વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર કોઈ સામાન્ય નગર નથી. અહીં અઢી હજાર વર્ષ જૂનો ઈતિહાસ દટાયેલો છે. એ ઉજાગર કરવા માટે 18થી 20 મે દરમિયાન ત્રિદિવસિય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર એ ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન શહેર છે, જ્યાં ભારતીય પુરાતત્વ વિભાગ છેલ્લા ઘણા વર્ષોથી ખોદકામ અને સર્વેની કામગીરી કરી રહ્યું છે. બીજીથી સાતમી સદીના મધ્યભાગના પ્રાચીન બૌદ્ધ સ્તૂપ અહીં મળી આવ્યા છે. તેમની લંબાઈ 50 મીટર અને પહોળાઈ લગભગ 25 મીટર છે. 164 X 8 ફૂટનું આ માળખું સંપૂર્ણપણે પ્રાચીન ઈંટોમાંથી બનાવવામાં આવ્યું છે. ઈતિહાસકારોના મતે, અહીં મળી આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ અને બૌદ્ધ સ્તૂપ વિશ્વના પ્રાચીન શહેરોમાં અથવા તેના સમકાલીન અવશેષો જેવા જ છે. પ્રાચીન ઈમારત નિર્માણની કળાનો આ એક અદ્ભુત નમૂનો છે. એક અનુમાન મુજબ તેનું બાંધકામ પાંચમી સદીની આસપાસનું જણાવવામાં આવે છે.
2500 વર્ષ જૂની સંસ્કૃતિ
વડનગર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે, જેની સંસ્કૃતિ 2500 વર્ષ જૂની છે. જૂના સમયમાં, વડનગર એ વડ પ્રાંત નામનું રજવાડું હતું, જ્યાં કનકસેનનું શાસન હતું. કનકસેન સૂર્યવંશી ક્ષત્રિય હતા. તેમણે તેમની પત્ની વલભીના નામે વલભી શહેરની સ્થાપના કરી અને તેને પોતાની રાજધાની બનાવી.
અહીંની ધરતીમાંથી શું શું મળ્યું છે?
ભારતના પુરાતત્વ વિભાગને ખોદકામમાં ચાંદીના સિક્કા, જૂના વાસણો, લોખંડના ઓજારો, શંખથી બનેલા હાર, જૂની જાડી દિવાલો અને મોતીના હાર મળી આવ્યા છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે શ્રીલંકા, માલદિવ્સ, ભુતાન, વગેરે 6 દેશોના આર્કિયોલોજિસ્ટો આવ્યા હતા. વડનગરએ ત્રીજી અને ચોથી સદીથી સતત માનવ વસાહતોને સમાવતું સૌથી પ્રાચીન કિલ્લેબંધીવાળા નગરોમાંનું એક છે. વડનગર પોતે જ એક પુરાતત્વીય ખજાનો છે.
સાતથી વધારે રાજવંશો
સાતથી વધુ રાજવંશો માટે જાણીતું આ નગર તેના વારસા અને સંસ્કૃતિની કથાઓ, વિવિધ સ્મારકો, રચનાઓ અને કલાકૃતિઓના માધ્યમથી પુરાતત્વીય અને ઐતિહાસિક વિરાસત ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવે છે. વડનગરના આ ભવ્ય ભૂતકાળ, મહત્વપૂર્ણ પુરાતત્વીય અને ઐતિહાસિક વારસાના સ્થળોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું બહુઆયામી આયોજન આ ત્રિ-દિવસીય કોન્ફરન્સથી સાકાર થશે.