
ભારતની અગ્રણી એરલાઇન એર ઇન્ડિયાએ આજે અમદાવાદ અને પૂણે વચ્ચે એની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે 20 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. આ નવા રુટનો ઉમેરો બંને સ્માર્ટ સિટી તથા વિકાસતાં વાણિજ્યિક અને શૈક્ષણિક કેન્દ્રો વચ્ચે એર કનેક્ટિવિટી માટે વધતી માગ પૂરી કરશે.

એર ઇન્ડિયા ફ્લાઇટ 0481 અમદાવાદ એરપોર્ટ પરથી 10:45 વાગે ઉડાન ભરશે અને પૂણે એરપોર્ટ પર 12:10 વાગે પહોંચશે. ફ્લાઇટ 0482 પૂણે એરપોર્ટ પરથી 12:40 વાગે ઉડાન ભરશે અને અમદાવાદ એરપોર્ટ પર 14:15 વાગે પહોંચશે. બંને શહેરો વચ્ચે પ્રવાસનો અંદાજિત સમય 85થી 95 મિનિટ વચ્ચે હશે.
અમદાવાદ અને પૂણે વચ્ચે નવા રુટની શરૂઆત એર ઇન્ડિયાના વિમાનોને પુનઃસ્થાપિત કરવાથી શક્ય બની છે, જે કોવિડ-19 મહામારી અને અન્ય કારણોસર લાંબા સમયથી બિનકાર્યરત હતા.
આ અંગે એર ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રી કેમ્પ્બેલ વિલ્સને કહ્યું હતું કે, “અમે અમદાવાદ અને પૂણે વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લઈને ખુશ છીએ, જે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય વિકાસકેન્દ્રો છે. આ નવી ફ્લાઇટ એર ઇન્ડિયાની ડોમેસ્ટિક કનેક્ટિવિટી વધારશે અને અમારા ગ્રાહકોને પ્રવાસના વધારે વિકલ્પો મેળવવા સક્ષમ બનાવશે. વધારે વિમાનો સેવામાં પરત ફરવાથી અમે આગામી મહિનાઓમાં અમારી ડોમેસ્ટિક કનેક્ટિવિટી વધારવા અને નવા રુટ શરૂ કરવા આતુર છીએ.”
એર ઇન્ડિયા અત્યારે 70 નેરો બોડી વિમાનોનો કાફલો ધરાવે છે, જેમાંથી અત્યારે 54 કાર્યરત છે. બાકીના 16 વર્ષ 2023 સુધીની શરૂઆત સુધીમાં તબક્કાવાર સક્રિય થશે.