ગુજરાત ભારતના પશ્ચિમ છેડે છે એમ દેશના પૂર્વ છેડે આસામ આવેલું છે. આસામ ત્યાંના પ્રવાસન સ્થળો માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય છે. એટલે હવે ગુજરાતી પ્રવાસીઓને જોઈએ એવી તમામ સગવડતાઓ આસામમાં વિકસી ચૂકી છે. અહીં શાકાહારી ભોજન તો મળે જ છે, પરંતુ સાથે સાથે જૈન ફૂડ, ડૂંગળી વગરનું ફૂડ પણ મળી રહે છે. માટે પ્રવાસીઓ ખાવા-પીવાની ચિંતા કર્યા વગર અહીં ફરી શકે છે. આસામના અગ્રણી શહેર ગુહાવાટીમાં જ ઘણી વેજિટેરિયન રેસ્ટોરાં આવેલી છે જ્યાં ગુજરાતી સહિતની વાનગીઓ મળે છે.
ગુહાવાટીમાં કેટલીક વેજ રેસ્ટોરાં
- ગોપાલ મહારાજ, કામરૃપ ચેમ્બર રોડ, ફેન્સી બજાર, ગુહાવાટી, 98649 81811/98640 28306
- ચેન્નઈ કિચન, જી.એસ.રોડ, ગુહાવાટી, ૦૭૯૪૭૩૭૨૭૭૯
- માખન ભોગ હોટેલ્સ, રોયલ સેન્ટર, એસ.જી.રોડ, ગુહાવાટી
- સાત્વિક રેસ્ટોરાં, એમ.જી.રોડ, ફેન્સી બજાર, ગુહાવાટી
- મધુરમ સ્વીટ એન્ડ સ્નેક્સ, બેલતોલા-બસિસ્ઠા રોડ, ગુહાવાટી
- શાહી દરબાર રેસ્ટોરાં, ગણપતિ પ્લાઝા, ફેન્સી બજાર, ગુહાવાટી
- સાગર રત્ન હોટેલ, પલટણબજાર, ગુહાવાટી
આસામમાં શું છે?
- કાઝિરંગા અને માનસ નેશનલ પાર્કમાં વાઈલ્ડ લાઈફ
- બ્રહ્મપુત્ર નદીમાં ક્રૂઝ અને ઈકો ટુરિઝમ
- કામાખ્યા મંદિર અને બૌદ્ધ મંદિરો
- આસામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શંકરદેવ કલાક્ષેત્રના સ્થળો
- ચાના બગીચાઓમાં ટી ટુરિઝમ
- બ્રહ્મપુત્ર અને પહાડી વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમ
- ગોલ્ફ ટુરિઝમ
- ગ્રામ્ય જીવન અને મેળા-તહેવાર
આસામ કઈ રીતે અનોખું છે?
- પુરુષ પરથી નામ ધરાવતી નદી બ્રહ્મપુત્ર સામના બે ફાડિયા કરતી પસાર થાય છે. આ નદીનું સૌંદર્ય આસામમાંથી માણી શકાય છે.
- એશિયામાં સૌથી પ્રથમ ખનિજતેલ આસામના દિગ્બોઈ ખાતેથી મળ્યુ હતું. આજેય ત્યાં તેલકુવા ચાલુ છે.
- ચોમાસામાં આસામ જેવો વરસાદ બીજે ક્યાંય જોવા મળતો નથી. અહીં વરસતાં ટીપાનું સંગીત સાંભળી શકાય છે.
- ગેંડા માટે જાણીતા કાઝિરંગામાં ૨૫૦૦થી વધારે ગેંડા તો છે, પણ સાથે સાથે વાઘ પણ છે.
- આસામી રાજાઓની કબર પર પણ ઈજિપ્તના પિરામિડો જેવા બાંધકામો થયેલા છે.
- ગુજરાતી અને આસામી ભાષામાં પણ કેટલીક સમાનતા છે.
- નદીમાં આવેલો હોય એવો જગતનો સૌથી મોટો ટાપુ માજુલી આસામમાં છે. તેને આસામની દ્વારકા કહી શકાય એમ છે, કેમ કે ત્યાં કૃષ્ણભક્તિ થાય છે.
- એશિયાઈ જંગલી ભેંસોની સૌથી મોટી વસતી આસામમાં છે.
બ્રહ્મપુત્ર નદીમાં ટાઈટેનિક સફર
આસામના બે ભાગ પડતી બ્રહ્મપુત્ર નદી પસાર થાય છે. આ નદીમાં રીવરક્રૂઝની સુવિધા આસામે ઉભી કરી છે. પરિણામે પાંચ-સાત દિવસ ક્રૂઝમાં રહીને નદીની સફર પણ માણી શકાય છે. આસામના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ઘણી વખત રાષ્ટ્રીય સમાચાર માધ્યમોમાં આસામ ત્યાંની હિંસા માટે ચમકતું હોય છે. પરંતુ હકીકતે આસામને ત્યાંના પ્રવાસન વૈવિધ્ય માટે યાદ રાખવુ જોઈએ, ત્યાંની અપાર કુદરતી સંપત્તિ માટે યાદ રાખવું જોઈએ.
દેશમાં થતી ચા પૈકીની ૬૦ ટકા ચા આસામથી આવે છે. અહીં ચાના બગીચાઓ વચ્ચે રહીને પણ ટી ટુરિઝમનો લહાવો લઈ શકાય છે. વિશ્વવિખ્યાત કાઝીરંગા નેશનલ પાર્કમાં ગેંડા જોવા મળે છે તો વળી માનસ અભયારણ્યમાં વાઘની હાજરી છે. આ બન્ને નેશનલ પાર્ક વર્લ્ડ હેરિટેજ જાહેર થયેલાં હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઊંચી નામના છે. કુદરતને માણવા અને ગેંડા જેવા કદાવર સજીવને જોવા માટે આસામ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. ગેંડા તો ત્યાં હાઈવે પર ઉભા રહીને પણ જોઈ શકાય એમ છે.