મેઘાણીએ સોરઠી બહારવટિયામાં જે બહાદૂરોને સ્થાન આપ્યું છે, તેમાંથી પહેલા અને છેલ્લા બહારવટિયા સાથે સંકળાયેલી જગ્યાની સફર કરી. એ સફરનું વર્ણન..
હવે બહારવટે ચડવાનો યુગ રહ્યો નથી. પરંતુ આઝાદી પહેલા અંગ્રેજયુગમાં જ્યારે અંગ્રેજો અથવા તો અંગ્રેજોની સોડમાં ભરાયેલા રાજવીઓ પ્રજા પર દમન ગુજરાતા ત્યારે કોઈક મરદ પુરુષો વટ રાખવા રાજ સત્તાની બહાર નીકળી જતા હતા. અને પછી રાજ સત્તાને ધોળા દિવસે તારા દેખાડતા. એ માટે તેઓ બહારવટિયા કહેવાતા હતા. ગુર્જર ધરા ઉપર પાંચસો વર્ષ દરમિયાન થઈ ગયેલા 13 બહારવટિયાની શૌર્ય કથા મેઘાણીએ સોરઠી બહારવટિયામાં નોંધી છે. બહારવટિયા કથા મેઘાણીએ નોંધી લીધી પછી એના વિશે નવું શું લખી શકાય તેની મને સતત શોધ રહે છે. સદ્ભાગ્યે નવું મળતું રહે છે, કેમ કે દરેક બહારવટિયાની કથા સત્યકથા છે, માટે તેમની સાથે સંકળાયેલા સ્થળો, વ્યક્તિઓ, ગામ-ગરાસ સાવ ધરતી પરથી ભૂંસાઈ નથી ગયા.
મારે યોગાનુયોગ એ થયો કે સોરઠી બહારવટિયામાં નોંધેલા સૌથી પહેલા બહારવટિયા જેસાજી-વેજાજી (1473થી 1494) અને છેલ્લા બહારવટિયા રામ વાળા (1914-15) સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત લેવાની તક મળી. એ પછી લખવાની પણ મજા પડી.
ગયા અઠવાડિયે સમયાંતરમાં (17 માર્ચ-2019) રામ વાળા વિશે લખ્યું. તો વળી અગાઉ જેસાજી વેજાજી વિશે પણ લખ્યું છે. સમય આવ્યે વધુ લખતા રહીશું. પરંતુ એ લખવા માટે અલગ અલગ સમયે 3 સ્થળની મુલાકાત લીધી હતી. એ ત્રણેય મુલાકાતની વાત, એક પછી એક..
વેજલ કોઠો…
એક દિવસ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને મારા મિત્ર પિનાકી મેઘાણીએ માહિતી આપી કે જંગલમાં ક્યાંક વેજલ કોઠો છે. વેજલ કોઠો શું છે એ ત્યારે મને ખબર ન હતી. માટે એ માહિતી પણ આપી કે સોરઠી બહારવટિયામાં જે પહેલા બહારવટિયાનો ઉલ્લેખ છે એ જેસાજી-વેજાજી વેજલ કોઠામાં રહેતા હતા. હવે એ ભૂમિ ખાંભા પાસે ક્યાંક જંગલમાં છે.
જંગલમાં મંગલ કરવા માટે એટલી માહિતી પૂરતિ હતી. એક દિવસ ખાંભા બાજુ જવાનું થયું ત્યારે સ્થાનિક પત્રકાર મિત્ર દિલીપ જીરૃકાને કહ્યું કે વેજલ કોઠે જવું છે. તેમણે ખાંભાના પત્રકાર મિત્ર દશરથસિંહને જાણ કરી મારી સાથે આવવા સૂચના આપી દીધી હતી. જગ્યા જંગલમાં અંદર હતી એટલે વન ખાતાની પરવાનગી પણ લઈ લીધી હતી.
જ્યાં કોઈ જતું ન હતું, એવા આ સ્થળે જઈને આ લોકોને શું કરવું હશે એ બધાને સવાલ થતો હતો. પણ ઘણી વખત જ્યાં કોઈ ન જતું હોય ત્યાંથી કંઈક મળે ખરા. આવા સ્થળોની મુલાકાત લેવા પાછળનો મારો ઈરાદો લખવા માટે નવી સામગ્રી મળે એવો હોય અને જંગલમાં નવું સ્થળ જોયાનો આનંદ થાય એવો પણ હોય. એટલે પછી ત્યાં શું હશે તેની પરવા કર્યા વગર નીકળી પડ્યા.
ખાંભાથી બે બાઈકમાં 3 જણ હતા (ત્રીજો સાથીદાર મારો સાળો અંકિત). થોડી વારે રસ્તો પૂરો, જંગલ શરૃ. દશરથભાઈની ગાડી આગળ, અમે પાછળ. આગળ જતાં ઢાળ શરૃ થયો, એમાં સાંકડી કેડી, વિખરાયેલા પથ્થર.. એના પરથી બાઈક ચલાવવી ભારે અઘરી હતી. પણ હવે આવી ગયા તો ચલાવ્યે જ છૂટકો હતો.
અડધી-પોણી કલાક સુધી જંગલમાં આ રીતે જોખમી સફર કર્યા પછી ટેકરી પર એક જગ્યાએ ઉભા રહ્યા. દૂર નાનકડુ ખંડેર થયેલુ મંદિર દેખાતું હતું. મંદિર પાસે થોડું મેદાન હતું, એટલા પૂરતી ટેકરી સપાટ હતી. ટેકરી પર જઈને જોયું તો આગળ 3 નદીઓ ભેગી થતી દેખાઈ. એ ત્રણેય નદીની વચ્ચે આ ટેકરી હતી, જેનું નામ જ વેજલ કોઠો. જેસાજી-વેજાજીની વળી બીજી વિશિષ્ટતા એ હતી કે ઘોડાને બદલે નિલગાય-રોઝડાં પર બેસીને એ બહારવટું ખેલતા હતા.
આ બહારવટિયાઓ વિશે લખતા પહેલા મેઘાણીએ અહીં આવ્યા હતા. જે લખતા એ ફરીને જ લખતા હતા. એ વખતે તેમને ત્યાં પહોંચવામાં કેવી મુશ્કેલી થઈ હતી એ વાત મેઘાણીએ પોતાના પ્રવાસ વર્ણનના પુસ્તક ‘સૌરાષ્ટ્રના ખંડેરો’માં કર્યું છે. મેઘાણી સાથે સ્થાનિક જાણકાર, એક દુહાગીર (દુહા ગાનાર) વગેરે હતા. બીજા સમર્થ લોકસાહિત્યકાર પણ સાથે હતા, દુલા કાગ! ઉંટ અને ઘોડા પર સવારી કરીને અહીં આવ્યા હતા (મેઘાણીએ જેના પર સવારી કરતા એ ઊંટનું નામ સલૂન પાડ્યું હતું!). એ પશુઓને નીચે રાખી દુહાગીર સાથે મેઘાણીએ ટેકરી ચડાવાનું ચાલુ કર્યું. અડધેથી પેલા દુહાગીરે કહી દીધું કે ઉપર તમને જેસાજી-વેજાજી મળે તો મારા રામ-રામ કહેજો, આપણાથી ત્યાં સુધી નહીં અવાય.
મુલાકાત પછી મેઘાણીએ સ્થળનું વર્ણન કરતાં લખ્યું છે : ‘સૂવરનળો, રાવલ અને ઝેરકોશલી ત્રણેય નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલકોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે એમ નથી. ભેખડો ઊંચી આભ અડતી અને સીધી દીવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટિયા પાવરે પાવરે પાણી ખેંચતા. તે પરથી એનું નામ પાવરાવાટ પડ્યું છે. વાંદરા પણ ન ટપી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ બહારવટિયાને ગોદમાં લેવા સારું આવી વંકી જગ્યા સરજી હશે.’
એ તો મેઘાણીએ વર્ણન કર્યું હતુ, પણ અમે ગયા ત્યારે શું સ્થિતિ હતી? એ વાત બીજા ભાગમાં…
Excellent