(તારક મહેતાનું) જૂનું ઘર ખાલી કરતાં….

તારક મહેતા અને ઈન્દિરા દેવી બન્નેનું અવસાન થયા પછી, તેમના ઘરમાં રહેલા અઢળક પુસ્તકો અને અન્ય સામગ્રીનું વ્યવસ્થાપન કરવાની રસપ્રદ અને અઘરી જવાબદારી અમારા માથે આવી હતી.

ઘરની દીવાલ પર લટકતી યાદો..

વિશાલનો ફોન આવ્યો.. ‘તારકદાદાના ઘરે જવાનું છે.’ શા માટે એવુ પૂછવાનો મતલબ ન હતો, તારક મહેતા હયાત હતા ત્યારે, એ લાંબી યાત્રાએ નીકળી ગયા પછી ઈન્દુબા પાસે અમે નિયમિત જતા હતા. અમારા બધામાં સૌથી વધુ ઘરોબો જોકે વિશાલને હતો, એ અમારા બધા કરતા વધારે આવન-જાવન કરતો હતો.

ઈનામ-અકરામ, માન-સન્માન
દાદાનું ટેપ રેકોર્અડર અને તેની કેસેટ્સ..

તારક મહેતા 2017માં અવસાન પામ્યા પછી ઈન્દુ બા અહીં એકલા હતા. અલબત્ત, ઘરમાં કામ કરતાં તેમના પરિવાર જેવા સભ્યો ખરાં. અમે ક્યારેક એમની પાસે આંટો મારતા. એક વખત ગયા ત્યારે સુરતથી ઘારી આવેલી પડી હતી. તેનો લાભ પણ અમને મળ્યો. એ તો દર વખતનું હતું. તારક મહેતા હતા ત્યારે પણ જઈએ એટલે વાતો ઓછી, નાસ્તા-પાણીના વિકલ્પો વધારે હોય. મૂળ એ દંપતી પ્રેમાળ અને આગતા-સ્વાગતા કરનારું, એમને ઓળખનારા સૌ કોઈ જાણે છે. તારકદાદા ચાલવામાં તકલીફ થતી તો પણ દરવાજા સુધી વળાવવા આવતા. 

પુસ્તકોના ઢગલા વચ્ચેથી અમે બનાવેલી નવલકથા વિશેષ પૂર્તિ પણ મળી આવી. વાંચવા જેવુ બધુ સાચવીને રાખતા હતા.
1. તારક મહેતાનો ઓરડો, જેમાં હવે તેમના વગરનો અંધકાર છે. 2. પુસ્તકોના ઢગલા, તપાસ અને બોક્સમાં ગોઠવણી.

આ વખતે (જાન્યુઆરી-ફેબ્રુઆરી-2019)માં ઘરની મુલાકાતનો ઉદ્દેશ અલગ હતો. ઈન્દુબા જાન્યુઆરીમાં અવસાન પામ્યા. તારક મહેતાના દીકરી ઈશાનીબહેન, જમાઈ ચંદ્રકાંત શાહ (જાણીતા કવિ) અમેરિકા રહે છે. ઈશાનીબહેન બરાબર અહીં હતા અને બા અવસાન પામ્યા હતા. એમની બધી વિધિ પત્યા પછી ઈશાનીબહેને એમણે અમને સૌને મદદ માટે બોલાવ્યા હતા એટલે અમારે ઘરે જવાનું થયું.

પોતે ખરીદેલું પુસ્તક ક્યાંથી લીધું, અથવા બીજું કોઈ પોતાના માટે ખરીદી લાવ્યું તેની નોંધ કરતા હતા. તેના પર કલાત્મક રીતે અને પછી ધ્રુજતા હાથે પણ નામ લખતા હતા. છેલ્લી તસવીર ગિફ્ટ મળેલા પુસ્તકની છે, ગિફ્ટ આપનારનું નામ ચંદ્રકાંત બક્ષી!

વાત એમ હતી કે તારકદાદાની લાયબ્રેરી અતી સમૃદ્ધ હતી. અઢળક પુસ્તકો, હસ્તપ્રતો, નાટકની સ્ક્રીપ્ટો, દોરેલા ચિત્રો, ફોટોગ્રાફ્સ.. એ બધાનું મેનેજમેન્ટ કરવું પડે. તારક મહેતા પછી હવે એ પરિવારમાં અહીં કોઈ લખનારું છે નહીં. માટે બધા પુસ્તકોની તો ક્યાંથી જરૃર પડે? કેટલાક પુસ્તકો ઉપયોગી હતા અને કેટલીક ચીજો સાથે સંસ્મરણો સંકળાયેલા હતા એ  ઈશાનીબહેને અલગ કરી લીધા હતા. એ પછીના પુસ્તકોની અમારે તેમની સૂચના પ્રમાણે વહેંચણી-ગોઠવણી-વિતરણ કરવાનું હતુ.

ચિત્રકાર પણ હતા. સાથે રસપ્રદ લાઈન પણ લખી છે.

કેટલાક પુસ્તકો પ્રકાશકને પરત આપવાના હતા. કેટલાક લાયબ્રેરીમાં આપવાના હતા, ટૂંકમાં ઈશાનીબહેનની સૂચના પ્રમાણે લાયબ્રેરી સાયન્સ ભણ્યા વગર લાયબ્રેરી મેનેજમેન્ટ કરવાનું હતું. સળંગ ત્રણેક રવિવાર સવારથી બપોર સુધી, જરૃર પડી ત્યારે વળી સાંજે પણ મથીને પુસ્તકોની વ્યવસ્થા કરી.

1. ઘરની બહાર નામ અને તેમની ઓળખ સમો સ્ટાર (તારક). 2. ખાલી પડેલું ઘર. 3. દીવાલ પર લટકતું પદ્મશ્રીનું સન્માન.

લખનારો કોઈપણ વ્યક્તિ લાયબ્રેરી વગર સમર્થ લેખક બની શકતો નથી. તારક મહેતાની ઓળખ હાસ્ય લેખક તરીકે છે અને એ જ રહેશે. ગુજરાતી ભાષામાં સળંગ હાસ્યકથા લખનારા એમના પછી અત્યારે તો કોઈ દેખાતા નથી. પરંતુ હાસ્ય લખે એટલે માત્ર હાસ્ય વાંચે એવુ નથી. ઘણુ બધુ વાંચ્યા પછી જ થોડુંક લખી શકાતું હોય છે.

ઈશાનીબહેન સાથે, વિશાલ-ઈશાન
તારક મહેતા લખી રહ્યા હોય એવી આ તસવીર ગુજરાત લિટરેચર ફેસ્ટીવલના પ્રદર્શનમાંથી લીધેલી છે. સંભવતઃ તસવીરો વિવેક દેસાઈની છે.

તારક મહેતાના સંગ્રહમાંથી તેમના અતી પ્રિય અંગ્રેજ (અને 20મી સદીન સર્વોત્તમ પૈકીના એક) હાસ્ય લેખક-હ્યુમરીસ્ટ પી.જી.વૂડહાઉસના અઢળક પુસ્તકો નીકળ્યા. આર્ટ બુચવાલ્ડ અને ટોમ શાર્પના પુસ્તકો પણ સંખ્યાબંધ. એ તો સ્વાભાવિક હતું. બે ડઝન જેટલી તો વિવિધ ભાષાની ડિક્શનરીઓ હતી (અંગ્રેજી-ગુજરાતી-હિન્દી-સંસ્કૃત-ઉર્દુ). તારક મહેતાના પોતાના પુસ્તકો તો હોય જ.

અગાઉની મુલાકાતની તસવીર

આજે તો લોકોને તારક મહેતા કહીએ એટલે સબ ટીવી પર આવતી સિરિયલ યાદ આવે. એ રીતેય ગુજરાતી લેખક  અમર રહે એમાં કશું ખોટું નથી. પણ તારક મહેતા મૂળ નાટકમાંથી હાસ્ય તરફ આવેલા. માટે તેમણે લખેલા નાટકોની અઢળક સ્ક્રીપ્ટો પણ સંગ્રહમાં હતી. બાય ધ વે, ઈશાનીબહેન પણ સિરિયલમાં આવી ચૂક્યા છે. એક વખત તેમણે ટપુના પ્રિન્સિપાલનો રોલ કર્યો હતો. એપિસોડ નંબર 1076થી એ સિરિઝ શરૃ થઈ હતી.

કબાટનું નાનકડું હેન્ડલ પેન્સિલ આકારનું છે, એ જોવાનું છે. જેણે બનાવ્યું હોય અને જેનો આઈડિયા હોય એનો છે અતી રસપ્રદ.

જૂના સામયિકો, તસવીરો, રાજ્ય-દેશ-પરદેશમાંથી આવેલા ચાહકોના પત્રો-શુભેચ્છાઓ, સચવાયેલા છાપાના કટિંગ્સ.. વગેરે ઘણુ નીકળ્યું. જે કોઈ પુસ્તકની ખરીદી થાય એ ક્યાંથી આવ્યુ, કોણ લાવ્યું તેની નોંધ પણ તારકદાદા કરતાં હતા. એ કામગીરીની કેટલીક તસવીરો અહીં રજૂ કરી છે. દાદા નથી રહ્યા, એ ઘરમાં એમની યાદો જરૃર છે.

સરનામું..

બેએક દાયકા પહેલા અમદાવાદ પરત આવ્યા અને પછી જીવનપર્યંત અહીં જ રહ્યા. એ રીતે આ ઘર તેમનું છેલ્લું સ્થાનક બની રહ્યું. મૂળ તો એ અમદાવાદી, મુંબઈ ફિલમ લાઈન માટે ગયા હતા. ફિલમ લાઈન તો ન મળી, પણ તેની બાજુમાં ચાલતી નાટકની લાઈન મળી ગઈ. 45 વર્ષ ત્યાં રહ્યા પછી ફરી અમદાવાદ આવ્યા. ત્યાં સુધીમાં નવખંડ ધરતી પર તેમનું નામ થઈ ચૂક્યુ હતુ. આજે એ નથી નામ છે અને નામનો જ પ્રતાપ છે.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “(તારક મહેતાનું) જૂનું ઘર ખાલી કરતાં….”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *