અમેરિકાના ઓરલાન્ડો શહેરમાં આવેલો ‘ધ વોલ્ટ ડિઝની વર્લ્ડ’ / Disney World થિમ પાર્ક અનોખા જગતની સફર કરાવે છે.
Disney World : 1971માં શરૃ થયેલા પાર્કનો કુલ વિસ્તાર 101 ચોરસ કિલોમીટર (ગુજરાતના કેટલાંક શહેરોના વિસ્તાર કરતાં વધુ) છે. કુલ 70,000 કર્મચારી કામ કરે છે. અહીં વર્ષે 5.2 કરોડ પ્રવાસી (ગુજરાતની વસતી જેટલા) આવે છે અને એમને રહેવા માટે 36 રિસોર્ટ છે, જેના ઓરડાની સંખ્યા 30,000 થાય છે (બધા ઓરડામાં રહેવું હોય તો 68 વર્ષનો સમય જોઈએ). ખાણી-પીણી માટે 300 રેસ્ટોરાં-ડાઇનિંગ આઉટલેટ છે, જેનાં મુખ્ય રસોઈયાઓની સંખ્યા વળી 350થી વધુ થાય છે. 350 હોવા છતાં નવરાં પડતાં નથી કેમ પ્રવાસીઓ વર્ષે 1 કરોડ હેમ્બર્ગર, 60 લાખ હોટ ડોગ, 40 કરોડ કિલોગ્રામ ફ્રેન્ચફ્રાઈસ અને સાડા તેર લાખથી વધારે પોપકોર્ટ પેટમાં પધરાવી જાય છે. સ્વાદનો ટેસડો કર્યા પછી તરસ છીપાવવા 1.3 કરોડ પાણીની બોટેલ વર્ષે વેચાય છે. મહાનગર સમાન પાર્કમાં રોજ સરેરાશ અઢી લાખ પ્રવાસી 400થી વધુ બસ અથવા 12 મોનોરેલ દ્વારા સફર કરે છે. ડિઝનીના સિમ્બોલ ધરાવતી વિવિધ પ્રોડક્ટ વેચતી 150 દુકાનો છે…
આટલુ વાંચતા હાંફી જવાયું? હકીકત એ છે કે આ આંકડા તો માત્ર ઝલક છે.. ડિઝની પાર્કની વિશાળતા તો ક્યાંય વધુ છે.
અમેરિકી ઉદ્યોગપતિ વોલ્ટ ડિઝનીની જગવ્યાપી ઓળખ તેમણે તૈયાર કરીલ કાર્ટૂન ફિલ્મો છે. કાર્ટૂનની લોકપ્રિયતાને ધ્યાને રાખીને જ એ સ્વપ્નદૃષ્ટા ઉદ્યોગપતિએ જગતને જ્યારે આવા પાર્કની કલ્પનાય ન હતી ત્યારે 1955માં પહેલો થિમ પાર્ક કેલિફોર્નિયા રાજ્યમાં ઉભો કરી દીધો. જોતજોતામાં પાર્ક લોકપ્રિયા આસમાનને આંબી, કેમ કે પાર્ક માત્ર બગીચો કે રાઈડનો સંગમ ન હતો, એક આખી સૃષ્ટિ હતી જે સામાન્ય માણસને વન્ડરલેન્ડમાં આવી પહોંચ્યાની અનુભૂતિ આપતી હતી. એટલે પછી અમેરિકાના બીજા શહેરોમાં અને ધીમે રહીને જગતના અન્ય વિસ્તારોમાં પણ ડિઝનીલેન્ડ શરૃ કરવામાં આવ્યા. આજે કેલિફોર્નિયા અને ઓરલાન્ડો ઉપરાંત હવાઈ ટાપુ પર અમેરિકાનો ત્રીજો ડિઝની પાર્ક છે. તો અમેરિકા બહાર હોંગકોંગ, જાપાન, ચીન અને ફ્રાન્સમાં એમ મળીને સાતેય ખંડ પર કુલ સાત ડિઝની પાર્ક છે. વોલ્ટ ડિઝનીની દુરંદેશી ગણો કે જે ગણો એ પણ થોડા વર્ષ પહેલા ડિઝની કંપનીની કુલ 45 અબજ ડોલરમાંથી અડધી 22 અબજ ડોલર જેટલી તો એકલા ડિઝનીના વિવિધ પાર્કની આવકમાંથી થઈ હતી.
પ્રકૃત્તિ પ્રેમી પાર્ક
બે પાંચ લસરપટ્ટી, પાંચ-સાત હિંચકા, છૂકછૂક ગાડી, પાંચ-દસ રાઈડ્સ, સ્વિમિંગ પૂલ…એવુ બધુ ઉભું કરી દઈ બનેલા નાના-નાના પાર્ક સર્વત્ર જોવા મળે છે. એટલે લોકોની પાર્કની સમજણ પણ એ પ્રમાણે ઘડાતી રહે છે. પરંતુ અમેરિકાના ઓરલાન્ડો શહેરની ભાગોળે આવેલા ડિઝની વર્લ્ડમાં પ્રવેશ કર્યા પછી પાર્કની વ્યાખ્યા નવેસરથી આંકવી પડે. કેમ કે પાર્કના કુલ વિસ્તારમાંથી અડધો (લગભગ 50 ચોરસ કિલોમીટર) ભાગ જ મનોરંજન માટે વપરાય છે, બાકીનો ભાગ તો વન-વૃક્ષોથી લહેરાય છે. પાર્કના બાંધકામ વખતે અહીંની વનસૃષ્ટિ, જીવસૃષ્ટિ, પર્યાવરણ, પ્રકૃતિ વગેરેને યથાવત જાળવવાનો પ્રયાસ કરાયો છે.
પ્રવાસીઓને સૌથી વધુ રસ અહીં મનોરંજન આપતા વિવિધ થિમ આધારિત વિભાગો કે પછી થિમ આધારિત દુનિયા જે કહો એ એમાં જ હોવાનો. અહીં મુખ્ય ચાર વિભાગમાં ચારેય દિશાએ મનોરંજન પથરાયેલુ છે, 1. મેજિક કિંગડમ, 2. એનિમલ કિંગડમ, 3. એપ્કોટ અને 4. હોલિવૂડ સ્ટુડિયો. એમાં વળી આવેલા કેટલાક રસપ્રદ વિભાગોની શબ્દના સહારે સફર કરીએ..
ડિઝનીની ઓળખ બનેલો સિન્ડ્રેલા કાસલ
વોલ્ટ ડિઝની કંપનીના સિમ્બોલમાં જ જોવા મળતો ઊંચા અણિદાર મીનારા ધરાવતો મહેલ એટલે સિન્ડ્રેલા કાસલ (સિન્ડ્રેલા નામની પરીનો મહેલ). કાસલ 189 ફીટ ઊંચો છે, કાસલની ઓળખ જેનાથી શોભે એવા 27 ટાવર છે અને તેનું બાંધકામ 18 મહિને પુરું થયું હતું. જર્મનીના બાવેરિયા પ્રાંતમાં આવેલા નોશ્ચવાઈનટાઈન (Neuschwanstein) કાસલ પરથી પ્રેરણા લઈને આ મહેલ તૈયાર કરાયો છે.
કાસલ આખો તો ભવ્ય છે, પણ એમાં ભવ્યાતિભવ્ય કંઈ હોય તો એ 650 ચોરસ ફીટમાં ફેલાયેલો વૈભવશાળી ઓરડો છે. વોલ્ટ પોતે અહીં રહી શકે એ માટે દુનિયાભરમાંથી સર્વોત્તમ સામગ્રી એકઠી કરીને આ ઓરડો સજ્જ-ધજ્જ કરાવ્યો, પણ રહેવાની સ્થિતિ આવે એ પહેલા વોલ્ટ પોતે જ દુનિયા છોડીને જતા રહ્યા હતા. ત્યારથી સ્વીટ એમ જ રહેવા દેવાયો હતો. ભૂતકાળમાં થીજી ગયેલા ખંડને છેક 40 વર્ષ પછી છેક 2006માં તેને રિનોવેટ કરીને પ્રવાસી માટે ખૂલ્લો મુકાયો છે. તો પણ પ્રવાસીઓ ગમે તેટલા નાણા ખર્ચીનેય બૂકિંગ મેળવી શકતા નથી. એમાં રહેવાના માત્ર બે રસ્તા છે, એક ડિઝની લેન્ડ તરફથી આમંત્રણ મળે તો, બીજો રસ્તો ડિઝની લેન્ડની કોઈ સ્પર્ધામાં વિજેતા થઈને.
અહીં અંદર એક ઘડિયાળ છે, જેમાં ક્યારેય બાર વાગતા નથી! કેમ? કેમ કે કાસલ એ જાદુનગરી છે અને સિન્ડ્રેલાની કથાઓમાં આવતી માન્યતા પ્રમાણે જો 12 વાગે તો જાદુ ખતમ થઈ જાય. માટે આ ઘડિયાળમાં બાર વાગતા નથી અને કાસલનો જાદુ ઓસરતો નથી. કાસલના તળિયે 30,000 મોઝેઈક ટાઈલ્સ મઢી લેવાઈ છે અને તેમાંથી કેટલીક તો 24 કેરેટ સોનાનું પડ ચડાવેલી છે (જાદુનગરી કોને કહે?). રાત પડ્યે કિલ્લાની દીવાલો ઝગઝગીત લાઈટોથી ચમકી ઉઠે છે.
મહેલની અંદર 3 લિફ્ટ છે, પ્રવાસીઓ માટે વિવિધ વિભાગો છે. યુવતીઓ ઈચ્છે તો સિન્ડ્રેલા જેવો મેક-અપ પોશાક ધારણ કરી શકે છે. અંદર સિન્ડ્રેલાની પમ્પકીનથી બનેલી ગાડી, તેના કાચના સેન્ડલ.. વગેરે સહિતની ચીજો જોઈ શકાય છે.
એનિમલ કિંગડમ – દુનિયાના જંગલ સમાવતી જંગલની દુનિયા
2008માં જેમ્સ કેમેરુનની ફિલ્મ ‘અવતાર’ આવી એ જોઈને સૌ કોઈ આભા બની ગયા હતા. ખાસ તો તેમાં રજૂ થતાં ઊડતાં પહાડોએ દર્શકોને કલ્પનાતિત દૂનિયાની સફર કરાવી હતી. એવી સફર ડિઝની પાર્કનું એનિમલ કિંગડમ પણ કરાવી શકે એમ છે. કેમ કે એનિમલ કિંગડમમાં થ્રીડી ચશ્માં ચડાવીને અવતારની દુનિયાના વર્ચ્યુઅલ પ્રવાસે લઈ જતી રાઈડ ઉપલબ્ધ છે, તો વળી હોડીમાં બેસીને ‘નાવી’ નદીના નાવિક બનવાનો વિકલ્પ પણ છે. અહીં આવનારા પ્રવાસીઓ અવતારની સફરમાં જોડાઈને પોતાનો અવતાર ધન્ય થયાનું અનુભવે છે.
કિંગડમ વિભાગનું બીજું મોટું આકર્ષણ 110 એકરમાં ફેલાયેલી ‘આફ્રિકન સફારી’ છે. આફ્રિકામાં જોવા મળતાં ઝિરાફ, સિમ્બા અર્થાત આફ્રિકન સિંહ, ધરા ધ્રુજાવતા હાથી, ગેંડા, ગોરિલા.. અહીં વિચરે છે.
એ જોઈ લીધા પ્રવાસીઓને પગથોભ કરવો પડે એવુ સ્થળ છે ‘ટ્રી ઓફ લાઈફ’. આફ્રિકામાં જોવા મળતાં બાઓબાબ વૃક્ષનું ભવ્ય શિલ્પ ઉભું કરવામાં આવ્યું છે, જેનાં થડમાં સવા ત્રણસો વિવિધ પ્રકારના સજીવોના આકાર કોતરાયેલા છે. વૃક્ષને હજારો ડાળી અને લાખો પાંદડા દ્વારા અસલ સ્વરૃપ આપવાનો પ્રયાસ કર્યો છે. 145 ફીટ ઊંચાઈ, થડીયાના ભાગમાં 50 ફીટ પહોળાઈ ધરાવતા વૃક્ષમાં એક દુનિયા છૂપાયેલી છે. કેમ કે પ્રવાસીઓ થડની અંદર જઈને પર્યાવરણનું મહત્ત્વ સમજાવતી ફિલ્મ જોઈ શકે એવુ નાનકડું થિએટર ત્યાં તૈયાર કરાયું છે. જીવન અને મૃત્યુને સાંકેતિક રીતે દર્શાવતું આ વૃક્ષ દર દસ મિનિટે લાઈટોથી ઝળહળી ઉઠે (ચેતન) છે અને ફરી શાંત (જડ) થઈ જાય છે.
એનિમલ કિંગડમમાં ટ્રેન દ્વારા કરી શકાતું એવરેસ્ટ એક્સપિડિશન, ડાઈનોસોર સફર, ટાઈગર ટ્રેઈલ.. એવા તો અનેક વિભાગો છે અને દુનિયાના વિવિધ પ્રાંતમાં જોવા મળતાં સજીવો છે, જે જોતાં ક્યારે સાંજ ઢળે એ ખબર જ ન પડે. કિંગડમ માત્ર ઝૂ નથી, વન્યજીવ સંરક્ષણનો પ્રયાસ છે. સવારના 9થી રાતના 9 અને અમુક નિશાચર સજીવોના કિસ્સામાં 10 વાગ્યા સુધી પાર્ક જોઈ શકાય છે.
એનિમલ કિંગડમ પાર્કમાં વિવિધ 300 અલગ અલગ પ્રજાતિના, અલગ અલગ ખંડો અને અલગ પર્યાવરણમાંથી આવેલા સજીવો રહે છે અને સજીવોની કુલ સંખ્યા 2000થી વધારે છે. આ પ્રાણીબાગનો ફેલાવો 580 એકરમાં થયેલો છે, જે આખા જગતમાં સૌથી વધુ છે.
અહીં અંદર જંગલ છે, નદી છે, ડુંગર છે.. એ બધા વચ્ચે રહેવા માટે 799 કેમ્પસાઈટ છે અને જંગલમાં બનેલી 409 કેબિન પણ છે.
પાર્કની વધુ સરપ્રદ સફર બીજા ભાગમાં
Image courtesy
https://disneyworld.disney.go.com/