દેશના પૂર્વીય તટ ઉપર આવેલું ઓડિશા રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અદ્ભુત સ્થાપત્યકલાથી સમૃદ્ધ અહીંના બાંધકામો અને અપ્રતિમ સૌંદર્ય દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવેલા ઐતિહાસિક મંદિરો ધાર્મિક માન્યતાઓથી ઘણા ઉપર છે. તેમનો સ્થાપ્ત્ય વૈભવ વિતેલા યુગના કારીગરોના અવિશ્વસનીય કૌશલ્યની સાક્ષી પુરે છે. 500 કિમી લાંબો દરિયાકિનારો, પહાડો, તળાવ, નદીઓ, ઉત્સવો, મંદિરો, અભ્યારણ્યો સાથે ઓડિશા પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે. ઓડિશામાં ફરવાલાયક ટોચના 10 સ્થળોની યાદી આ રહી….
1. ભુવનેશ્વર
શેના માટે પ્રસિદ્ધ છે –મંદિર, હેરિટેજ, ભોજન
મુખ્ય આકર્ષણ –લિંગરાજ મંદિર
નજીકના સ્થળ –કટક, પુરી
આદર્શ સમય – 2 દિવસ
ભુવનેશ્વર એ ઓડિશા રાજ્યની રાજધાની છે. 2500 વર્ષ જૂની આ ભૂમિ પર તમને પ્રાચીન સ્થાપત્યો અને આધુનિક બાંધકામોનું મિશ્રણ જોવા મળશે. ભુવનેશ્વરને મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે ભુનેશ્વરમાં એક સમયે 2000 કરતા પણ વધારે મંદિરો હતા. જો કે મુસ્લિમ આક્રાંતાઓએ તેમાંથી અનેક મંદિરોનો નાશ કર્યો. જો કે સદ્ભાગ્યે તેમાંથી કેટલાક મહત્વના લિંગારાજા જેવા મંદિરો બચી ગયા. આ મંદિર વાસ્તુકલાની કલિંગ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. જે માત્ર ઓડિશામાં જોવા મળે છે. કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. જેના પ્રભાવમાં ભુવનેશ્વરમાં કેટલાક બૌદ્ધ સ્થાપત્યો પણ આવેલા છે.
કઇ રીતે જવુ?
હવાઇ માર્ગ : ભુવનેશ્વરમાં આવેલું બૈજુ પટ્ટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશના તમામ ડોમેસ્ટિક એરપોર્ટ સાથે જોડાયેલું છે. આ ઉપરાંત અહીંથી મલેશિયાની ફ્લાઇટ પણ આવે છે.
રેલ્વે : ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન દેશનું મુખ્ય અને અતિ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. જેના કારણે કે દેશના તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.
રોડ : ભુવનેશ્વરમાંથી તમને ઓડિશા સરકારની આંતર રાજ્ય અને અન્ય શહેરની બસો નિયમિત મળી રહે છે. બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ઝારખંડ જેવા નજીકના રાજ્યો અને ઓડિશાના તમામ શહેરોની બસ ભુવનેશ્વરથી મળશે.
ફરવાલાયક સ્થળ
- પરશુરામેશ્વર મંદિર
- મુક્તેશ્વર મંદિર
- લિંગરાજ મંદિર
- ઉદયગિરી અને ખંડગિરી ગુફા
- ધોલી હિલ
- નંદનકાનન ઝુઓલોજીકલ પાર્ક
- ઓડિશા સ્ટેટ મ્યુઝિયમ
- અનંતા વાસુદેવ મંદિર
- અષ્ટશંભુ મંદિર
- રામ મંદિર
2. કટક
શેના માટે પ્રસિદ્ધ છે – ઇતિહાસ, હેરિટેજ, સંસ્કૃતિ
મુખ્ય આકર્ષણ – કટક ચંડી મંદિર
નજીકના સ્થળ – ભુવનેશ્વર, પુરી
આદર્શ સમય – 2 દિવસ
કટક એક સમયે ઓડિશાની રાજધાની હતી. જો કે અત્યારે તને ઓડિશાની વ્પાપારિક રાજધાની ગણવામાં આવે છે. આ ઉપરાંત કટક એક ઐતિહાસિક શહેર તરીકે પણ જાણીતું છે. પ્રાચિન સ્થાપત્યો સિવાય કટકમાં પ્રવાસીઓના આકર્ષણ માટે અનેક સ્થળો છે. આ શહેર સુરમ્ય સ્થળો અને તીર્થ સ્થાનોનું કેન્દ્ર છે. આ સિવાય કટક હસ્તકલા અને ત્યાંના વ્યંજનો માટે પણ પ્રસિદ્ધ છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ –કટકની સૌથી નજીકનું એરપોર્ટ ભુવનેશ્વરનુ બૈજુ પટ્ટનાયક એરપોર્ટ છે. જ્યાંથી દેશના મોટાભાગના એરપોર્ટ સુધીની ફ્લાઇટ મળે છે.
રેલ્વે – કટક રેલ્વે જંક્શન સ્ટેશન પરથી દેશના મોટાભાગના શહેરો તરફ જવાની ટ્રેન મળે છે.
રોડ – ઓડિશા સરકારની બસ સેવા આંતરરાજ્ય અને ઓડિશામાં એક શહેરથી બીજા શહેર જવા માટે ઉપલબ્ધ છે.
ફરવાલાયક સ્થળ
- કટક ચંડી મંદિર
- લલિતગિરી
- બારાબાટી કિલ્લો
- ભીતરકણિકા મેન્ગ્રુવ
- નેતાજી જન્મસ્થળ મ્યુઝિયમ
3. સંબલપુર
શેના માટે પ્રસિદ્ધ છે – હેરિટેજ, સંસ્કૃતિ, ટેક્સટાઇલ, ડાન્સ, મ્યુઝિક
મુખ્ય આકર્ષણ – હિરાકુંડ ડેમ
નજીકના સ્થળ – રાઉરકેલા, રાયગઢ, ઝારસુગડા
આદર્શ સમય – 1 દિવસ
સંસ્કૃતિ અને કુદરતી સુંદરતના અપાર વૈવિધ્યથી ભરપુર સંબલપુરનો સમાવેશ ઓડિશાના મુખ્ય પ્રવાસન સ્થળોમાં થાય છે. સંબલપુર શહેર પશ્ચિમી ઓડિશાનું પ્રેવશદ્વાર ગણાય છે. સંબલપુરમાં હરિયાળીથી ભરપુર જંગલો અને સુંદર ઝરણાઓ આવેલા છે, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખિલી ઉઠે છે. સંબલપુરમાં ફરવાલાયક સ્થળોની યાદી અહીં આપી છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ – સંબલપુરથી 262 કિમી દૂર આવેલું રાયપુરનું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. જ્યાંથી દેશના તમામ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી મળે છે.
રેલ્વે – સંબલપુર શહેરમાં રેલવે જંક્શન આવેલું છે. જ્યાંથી દેશના દરેક ભાગમાં જવા માટેની ટ્રેન મળી રહેશે.
રોડ – ઓડિશાના વિવિધ શહેરો અને આસપાસના રાજ્યોમાં જવા માટે ઓડિશા સરકારની બસો ઉપલબ્ધ છે.
ફરવાલાયક સ્થળ
- હિરાકુંડ ડેમ
- દેવરિગઢ અભ્યારણ્ય
- કેટલ આઇસલેન્ડ
- સમલેશ્વરી મંદિર
4. પુરી
શેના માટે પ્રસિદ્ધ છે – ભગવાન જગન્નનાથ મંદિર, બીચ
મુખ્ય આકર્ષણ – જગન્નાથ પુરી મંદિર
નજીકના સ્થળ – કોણાર્ક, કટક
આદર્શ સમય – 1 દિવસ
વિશેષ ધાર્મિક આસ્થા ધરાવતા લોકો માટે પુરી જવા માટે બે મુખ્ય આકર્ષણ છે. સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર. આ સિવાય જે લોકો પ્રકૃતિને પ્રેમ કરે છે તેમના માટે પુરીની અંદર સુંદર દરિયાકિનારો આવલો છે. મંદિરોથી સમૃદ્ધ આ શહેરમાં અનેક તહેવારો પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ શહેર દુનિયાભરના હજારો પ્રવાસીઓને દર વર્ષે આકર્ષિત કરે છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ :પુરીથી દોઢ કલાકના અંતરે આવેલું ભુનેશ્વરનું બૈજુ પટ્ટનાયક એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે.
રેલ્વે – પુરી રેલ્વે સ્ટેશન પરથી દેશના દરેક ખુણામાં જવા માટેની રેલ કનેક્ટિવિટી મળે છે.
રોડ – ઓડિશા સરકારની બસો નિયમિત રીતે મળશે. જે તમને ઓડિશાના અન્ય શહેરો અને આસપાસના રાજ્યો સુધી લઇ જશે.
ફરવાલાયક સ્થળ
- જગન્નાથન મંદિર
- પુરી બીચ
- ચિલિકા અભ્યારણ્ય
- ગુંડિચા મંદિર
- અથરનાલા પૂલ
- પિપિલી
5. રાઉરકેલા
શેના માટે પ્રસિદ્ધ છે – હેરિટેજ, સ્ટીલ પ્લાન્ટ, પ્રકૃતિ, પહાડો
મુખ્ય આકર્ષણ – હનુમાન વાટિકા, ખંડાધર ધોધ
નજીકના સ્થળ – સંબલપુર, રાયગઢ, ઝારસુગડા
આદર્શ સમય – 1 દિવસ
રાઉરકેલા, ઓડિશા રાજ્યનું બીજા નંબંરનું સૌથી મોટું શહેર છે. આ સિવાય રાઉરકેલામાં આવેલા સ્ટીલ પ્લાન્ટ પણ તેની ઓળખ સમાન છે. જ્યાં ભારતનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ આવેલો છે. રાઉરકેલામાં આવેલી કેટલીક જગ્યાઓ તમને શહેરના ભવ્ય સાંસ્કૃતિક ભૂતકાળની યાદ અપાવશે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ – રાયપુરનું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ રાઉરકેલાથી 214 કિમીના અંતરે આવેલું છે. જે સૌથી નજીકનું એરપોર્ટ છે.
રેલ્વે –રાઉરકેલા રેલ્વે સ્ટેશન પરથી તમામ જગ્યા માટેની ટ્રેન સુવિધા મળી રહેશે.
રોડ – ઓડિશા સરકારની બસો નિયમિત રીતે ઉપલબ્ધ છે. જે તમેને આંતર રાજ્ય અને આંતર શહેર મુસાફરી કરાવશે.
ફરવાલાયક સ્થળ
- હનુમાન વાટિકા
- વેદવ્યાસ મંદિર
- વૈષ્ણોદેવી મંદિર
- ખંડાધર ધોધ
- બડઘાઘરા ધોધ
6. કોણાર્ક
શેના માટે પ્રસિદ્ધ છે – હેરિટેજ, મંદિર, બીચ
મુખ્ય આકર્ષણ –કોણાર્કનું સૂર્યમંદિર
નજીકના સ્થળ –પુરી, કટક, ભુવનેશ્વર
આદર્શ સમય –6 કલાક
સ્વાભાવિક છે કે કોણાર્કનું નામ આવતાની સાથે જ આપણા મગજમાં સૂર્ય મંદિરનો વિચાર આવે છે. સૂર્ય મંદિર એ કોણાર્કની ઓળખ છે. 13મી સદીનું આ મંદિર પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો કોણાર્કની અંદર આ સિવાય પણ અન્ય કેટલાક પ્રાચીન મંદિરો આવેલા છે. જે ધાર્મિક અને ઇતિહાસ પ્રેમી લોકો માટે કોણાર્ક પ્રવાસને વધારે મહત્વપૂર્ણ બનાવી શકે છે. આ ઉપરાંત અહીં સુંદર દરાકિનારો પણ છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ : ભુવનેશ્વરનું બૈજુ પટ્ટનાયક એરપોર્ટ કોણાર્કથી 72 કિમીના અંતરે આવેલું છે.
રેલ્વે : પુરી રેલ્વે સ્ટેશનથી કોણાર્ક 32 કિમી દૂર છે. સ્ટેશન પરથી બસ, ઓટો કે ટેક્સી દ્વારા કોણાર્ક પહોંચી શકાય છે.
રોડ : રાજ્ય સરકારની બસોની કનેક્ટિવિટી ભરપુર માત્રામાં ઉપલબ્ધ છે. અન્ય શહેરોની સાથે આસપાસના રાજ્યોની બસો પણ ઉપલબ્ધ હોય છે.
ફરવાલાયક સ્થળ :
- સૂર્ય મંદિર
- કોણાર્ક બીચ
- કોણાર્ક મ્યુઝિયમ
- રામચંડી મંદિર
- બાલુખંડ-કોણાર્ક અભ્યારણ્ય
7. બડબિલ
શેના માટે પ્રસિદ્ધ છે –ઉદ્યોગ, કાચી ધાતુ, પહાડો
મુખ્ય આકર્ષણ –મુર્ગા મહાદેવ મંદિર
નજીકના સ્થળ –રાઉરકેલા, સંબલપુર
આદર્શ સમય –1 દિવસ
કારો નદીના કિનારે વસેલું બડબિલ શહેર આસપાસ સુંદર અને લીલોતરીથી ભરેલા પહાડોથી ઘેરાયેલું છે. જેના કારણે કુદરતી દ્રશ્યો અને લેન્ડસ્કેપ અદ્ભુત હોય છે. દુનિયામાં સૌથી વધારે આયર્ન અને મેંગેનિઝનો જથ્થો ધરાવતા વિસ્તારોમાં બડબિલનો સમાવેશ પાંચમાં નંબર પર થાય છે. બડબિલ જે કેન્દુઝર જિલ્લામાં આવેલું છે, ત્યાં 38 અબજ વર્ષ જૂનો પથ્થર આવેલો છે. જેનો સમાવેશ દિનયાના સૌથી પ્રાચીન પથ્થરોમાં થાય છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ : ઝારખંડમાં આવેલું બિરસા મુંડા એરપોર્ટ એ બડબિલની સૌથી નજીકનું એરપોર્ટ છે. જે બડબિલથી 220 કિમીના અંતરે આવેલું છે. આ એરપોર્ટ મોટાભાગે દિલ્હી, કોલકાતા અને બેંગલોર સાથે કનેક્ટિવિટી ધરાવે છે.
રેલ્વે : બડબિલની અંદર રેલ્વે સ્ટેશન આવેલું છે. જે દેશના મોટાભાગના શહેરો સાથે જોડાયેલું છે.
રોડ : ઓડિશા સરકારની બસો દ્વારા આસપાસના રાજ્યો અને અન્ય શહેરોમાંથી પહોંચી શકાય છે.
ફરવાલાયક સ્થળ :
- મુર્ગા મહાદેવ ધોધ
- ગોણાસિકા
- સમઘાઘરા ધોધ
- બડઘાઘરા ધોધ
8. જયપુર
શેના માટે પ્રસિદ્ધ છે –પાણીના ધોધ, જગંલ, વાસ્તુકલા, ઇતિહાસ
મુખ્ય આકર્ષણ –દેવમાલી અને ગુપ્તેશ્વરની ગુફા
નજીકના સ્થળ –વિશાખાપટ્ટનમ, બ્રહ્મપુર
આદર્શ સમય –2 દિવસ
કુદરતની અદ્ભુત કારીગરી અને સુંદરતાને માણવા ઇચ્છતા લોકો માટે જયપુર એ શ્રેષ્ઠ જગ્યા છે. આ નયનરમ્ય જગ્યા ચારે તરફ પહાડોથી ઘેરાયેલી છે. ઝરણાઓ, પાણીના ધોધ,પ્રાકૃતિક રીતે બનેલા બગીચા વગેરે અનેક વસ્તુઓ છે. પ્રકૃતિપ્રેમી લોકો માટે આ સ્થળ ઉત્તમ છે. આ સિવાય જયપુરનો ઇતિહાસ પણ ઘણો સમૃદ્ધ રહ્યો છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ : જયપુરમાં એરપોર્ટ આવેલું છે, પરંતુ તે માત્ર બૈજુ પટ્ટનાયક એરપોર્ટ સાથે જ જોડાયેલું છે. તો આ સિવાય જયપુરથી સૌથી નજીકનું એરપોર્ટ 221 કિમ દૂર આવેલું વિશાખાપટ્ટનમ એરપોર્ટ છે.
રેલ્વે : જયપુરનું રેલ્વે સ્ટેશન ઓડિશા અને આંધ્ર પ્રદેશના મહત્વના શહેરો સાથે જોડાયેલું છે. જ્યાંથી દેશના ગમે તે ભાગમાં રેલ્વે કનેક્ટિવિટી મળી શકે.
રોડ : ઓડિશા સરકારની બસો તેમજ ખાનગી બસો અન્ય શહેર અને આસપાસના રાજ્યો સાથે કનેક્ટિવિટી ધરાવે છે.
ફરવાલાયક સ્થળ :
- કોલાબ બોટનિકલ ગાર્ડન
- બગરા પાણીનો ધોધ
- ગુપ્તેશ્વર ગુફા
- રાજા મહેલ
- દેવમાલી
9. બરગઢ
શેના માટે પ્રસિદ્ધ છે –ઉત્સવો, મંદિર, ઇતિહાસ
મુખ્ય આકર્ષણ –નૃસિંહનાથ મંદિર
નજીકના સ્થળ –સંબલપુર, બાલાંગીર, રાયપુર
આદર્શ સમય –1 દિવસ
ઓડિશાના પશ્ચિમી સરહદે આવેલું બરગઢ પહેલા સંબલપુરનો ભાગ હતું. અહીં આવેલા પ્રવાસન સ્થળો તેમની સાથે જોડાયેલા ઇતિહાસથી ખાસ છે. ગંધમર્દન, એક એવી જગ્યા કે જે રામાયણના સમય સાથે જોડાયેલી છે. જેનો ઉલ્લેખ પ્રસિદ્ધ ચીની યાત્રી હેન ત્સાંગ દ્વારા કરવામાં આવ્યો છે. દર્શનીય અને પ્રાચીન બરગઢ તમારી યાત્રાને ખાસ બનાવશે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ : રાયપુરમાં આવેલું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ અહીંથી સૌથી નજીક થાય છે, જે 217 કિમી દૂર આવેલું છે.
રેલ્વે : સૌથી નજીકનું સ્ટેશન બરગઢ રોડ રેલ્વે સ્ટેશન છે. જે ઓડિશાના મુખ્ય શહેરો અને આસપાસના રાજ્યો સાથે રેલ્વે કનેક્ટિવિટી ધરાવે છે.
રોડ : ભુવનેશ્વર, રાંચી, કોલકાતા અને રાયપુરથી બરગઢ સુધીની સરકારી અને ખાનગી બસો મળી રહે છે.
ફરવાલાયક સ્થળ :
- દેબરીગઢ અભ્યારણ્ય
- ગંધમર્દન
- નૃસિંહનાથ મંદિર
- નૃસિંહનાથ ધોધ
- ચલ ધાર ધોધ
- પાપાહરિણિ
- પાપાંગા હિલ
10. પારાદીપ
શેના માટે પ્રસિદ્ધ છે –બંદર, બીચ
મુખ્ય આકર્ષણ –બંગાળની ખાડી
નજીકના સ્થળ –ભુવનેશ્વર, કટક, પુરી
આદર્શ સમય – 1 દિવસ
મહા નદી અને બંગાળની ખાડીની સંગમ ભૂમિ પર આવેલી આ જગ્યા પર તમને અદ્ભુત અને સુંદર દ્રશ્યો જોવા મળશે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તને માણવો એ એક લ્હાવો છે. જેને તમે જીવનમાં ક્યારેય પણ નહીં ભૂલી શકો. આ સિવાય તમે પારાદીપ બંદરની મુલાકાત પણ લઇ શકો છે. પારાદીપ બંદર પૂર્વના કિનારે આવેલા મહત્વના બંદરોમાંનું એક છે.
કઇ રીતે પહોંચવું?
હવાઇ માર્ગ : ભુવનેશ્વરમાં આવેલું બૈજુ પટ્ટનાયક એરપોર્ટ પારાદીપથી સૌથી નજીકનું એરપોર્ટ છે. જે દેશના અન્ય ડોમેસ્ટિક એરપોર્ટ સાથે સંકળાયેલું છે.
રેલ્વે : પારાદીપમાં રેલ્વે સ્ટેશન આવેલું છે. જે વિશાખાપટ્ટનમ સહિત ઓડિશાના તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. તો આખા દેશમાં કનેક્ટિવિટી ધરાવતું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ભુવનેશ્વર રેલ્વે સ્ટેશન છે.
રોડ : ઓડિશા સરકરાની આંતર શહેર અને આંતર રાજ્ય બસો નિયમિત રીતે મળી રહ છે. આ સિવય પારાદીપ મહત્વનું બંદર હોવાથી ખાનગી વાહનો પણ સરળતાથી મળી રહેશે.
ફરવાલાયક સ્થળ
- પારાદીપ બંદર
- ગહિરમથા બીચ
- ગહિરમથા અભ્યારણ્ય
- ભીતરકણિકા અભ્યારણ્ય
- લાઇટ હાઉસ
અત્યારે ઓડિશા દરેક ક્ષેત્રમાં આધુનિક બની રહ્યું છે. જો કે તેમણે પોતાની પ્રાચીન ઓળખ જાળવી રાખી છે. આ જગ્યાની યાત્રા તમને વિતેલા યુગનો અહેસાસ કરાવશે. એક મુલાકાતમાં જ તમે તમામ સ્થળોની મુલાકાત લઇ શકો તે શક્ય નથી. જો કે ઓડિશા અને ત્યાંના સ્થળો વિશે વધારે જાણ્યા બાદ તમે બીજી વખત ચોક્કસ ત્યાં જશો.