં બંધ થઈ હતી.
આ પ્રકારના પારદર્શક કોચ અત્યાર સુધી યશ ચોપરાની બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતા હતા. હવે પ્રવાસીઓ ભારતમાં જ વિવિધ સ્થળોએ વિસ્ટાડોમમાં પ્રવાસ કરી શકે છે. કોચમાં ઉપર કાચ ઉપરાંત બીજી આધુનિક સુવિધાઓ છે, જે અમુક કલાક સુધી ચાલનારી સફરને કંટાળામુક્ત બનાવી શકે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા શરૃ થયેલી આઠ ટ્રેન
ખુબ સરસ માહિતી.