રોબર્ટ લુઈ સ્ટીવન્સને 1882માં લખેલી કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’નો મૂળશંકર મો.ભટ્ટે ‘ખજાનાની શોધ’માં નામે ગુજરાતી અનુવાદ આપ્યો છે.
ખજાનાની શોધમાં
અનુવાદક – મૂળશંકર મો.ભટ્ટ
પ્રકાશક – આર.આર.શેઠ (079-25506573)
પાનાં -112
કિંમત- 50
ગુજરાતીમાં આ નાનકડી ચોપડી સવા આઠ દાયકાથી વંચાતી આવે છે. પ્રથમવાર 1937માં પ્રકાશિત થયા પછી આજ સુધી નવી નવી આવૃત્તિઓ અને પુનઃમુદ્રણો પ્રકાશિત થતાં રહે છે. ખજાનાની શોધમાં સૌ કોઈને રસ પડે એટલે જ ચોપડી પણ રસપ્રદ બની રહી છે. આ અનુવાદની પ્રસ્તાવના વળી રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખી આપી છે.
સમુદ્રી ચાંચીયાઓ ખજાનો લૂંટી લૂંટીને કોઈ પહોંચી ન શકે એવા ટાપુ પર દાટી આવે. એ ખજાના સુધી પહોંચવુ હોય તો પહેલાં તો નકશો જોઈએ. પછી સમુદ્રી સફરનું સાહસ જોઈએ. એ પછી વળી ચાંચીયાઓ સાથે લડવાની હિંમત જોઈએ… એ બધામાંથી પાર ઉતરવામાં સફળતા મળે તો ખજાના સુધી પહોંચી શકાય. ખજાનો શોધવા એક જહાજ નીકળી પડ્યું છે, જેના પર થોડાક સજ્જન છે તો વળી છૂપી રીતે ગોઠવાયેલા ચાંચીયા પણ છે. ટાપુ સુધી પહોંચ્યા પછી વળી ત્યાં નવા પડકારો છે.
મૂળ આ વાર્તા 1881-82માં હપ્તાવાર પ્રગટ થઈ હતી અને ત્યારે તેનું નામ Treasure island and munity of the Hispaniola હતું (‘હિસ્પેનિયોલ’ એ જહાજનું નામ હતું). જેમ્સ (જિમ) હોકિન્સ નામનો કિશોર વાર્તાનો હિરો છે. તેના અનુવાદમાંથી પસાર થઈએ.
- ગામડાંના કેટલાંય જુવાનિયાઓ આ વાતો સાંભળવા જ અમારી વીશીમાં રાતે ભેગા થતા, અને તેની પાસેથી વાતો સાંભળવા તેની ખુશામત પણ કરતાં – કેપ્ટન સાહેબ (તેણે પોતે જ પોતાનું નામ કેપ્ટન રાખેલું, પોતાનું અસલ નામ તેણે જણાવ્યું ન હતું.) તમારા જેવા જીવે છે ત્યાં સુધી દરિયા ઉપર ઈંગ્લેન્ડના રાજા સિવાય બીજા કોણ રાજ્ય કરી શકવાના છે?
- ડોક્ટર બધાય એવા જ હોય છે. એ ડોક્ટર હોય તો એના ઘરનો. એને વળી શી ખબર પડે કે દરિયો ખેડતા માણસને શું જોઈએ?
- ફ્લિન્ટ? અરે હા હા, તેના જેવો જબરો ચાંચીયો મેં બીજો સાંભળ્યો નથી. આખી દુનિયામાં મોટા મોટા ચાંચિયાઓ એના નામથી ધ્રુજતા હતા.
- તે બધા દેખાવમાં ઢંગધડા વગરના, પણ મોટા પહેલવાન જેવા છે. જહાજ તરતું ન હોય તો ખભે નાખીને લઈ જાય એવા છે.
- ટપ્પામાં મારી પાસે એક જાડો માણસ હતો. તેની ચરબીની હૂંફમાં મને ઊંઘ આવી ગઈ.
- જ્હોન સિલ્વર તો વાંદરાની જેમ કૂદીને વહાણમાં ઊતર્યો.
- આ પોપટ બસો વર્ષની ઉંમરનો છે. આખી દુનિયા ફરી વળેલો છે. તેનું નામ કેપ્ટન ફ્લિન્ટ રાખ્યું છે. કેપ્ટન ફ્લિન્ટ નામનો એક ચાંચીયો હતો, એ ખબર છે ને! તેના નામે મેં નામ રાખ્યું છે. તેણે પોપટ તરફ તાકીને કહ્યું. તરત જ પોપટના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસવા માંડ્યો. તે એટલે સુધી કે જહોન ઊઠીને તેના મોઢામાં સાકરનો એક કટકો મૂકી આવ્યો ત્યારે તે બંધ પડ્યો.
- મને અત્યાર સુધીની વાતચીતનો મર્મ સમજાવા માંડ્યો હતો. જ્હોન સિલ્વર કે જેને હું અત્યાર સુધી એક માયાળુ વડીલ જેવો ગણતો હતો તે એક મહાભયંકર ચાંચિયો હતો અને આ વહાણ ઉપરનાં માણસોને એક પછી એક તે પોતાના પક્ષમાં ભેળવતો હતો.
- આખા વહાણ ઉપર 26 જણામાંથી 7 જણા અમે એક બાજુ હતા, અને તેમાંય હું તો હજુ બાળક ગણાઉં. 19 રાક્ષસો જેવા ખલાસીઓની સામે અમે સાડા છ જણ હતા!
- તડકામાં પરસેવાથી રેબઝેબ થયેલું તેનું મોં ચમકારા મારતું હતું.
- આજે આપણે જ્યાં ભેગા થયા હતા ત્યાં હું તને બપોરથી સાંજ સુધીમાં મળી શકીશ. બીજા કોઈએ મને મળવા આવવું હોય તો સાથે નિશાન તરીકે ધોળી વસ્તુ હાથમાં રાખીને આવવું અને એકીસાથે એક જણે જ આવવું. સમજ્યો?
- પણ એને હોડી કેમ કહેવી? થડનો મોટો કટકો અંદરથી જેમ આવે તેમ કોતરી કાઢ્યો હતો અને અંદરના ભાગમાં બકરાનું ચામડું મઢેલું હતું. આ રીતે હોડી પાણી પર ચાલતી હશે કે જમીન પર તે જ મને સમજાતું નહોતું.
- ‘જિમ આ મારો મિત્ર બિચારો પડ્યો છે તેને ઊંચકીને જરા દરિયામાં નાખી દેને!’ હેંડ્સે કહ્યું.
- તમે આ કાગળ ક્યાંથી કાઢ્યો? અરે, આ કોણે કર્યું? બાઈબલમાંથી કાગળ ફડાતો હશે? જરૃર તમારી માથે કોઈ દૈવી કોપ આવવાનો.
- ત્યાં અમારા કાન ઉપર ભયભરેલી બૂમ પડી. અમે ઉતાવળા ઉતાવળા ત્યાં પહોંચી ગયા. મોટા ઝાડ નીચે બધા ભેગા થઈ ગયા હતા. જમીન પર એક હાડપિંજર સૂતું હતું. તેના હાથ માથા ઉપર લંબાયેલા હતા ને તેની પડખે જ ઊધઈ ખાઈ ગયેલા લૂગડાના કટકા પડ્યા હતા.
- બધું સમજાઈ ગયુ, અમારા પહેલાં અહીં કોઈક પહોંચી ગયુ હતું, ખજાનો ઊપડી ગયો હતો!
- ઘણે વખતે અમને આનંદી, સુખી અને કોમળ ચહેરાવાળાં માણસો જોવા મળ્યાં, ખૂની ચાંચિયાઓને જોઈ જોઈને થાકેલી આંખો અહીં ઠરી.