થાઈલેન્ડના પાટનગર Bangkokની ગણતરી જગતમાં સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા મહાનગરોમાં થાય છે, કેમ કે ત્યાં દરેક પ્રકારના પ્રવાસીઓ માટે એકથી એક ચડિયાતા આકર્ષણો છે.
એક સમયે ‘સિયામ’ તરીકે ઓળખાતા પૂર્વિ એશિયાઈ દેશ થાઈલેન્ડમાં બોદ્ધ ધર્મ પળાય છે, પરંતુ રાજ રાજા ‘રામ’નું છે! આખા દેશ પર આપણી રામાયણનો પ્રચંડ પ્રભાવ છે. થાઈલેન્ડના રાજાને આજની તારીખે ‘રામ’ જ કહેવામાં આવે છે. રામ ત્યાં માત્ર નામ નથી, પ્રજા માટે આદરપાત્ર રાજવીની પદવી છે. જેમ કે એપ્રિલમાં જે રાજા મહા વજિરાલોંગકોર્ન દ્વાદેબાયા વારાકુંન (અર્થ – વજ્રધ્રારી ઈન્દ્ર જેવા મહાબલી દેવતાના વંશજ)ના રાજ્યાભિષેક પછી તેમની ઓળખ રામ દશમા તરીકેની છે. તેમના પિતાએ રામ નવમા તરીકે થાઈલેન્ડ પર 72 વર્ષ સુધી શાસન કર્યું. ભારત સાથે થાઈલેન્ડ સહિતના દેશોને શહસ્ત્રાબ્દી જુનો નાતો છે. એક સમયે તો થાઈલેન્ડનું પાટનગર અયુથ્યા (આપણો ઉચ્ચાર – અયોધ્યા) હતું, હવે તેનાં અવશેષો સચવાઈ રહ્યા છે. મલેશિયા-ઈન્ડોનેશિયાની માફક થાઈલેન્ડમાં નિયમિત રીતે રામાયણની ભજવણી થાય છે, તો વળી બીજા અનેક હિન્દુ દેવી-દેવતાઓના મંદિર પણ છે. એટલે થાઈલેન્ડને સવાયુ ભારત કહી શકાય એમ છે.
અન્ય એશિયાઈ દેશોની માફક અહીં બ્રિટિશરો સત્તા જમાવી શક્યા ન હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓએ કબજો જમાવ્યો હતો. થોડો સમય મિલિટરી શાસન પણ રહ્યું. હવે થાઈલેન્ડમાં લોકશાહી છે, પરંતુ રાજાશાહીનું મહત્ત્વ જાળવી રખાયું છે. દેશના નિયમિત વહિવટમાં રાજા ખાસ દખલ કરતાં નથી, પરંતુ બંધારણના સર્વોચ્ચ રખેવાળ તેઓ જ ગણાય છે. રાજાના માનમાં દરેક થિએટરમાં ફિલ્મ શરૃ થાય એ પહેલા ફરજિયાતપણે રાજાની પ્રસશ્તી કરતું રાજગીત વગાડવામાં આવે છે. એ વખતે સૌ કોઈએ ફરજિયાત ઉભા થવાનું હોય છે. થાઈ રાજાના પૂર્વજો એટલે કે રામ પહેલાએ 18મી સદીમાં નદીના કાંઠે નવું પાટનગર તૈયાર કરાવ્યું, જે આજનું બેંગકોક.
પૂર્વ એશિયાના મોટા શહેરોમાં તો Bangkok/બેંગકોકનો સમાવેશ થાય જ છે, સાથે સાથે દુનિયાના ટોપ-ટુરિસ્ટ એટ્રેકશન લિસ્ટમાં પણ હંમેશા થાઈલેન્ડ આ પાટનગરનું નામ જોવા મળે છે.
વાટ અરૃન : સૂર્યોદયની છડી પોકારતુ મંદિર
થાઈલેન્ડમાં કુલ 31,200 બોદ્ધ મંદિર છે, પરંતુ એ બધામાં શિરમોર હોય તો એ Bangkok/બેંગકોકમાં આવેલુ ‘વાટ અરૃન (ટેમ્પલ ઓફ ડોન)’ મંદિર છે. થાઈ ભાષામાં ‘વાટ’ એટલે જ ‘મંદિર’. કોઈ કદાવર કોન ઉંધો જમીન પર મુકી દીધો હોય એવું દેખાતુ આ મંદિર ભગવાન બુદ્ધનું છે, પણ નામ સૂરજદેવતા પરથી અરૃણ રખાયુ છે. જાણે સૂર્યદેવની છડી પોકારતું ઉભું છે. હિન્દુ પુરાણોની માફક બોદ્ધ ગ્રંથોમાં પણ મેરૂ પર્વતનો વિશ્વના કેન્દ્ર તરીકે ઉલ્લેખ છે. આ મંદિર મેરુ પર્વતનું પ્રતીક છે. કથા એવી છે કે 1768માં રાજા તાક્સીન બર્મિઝ સેનાને હરાવીને આવી રહ્યા હતા ત્યારે એક મંદિરના ખંડેર પાસે તેમણે ઘડીક આરામ કર્યો. એ વખતે બરાબર સૂર્યોદય થઈ રહ્યો હતો. વિજયની ખૂશીમાં રાજાએ ત્યાં ભવ્ય મંદિર બંધાવાનું નક્કી કર્યું. એ સ્થળે પછી વાટ અરૃણ ઉભું થયું.
થાઈલેન્ડ આવતા પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી, કેમ કે માત્ર મંદિર નથી, કલા-કોતરણી-બારીક શિલ્પો, એક ઉપર ખડકાયેલા માળ, તેમાં ભડકીલા કલરની રંગછટાનું અદ્ભૂત મિશ્રણ છે. ધ્યાનથી જોઈએ તો એ પણ જણાઈ આવે કે આપણે જેનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ એ ચાઈના મોઝેઈક અને સિરામિકનો મંદિરની શોભ-વૃદ્ધિમાં ભરપૂર ઉપયોગ થયો છે. શંક-છીપલાં, રંગીન કાચના ટૂકડાનું બારીક જડતર જોઈને તેના સર્જનકર્તાઓ પ્રત્યે માન ઉપજ્યા વગર રહેતું નથી. ભલે મંદિરનું નામ ટેમ્પલ ઓફ ડોન (સૂર્યોદયનું મંદિર) છે, પણ રાત પડ્યે ચો-તરફથી ફેંકાતી લાઈટો આ મંદિરને સોનેરી કલરનું બનાવી દે છે, એટલે ઘડીભર સૂવર્ણ મંદિર જોતા હોઈએ એવુ લાગે.
ચો પ્રેયાહ નદીના કાંઠે ઉભેલા મંદિરના ચારેચ ખૂણે ચાર સ્તંભ છે જે ચારેય દિશાના દેવતાઓની હાજરી સૂચવે છે. મંદિરનું રખોપું કરવા પ્રવેશદ્વારે હાથમાં દંડ લઈને ઉભેલા દંડનાયકના બે કદાવર પૂતળા છે. મંદિરના ગર્ભમાં ભગવાન બુદ્ધની કદાવર સૂવર્ણજડિત મૂર્તિ છે. પ્રવાસીઓ તેને જોઈને અચંબિત થાય છે, તો બોદ્ધ અનુયાયીઓ ત્યાં ઘડીભર બેસીને મનને શાંત કરવા પ્રયાસ કરે છે.
‘પ્રાંગ’ તરીકે ઓળખઆતું મંદિરનું મુખ્ય શિખર 79 મીટર ઊંચુ છે. 18મી સદીમાં તૈયાર થયું ત્યારે એ થાઈલેન્ડનું સૌથી ઊંચુ બાંધકામ હતું, આજે તો ઘણા સ્કાય-ક્રેપર બની ગયા છે, પણ થાઈલેન્ડનું સૌથી ઊંચુ મંદિર અરૃણદેવનું જ છે. પ્રવાસીઓને અમુક ઊંચાઈ સુધી જવાની છૂટ છે, જ્યાંથી નદી અને Bangkok/બેંગકોક શહેરનો નજારો જોઈ શકાય છે. મંદિરની બે અગાસી બોદ્ધ અને હિન્દુ ધર્મને સમર્પિત છે. એક અગાસી પર બુદ્ધની જીવનકથા તો બીજી અગાસી પર ઈન્દ્ર (સ્થાનિક નામ- ઈરાવાન), તેમનો તેંત્રીસ માથાળો ઐરાવત.. વગેરેનો જમાવડો છે.
પરદેશી પ્રવાસીઓએ મંદિરમાં પ્રવેશવા માટે 50 થાઈ બ્હાત (એક બ્હાત બરાબર અંદાજે 2.25 રૃપિયા)ની ટિકિટ ખરીદવાની રહે છે. મંદિર રોજ સવારના 8-30થી લઈને સાંજના 5-30 સુધી ખૂલ્લું રહે છે. પણ જતા પહેલા એ યાદ રાખવાનું કે ટૂંકા વસ્ત્રો પહેરેલા હશે તો મંદિરમાં પ્રવેશ નહીં મળે. જોકે પ્રવાસીઓને મંદિરના દરવાજે જ વસ્ત્રો ભાડે મળે છે, જે પહેરીને અંદર જઈ શકાય છે. અડધો દિવસ આ મંદિરની મુલાકાતમાં સહેજેય પસાર થઈ જાય એમ છે.
વાટ પ્હો : જગતને આરામ આપતા બુદ્ધનો આરામ
વાટ પો પણ કરૃણામૂર્તિ બુદ્ધનું મંદિર છે, પણ તેનું મુખ્ય આકર્ષણ અહીંની મૂર્તિ છે. પલાંઠી વાળીને ધ્યાન મુદ્રામાં બેઠેલા બુદ્ધ આપણે ઠેર ઠેર જોયા છે. પણ આ મંદિરમાં બુદ્ધ આરામ કરે છે, એટલે કાયદેસર તેમની આડે પડખે થયેલા હોય એવી મૂર્તિ છે. ઘણી વખત આપણે પગ લાંબા કરીને ડોક કોણીએ ટેકવી જરા રાહત અનુભવતા હોઈએ છીએ. ભક્તોના દુઃખ દૂર કરતા બુદ્ધ અહીં એમ કોણી ટેકવીને સભાનાવસ્થામાં આડે પડખે થયા છે. મૂર્તિની લંબાઈ 46 મીટર છે, ઊંચાઈ પણ જેવી તેવી નહીં 15 મીટર છે!
આ મૂર્તિ મંદિરનું એક આકર્ષણ છે, પરંતુ એકમાત્ર નથી. આખુ મંદિર એક મોટુ સંકૂલ છે અને નાના-નાના વિભાગોમાં વહેંચાયેલું છે. ‘વર્લ્ડ હેરિટેજ’ જાહેર થયેલા મંદિરની બીજી ઓળખ તેની મસાજ થેરાપી છે. થાઈલેન્ડની મસાજ થેરાપી આખા જગતમાં જાણીતી છે. શરીરમાં તાજગી ભરી દેતી મસાજપ્રથા આ મંદિરમાંથી શરૃ થઈ હોવાનું મનાય છે.
મંદિરની ત્રીજી ઓળખ તેની જ્ઞાનશાળા છે. પુરાતન યુગમાં મંદિરો જ યુનિવર્સિટીનું કામ કરતા હતા. એ રીતે આ મંદિર પણ ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન વગેરેના અભ્યાસનું કેન્દ્ર હતું, વિદ્યાર્થીઓ અહીં ભીક્ષુ તરીકે રહીને ભણતા હતા. બુદ્ધની કુલ મળીને વિવિધ 1000 મૂર્તિ આ મંદિરમાં છે. આપણે ત્યાં બિહારમાં આવેલુ બોદ્ધ ગયા ત્યાંના બોદ્ધિ વૃક્ષ માટે જગવિખ્યાત છે. એ મંદિરની એક ડાળી અહીં પણ રોપવામાં આવી હતી, જેમાંથી ઉગેલું વૃક્ષ પ્રાંગણમાં ઉભું છે. એ ઉપરાતં સંકૂલમાં નાના-નાના 91 પેગોડા છે.
મંદિરના પ્રાંગણમાં જ ઉપલબ્ધ ગાઈડની સેવા લેવામાં આવે તો મંદિર ઓર મજેદાર બની શકે એમ છે. સવારના 8થી સાંજના 5 સુધી ખૂલ્લા રહેતા મંદિરમાં પ્રવાસીઓ માટે 100 બ્હાતની ટિકિટ છે. વધુ માહિતી મંદિરની સત્તાવાર વેબસાઈટ http://www.watpho.com પરથી મળી રહેશે.
ધ રોયલ ગ્રાન્ડ પેલેસ : સત્તાનો રાજસી ઠાઠ
રાજાશાહી હોય ત્યાં રાજમહેલ ન હોય એવુ તો કેમ બને? ‘ધ રોયલ ગ્રાન્ડ પેલેસ’ નામનો આ મહેલ થાઈલેન્ડનો રાજમહેલ છે. 1782માં તેનું બાંધકામ થયું અને લગભગ દોઢસો વર્ષ સુધી તો વિવિધ રાજવીઓએ એ મહેલમાં જ રહેતા હતા. હવે રાજા બીજા મહેલમાં શિફ્ટ થયા છે, પરંતુ શાહી વિધિ-વિધાન માટે હજુય આ મહેલનો ઉપયોગ થાય છે. 18મા સૈકામાં થાઈલેન્ડનું પાટનગર થોનબુરીથી બેંગકોક શિફ્ટ કરાયું ત્યારે આ મહેલ થાઈ રાજા રામ પહેલાએ બંધાવ્યો હતો.
25 હેક્ટર અથવા 2,18,000 ચોરસ મીટરમાં ફેલાયેલો મહેલ નાના-નાના 35 ભાગમાં વિભાજીત છે, પરંતુ મુખ્ય 3 ભાગ છે, રહેણાંક મહેલ, મંદિર અને પ્રાર્થનાસ્થળ. મહેલ ફરતે 1900 મીટર લાંબી દીવાલ છે. રાજા જ્યારે આ મહેલમાં રહેતા ત્યારે આસપાસમાં વિવિધ રાજકીય વિભાગના કાર્યલયો પણ હતા. હવે અહીં પેઈન્ટિંગ્સ, બુદ્ધની જીવનકથા રજૂ કરતા શિલ્પ, લાયબ્રેરી, રાજવી પરંપરા દર્શાવતા બાંધકામો, જાળી-ઝરૃખા.. વગેરેનો પાર નથી. એક વિશેષ આકર્ષણ કંબોડિયામાં આવેલા જગતના સૌથી મોટા હિન્દુ મંદિર આંગકોરવાટની પ્રતિકૃતિ છે. તો બીજું આકર્ષણ રામાયણની કથા રજૂ કરતી ચિત્ર ગેલેરી છે.
આ મહેલ સવારના 8-30થી બપોરના 3-30 સુધી પ્રવાસીઓને પ્રવેશ આપે છે. પેલેસની 500 બ્હાતની ટિકિટ તેના દરવાજે મળતી નથી, પરંતુ ફરજિયાતપણે મુલાકાતના 24 કલાક પહેલા ઓનલાઈન ખરીદવાની રહે છે. ખરીદી માટે આ રહી મહેલની વેબ – https://www.royalgrandpalace.th/en/home અહીં પણ ડ્રેસકોડ ફોલો કરવાનો રહે છે, જેની વિગતો વેબસાઈટ પર આપેલી જ છે.
જિમ થોમ્સન હાઉસ : પૂર્વની સંસ્કૃતિ, પશ્ચિમની કદર
લાલ ચટ્ટક દેખાતુ ટિકવૂડનું બાંધકામ, જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાયેલા લીલા ભડક છોડવેલા, ઉપર લટકતા ફાનસ-તોરણ, લાકડાનું બનેલું ભોંયતળિયું અને તેના પર પથરાયેલી ચટાઈ, વચ્ચે ખાલી જગ્યામાં નાના-મોટા જળાશયો… એ સ્થળનું નામ છે, ‘જિમ થોમસન હાઉસ’. આમ તો આ મ્યુઝિયમ છે, પણ તેનો દેખાવ જોઈને કળા-ઈતિહાસ પ્રેમી ન હોય એવા પ્રવાસીઓ પણ અંદર લટાર માર્યા વગર રહેતા નથી. વળી તેનો ઈતિહાસ તો જેમ્સ બોન્ડની ફિલ્મ જેવો છે.
1906માં જન્મેલા જિમ થોમસન અમેરિકી ઉદ્યોગ-સાહસિક હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ અમેરિકી સેનાના ખૂફિયા વિભાગ ‘ઓએસએસ’માં જોડાયા. સેનાએ તેમને એશિયાઈ દેશોની જાસૂસી માટે મોકલ્યા. થાઈલેન્ડ જેવા દેશો પર જાપાનીઓ કબજો ન જમાવે એ માટે થાઈલેન્ડના તત્કાલીન રાજવીને મદદ કરવાનું જિમનું કામ હતું. એ કામ સુપેરે પાર પડ્યું, યુદ્ધ ખતમ થયું, જાપાન હારી ગયું. યુદ્ધમાંથી પરવાર્યા પછી જિમે થાઈલેન્ડમાં જ રહી જવાનું નક્કી કર્યું. તેમને વિશેષ રસ થાઈલેન્ડના ‘થાઈ સિલ્ક’ કહેવાતા કાપડમાં હતો. એ કળા શીખી, વિકસાવી અને તેના માટે કંપની સ્થાપી. જિમના પ્રયાસોને કારણે જ પશ્ચિમી દેશો સુધી થાઈ સિલ્કનું મૂલ્યવાન અને મુલાયમ કાપડ પહોંચ્યુ અને પછી તો બહુ લોકપ્રિય થયું.
થોમસન તો આર્ટ-કલેક્ટર હતા, એશિયાના વિવિધ દેશોમાંથી કળા-સંસ્કૃતિના વિવિધ નમૂના એકઠા કરતાં હતા. કથામાં વળાંક 1961માં આવ્યો જ્યારે મલેશિયાના જંગલમાં ગયેલા જિમ ક્યારેય પરત આવી જ ન શક્યા. ત્યારથી તેમને ગુમ થયેલા મનાય છે. એ પછી તેમનું થાઈ શૈલીમાં બનેલું આકર્ષક ઘર મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે. પ્રવાસીઓ અહીં બોદ્ધ ધર્મ, ઈતિહાસ, થાઈલેન્ડની કળા-સંસ્કૃતિ.. વગેરેનો સંગમ જોઈ શકે છે. પ્રાંગણમાં જ ‘જિમ થોમ્સન આર્ટ સેન્ટર’ બન્યું છે, જ્યાં વિવિધ પ્રકારની કળાત્મક પ્રવૃત્તિ પણ થતી રહે છે. પ્રવાસીઓ ત્યાંથી સિલ્ક-લેધરની બનેલી વિવિધ સામગ્રી પણ ખરીદી શકે છે.
મ્યુઝિયમ મુલાકાતીઓ માટે સવારના 9થી સાંજના 6 સુધી અહીંની મુલાકાત લઈ શકે છે. જાહેર રજા સિવાયના તમામ દિવસોએ સંગ્રહાલય ખૂલ્લું હોય છે. 22 વર્ષની નીચેની વ્યક્તિ માટે 100 બ્હાત, તેનાથી મોટા માટે 200 બ્હાતની ટિકિટ લેવાની રહે છે. 10 વર્ષથી નીચેના બાળકો વિનામૂલ્યે પ્રવેશી શકે છે. http://www.jimthompsonhouse.com/ આ તેની વેબસાઈટ છે, જેના પર થોડી-ઘણી પ્રાથમિક માહિતી મળી રહે છે.
સફારી વર્લ્ડ : જ્યાં પ્રાણી ખૂલ્લાં, પ્રવાસીઓ બંધ રહે છે!
ગીરના જંગલમાંથી પસાર થતી વખતે ઘણી વખત બન્ને બાજુ હરણ અને ક્યારે નસીબ વધારે સારા હોય તો સિંહ-દીપડા જોવા મળી જાય. એ વખતે વાહન ચાલક બુદ્ધિ વાપરીને ધીમે ધીમે ગાડી ચલાવે તો વન્યપ્રાણી જોતાં જોતાં આગળ નીકળી શકે છે. ગીરમાં આવુ ક્યારેક આકસ્મિક રીતે બને પણ બેંગકોકના સફારી વર્લ્ડમાં આવુ દરેક પ્રવાસી સાથે રોજેરોજ થાય છે. સફારી વર્લ્ડમાં બે ભાગ છે, ‘સફારી પાર્ક’ અને ‘મરિન પાર્ક’.
સફારી પાર્કના વિસ્તારમાં વિવિધ પ્રાણીઓને ખૂલ્લાં રખાયા છે. એટલે પ્રવાસીઓને ફરજિયાત બંધ વાહનમાં રહેવું પડે છે. પાર્કનો મોટો ભાગ પ્રવાસીઓએ બંધ વાહનમાં જ ફરવાનો થાય છે. જિરાફ, ઝેબ્રા, હરણ, હિપ્પો, હાથી.. વગેરે પ્રાણી નજીક આવે ત્યારે પ્રવાસીઓને રોમાંચ થાય. પરંતુ એ રોમાંચની માત્રા અનેકગણી ત્યારે વધી જાય જ્યારે પ્રવાસીઓના વાહન સિંહ અને વાઘના વિસ્તારમાંથી પસાર થાય. પ્રવાસીઓથી ટેવાયાલે સિંહ, વાઘ પ્રવાસીઓના વાહન નજીક આવે એ અનુભવ કાચબંધ વાહનમાં બેઠેલા પ્રવાસીઓને જીવનભર ક્યાંથી ભુલાય! એ અનુભવને આપણે ફોર સ્ટાર આપીએ તો ફાઈવ સ્ટાર અનુભવ એ પછી થાય જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે. સવારના દસેક વાગ્યે સિંહ-વાઘને ભોજન પિરસાય છે. એ વખતે એક જાળીબંધ વાહનમાં રહેલો એનિમલ ટ્રેઈનર ખોરાક આપે, આસપાસ આઠ દસ વાઘ (અને સિંહના વિસ્તારમાં સિંહ) વિંટળાઈ જાય. પ્રવાસીઓ જરા દૂર બીજા વાહનમાં હોય અને ત્યાંથી આ દૃશ્ય જુએ તો રૃવાંડા ઉભા થયા વગર રહેતા નથી. આ ક્ષણના સાક્ષી થવા માટે સવારના દસ પહેલા પાર્કમાં પહોંચી જવું પડે. પાર્કમાં ઝિરાફાની સફર પણ એટલી જ રોમાંચ રહે છે, કેમ કે આફ્રિકાના જંગલમાં પણ એક સાથે જોવા ન મળે એટલા વીસ-પચ્ચીસ ઝિરાફ ઊંચી ડોક કરીને પસાર થાય ત્યારે આપણે પણ તેને જોવા ડોક ઊંચી કરવી જ પડે. ઝિરાફને પ્રવાસીઓ ચાહે તો ખોરાક ખવડાવી પણ શકે છે.
બીજુ આકર્ષણ અહીંનો મરિન પાર્ક છે. પ્રવાસીઓ નાનકડા સ્ટેડિયમમાં ગોઠવાઈ જાય એ પછી ડોલ્ફિન અને સી-લાયનનો શો શરૃ થાય છે. પાર્કના ટ્રેઈનરના ઈશારા પ્રમાણે ડોલ્ફીન બહાર આવે, ઊંચા-નીચી થાય, પ્રવાસીઓ પણ ફ્રિસ્બી ફેંકે તો ડોલ્ફિન તેને કેચ કરી લે. સી-લાયન પણ વિવિધ કરતબો કરાવીને પ્રવાસીઓને ભરપૂર મનોરંજન આપે છે. સરકસની માફક આખા દિવસ દરમિયાન કાઉ-બોય શો, ઓરાંગ ઉટાન શો, જંગલ વચ્ચેથી પસાર થતી બોટ રાઈડ, વિવિધ સ્ટંટ, બર્ડ શો… એવા કાર્યક્રમો ચાલતાં જ રહે છે, જેથી પ્રવાસીઓને નિરાશ થવાપણું રહેતું નથી. 365 દિવસ પાર્ક સવારના 9થી સાંજના 5 સુધી ખૂલ્લો રહે છે. વિવિધ શો માટે, ભોજન સહિતની કોમ્બો ઓફર વગેરે માટે 400થી લઈને 2000 બ્હાત સુધીની ટિકિટ પ્રવેશદ્વાર પરથી લઈ શકાય છે.
બેંગકોકના વધુ કેટલાક રસપ્રદ સ્થળો બીજા ભાગમાં..
Image Courtesy
www.tourismthailand.org
http://tourismthailand.in/
www.royalgrandpalace.th
twitter.com/tat_india
twitter.com/chatuchakbkk
chaophrayacruise.com
www.thaicruise.com