અમેરિકાની ગુલામીપ્રથા તો સંસદે કાયકા-કાનૂન પસાર કર્યા એ પછી થઈ. પરંતુ એ કાયદા-કાનૂન અને ગુલામીપ્રથા વિશે જાગૃત્તિ ફેલાવાનું એક મોટું કામ લેખિકા હેરિયટ બિચર સ્ટોની આ નવલકથાએ કર્યું હતું. મુકુલ કલાર્થીએ તેનો ટૂંકો અને રસપ્રદ અનુવાદ ‘લોભ અને કરૃણા નામે’ કર્યો છે.
જગતના સૌથી પ્રભાવશાળી પુસ્તકોનું લિસ્ટ તૈયાર થાય ત્યારે તેમાં અંકલ ટોમ્સ કેબિનનો સમાવેશ થાય છે. 1852માં પ્રગટ થયેલી આ નવલકથા અમેરિકાની ગુલામીપ્રથા કેવી જાલીમ હતી તેનો દસ્તાવેજ છે. આ નવલકથા પ્રગટ થયા પછી અમેરિકામાં ગુલામીપ્રથાનો વિરોધ વ્યાપક થયો કેમ કે જે લોકો અજાણ હતા એ પણ ગુલામીપ્રથા વિશે જાણતા થયા. થોડા વર્ષો પછી 1863માં અમેરિકાએ ગુલામીપ્રથા નાબુદ કરતો કાયદો પણ પસાર કર્યો.
1811માં જન્મેલા લેખીકા હેરિયેટ બિચર સ્ટોએ અમેરિકાના દક્ષિણી રાજ્યોમાં ગુલામીપ્રથાની સંહારલીલા જોઈ અને તેને કાગળ પર ઉતારી. ત્યારે એ કથા ‘ધ નેશનલ એરા’ નામના અખબારમાં હપ્તાવાર પ્રગટ થઈ અને પછી પુસ્તક સ્વરૃપે પણ આવી.
આજના સુધરેલા અમેરિકામાં ગુલામોનો વેપાર પૂરબહારમાં ચાલતો હતો, જેની કલ્પના કરવી આજે તો ઘણી મુશ્કેલ છે. પરંતુ આ નવલકથા પોણા બસ્સો-બસ્સો વર્ષ પહેલાનાં એ પછાત અમેરિકામાં લઈ જાય છે. ગાંધીયુગના ઘણા પુસ્તકો લખનારા મુકુલ કલાર્થીએ આ લાંબી વાર્તાનો ટૂંકો અને રસાળ અનુવાદ છેક 1959માં ‘લોભ અને કરૃણા નામે’ કર્યો હતો.
કથાની શરૃઆત કેન્ટુકી રાજ્યના વેપારી આર્થર શેલ્બીના ઘરેથી થાય છે. આર્થર પર દેવું થયું હતું, જે ભરી શકાય એમ ન હતું. તેની પાસે ઘણા ગુલામ હતા. એટલે જેને દેવું ચૂકવવાનું હતું એ હેલિ સાથે તેણે ગુલામોનો સોદો કરવાનું નક્કી કર્યું…
પ્રકાશક – ગૂજરાત વિદ્યાપીઠ
કિંમત – 30
પાનાં – 150‘
- હેલિની ભુખાળવી નજર જિમ પર ઠરી ગઈ. તે આર્થરને ધીમેથી કહેવા લાગ્યો – ટોમ સાથે આ બાળક આપશો તો તમારું દેવું ચૂકતે. બોલો છો તૈયાર?
- ઇલિઝા જ્યારે જિમને શોધવા આવી હતી, ત્યારે તેણે પોતાના માલિક આર્થર અને મહેમાન વચ્ચે જિમને વેચવાની જે વાત થતી હતી એ સાંભળી હતી. એટલે તેના દિલમાં ફફડાટ પેસી ગયો હતો. તેને થયા કરતું હતું કે, મારા વહાલા દીકરાને શેઠ વેચી તો નહીં દે ને!
- ઇલિઝા પણ અંગ્રેજ પિતા અને ગુલામ માતાને પેટે જન્મી હતી. ગોરા વેપારીઓ સુંદર ગુલામડીઓને પેટે થતાં બાળકો મોંઘી કિંમતે વેચી નાખતા. સુંદર ગુલામડીઓ માટે પોતાના શિયળનું રક્ષણ કરવું લગભગ અશક્ય જેવું જ હતું.
- થોડી વાર શાંત બેઠા પછી જ્યોર્જે કહ્યું – ઇલિઝા આ બધા દુખોથી બચવાનો રસ્તો મેં શોધી કાઢ્યો છે. હું કેનેડા નાસી જવા માંગુ છું. ત્યાં ગુલામીપ્રથા નથી. ત્યાં ગયા પછી હું તને અને જિમને તારા શેઠ પાસેથી ખરીદી લઈશ.
- અરે તું તો ગુલામી પ્રથાની વિરૃદ્ધમાં બોલવા લાગી! ગયા રવિવારે દેવળમાં વડા પાદરી સાહેબે ઉપદેશ આપ્યો હતો, એ શું તુ ભૂલી ગઈ? આપણો ધર્મ આ પ્રથાની તરફેણ કરે છે.
- ઇલિઝાના નાસી જવાના સમાચાર વીજળીવેગે આખા ઘરમાં ફેલાઈ ગયા. બધા ગુલામો એક યા બીજી રીતે રાજી થવા લાગ્યા.
- માર્ક્સ ગંભીરતાથી બોલ્યો – આ મોટા મોટા વિજ્ઞાનશાસ્ત્રીઓ નકામી શોધખોળો પાછળ પોતાની કિમતી શક્તિ વેડફી નાખે છે. એને બદલે બાળક પર જરાય માયા-મમતા ન રાખનારી સ્ત્રીઓને પેદા કરવાનું શોધી કાઢે તો ખરેખર માનવજાતિ પર તેઓ ભારે ઉપકાર કરે.
- હેલિએ ટોમના પગ લોખંડની સાંકળો વડે બાંધી દીધા.
- એક બજારમાં એક ગુલામ બાઈ પોતાના આઠેક વરસના નાનકડાં બાળકને બાથમાં લઈને સમજાવતી હતી, બેટા તું મારી પાસે ને પાસે રહીશ. તને એકલાને કોઈ વેચાતો નહીં લઈ જાય!
કોઈ પણ ખરીદનાર એ છોકરાને તપાસવા આવતો, ત્યારે તે કરૃણ અવાજે અને ગભરાયેલી દશામાં કરગરીને કહેતી, – સાહેબ, મારા શેઠે મને ખાતરી આપી છે કે, અમને બંનેને સાથે જ વેચવાનાં છે. માટે મહેરબાન સાહેબ, હું તમને પગે પડીને કહું છું કે, આ મારા દીકરા સાથે મને પણ ખરીદજો.
- બીજી સ્ત્રીનો પતિ ધાર્મિક માણસ હતો. તે આ લોકોની વાત સાંભળીને ત્યાં આવ્યો અને બોલ્યો – બહેન તમે ગુલામીની પ્રથાની વિરૃદ્ધ બોલો છો, એ તો ધર્મની વિરૃદ્ધ બોલવા બરોબર છે. બાઈબલમાં પણ ગુલામીની પ્રથાને માન્ય ગણી છે.
- ઓફિલિયા – ભાભી, આ દાસદાસીઓ અને આપણે એક જ લોહીમાંસના બન્યા છીએ અને એક જ ઈશ્વરે આપણને ઘડ્યાં છે, એવું તમે માનો છો ખરાં?
- ઓફિલિયા – એ લોકોને આત્મા છે, એમ તમે માનો છો કે?
મેરી – હશે પણ, આપણા જેવો ઉચ્ચ આત્મા તો એ લોકોને નથી જ નથી.
- બાઈસાહેબ, મારે મારું ભલું નથી કરવું. મારે તો જેમ બને તેમ વહેલા મરવું છે. એમ કહીને તે ટોપલી માથે મૂકીને ચાલવા લાગી.
- મારો માલીક મારી સાથે સ્ત્રી તરીકેનો વ્યવહાર કરી મારે પેટે થતાં બાળકોને વેચવાનો ધંધો કરતો હતો.
- અમ ગુલામોને અમારા શેઠ જન્મ થયા પછી વેપારીને વેચી દે છે. એટલે અમને અમારાં માબાપની ઘણી વાર ખબર નથી હોતી!
- સાહેબ, આપ કહો છો એ બરાબર હશે. પરંતુ સ્વતંત્ર થયા પછી મારા નસીબમાં જે મળવાનું હશે એ મને મળશે. હું ભલે ગરીબાઈમાં જીવન ગાળીશ, એની મને પરવા નથી. સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા. એના જેવું સુખ બીજું કોઈ નથી.
- ઓહો! ગુલામડીને વળી લાજશરમ કેવાં? એ તો બધા એ લોકોના ઢોંગ છે. જ્યાં સુધી શિક્ષાગૃહમાં એની આબરૃના કાંકરા ન થાય, ત્યાં સુધી એ ઠેકાણે નહીં આવે. આવી અભિમાની ગુલામડીઓને તો શિક્ષાગૃહના પુરુષો જ નરમઘેંશ જેવી બનાવવા માટે લાયક છે.
- બેટા, લાવ, તારા વાળ સીધા બાંધી આપુ, જેથી કોઈ સારા ધાર્મિક માણસને તને વેચાતી લેવાનું મન થાય.
- મારે ત્યાં આવા ઢોંગધુતારા ચાલશે નહીં. ભજનબજન ગાવા બેઠો છે ને, તો તારો બરડો જ રંગાઈ જશે.
- બીજા ગુલામોને સાંકળે બાંધી દીધા અને તેમને ગાડીની પાછળ ચાલવા તેમણે હુકમ કર્યો.
- તેણે પોતાના કોટમાંથી ટાંકણી કાઢીને લુસીના કપાળ પર ખોંસી દીધી!
- ટોમ નમ્રતાપૂર્વક બોલ્યો – સાહેબ તમે મારા શરીરના માલિક છો, આત્માનાં નહીં. આ શરીર પર તમારો પૂરેપૂરો અધિકાર છે. એને તમારે જે કંઈ કરવું હોય એ કરો, મારા આત્માને તમે કશું કરી શકો એમ નથી.
- આ દુનિયા અમારા માટે શાપરૃપ જ છે. એટલે એ જન્મ્યો કે તરત જ મેં તેને અફીણ ઘોળીને પાઈ દીધું! બાળકના અવસાનથી મારું હૃદય ખુબ રડી ઊઠ્યું. પણ મારી પાસે બીજો ઉપાય ન હતો!