જૂલે વર્નનું સર્જન : ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી

જૂલે વર્નની લોકપ્રિય રચનાઓમાં ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સીનો સમાવેશ થાય છે. ભારતમાંથી પેદા થયેલો કેપ્ટન નેમો પોતાની સબમરિન નોટિલસ દ્વારા કઈ રીતે સમુદ્રના પેટાળમાં શાસન કરે છે તેની આ કથા છે.

ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ અન્ડર ધ સી- સાગરસમ્રાટ
અનુવાદ – મૂળશંકર મો.ભટ્ટ
પ્રકાશક – આર.આર.શેઠ
કિંમત – ૧૨૫
પાનાં – ૧૨૮

લીગ એ અંતરનું માપ છે અને વિવિધ દેશોમાં તેનું માપ જરા જૂદું પડે છે. પણ એક લીગ એટલે ઓછામાં ઓછું ચાર કિલોમીટર ગણીએ તો આ વાર્તા સમુદ્ર પેટાળમાં થયેલી ૮૦ હજાર કિલોમીટરની સફરની છે. સમુદ્ર પેટાળમાં સફરની આજે નવાઈ નથી, પણ ૧૮૭૦માં જૂલે વર્ને વાર્તા લખી ત્યારે સબમરિન શોધાવાની બાકી હતી. કલ્પના જગતના કોલંબસ વર્નદાદાએ આ વાર્તામાં વૈજ્ઞાનિક તથ્યો સાથે સબમરિનની કલ્પના રજૂ કરી છે. મૂળશંકર મો. ભટ્ટે ૧૯૩૩માં એ જમાનાની જરૃરિયાત અને સમજણ પ્રમાણે વાર્તાની ટૂંકમાં રજૂઆત (અનુવાદ નહીં) કરી છે. મૂળ વાર્તા ઘણી મોટી છે, ગુજરાતીમાં ટૂંકાવીને રજૂ કરાઈ છે.

કેપ્ટન નેમોએ નોટિલસ નામની સબમરિન બનાવી છે, જે ગુપ્ત રીતે સમુદ્રમાં સફર કરે છે. ગુપ્ત એટલા માટે કે સમુદ્રમાં ડૂબકી મારીને સફર કરી શકે એવા વાહનની ત્યારે કોઈ કલ્પના ન હતી. વળી ત્યારે કદાચ સબમરિન શબ્દ ન હતો, સમુદ્રમાં ચાલતું વહાણ એવી જ ઓળખ આખી વાર્તામાં છે. નોટિલસનો સર્જક નેમો જરા નોખી ખોપરીનો માનવી છે, દુનિયાના દંભ-સામ્રાજ્યવાદથી તેને નફરત છે. એટલે એ દુનિયાથી દૂર પોતાની સમુદ્રી દુનિયામાં રહે છે. સમુદ્રમાંથી જ તેને પોતાની જરૃરિયાતની તમામ સામગ્રી મળે છે એટલે એ દુનિયાથી અલિપ્ત રહીને પોતાની મસ્તીમાં જીવી શકે છે. સબમરિન પર તેના ઘણા સહાયકો પણ છે,  જે નેમોના પૂર્ણપણે વફાદાર છે.

વાર્તાના મુખ્ય ચાર પાત્રો છે. એક તો નેમો પોતે.  નેમો પોતાની સબમરિનમાં જેમને આવકારે એ પ્રોફેસર એરોના તેમનો સહાયક કોન્સીલ અને સમુદ્રી શિકારી નેડલેન્ડ (ટૂંકમાં નેડ). આ ત્રણેય તો અચાનક સબમરિન પર આવી પહોંચ્યા છે અને પછી કેપ્ટન નેમોની મંજૂરી વગર સબમરિન છોડી શકે એમ નથી.  અલબત્ત, ભાગવાના નાના-મોટા પ્રયાસો એ કરતાં રહે છે.

આ અનુવાદમાં તો ઉલ્લેખ નથી, પરંતુ બીજી વાર્તા (મિસ્ટિરિયસ આઈલેન્ડ-માયાવી ટાપુ)માં લખ્યું છે કે નેમો ભારતનો એક રાજા હતો અને ૧૮૫૭ની ક્રાંતિ પછી તેણે આ બહારવટા જેવો માર્ગ અપનાવ્યો હતો. જૂલે વર્નની ઘણીખરી વાર્તાઓની જેમ અહીં પણ હાસ્યરસ ભરપૂર છે અને અનુવાદમાં પણ એ રસ જળવાયો છે. એ અતિ રસપ્રદ વાર્તાના કેટલાક અંશો…

  • સ્ટીમર ઝપાટાબંધ આગળ વધી રહી હતી. ત્રીજે દિવસે કેપ્ટને એમ જાહેર કર્યું કે આ સ્ટીમરમાંથી જે પહેલો જે પ્રાણીને બતાવશે તેને બે હજાર ડોલર ઇનામ મળશે. આખો દિવસ સ્ટીમરના કઠેડા ઉપર ખલાસીઓ તથા અમે પેલા પ્રાણીના દેખાવાની રાહ જોતાં બેસી  રહેતા. દરેકને એમ થતું કે બે હજાર ડોલર પોતાને જ મળશે. ખલાસીઓ પોતાના કામમાં ગાપચી મારીને પણ ડેક ઉપર છાનામાના ઊભા રહેતા.
  • કેપ્ટન અકળાયો. અમેરિકાની સૌથી વધારેમાં વધારે ઝડપવાળી સ્ટીમરના કેપ્ટનની આબરૃ એક આમ એક માછલું લઈ લે એ તેને મન મરવા જેવું થઈ પડ્યું. સ્ટીમર ઉપરના ખલાસીઓ પણ પગ પછાડવા લાગ્યા.
  • અમે એક દરિયાની અંદર ચાલી શકે એવા વહાણ ઉપર  ઉભેલાં હતા. વહાણનો આકાર માછલી જેવો હતો. તેના ઉપર મજબૂત લોઢું જડેલું હતું, જે વાત નેડલેન્ડ કહેતો હતો તે હવે અમારે માનવી પડી. પણ મને એક શંકા થઈ કે જો આ કોઈ વહાણ હોય તો તેની અંદર યંત્રો અને માણસો હોવા જોઈએ.
  • તેમણે બંનેએ પહેરેલાં કપડાં ખાસ ધ્યાન ખેંચે તેવાં હતાં. તે દરિયાની વનસ્પતીના રેસાઓમાંથી બનાવેલાં હતાં.
  • ‘પ્રોફેસર સાહેબ અહીં આમને આમ ભૂખના માર્યા કમોતે મરી જશું, તોય આ બદમાશો આપણી સામે જુએ એમ લાગતું નથી’, નેડે કહ્યું.
    ‘તો પછી આપણે આપણાથી બની શકે ત્યાં સુધી તત્ત્વજ્ઞાનની ચર્ચા કરીને વખત કાઢીએ’. કોન્સીલે કહ્યું.
  • તમે કદાચ મને જંગલી કહેશો, પણ મને તેમાંય વાંધો નથી. હું સુધરેલો રહેવા માંગતો નથી અને સુધરેલી દુનિયા સાથે મારે કશો સંબંધ પણ નથી. સુધરેલી દુનિયાના કાયદાઓ મને લાગુ પડતા નથી. તમારી સુધરેલી દુનિયાની એક પણ વાત મને કરવાની જરૃર નથી.
  • હું જે વસ્તુની કોઈ માણસને ખબર પડવા દેવાનો નહોતો તે વસ્તુ તમે જાણી ગયા છો. હવે તમને કેદ પૂરી રાખવા એ એક જ રસ્તો મારી પાસે ખુલ્લો છે.
  • તમે હજુ સમજ્યા નથી. આજે આપણે જમીન ઉપરના જંગલમાં શિકાર કરવા નથી જવાના.
    ત્યારે?
    સમુદ્રના તળિયે જંગલમાં જવાના છીએ.
  • એ તો ઠીક, પણ પાણીમાં તમે બંદૂર કઈ રીતે ફોડો છો?
  • થોડી વારે એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું. અમારા ઓરડાની બારીઓ ખુલ્લી હતી. ઓરડામાં બત્તી નહોતી સળગતી, છતાં અંદર ઝાંખો એવો પ્રકાશ આવતો હતો. મેં બારીમાંથી નજર કરી તો દરિયાના પાણીમાં ઘણો પ્રકાશ ફેલાયેલો હતો. આ શાનો પ્રકાશ હશે? જરા બારીકાઈથી જોતાં માલૂમ પડ્યું કે એ સ્થળે દરિયાની અંદર પ્રકાશિત માછલીઓનાં ટોળાંને ટોળાં રમતાં હતાં.
  • હવે હિન્દુસ્તાનનો કિનારો નજીક આવતો જાય છે. શો વિચાર છે? મને લાગે છે કે આપણે રીતસર કેપ્ટનની રજા માગીને આ કિનારે ઊતરી જઈએ. હિન્દુસ્તાનમાંથી આપણે આપણા વતનમાં જઈ શકશું.
  • મેં જોયું કે ભૂમધ્ય સમુદ્રની અંદરની માછલીઓ અને રાતા સમુદ્રની અંદરની માછલીઓ ઘણીખરી એક જ જાતની છે. મેં એક વાર બે-ત્રણ માછલીઓને પકડીને તેમને વીંટી પહેરાવી હતી. જે માછલીઓને મેં વીંટી પહેરાવી હતી તેમને જ મેં પાછી રાતા સમુદ્રમાં પણ જોઈ. આથી મને દરિયામાં નીચે કોઈ માર્ગ હોવાની ખાતરી થઈ.
  • નેડલેન્ડના મનમાં નાસી છૂટવાનો વિચાર ફરી બમણા જોરથી જાગ્રત થયો.
  • કોન્સીલે તત્ત્વજ્ઞાનીના જેવી વૃત્તિથી જવાબ આપ્યો, આપણે તો જવાની કશી ઉતાવળ નથી. ઘરે આપણા ત્રણેમાંથી કોઈની વાટ જુએ એવું કોઈ નથી. જીવ્યા કરતાં જોયું ભલું.
  • કેપ્ટન નેમો આવાં ચિત્રો પણ શા માટે રાખતો હશે? કોઈ ગુલામ પ્રજાને માટે બહારવટે ચડેલો કોઈ ગુપ્ત વીરપુરુષ તો નહીં હોય?
  • જમીનની નીચે અને પાછું વહાણ દરિયા ઉપર? આ તમે શું બોલો છો? આપણે જમીનની નીચેના દરિયાની ઉપર? અત્યાર સુધી આપણે જમીન ઉપરને દરિયાની નીચે જતા, આવું તો આજ જ જોયું.
  • આ વહાણમાં રહેનારાઓ પણ કેપ્ટનની જેમ જીવનપર્યંત આ વહાણમાં જ રહેવાનો નિશ્ચય કરીને આવ્યા હશે અને એવા કેપ્ટનના જેવા મૂર્ખાઓની સંખ્યા કેટલી હોય?
  • આ ધર્મોપદેશ નેડ ઉપર કશી અસર કરે તેમ ન હતું. નેડ તો એટલું જ સમજ્યો કે પોતાને શિકારની ના પાડી છે.
  • મેં નેડને તથા કોન્સીલને આ બધી વાત કરી. તેણે કહ્યું : અત્યાર સુધી વહાણમાં બે મૂર્ખ હતા, હવે બે થયા. તમે દક્ષિણ ધ્રુવ જશો તો ખરા, પણ ત્યાંથી પાછા આવશો નહિં!
  • જમીન પર પેંગુઈનના ટોળાં કોઈ વૃદ્ધોની મહાસભા મળી હોય એમ કાળા ડગલાં પહેરીને બેઠાં હતાં.
  • આપણે કાલ સુધી સૂર્ય માટે અહીં રોકાવું પડશે. આપણે દક્ષિણ ધ્રુવ ઉપર છીએ કે બીજે, તે સૂર્ય વગર કઈ રીતે નક્કી થાય?
  • આમ દુનિયાના નિર્જન ભાગમાં એક બરફ જેવી વસ્તુથી અમારું કમોત થાય એ વિચારે હું હતાશ થઈ ગયો.
  • આમાં સાહસ તો હતું જ. પણ મરવાને વખતે સાહસ શા માટે ન અજમાવવું?
  • તમારો નેમો તો ઊંધુ ઘાલીને ઉત્તરમાં ને ઉત્તરમાં ઝીંક્યે જાય છે. ઠેઠ ઉત્તર ધ્રુવમાં ક્યાંક બરફમાં વહાણ ખૂંચીં જશે ત્યારે ભાઈની આંખ ઊઘડશે!
  • આ માણસ ફક્ત શોખને ખાતર જ આવું વહાણ લઈને નથી નીકળી પડ્યો. પણ તેની પાછળ કોઈ અજબ ઇતિહાસ હોવો જોઈએ.
  • હું એમ જ કરીશ. મને સલાહ આપવાની જવાબદારી તમારા ઉપર ન રાખો.
  • કેપ્ટન નેમોના મગજની જેવી જ અમારા વહાણની દિશા અચોક્કસ હતી.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *