1983માં આકાશવાણી અમદાવાદ (ઓલ ઈન્ડિયા રેડિયો) પરથી ધારાવાહિક વિજ્ઞાન-કિશોરકથા રજૂ થઈ હતી. ભારતના રેડિયો ઈતિહાસની એ પ્રથમ ઘટના હતી.
યુગયાત્રા
લેખક- યશવંત મહેતા
પાનાં-182
કિંમત-25
પ્રકાશક- ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રેડિયોની નવાઈ નથી પણ રેડિયો સાંભળનારા ગુજરાતી શ્રોતા-વાચકો માટે જરા નવી ગણી શકાય. એફએમ નહીં પરંતુ જ્યારે અસલ રેડિયોનો દબદબો હતો એ જમાનામાં આકાશવાણી અમદાવાદ કેન્દ્રએ અનોખો પ્રયોગ કર્યો હતો. રેડિયો પરથી નાટક-વાર્તા રજૂ થતા હોય એમ વિજ્ઞાનકથા રજૂ કરવાનો એ પ્રયોગ હતો. આખા ભારતના રેડિયો ઈતિહાસમાં એ પ્રકારનો પહેલો પ્રસંગ હતો.
સમર્થ ગુજરાતી વિજ્ઞાન લેખક યશવંત મહેતાએ લખેલી વાર્તા યુગયાત્રા પુસ્તક સ્વરૃપે પણ પ્રગટ થઈ. વાર્તા એક યુગમાંથી બીજા યુગમાં લઈ જાય છે અને વાર્તા એક ગ્રહ પરથી, બીજા, ત્રીજા, ચોથા ગ્રહ પર પણ લઈ જાય છે.
ધરતીને બાદ કરીએ તો કુલ 3 ગ્રહ પર આ કથામાં યશવંત મહેતા વાચકોને લઈ જાય છે. એ વિજ્ઞાનકથા વળી ગીરની ધીંગી ધરા પરથી શરૃ થાય છે. અહીં તેનાં અમુક અંશો રજૂ કર્યા છે.
- એટલે આજે, ગીરની ટેકરીઓની વચ્ચે, એકદમ વચ્ચે, એકદમ અગમ્ય એવી જગાએ, ઊંચી કરાડોની વચ્ચે એક પાતાળધરો આવેલો છે અને કાળઝાળ ઉનાળામાંય એમાં પાણી નહિ ખૂટે એવું ફક્ત બે જ જણ માનતા હતા. એક અઠ્ઠાણુ વર્ષનો ચતુરો ભાભો અને બીજો કેસરી.
- આવા વિચાર કરતો કરતો કેસરી ટેકરા ચડતો-ઊતરતો, ખીણો પાર કરતો, સુકાઈ ચૂકેલાં ઝરણાંનાં તળ ખૂંદતો, ઠૂંઠાં બનીને ઊભેલાં વૃક્ષોને મારગ પૂછતો આગળ વધી રહ્યો હતો.
- આવા માણસો પોતાનાં વચન પાળતા હોય છે—ભલે પછી એ ગોળી ચલાવવાનું વચન હોય.
- કેસરીને નવાઈ પણ લાગી અને ખુશાલી પણ થઈ. આજે તો રબારી, ભરવાડ, માલધારી, ચારણ, આહીર વચ્ચેનો ભેદ સમજનારા બહુ ઓછા લોકો રહ્યા હતા. આ માણસ જાણકાર હતો. એની આગળ કશાં ગપાષ્ટક નહિ ચાલે.
- આનંદ : ના, કેસરી! જવું છે આદિકાળના એક અવકાશયાનને મળવા.”
કેસરી : “શું? શું કહ્યું? “
આનંદ : “વીસ હજાર વર્ષ અગાઉ અહીં ઊતરેલા એક અવકાશયાનને મળવા જવાનું છે!
- હવે એને સમજાયું કે આદિમાનવનાં પથ્થરનાં હથિયારો કેમ બનાવવામાં આવ્યાં હતાં. એ લોકો જે કાળમાં જવાના હતા, તે કાળના માનવી બનીને એમણે જવાનું હતું. એ સમયના શિકારી માનવી તરીકે એમણે ફરવાનું હતું. એ કાળના લોકોને કશી શંકા ન પડે એ રીતે કામગીરી બજાવવાની હતી.
- માથા ઉપર રૂખડ વાળની જટાજૂટ પહેરાવવામાં આવી.
- કક્ષનું બારણું ખૂલી ગયું. કેસરીએ બહાર નજર કરી. અહી ન હતો પાતાળધરો, ન હતી ભૈરવગુફા, ન હતી દુકાળથી સૂકી થઈ ગયેલી ગીરની ટેકરીઓ. અહીં તે ચારે બાજુ ગાઢાં અને લીલાંછમ વન ફેલાયેલાં હતાં. સમગ્ર ધરતી પર ઘૂંટણસમાણુ ઊંચું ઊંચું ઘાસ હતું, વેલા હતા, ઘટાટોપ વૃક્ષે હતાં, નાખી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી હતી.
આ જુદી જ દુનિયા હતી ! - આનંદ અને રોશન સફાળા ઊભા થઈ ગયા. ખરેખર, દક્ષિણ તરફ પોતાના પાયા ઉપર ઊભેલું કે તેતિગ ઈમારત જેવું એક અવકાશયાન દેખાયું.
રોશન બોલી ઊઠયો : “ અરે! આ લોકોએ આ વિસ્તારમાં રીતસરનું અવકાશી એરોડ્રોમ બનાવી દીધું છે કે શું? - કેસરીએ કહ્યું : “ આનંદ સાહેબ! રોશન! આ યાન તાજું જ છે. ગરમ છે. આપણે એની અંદર જઈને તપાસ કરીએ તો કેવું ?
- કેસરીએ જુદે જ પ્રશ્ન પૂછયો : અને ધારો કે આપણે આ યાનોના જ્ઞાનનો ઉપયોગ કરીને આપણા યુગમાં અવકાશયાત્રા કરીએ અને એમના ગ્રહમાં પહોંચીએ તો? તે એ લોકો શું કરે? આપણને કે આવકાર મળે કે નહીં?
- એ જે કાળમાં જીવતા હતા એ કાળે અન્ય ટોળીના જણને જીવતો જવા દેવાનો રિવાજ નહોતો!
- અવકાશવીરોને સમજાયું કે આ ફીણમાં કશાક ઔષધીય ગુણો હતા. આ કેબિન અને આ પથારી નીલવસ્ત્રોની હોસ્પિટલ હતી–જ્યાં ઘાયલેને સ્વાથ્ય પુનઃ પ્રાપ્ત થાય.
- અને એ આપણને શિસ્તમાં રાખશે : જ્યાં છોકરીઓ હોય ત્યાં શિસ્ત આપોઆપ આવી જાય છે.
- નીલવસ્ત્રોના સ્ટોર રૂમમાં પેકબંધ ડબા તો અનેક હતા અને એમાં ખોરાક-પાણી હોવાને જ સંભવ હતો. પરંતુ એમનો ઉપયોગ કરવામાં જોખમ હતું – જાનનું જોખમ, કારણ કે પૃથ્વી ઉપર પણ કહેવત છે કે વન મેન્સ ફૂડ કેન બી અધર મેન્સ પોઈઝન ! ત્યારે આ તો ઇતર ગ્રહનું ભોજન હતું.
- કેસરી બોલી ઊઠયો : ગ્રહ? શું આપણે સૂર્ય માળામાં પાછાં આવ્યાં છીએ? આ ગ્રહ આપણી પૃથ્વી જ છે કે શું?
સીમા : પૃથ્વી ખરી – પણ આપણી નહી! - એની પાછળ પાછળ જ મિનારામાંથી બીજી એક આકૃતિ બહાર આવી. એની ચાલ માપેલી અને આંચકાવાળી હતી. માનવીની જેમ જ એને બે પગ હતા પણ એ ધાતુના હતા. પેટને ઠેકાણે પેટી હતી, જેમાં કદાચ કશાક યંત્ર ગોઠવેલાં હતાં. મસ્તકને સ્થાને એક એન્ટેના હતી. એ એક યંત્રમાનવ હતો અને પેલા હોઝ પાઈપની સાથે ચાલતો હોવાથી, કદાચ એનો રખેવાળ લાગતો હતો.
- ત્યાં જ સૌએ જોયું કે પેલા મકાનની એક બાજુએ લાલ પ્રકાશનો એક લંબચોરસ દેખાઈ રહ્યો છે. ખૂલતા બારણાનો જ એ પ્રકાશ. કેસરીનું અનુમાન સાચું પડી રહ્યું હતું. મકાનમાં નિશાચરનો વાસ હતો, અને એક નિશાચર પ્રાણી પેલું બારણું ખોલીને બહાર આવી રહ્યું હતું
- મેં નાનપણમાં એક વિજ્ઞાનકથા વાંચેલી. એમાં કોઈ એક ગ્રહના વાસીઓને એકલું લોખંડ ખાઈને જીવતા દર્શાવ્યા હતા. ચકલી જેમ રસ્તે વેરાયેલા મગ-ચોખાના દાણા વીણતી રહે તેમ એ લોકો ખીલા, પાટા, સળિયા, ક્રૂ શેધી-શોધીને મોમાં ઓરતા.
- હવે જે ધરતી ભણી એ લોકો જઈ રહ્યાં હતાં તે બહુરંગી હતી, એને મુખ્ય રંગ નીલો હતો, પરંતુ અહીંતહીં લાલ-કેસરી અને પીળા-ગુલાબી રંગની પણ છાંટ હતી.
- કાળ બધા દેવા કરતાં મહાન દેવ છે એણે વીસ હજાર વર્ષોમાં આ સ્વર્ગની કેવી કાયા પલટ કરી નાખી છે એ જોવું પડશે.
- ડોકટર આનંદે કહ્યું કે ચાલ, છુપાઈ જઈ એ. આમ કહીને તેઓ પડી ગયેલા એક ઝાડના થડ પાછળ કુદી ગયા. જ્યારે હું થડ પાછળે પહોંચ્યા ત્યારે એ ત્યાં નહાતા! આજુબાજુ, ઉપર-નીચે કયાંય નહોતા.
- જો, સાંજ પડી ગઈ છે. રાત પડતાં વાર નહિ લાગે અને આ દોરડાંને અર્થ એવો હોય કે અહીંના લોકો વૃક્ષની ટોચે જ પ્રવાસ કરે છે અને જમીન પર તરતા નથી, તે એનું કારણ એ હોવું જોઈએ કે જમીન પર જોખમ છે.
- એ લોકોને આવેલા જોઈને વૃદ્ધ, દરેક વૃદ્ધની જેમ, ધીરેધીરે પરંતુ ગૌરવથી ઊભો થયો.
- અલ્યા, તુ કયારનો પાઈપો લઈને શું કરે છે? આ લોકોને તારે નળગટરનું કામ શીખવવું છે?
- ગણ્યા ગણાય નહિ એટલાં જીવલેણ જોખમોમાંથી અવકાશવીરો સલામત પસાર થયાં હતાં, અને યાત્રાને એક અંતિમ દોર બાકી રહ્યો હતો ત્યારે જ એક વિઘ્ન આવીને ઊભું રહ્યું હતું.