ટ્રેકિંગ જેવી સફર વખતે કદાચ એકલા રહેવામાં હોટેલ મોઁઘી પડે, ઝોસ્ટેલ એવા એકલવીરો માટે જ શરૃ થયેલો ઉતારો છે
ફરવા જવાનું થાય ત્યારે ક્યાં ઉતરીશું એ એક સવાલ હોય છે. અલબત્ત, હોટેલ્સ-ધર્મશાળાની કંઈ કમી નથી હોતી તો પણ લોકોને પોતાને ગમે એવો ઉતારો મળશે કે કેમ એ શંકા તો હોય જ. હવે જોકે ઘણા સ્થળોએ ઓયો રૃમના બોર્ડ વાંચવા મળે. ઓયોના અનુભવી હોય એ એમાં ઉતરવાનું પસંદ કરે કેમ કે દર સસ્તો અને સુવિધાઓ સારી. એવું જ બીજું એક નામ છે Zostel. ઝોસ્ટેલ પણ ભારત અને નેપાળમાં ઠેર ઠેર પોતાની હોટેલ્સ ધરાવે છે. પોતાની નથી ત્યાં સ્થાનીક હોટેલ્સ સાથે એમણે કોલોબરેશન કરેલું છે. કુલ 39 શહેરો છે, જ્યાં ઝોસ્ટેલ ઉપલબ્ધ છે.
ઝોસ્ટેલનો મુખ્ય ઉદ્દેશ પારિવારિક પ્રવાસીઓને નહીં પણ એકલેપંડે કે મિત્રો સાથે ટ્રેકિંગ વગેરેમાં જતા બેકપેકર્સ પ્રવાસીઓને ઉતારો આપવાનો છે. એકલા ફરવા જતા યુવક યુવતીઓને રહેવા માટે સલામત વાતાવરણ મળી રહે અને જરૃરી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારનો આ વેપાર છે. ભારતમાં ખાસ બેકપેકર્સ માટે જ શરૃ થઈ હોય એવી આ પહેલી હોસ્ટેલ ચેઈન છે.
એકલા ફરવા જતી વખતે મુશ્કેલી એ હોય કે હોટેલ મોંઘી પડે, જ્યારે ડોરમેટરી જેવી સુવિધા દરેક જગ્યાએ મળે નહીં. મળે તો પણ તેમાં સુવિધાઓ હોતી નથી. એટલે મોંઘી હોટેલ અને સસ્તી ડોરમેટરી વચ્ચેનો વિકલ્પ આપવાનો ઝોસ્ટેલનો પ્રયાસ છે. સામાન્ય રીતે 500થી 1000 રૃપિયા વચ્ચે રાતવાસાનો વિકલ્પ મળી શકે છે. જોકે હવે ઘણા સ્થળોએ ઝોસ્ટેલનો ભાવ પણ હોટેલ જેટલો જ છે. છતાં પણ ઉતારો શોધતી વખતે ઝોસ્ટેલ પર તપાસ કરવા જેવી તો છે જ.
ઘણી વખત મોટુ ગ્રૂપ હોય તો તેમને મોટા ઓરડામાં એક સાથે રહેવાની સુવિધા પણ ઝોસ્ટેલમાં મળી શકે છે. અલબત્ત, બધા સ્થળોએ એવી સુવિધા નથી હોતી. પરંતુ હોટેલના ઓરડામાં 2થી વધારે વ્યક્તિ સમાવતી વખતે મુશ્કેલી થાય એ મુશ્કેલીનો અહીં હલ અપાયો છે. 4થી વધારેનું બૂકિંગ હોય તો એ પ્રમાણે સુવિધા મળી શકે છે.
2013માં ઝોસ્ટેલની શરૃઆત એક સ્ટાર્ટઅપ તરીકે જ થઈ હતી. આઈઆઈટી અને આઈઆઈએમમાં ભણેલા અખિલ મલીક, ધર્મવીરસિંહ ચૌહાણ, પવન નંદા અને તરૃણ તિવારીએ આ સાહસ શરૃ કર્યું હતું. રાજસ્થાનના જોધપુર શહેરમાં સૌ પ્રથમ ઝોસ્ટેલની શરૃઆત કરાઈ હતી. પરંતુ શરૃઆતથી જ આ ચારેયને વિવિધ કંપનીઓની લિગલ નોટીસ મળતી રહી છે. કેમ કે તેમણે બિઝનેસ આઈડિયાની નકલ કરી એવો તેમના પર આક્ષેપ છે. અત્યાર સુધીમાં 14 નોટીસ મળી ચૂકી છે એટલે આક્ષેપો સાવ ખોટા હશે એમ માની શકાય એમ નથી. જોકે કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. પરંતુ પ્રવાસીઓને કેસ-બેસથી કોઈ મતલબ હોતો નથી. એમને તો ઉતારા-ઓરડા જોઈએ, જે ઝોસ્ટેલ પુરા પાડે છે.