Bengali sweet રસગુલ્લા આપણા માટે અજાણી વાનગી નથી, પણ ગોળના રસગુલ્લા જરા નવી વાનગી છે. અમદાવાદમાં હમણાં એ વાનગીનું સરનામું મળી આવ્યું.
વિશાલ પાટડિયા
અમે છેલ્લે ગોળની ચાસણીમાં બનેલા રસગુલ્લા એપ્રિલ ૨૦૧૫માં પશ્ચિમ બંગાળના મશહૂર હિલ સ્ટેશન કલિમપોંગમાં ખાધા હતા. એ રસગુલ્લા યાદ રહી ગયા, કેમ કે ચાલુ વરસાદમાં સાંજ ઢળ્યા પછી અમે રસગુલ્લા શોધવા બજારમાં નીકળ્યા હતા.
એ દિવસે કલિમપોંગનું વાતાવરણ હિમાલયમાં હોય એવુ તોફાની હતું, પણ અમારા માટે નવું હતું. એમાં વળી એક મિત્રએ માહિતી આપી કે ગોળના રસગુલ્લા મળે તો ખવાય.
અમારી હોટેલ ગામથી જરા દૂર હતી એટલે ત્યાંથી મુખ્ય બજારમાં પહોંચ્યા. ત્યાં સુધીમાં મોટા ભાગની દુકાનો બંધ થઈ ગઈ હતી. મેડિકલ સ્ટોર જેવી અનિવાર્ય ચીજોની અમુક દુકાનો જ ખુલ્લી હતી. એમાં એક કોમ્પલેક્સના બેઝમેન્ટમાં અમને મીઠાઈની દુકાન અને એમાંથી વળી ગોળના રસગુલ્લા મળ્યા.
એ વાતને તો સાડા પાંચ વર્ષ વીતી ગયા. હવે ફરી કાલે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઓથેન્ટિક બંગાળી મીઠાઈ શોપ ‘ મિશ્ચિરા બોક્સ ‘ (Mistira Box) માં ગોળના રસગુલ્લા ખાવા મળ્યા.
ટાગોર, દાદા, કિશોર દા, હાવરા બ્રિજ, કોલકાતા મેટ્રો, માં દુર્ગાના સાનિધ્યમાં આ મીઠાઈની નાની દુનિયા તમને બંગાળના પુસ્તકો પણ પીરસે છે. અત્યંત શાંત એવો આ મીઠાઈ કાફે ગળ્યાં સાથે વર્ણવી ન શકાય તેવા કેટલાય બીજા સ્વાદ આપી જાય છે..
જે લોકો અત્યંત ગળ્યું સહન ન કરી શકે તેમણે અહીં સાંજે આવવું. બંગાળી ભજીયા અને સમોસા પણ મળી જશે… એ વળી કેવા હોય? એ જાણવા અહીં ધક્કો ખાવો.
બાકી અમદાવાદમાં બે ઘડી કોલકાતાની સફરે જવું હોય તો મસ્ત જવા જેવી જગ્યા…!!
મીઠાશ માટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ થતો હોવાથી આ રસગુલ્લા વધારે આરોગ્યપ્રદ ગણાય છે. આમ પણ ખાંડ કરતા ગોળમાં ઊર્જા પણ વધુ હોય એ આપણે જાણીએ છીએ.
કલકતા જવાનું થાય તો ત્યાં બાગબાઝાર નામનો વિસ્તાર છે, જેના રસગુલ્લા, અન્ય મીઠાઈઓ જાણીતી છે. આપણે તો સફેદ રસગુલ્લાને ઓળખીએ. બંગાળની મુલાકાત વખતે જરા શ્યામ કલરના એવા ગોળ (સ્થાનિક નામ ગુર)ના રસગુલ્લાનો પરિચય થયો. પણ કલકતાની સ્વાતી સરાફ નામની દુકાન તો ૨૭૦ પ્રકારના રસગુલ્લા પિરસે છે.
સરનામું- ટાઈમ્સ સ્કવેર, બાગબાન ક્રોસ રોડ, થલતેજ