દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ પેરુ ત્યાંના ગાઢ જંગલો માટે જાણીતો છે. આખો દેશ એન્ડિઝ પર્વતના ઢોળાવ પર પથરાયેલો છે, એટલે તેની ભૂગોળ પણ અનોખી છે. જંગલ, હેરિટેજ સાઈટ્સ, દરિયો, એડવેન્ચર, એમ વિવિધ આકર્ષણ ધરાવતા દેશના પ્રવાસ માટેની બેઝિક ગાઈડ…
ધરતીના ગોળા પર પેરુ શોધવા જઈએ તો જરા લાંબા થવું પડે કેમ કે એ છેક સામા છેડે છે. દક્ષિણ અમેરિકા ખંડ આપણા ભારતથી ઓલરેડી ઘણો દૂર છે, એમાં વળી પેરુ તો દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ કાંઠે છે. અલબત્ત, ગમે તેટલો દૂર હોય તો પણ જેમને ફરવું જ છે એમને કોઈ રોકી શકતું નથી. એટલે હવે ગુજરાતમાંથી પ્રવાસીઓ પેરુ સુધી લાંબા થતાં થયા છે. આપણા ગુજરાતીઓના ઘરમાં બટેટાનું મહત્ત્વ ઘરના સભ્ય જેટલું જ હોય છે. એ બટેટાનું મૂળ વતન પેરું છે. બટેટા સૌથી પહેલાં ત્યાં ઉગતા હતા અને પછી દુનિયાભરમાં ફેલાયા. પેરુમાં આજે વિવિધ 3000 પ્રકારના બટેટા થાય છે.
ઈન્કા સંસ્કૃતિનો દેશ
દક્ષિણ અમેરિકા ખંડ ત્યાંના એમેઝોન જંગલો માટે જાણીતો છે. એ એમેઝોનના જંગલો એમેઝોન નદીના બન્ને કાંઠે ફેલાયેલા છે. કુલ જંગલ વિસ્તાર તો ભારત કરતાં 3 ગણો મોટો છે. પરંતુ એ એમેઝોન નદીનું પ્રાગટ્ય સ્થળ પેરુમાં આવેલું છે. અહીં એક સમયે ઈન્કા સંસ્કૃતિનું રાજ હતું. કાળક્રમે એ સંસ્કૃતિ તો નાશ પામી પણ તેના અવશેષો ઠેર ઠેર ફેલાયેલા છે. તેનો સૌથી મોટો પુરાવો પેરુની માચુ પિક્છુ નામની 3500 વર્ષ જુની સાઈટ છે. ડુંગરના ઢોળાવ પર લગભગ આખા નગરના અવશેષો મળી આવ્યા છે, જે હવે તો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. પેરુ આવતા પ્રવાસીઓમાંથી 40 ટકા સીધા માચુ જ જાય છે, માટે ત્યાં બહુ ભીડ વધી ગઈ છે. પણ માચુ સિવાય જોવા જેવા, જવા જેવા સ્થળોની કમી નથી.
ઈન્કા સામ્રાજ્ય હતું, ત્યારે બંધાયેલા કેટલાક રસ્તાં હજુય યથાવત છે. એટલે પ્રવાસીઓ અહીં એ ચાર હજાર વર્ષ પુરાણા રસ્તા પર ચાલી શકે છે. ઈન-ફેક્ટ ‘ઈન્કા ટ્રેલ’ નામનો રૃટ પણ છે, જે પેરુ સહિતના છ દેશોમાંથી પસાર થાય છે. એ રસ્તા પર ઈન્કાના મહત્ત્વના કેન્દ્રો-અવશેષો છે. એ રૃટનો 37 ટકા ભાગ પેરુમાં છે. ચાલવાના શોખીનો ચાલીને અને બીજી રીતે પ્રવાસીઓ આ રસ્તો ખૂંદવાનું પસંદ કરે છે, કેમ કે તેનાથી જગતની અતી સમૃદ્ધ પૈકીની એક ગણાતી ઈન્કા સંસ્કૃતિનો તેમને આછો-પાતળો પરિચય મળી રહે છે. આખા દેશમાં બે કલાકથી માંડીને 2 અઠવાડિયા સુધી ચાલે એવા ટ્રેકિંગના વિકલ્પો છે. ગમે તે શહેર કે સ્થળે જવાનું વાહન મળે ન મળે, ટ્રેકિંગનો રસ્તો અચૂક મળે!
ભૌગોલિક વૈવિધ્યની ભરમાર
પેરુ પહાડી દેશ છે અને પહાડી હોય એટલે સપાટ તો ક્યાંથી હોય? આખો દેશ વિવિધ આઠ ઊંચાઈમાં વહેંચાયેલો છે. જમીની ભાગ 12થી 786 મિટરમાં પથરાયેલો છે. તો સૌથી ઊંચી વસાહતો 5 હજાર મિટર સુધીની છે. સરેરાશ કાઢવામાં આવે તો આખો દેશ પાંચ હજાર ફીટ ઊંચો છે (ભારતની સરેરાશ ઊંચાઈ 2 હજાર ફીટ છે). માટે મેદાની પ્રદેશના પ્રવાસીઓને ત્યાં ફરવું જરા અઘરું પડે. શરૃઆતમાં તો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે. પણ એક વખત માફક આવી ગયા પછી આસમાની ઊંચાઈનો અહેસાસ થાય.
દેશનો બીજો મોટો હિસ્સો, કુલ જમીની વિસ્તારનો 60 ટકા ભાગ જંગલ છે, 28 ટકા વિસ્તાર હાઈલેન્ડ એટલે કે ડુંગરાળ અને બાકીનો 12 ટકા દરિયા કાંઠાનો છે. દેશમા સપાટ જમીન ઓછી છે. તો પણ અહીં 3 હજાર જાતના બટેટા થઈ શકે છે કેમ કે બટેટા મૂળ તો પહાડી પેદાશ છે. એ રીતે 55 પ્રકારની મકાઈ ઉગે છે અને દરેક મકાઈ પીળી નથી હોતી. કુદરતી રીતે તેનો કલર પર્પલ, સફેદ, કાળો.. એમ વિવિધ પ્રકારનો થાય છે.
ગોળાકાર બાંધકામનું શહેર
પેરુમાં કુલેપ નામનું એક નગર છે, એટલે કે નગરના અવશેષો છે. એ શહેરના બધા બાંધકામ ગોળાકાર હતા, એટલે જાણે જમીન પર કુવો ઉભો કર્યો હોય એવા લાગે. એવા 420 ગોળાકાર સ્ટ્રક્ચર અહીં મળી આવ્યા છે. આવું શહેર તો રહસ્યમય ન હોય તો જ નવાઈ! એટલે 1980ના દાયકાથી પુરાતત્ત્વનિષ્ણાતો શહેરનું ઉત્ખન્ન કરે છે અને હજુ પણ સમગ્ર પાર પામી શક્યા નથી. નજીકમાં એક ગોક્ટા નામનો જળધોધ છે, જે 2530 ફીટની ઊઁચાઈએથી નીચે પડે છે. એ દુનિયાનો ત્રીજો સૌથી ઊંચો ધોધ છે.
રેન્બો માઉન્ટેન
પર્વતનો કલર ભૂખરો હોય અને વૃક્ષો ઉગી નીકળ્યા હોય તો લીલો હોય. પેરુના રેન્બો માઉન્ટેનને આ નિયમ લાગુ પડતો નથી. એ નામ મુજબ રેન્બોના કલર ધરાવે છે. સોનેરી, લવન્ડર, મરૂન એમ વિવિધ કલરથી રંગેલી હોય એવી લાગતી આ ટેકરીઓ વિશે હમણાં સુધી જગતને ખબર ન હતી, કેમ કે અંતરળિયાળ જંગલ વિસ્તારમાં અને ખાસ્સી વીસેક હજાર ફીટની ઊંચાઈ પર આવેલી છે.
પેરુના મહત્ત્વપૂર્ણ કુસ્કો શહેરથી ત્યાં જઈ શકાય છે. જ્વાળામુખી પ્રવૃત્તિ, વિવિધ ધાતુઓનું મિશ્રણ, ભૌગોલિક રચનાને કારણે આવા કલર થયા છે. રાતી, પીળી, લાલ માટી એકબીજા સાથે મિશ્ર થઈ છે, પણ એ જોઈને જ સમજી શકાય. પ્રવાસીઓ માટે એ બહુ મોટુ આકર્ષણ છે.
જંગલ સફારી
પેરુમાં ગયા પછી એમેઝોનના જંગલો જોયા વગર તો કેમ પરત અવાય? સંખ્યાબંધ નેશનલ પાર્ક છે અને વિવિધ પ્રવાસન કંપનીઓ બે દિવસથી માંડીને પ્રવાસીઓની જરૃર પ્રમાણે જંગલ સફારીનું આયોજન કરે છે. દૂર સુધી વૃક્ષો સિવાય કંઈ નજરે ન પડે એવા જંગલમાં રાતવાસો, ટ્રેકિંગ, નાઈટ સફારી, બર્ડ વોચિંગ, પિન્ક કલરની ડોલ્ફિન સાથે સ્વિમિંગ.. સહિતની અનેક પ્રવૃત્તિઓ કરી શકાય છે. અમુક જંગલ વિસ્તારમાં માત્ર બોટ દ્વારા તો અમુક વિસ્તારમાં માત્ર ઉડીને જઈ શકાય છે.
જંગલો રહસ્યમય છે એ સંશોધકો જાણે છે. પરંતુ કેટલા રહસ્યમય છે, એ દર વખતે કંઈક નવું નવું મળી આવે ત્યારે ખબર પડે. જેમ કે પેરુના જંગલોમાં કોઈ ધગધતા પાણીની નદી હોવાનું સ્થાનિક વનવાસીઓની કથાઓમાં આવતું હતું. આવી વાત તો કોણ માને? લોકકથા કોઈએ ન માની પણ 2016માં એન્ડ્રીઝ રૃસો નામના પુરાતત્ત્વશાસ્ત્રીએ ખરેખર એ નદી શોધી કાઢી જેનું પાણી 41 ડીગ્રીથી માંડીને 90 ડીગ્રી સુધી ગરમ છે. ગરમ કેમ છે તેનો પૂરો જવાબ હજુ સંશોધકોને મળ્યો નથી. આવા એક નહીં, અનેક રહસ્યો આ જંગોલમાં છૂપાયેલા પડ્યાં છે. એ જંગલ ખૂંદવાની કેવી મજા પડે!
રેખાનું રહસ્ય
ઉડીને જોઈ શકાય એવી મહત્ત્વની સાઈટ નાઝકા લાઈન્સ છે. ખેતરના છેડે ધોરિયો હોય એવા જમીન પર ખાંચા કરેલા છે. જમીન પરથી તો ખાંચા દેખાય પણ ઊંચેથી જોતાં એ કોઈ આકૃતિ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે. તેને નાઝકા લાઈન્સ કહેવામાં આવે છે. લાઈન્સ કોણ અને શા માટે બનાવી એ હજુ પણ રહસ્ય છે. ઊંચા ટાવર પર ચડીને અથવા તો નાનકડા વિમાનમાં ઊડીને જ આ લાઈન્સ જોઈ શકાય છે.
કુસ્કો અને લીમા
લીમા પેરુનું પાટનગર છે, તો કુસ્કો બીજું મહત્વનું શહેર છે. કુસ્કો શહેર છે, ત્યાં એક સમયે ઈન્કા સંસ્કૃતિનું પાટનગર હતું, જેના અવશેષો અને બાંધકામો આજે પણ ત્યાં છે. ઈન-ફેક્ટ પ્રવાસીઓ ચાર હજાર વર્ષ પહેલા બંધાયેલા બાંધકામ વચ્ચેથી પસાર થઈ શકે છે, તેમાં રહી પણ શકે છે કેમ કે એ બધુ હવે શહેરનો જ ભાગ છે. માટે પેરુ સરકારે શહેરને ઐતિહાસિક પાટનગરનો દરજ્જો આપી રાખ્યો છે. શહેરનો ઘણો ભાગ પુરાતન બાંધકામોથી સમૃદ્ધ છે અને હેરિટેજ જાહેર થયેલો પણ છે. આપણે ત્યાં નળિયાવાળા મકાન હોય એવા જ મકાન આખા શહેરમાં ઉભા છે, માટે ઉપરથી જોતાં રતુમડી ચાદર ફેલાયેલી હોય એવું લાગે. બહારથી આવતા પ્રવાસીઓનો પહેલો પડાવ મહાનગર લીમામાં જ હોય છે. લીમા પાટનગર હોવાથી જોવા-જાણવા-માણવાનું ઘણું છે.
આખો દેશ ઉત્સવપ્રેમી છે. આખા વર્ષ દરમિયાન 883 ફેસ્ટિવિટી થાય છે. ગમે ત્યારે આવો, કંઈકને કંઈક ઉત્સવ ચાલુ જ હોય. એ પછી કાર્નિવલ હોય કે આદિવાસીઓનો ઉત્સવ હોય. દુનિયાનું સૌથી ઊંચુ સરોવર લેક ટીટીકાકા, ટીટીકાકામાં આવેલા તરતા ટાપુ, 27થી વધારે બર્ફિલા શીખર, 1600થી વધુ પ્રકારના ઓર્કિડના છોડ-ફૂલ, દુનિયાનો સૌથી ઊંચો રણ પ્રદેશ, સર્ફિંગ માટે લાંબો દરિયાકાંઠો, સૌથી ઊંડી ખીણ, 5 હજાર વર્ષ જુના નગરના અવશેષો, ચાર જ્વાળામુખી વચ્ચે આવેલું એરક્વિપા શહેર, દુનિયાની સૌથી નાની વાનરની પ્રજાતિ… એવા તો અઢળક આકર્ષણ દેશમાં વિખરાયેલા છે. માટે પેરુની સરકાર ટુરિઝમની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ દેશ ગણાવે છે.
જતાં પહેલા જાણવા જેવું
વિઝા – વિઝા મળ્યા વગર તો કોઈ પણ દેશ ગમે તેવો સોનાનો હોય તોય નકામો છે. પેરુની વિઝા ઓફિસ ભારતમાં માત્ર દિલ્હીમાં છે. કોઈ પણ એજન્ટની મદદ વગર એપ્લિકેશન દિલ્હી ઓફિસને મળે એના પાંચ વર્કિંગ દિવસમાં વિઝા આપી દેવામાં આવે છે. જો અમેરિકા, બ્રિટન જેવા દેશોના વિઝા હોય એમને વિઝા લેવા પડતાં નથી. એવા દેશોનું લિસ્ટ પણ લાંબુ છે. વધુ માહિતી માટે આ રહી વેબસાઈટ
ભાષા – મુખ્ય ભાષા સ્પેનિશ છે, અંગ્રેજી વ્યાપકપણે બોલાય છે, જ્યારે કેટલાક વિસ્તારમાં તો ભારતીયો રહે છે, માટે હિન્દી પણ ચાલે છે. તો પણ બે-પાંચ સ્પેનિશ શબ્દો આવડતા હોય તો સરળતા રહે.
ફૂડ – બટેટા ઉત્પાદક દેશમાં વેજ ફૂડ મળવાની ખાસ મુશ્કેલી થતી નથી. દેશમાં 300 જેટલી વેજિટેરિયન રેસ્ટોરાં છે. તો પણ બધાને માફક ન આવે એટલા માટે ફૂડની પુરતી તપાસ કરવી જોઈએ.
ચલણ – ન્યુ સોલ નામનું ચલણ વપરાય છે. એક સોલ બરાબર વીસેક રૃપિયા જેવી સ્થિતિ છે અત્યારે.
સમય – પેરુ ભારત કરતાં સાડા દસ કલાક પાછળ છે.
વાતાવરણ – પેરુના વાતાવરણમા વૈવિધ્યનો પાર નથી. એટલે વરસાદ-ઠંડી-તડકો બધામાં માફક આવે એવા કપડાં સાથે રાખવા અનિવાર્ય છે. નજીક નજીકના વિસ્તારમાં જ વાતાવરણમાં ફરક હોય તેને માઈક્રો ક્લાઈમેટ કહેવામાં આવે છે. આખા પેરુમાં આ રીતે 90 પ્રકારનું માઈક્રો ક્લાઈમેટ જોવા મળે છે.
વધુ માહિતી પેરુ ટુરિઝમની સત્તાવાર વેબસાઈટ પરથી મળશે.
(બધી તસવીરો પેરુ ટુરિઝમ અને પેરુ ટુરિઝમના ફેસબૂક પેજ પરથી લેવામાં આવી છે)